पुं.
સર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર નામના એક કેળવણીકાર, સંસ્કૃતના મહાન નિષ્ણાત અને સુધારક. તેમનો જન્મ ઈ. સ. ૧૮૩૭ની છઠ્ઠી જુલાઈએ એક ગરીબ મહારાષ્ટ્રી બ્રાહ્મણને ત્યાં થયો હતો. સગવડતાને અભાવે તમને બાળપણમાં શિક્ષણ મળ્યું ન હતું. રત્નાગિરિમાં શિક્ષણ પૂરું કરીને તે સને ૧૮૫૩માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ માટે જોડાયા. ત્યાં તેણે પ્રખ્યાત દેશનેતા દાદાભાઈ નવરોજીની દેખરેખ નીચે અભ્યાસ કર્યો. કોલેજમાં તે ઘણા તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ પોતાના મિત્રો સાથે પ્રાશ્ચત્ય સિદ્ધાંતો વિષે ચર્ચા કરતા. અંગ્રેજી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, પ્રાકૃતિક વિજ્ઞાન અને ગણિત એ તેમના પ્રિય વિષયો હતા. ત્યાંથી સ્કોલર્શિપ પરીક્ષા પસાર કરીને તે કોલેજમાં ફેલો નિમાયા અને ત્યાંથી ડક્કન કોલેજમાં બદલાયા. કોલેજમાં ફેલોની ફરજ બજાવતાં બજાવતાં તેમણે સંસ્કૃતના અભ્યાસનું કામ ખંતથી ઉપાડ્યું અને તેમાં પ્રાવીણ્ય મેળવ્યું. ત્યાર બાદ મુંબઈ વિદ્યાપીઠની રચના થતાં તેમણે ઈ. સ. ૧૮૬૨માં બી.એની અને ઈ. સ. ૧૮૬૩માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. ઈ. સ. ૧૮૬૫માં રત્નાગિરિની અંગ્રેજી શાળાના આચાર્ય થયા. આ અરસામાં તેમણે સંસ્કૃત માર્ગોપદેશિકા ભાગ પહેલો અને બીજો પ્રસિદ્ધ કર્યા. ઈ. સ. ૧૮૬૮માં એલિફન્સ્ટન કોલેજમાં તે પ્રાધ્યાપક તરીકે નિમાયા અને પોતાની શિક્ષણ પદ્ધિતિથી અને સરળ રજૂઆતથી સંસ્કૃતના વર્ગો વિદ્યાર્થીઓથી ભરચક થઈ ગયા. ત્યાં તે ઈ. સ. ૧૮૭૨ સુધી રહ્યા. ત્યારે બાદ પૂનાની ડક્કન કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે તેમણે કામ કર્યું. ઈ. સ. ૧૮૯૩માં તેઓ પ્રાધ્યાપક તરીકેની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી તે મુંબઇ વિદ્યાપીઠના ઉપકુલપતિ નિમાયા અને આ પ્રમાણે કેળવવણી અને સંસ્કૃત સાહિત્ય માટે તેમણે આપેલી સેવાઓની સરકારે કદર કરી. તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ ઇંડિઅન એન્ટિકવરિની શરૂઆત સાથે સંકળાયેલી છે. આ પત્રનાં ઘણાંખરાં લખાણો તેમનાં છે. રોયલ એશિયાટિક સોસાયટિની મુંબઇ શાખાના તે લાંબા વખત સુધી સભ્ય હતા. સંસ્કૃત સાહિત્યના ઊંડા જ્ઞાને તેમને સભ્યપદ પ્રાપ્ત કરાવ્યું. તેમનાં લખાણો બે વિભાગમાં વહેચાયેલાં છે. એક પ્રકારનાં લખાણો રીસર્ચ જર્નલ સાથે સંકળાયેલાં હતાં અને બીજાં પ્રકારમાં તેમણે પ્રસિદ્ધ કરેલ પુસ્તકો હતાં. ઈ. સ. ૧૮૭૪માં લંડનમાં ભરાનારી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓવ ઓરિએન્ટાલિસ્ટમાં જોડાવાનું તેમને આમંત્રણ આપવામાં આવ્યું. પછીને વર્ષે તેમને રોયલ એશિયાટિક સોસાયટિના માનદ સભ્ય બનાવવામાં આવ્યા. વિલ્સન ફાઇલોલોજિકલ લેક્ચરશિપના તે સૌથી પ્રથમ વ્યાખ્યાતા હતા. એમનાં આ વ્યાખ્યાનોનો સંગ્રહ ભાષાશાસ્ત્રનો એક પ્રમાણભૂત ગ્રંથ મનાય છે અને તેથી તે એમ.એ. માં પાઠ્યપુસ્તક તરીકે પ્રચલીત છે. તે જ વરસમાં તેમણે માલતી માધવ નામના ભવભૂતિના નાટકની આવૃત્તિ પ્રસિદ્ધ કરી. આ અરસામાં મુંબઈ સરકારે સંસ્કૃત હસ્તપ્રતોના સંશોધનનું કામ તેમને સોંપ્યું અને પોતાના કાર્યની સાબિતીરૂપે તેમણે ક્રમે ક્રમે છ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં. ઈ. સ. ૧૮૮૫માં રોટીંજનની વિદ્યાપીઠે તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી. ઇ. સ. ૧૮૮૬માં વીએનામાં ભરાયેલી ઓરિએન્ટાલિસ્ટોની કોંગ્રેસમાં હાજરી આપવા માટે સૌરાષ્ટ્રના રાજાઓ વતી મુંબઈ સરકારનું પ્રતિનિધિત્વ ધરાવવા માટે હિંદી સરકારે તેમની નિમણૂક કરી હતી. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ તેનો અભ્યાસ ચાલુ રહ્યો હતો. ઈ. સ. ૧૯૧૫માં વિદ્વાન ડો. ભાંડારકરના ઘણા શિષ્યો અને પ્રશંસકોએ, સંશોધનના ક્ષેત્રમાં કામ કરનારાઓને સગવડતા આપતી અને સાથે સાથે ડો. ભાંડારકરનું નામ અને કાર્ય અમર કરતી, પૌર્વાત્ય સંસ્થા શરૂ કરવાનો વિચાર કર્યો અને તેનું નામ ભાંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઇન્ટિટ્યૂટ રાખવામાં આવ્યું. સર રતન તાતા અને સર દોરાબ તાતા જેવા સખી ગૃહસ્થોની ઉદાર સહાયથી આ વિચાર એકદમ અમલમાં આવ્યો. તે વખતના મુંબઇના ગવર્નર લોર્ડ વિલિંગ્ડનને હાથે તેને ઈ. સ. ૧૯૧૭માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સંસ્થાના વ્યવસ્થાપકોએ ઈ. સ. ૧૯૧૯માં પૌર્વાત્ય નિષ્ણાતોની અખિલ હંદ પરિષદ ડો. ભાંડારકરના પ્રમુખપણા નીચે ભરી હતી, પંરતુ માંદગીને લઇને તે હાજર રહી શક્યા ન હતા. સને ૧૯૨૫માં તેમનું મરણ નીપજ્યું ત્યાંસુધી તેમણે સાહિત્યસેવા જાળવી હતી. આમ ડો. ભાંડારકર પૂરેપૂરા અર્થમાં સ્વદેશાભિમાની હોવા ઉપરાંત ધીરજ, ખંત અને એકાગ્રતાથી જે મેળવી શકાય તેના જ્વલંત ઉદાહરણરૂપે હતા.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ