पुं.
એ નામના હિંદના એક દેશભક્ત મહાપુરુષ. એ ખરેખર પોતાના યુગના હિંદના પિતામહ હતા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૨૫માં થયો હતો. મુંબઈમાં ગ્રેજ્યુએટ થયા પછી તે એલ્ફિન્સ્ટન કોલેજમાં ગણિત અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કરતા. તે દરમિયાન તેમણે મુંબઈમાં જ્ઞાન પ્રસારક મંડળી સ્થાપી અને તેમાં ભાષણો આપ્યાં. મુંબઈમાં કન્યાના વર્ગ ખોલીને સૌથી પ્રથમ મુંબઈમાં સ્ત્રીકેળવણીની પહેલ કરી. મુંબઈમાં રાસ્ત ગોફતાર એટલે સત્યવક્તા નામનું ગુજરાતી સાપ્તાહિક શરૂ કરી તેના મંત્રી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઇંગ્લંડ ગયા અને ત્યાં હિંદની ખરી દશાનો ખયાલ આપવા માટે પૂર્વ હિંદી મંડળ સ્થાપ્યું અને પાર્લમેન્ટરિ કમિટી આગળ હિંદની દરિદ્ર દશાનો ખયાલ આપ્યો. તેમના પ્રયાસથી ઈ. સ. ૧૮૭૦માં હિંદીઓ સરકારી નોકરીમાં દાખલ થઈ શક્યા. તે ઈ. સ. ૧૮૭૪માં વડોદરા રાજ્યના દીવાન થયા અને ત્યાં કારભાર સુધાર્યો. ઈ. સ. ૧૮૯૨માં તેઓ લિબરલ પક્ષ તરફથી પાર્લમન્ટના સભ્ય તરીકે ચૂંટાયા તેઓ ત્રણ વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ઈ. સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને ડૉકટર ઑવ લૉઝની માનદ ડીગ્રી આપી. ઈ. સ. ૧૯૧૭માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. પોતાના પત્રવ્યવહારમાં ઘરડા હોવા છતાં તે નિયમિત બહુ રહેતા. દક્ષિણ આફ્રિકનો ઇતિહાસ આપતાં ગાંધીજી લખે છે કેઃ અહીં દાદાભાઈનું એક પવિત્ર સ્મરણ આપી દઉં. દાદાભાઈ કોંગ્રેસની બ્રિટિશ કમિટીના પ્રમુખ ન હતા. છતાં અમને તો એમ જ લાગ્યું કે પૈસા એમની મારફત મોકલવા એ જ શોભે અને એઓ અમારી વતી ભલે પ્રમુખને આપે. પણ પહેલા જ પૈસા જે મોકલ્યા તે દાદાભાઈએ પાછા વાળ્યા અને સૂચવ્યું કે પૈસા મોકલવા વગેરેનું કમિટીને લગતું કામ સર વિલિયમ વેડરબર્નની મારફતે જ અમારે લેવું જોઈએ. દાદાભાઈની મદદ તો હોય જ. પણ કમિટીની પ્રતિષ્ઠા સર વિલિયમ વેડરબર્નની મારફતે જ કામ લેવામાં વધે. મેં એ પણ જોયું કે દાદાભાઈ પોતાના પત્રવ્યવહારમાં એટલા બુઢ્ઢા હોવા છતાં પણ બહુ જ નિયમિત રહેતા. એમને કંઈ કહેવાનું ન હોય તો છેવટે પહોંચ પણ વળતી ટપાલે આવી જ હોય અને તેમાં આશ્વાસનની એક લીટી તો દાખલ હોય જ. એવા કાગળ પણ પોતે જ લખતા અને આવા પહોંચવાળા કાગળને પણ પોતાની ટિસ્યૂ પેપર બુકમાં છાપી લેતા. વળી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજી લખે છે કેઃ દાદાભાઈની વિદ્યાર્થીઓ પ્રત્યેની કાળજી જોઈ તેમ જ વિદ્યાર્થીઓનો તેમના પ્રત્યેનો આદર જોઈ હું આનંદ પામતો. છેવટે તેમને પેલો ભલામણપત્ર આપવાની હિમ્મત તો મેં કરી. તેમને મળ્યો. તેમણે મને કહેલું: `તારે મને મળવું હોય ને કંઈ સલાહ જોઈતી હોય તો જરૂર મળજે.` પણ મેં તેમને કદી તસ્દી ન આપી. બહુ ભીડ વિના તેમનો વખત રોકવો મને પાપ લાગ્યું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ