1 |
[ સં. ] |
पुं. |
એ નામના એક મુનિ. તે મોટા સંસ્કૃત વૈયાકરણી હતા. તેમણે શંકર ભગવાનની પ્રેરણાથી સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ સૂત્રરૂપે બનાવેલું છે. તેમાં કુલ ૩૯૯૬ સૂત્ર અને આઠ અધ્યાય છે. તેથી તે અષ્ટાધ્યાયી કે પાણિનિસૂત્ર કહેવાય છે. મનુષ્યબુદ્ધિની સૂક્ષ્મ વિચારણા બતાવનાર આ સર્વોત્તમ ગ્રંથ છે. તેમાં તેના સમયની હિંદની ભૌગોલિક, સામાજિક વગેરેની માહિતીના ભંડારરૂપ વિગત છે. વિશ્વામિત્રના કુળમાં અજ નામના ઋષિ થયા. તેના કુળમાં પાણિની ઉત્પન્ન થયા હતા. તે શાલાતુરણ એટલે લાહોરમાં રહેતા હતા. પહેલાં તે મંદ બુદ્ધિના હતા અને નિશાળમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. પણ પાછળથી તપશ્ચર્યા કરી શંકર ભગવાનને સંતુષ્ટ કર્યા. તેમણે વરદાન દીધું, ત્યારથી તે સમર્થ વિદ્વાન થયા. તેઓ ઈ.સ. પૂર્વે ૮૦૦માં ગાંધાર દેશમાં પેશાવર નજીક શલાતુર ગામમાં થઈ ગયેલ મનાય છે. તેથી તેને શાલોત્તરીય પણ કહે છે. તેની માનું નામ દાક્ષી અને દાદાનું નામ દેવલ હતું. તેની માના નામ ઉપરથી તેને દાક્ષીપુત્ર કે દાક્ષેય તથા ગામના નામ ઉપરથી શાલાતુરીય કહે છે. આહિક, પ્રાણિન, શાલંકી વગેરે તેનાં બીજાં ઘણાં નામો છે. તેના સમયની બાબતમાં પુરાતત્ત્વજ્ઞોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનો તેને ઈ.સ. પૂર્વે પાંચમા, ચોથા અથવા ત્રીજા સૈકામાં થઈ ગયેલ માને છે. કેટલાક વળી તેને ઈ.સ.ના બીજા સૈકામાં થયેલ માને છે. પણ ઇ.સ. પૂર્વે ચોથા સૈકામાં તે થયાનું ઘણાનું માનવું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વજ્ઞ અને વિદ્વાન ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકર પણ આ મતના પોષક છે. તેની પહેલાં પણ શાકલ્ય, વાભ્રવ્ય, ગાલવ, શાકટાયન વગેરે ઘણા આચાર્યોએ સંસ્કૃત વ્યાકરણના ગ્રંથો લખ્યા હતા, પણ તે ગ્રંથો સર્વાગસુંદર તો શું, પણ પૂર્ણ પણ ન હતા. પાણિનિએ બહુ પરિશ્રમ લઈ સર્વ પ્રકારના વૈદિક અને પોતાના સમય સુધીના પ્રચલિત સર્વ શબ્દો એકઠા કરીને તેની વ્યુત્પત્તિ, રૂપ વગેરેના વ્યાપક નિયમો બનાવ્યા. તેનો અષ્ટાધ્યાયી ગ્રંથ એટલો સર્વાંગસુંદર અને ઉત્તમ બન્યો કે, તે બન્યાને લગભગ અઢી હજાર વર્ષ થયા છતાં વ્યાકરણ વિષય ઉપર સંસ્કૃતમાં જ કાંઈ લખવામાં આવ્યું છે, તે ઘણું કરીને તેનું ભાષ્ય ટીકા યા વ્યાખ્યાનના રૃપમાં લખાયું છે. એકાદને છોડીને વ્યાકરણનો કોઈ નવો ગ્રંથ બનાવવાની જરુર પડી નથી. અષ્ટાધ્યાયી ગ્રંથ પાણિનિના મહાન શબ્દશાસ્ત્રજ્ઞાન અને તેની અસાધારણ પ્રતિભાનો પુરાવો છે. સંસ્કૃત ભાષાના વ્યાકરણની જેટલી સંક્ષેપમાં તેણે રચના કરી છે, તેને જોઈને શબ્દશાસ્ત્રજ્ઞોને મોઢામાં આંગળી નાખવી પડે છે. અષ્ટાધ્યાયી ઉપરાંત તેણે શિક્ષાસૂત્ર, ગણપાઠ, ધાતુપાઠ અને લિંગાનુશાસન નામનાં પુસ્તક પણ રચ્યાં છે. રાજશેખર આદિ કેટલાક કવિઓએ જાંબવતીવિજય નામે પાણિનિના એક કાવ્યનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાંથી ઉદૃત શ્લોક ક્યાંક ક્યાંક મળે છે. હ્યુએનસાંગ તેના વ્યાકરણની રચનાના સંબંધમાં લખે છે કે, પ્રાચીન કાળમાં વિવિધ ઋષિઓના આશ્રમોમાં વિવિધ વર્ણમાલા પ્રચલિત હતી. જેમ જેમ લોકોની આયુષ્યમર્યાદા ઘટતી ગઈ, તેમ તેમ તેને સમજવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી જણાતી ગઈ. પાણિનિને પણ આવી કઠિનાઈનો સામનો કરવો પડ્યો. તે ઉપરથી તેણે એક સુશૃંખલિત અને સુવ્યવસ્થિત શબ્દશાસ્ત્ર બનાવવાનો નિશ્ચય કર્યો. શબ્દવિદ્યાની પ્રાપ્તિને માટે તેણે શંકરની આરાધના કરી, જે ઉપરથી શંકરે પ્રગટ થઈને તેને તે વિદ્યાનું પ્રદાન કર્યું. ઘેર આવીને પાણિનિએ ભગવાન શંકર પાસેથી ભણેલી વિદ્યાને પુસ્તકના રૂપમાં નિબદ્ધ કરી. તે વખતના રાજાએ તે પુસ્તકનું બહુ સન્માન કર્યું અને રાજ્યની બધી પાઠશાળાઓમાં તે પુસ્તકના પઠનપાઠનની આજ્ઞા કરી અને જાહેર કર્યું કે, જે કોઈ એ ગ્રંથનું આદિથી અંત સુધી અધ્યન કરશે તેને એક હજાર સુવર્ણમુદ્રાનું ઈનામ આપવામાં આવશે. આ વિષયમાં એવી એક કથા પ્રસિદ્ધ છે કે, એક વખત તે જંગલમાં પોતાના શિષ્યોને અભ્યાસ કરાવતા હતા, એટલામાં એક જંગલી હાથી આવીને તેમની અને તેમના શિષ્યોની વચ્ચેથી પસાર થયો. કહેવાય છે કે, જો ગુરુ અને શિષ્ય વચ્ચેથી જંગલી હાથી નીકળી જાય, તો બાર વર્ષનો અનધ્યાય થાય. બાર વર્ષ સુધી ગુરુએ પોતાના શિષ્યોને ભણાવવા ન જોઈએ. એ કારણથી તેમણે બાર વર્ષ સુધી શિષ્યોને ભણાવવાનું છોડી દીધું અને એ અરસામાં તેમણે પોતાના પ્રસિદ્ધ વ્યાકરણની રચના કરી. વળી કહેવાય છે કે, તેઓ ઉપવર્ષ ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ કરવાને રહ્યા હતા. એક પ્રસંગે ભરસભામાં એક બ્રહ્મચારીએ તેનો પરાજય કર્યો, તેથી તે ખિન્ન થઈ વનમાં તપ કરવા ચાલ્યા ગયા. તીવ્ર તપ કરી શંકરને તેમણે પ્રસન્ન કર્યા. શિવે તેને સર્વ વિદ્યાના મુખરૂપ વ્યાકરણના નિયમ ઉપર સૂત્ર ભણાવ્યું, તેથી તે સમર્થ વિદ્વાન થયા. પાણિનીએ વૈદિક શાસ્ત્રોને બે ભાગમાં વહેંચી નાખ્યા છે : દષ્ટ અને પ્રોક્ત. સામવેદાદિ શાસ્ત્રો, જેને તેઓ સાક્ષાત્ ઈશ્વરપ્રણીત અને પ્રાચીન સમજતા હતા, તેને દષ્ટ કહેલ છે. બ્રાહ્મણ, કલ્પસૂત્રાદિ, જે સઘળાં શાસ્ત્ર તેવી રીતે નહિ માનેલાં, તેને તેઓએ પોક્ત કહીને વર્ણવેલ છે. આ મહર્ષિ પ્રથમ કાળમાં કેદ થયેલ હતા, એવું એક ઠેકાણે જણાવેલું છે. તેમના ગ્રંથની ભટ્ટોજી દીક્ષિતે સિદ્ધાંત કૌમુદી નામની ટીકા કરી છે. આ સિદ્ધાંત કૌમુદી ઉપર કલકત્તાની સંસ્કૃત વિઘાલયના વ્યાકરણશાસ્ત્રના પ્રોફેસર તારાનાથ તર્કવાચસ્પતિએ સરલા નામની વ્યાખ્યા લખેલી છે. તેની પ્રસ્તાવનામાં લખેલ છે કેઃ પાણિનિ વ્યાકરણ ઉપર પ્રથમ મહાભાષ્ય લખનાર પતજંલિ ભર્તૃહરિની પહેલાં અને ચંદ્રગુપ્તની પછી થયેલ છે. પાણિનિના ગ્રંથો જોઈ ગુરુ ઉપવર્ષ ખુશી થયા. તેણે પોતાના શિષ્ય કાત્યાયન તથા વ્યાડીને તે ઉપર વ્યાખ્યા લખવા આજ્ઞા કરી. આ આજ્ઞાથી કાત્યાયને તે ઉપર વાર્તિક અને વ્યાડીને સંગ્રહ નામની વ્યાખ્યા લખેલી છે. એ બધા ઉપરથી પતંજલિએ ભાષ્ય લખેલ છે. તે ઉપરથી નિર્ણય થાય છે કે પતંજલિ પહેલાં પાણિનિ થયેલ હશે. વળી તેનો ગુરુભાઈ કાત્યાયન નંદ રાજાનો સચિવ હતો તે જ નંદને ચાણકયે મારી ચંદ્રુગુપ્તને રાજ્ય આપ્યું હતું. કાત્યાયન મુજબ પાણિનિ ઈ.સ. પૂર્વે ૧૬૦૦ વર્ષ ઉપર થઈ ગયાનું જણાય છે.
|