2 |
|
स्त्री. |
રતુંબડા પીળા છોડાનું પોચું અને ખટમધુરા રસની પેશીઓવાળું લાડુ જેવડું એક ફળ તથા તેનું ઝાડ. તે મીઠી લીંબોઈની એક જાત છે. તેનું ફળ મીઠું હોય છે. નારંગી ગરમ દેશમાં થાય છે. એશિઅ ઉપરાંત યરપના દક્ષિણ ભાગ, આફ્રિકાના ઉત્તર ભાગ અને અમેરિકના કેટલાક ભાગમાં આ ઝાડ બગીચામાં વાવવામાં આવે છે. તે સૂકી જમીનવાળા ભાગમાં થાય છે. તે બહુ ભીનાશવાળી, નીચાણવાળી અને પાણી ભરાઈ રહે એવી જમીનમાં થતાં નથી. જે કાંપવાળી જમીનમાં સેંકડે પાંચ ટકા ચૂનાનાં બારીક રજકણો હોય, મોરમ કે પથ્થરની સપાટીની જમીન ત્રણ ફૂટના દળવાળી હોય, જેમાં પાણી પડતાં જ વહી જતું હોય તે જમીન નારંગીને માફક આવે છે. નારંગીને આંખ ચડાવવાથી સારી થઈ શકે છે. તેનાં ફળ બીથી સારાં થઈ શકતાં નથી, પણ ખાટાં કે મીઠાં લીંબુનાં બીમાંથી રોપા કરીને તેના ઉપર નારંગીની આંખ ચડાવવાથી ઝાડ સારાં થાય છે. આંખ ચડાવવાનું કામ ચોમાસામાં સારૂં થાય છે. એક ચોમાસામાં તાજાં મીઠાં લીંબુનાં બી વાવી ક્યારામાં રોપા કરવા. બીજા કે ત્રીજા ચોમાસામાં તે રોપા ટચલી આંગળી જેવડા થડિયાંના થાય એટલે નારંગીની આંખ ચડાવવી. છ માસમાં આંખ ચોંટી જાય છે, ત્યારે તેને ચોમાસામાં કાયમની જગ્યાએ ફેરવી વાવી શકાય છે. જે જમીન નારંગીના વાવેતર માટે પસંદ કરી હોય તે ઉપર બે ઇંચનો થર છાણનો અને ઉકરડાના ગળતિયા ખાતરનો કરવો. પછી જમીન કોદાળીથી અઢાર ઇંચની ઊંડાઈએ ખોદી જવી એટલે ખાતર તેમાં ભળી જશે. પછી ક્યારાને પાળોની નીકો કરવી. તેમાં શિયાળુ શાક, ભાજી, બટાટાં, કોબી, ફૂલકોબી, લસણ વગેરે વાવવાં. શિયાળાની શરૂઆતમાં નારંગીના રોપ પંદર ફૂટને અંતરે ક્યારામાં વાવવા અને રીતસર દર અઠવાડિયે તેને પાણી પાતાં જવું. પહેલાં બે વરસ ખાસ રોપાને તપાસતા રહેવું અને આંખ નીચેના ભાગમાંથી પાતરાં ફૂટી નીકળે તે કાપી નાખવાં. આમ ન કરવામાં આવે તો રોપા કમકૌવત થઈ જાય છે. નારંગીની કલમ સીધી લાઇનમાં રોપવી. નારંગીના ઝાડને એક જાતનો કીડો લાગુ પડે છે, ત્યારે એક ભાગ ગ્યાસતેલ અને ત્રણ ભાગ કારબોલિક સાબુનું પાણી ભરી દરેક ઝાડને પિચકારીથી ધોઈ નાખવું. બીજી એક ઈયળ થાય છે તે પાતરાંને ખાઈ જાય છે. નાનાં ઝાડને દર ત્રણ દિવસે પાણી પાવું. પછી દરેક દશ દિવસે ઉનાળામાં પાણી પાવું. ૩ થી ૪ ઈંચની ઊંડાઈએ પાણી દર મહિને પાવાથી પણ બસ થાય છે. પણ માસમાં ત્રણ વાર આવી રીતે પાણી પાવું જોઈએ. હિંદમાં જે મીઠી નારંગીઓ થાય છે તે બીજાં કેટલાંક ફળોની માફક મોટે ભાગે આસામ થઈ ચીનમાંથી આવેલ છે એવો લોકમત છે. ભારતવર્ષમાં નારંગી માટે પ્રસિદ્ધ સ્થાન સિલહટ, નાગપુર, સિકિમ, નેપાળ, ગઢવાલ, કમાઉં, દિલ્હી, પૂના અને દુર્ગ છે. નારંગીની મુખ્ય ચાર જાત છેઃ સંતરાં, કવલા, માલ્ટા અને ચીની. આમાં સંતરાં સૌથી ઉત્તમ જાતિ છે. સંતરાં પણ દેશભેદ પ્રમાણે જુદી જુદી જાતનાં હોય છે. ચીન અને ભારતવર્ષના પ્રાચીન ગ્રંથોમાં નારંગીનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃતમાં નારંગીને નાગરંગ કહે છે. નાગનો અર્થ સિંદૂર થાય છે. નારંગીની છાલના લાલ રંગને લીધે તેને આ નામ અપાયું છે. સુશ્રુતમાં નાગરંગ નામ આવે છે. યરપમાં આ ફળ આરબો મારફત ગયેલ છે. નારંગીના ફળનો મુરબ્બો કરવામાં આવે છે. સંતરાં અને નારંગી જેવાં ફળમાંથી સુગંધી અર્ક પણ મળી રહે છે. તેનો ઉપયોગ સુગંધી તેલો બનાવવામાં થાય છે. નારંગીનું ફળ કફ, પિત્ત અને આમનો નાશ કરનાર, સારક, વાતહારક, અતિ ઉષ્ણ અને મધુર છે. સહેજ ખાટું હોય તો તે હૃદ્ય, બલપ્રદ, વિશદ, ગુરુ, રુચિકર, સારક, ઉષ્ણ, સુગંધી તથા સ્વાદુ છે અને આમ, કૃમિ, વાયુ, શ્રમ તથા શૂળનો નાશ કરનાર મનાય છે. કૃમિ અને ટાઢિયા તાવ ઉપર નારંગીની છાલનું ઔષધ બનાવી આપવામાં આવે છે. એ છાલનું તેલ કઢાય છે. ગુલાબના અત્તર કરતાં નારંગીનું તેલ સારૂં છે. નારંગી ખાવામાં મીઠી, દેખાવમાં સુંદર, વાસમાં મધુર અને સ્પર્શ કરવાથી શીતળ લાગે છે. નારંગીની જાતઃ દક્ષિણની લાડુ નારંગીઃ તેનું વજન ૨૦ તોલા હોય છે. અડધી પાકેલી હોય ત્યાં જ ઝાડ ઉપરથી વીણા બજારમાં વેચવા માટે લાવવામાં આવે છે. તે બેઉ બાજુથી બેસી ગયેલી છાલની હોય છે. છાલ ખરબચડી, મેલા પીળા રંગની અને સાધારણ જાડાઈની હોય છે. તેનાં પાતરાં દોઢ ઇંચ લાંબાં અને પોણો ઇંચ પહોળાં હોય છે. તેને નવથી દશ પડ હોય છે. સંતરાં નારંગી: આ પોર્ટુગીઝ દેશનું ઝાડ છે. તે સૌથી ઊંચામાં ઊંચી જાત છે. તે જાન્યુઅરિ અને જુલાઈમાં એમ વર્ષમાં બે વાર ફળ આપે છે. નાગપુર તરફ આ જાત ખૂબ વવાય છે. તેની છાલ લીસી હોય છે. તેને નવથી દશ પડ હોય છે. કવલા નારંગીઃ તે સંતરાંને મળતી છે. તેમાં દશ ખાનાં હોય છે. માડ્રિડ નારંગીઃ દક્ષિણમાં તેને લાડુ નારંગી કહે છે. તેની છાલ લીસી અને ચપટી અને તેનો રંગ ઘાટો અને કેસરિયો હોય છે. તેમાં અગિયાર ભાગ હોય છે. મોઝાંબિક નારંગીઃ તેને લાગુમી પણ કહે છે. તેનું વજન વીશ ઔંસનું અને આકાર ગોળ દડા જેવો હોય છે. છાલ ડીંટડીની બાજુ દબાયેલી, સાધારણ જાડી અને સખત હોય છે. ગર્ભ ઝાંખો પીળો, પાતરાં અઢી ઇંચ લાંબાં અને દોઢ ઇંચ પહોળાં હોય છે. કિનારીમાં કરકરિયાં હોય છે. સેંટ મીકેલ્સઃ તે ગોળાકાર અને સાત ઔંસ વજનમાં થાય છે. તે થોડી લીસી છાલની, જાડી અને મજબૂત ચોંટેલી હોય છે. તેની અંદર દશથી બાર ખંડ હોય છે. માલ્ટા ઓરેંજઃ તે ગોળાકાર, દશ ઔંસ વજનની હોય છે. તેની છાલ સામાન્ય લીસી છે. તે લખનૌમાં વવાય છે. રેશમી નારંગીઃ તેનું વજન ત્રણ ઔંસનું છે. તેની છાલ છૂટી પણ જાડી અને રંગ ઘેરો નારંગી હોય છે. તેમાં દશ બાર ખંડ હોય છે. કડવી સીસીલીઃ તેનું સાત ઔંસ વજન હોય છે. રસ ખાટો અને તેની છાલ લીસી અને જાડી થાય છે. પંચગની અને શીવરીના પહાડ ઉપર તે થાય છે.
|