| 3 |
|
स्त्री. |
માંડવી; મગફળી, ગાંધીજી કહે છે કેઃ શીંગ એ તો ગરીબ માણસની બદામ છે. શીંગનું બીજું નામ મગફળી છે. શીંગ ભોંયમાં થતી હોવાથી તેને ભોંયશીંગ પણ કહેવામાં આવે છે. શીંગનું વાવેતર ચોમાસામાં કરવામાં આવે છે. કેટલેક ઠેકાણે પીત મોલ તરીકે શીંગ ફેબ્રુઆરી માસમાં પણ વાવવામાં આવે છે. શીંગ માટે બહુ સારી જમીનની ખાસ જરૂર હોતી નથી. સૌરાષ્ટ્રની કાળી જમીન શીંગના વાવેતર માટે અનુકૂળ છે. સૌરાષ્ટ્રમાં બધે શીંગ થાય છે. જુવાર બાજરીના ચાસ કરતાં શીંગના ચાસ વધારે પહોળા રખાય છે. શીંગના છોડ નાના થાય છે. શીંગ પાકે ત્યારે તેને હળથી ખોદવામાં આવે છે, પછી તેના ઝૂમખાં જુદા પાડવામાં આવે છે. થોડો વખત શીંગને ખેતરમાં રાખી સૂકવવામાં આવે છે. ફોતરાંવાળી આખી શીંગ લાંબા વખત સુધી બગડતી નથી. જૂના શીંગદાણા ખોરા થઈ જાય છે. ખોરા દાણામાંથી તેલ પણ ખરાબ નીકળે છે. શીંગનું બી ક્યાંથી લાવવામાં આવ્યું તે જાણી શકાયું નથી, પરંતુ દક્ષિણ અમેરિકમાં બ્રાઝિલમાં ૧૮૩૬ ની સાલમાં વાવવામાં આવેલું; ત્યાંથી દરિયા રસ્તે આફ્રિક અને સ્પેન લઈ જવામાં આવ્યું. ભારતમાં શીંગ સ્પેનમાંથી આવેલ હોય તેવો સંભવ છે. ચિનાઈ શીંગ આપણે ત્યાં કહેવાય છે એટલે ચીનથી શીંગ આવી હોય તો તે પણ સંભવિત છે. સૌરાષ્ટ્રમાં બે જાતની શીંગ વાવવામાં આવે છે. એક જાડી અને બીજી ઝીણી અગર મગડી. જાડી શીંગમાં તેલનું પ્રમાણ સહેજ ઓછું હોય. છે, પણ ખાવામાં મીઠી હોય છે. જયારે મગડી શીંગમાં તેલનું પ્રમાણ સહેજ વધારે હોય છે. ઝીણી શીંગ સ્પેનનું બી હોય તેમ મનાય છે. સસ્તી હોવાને કારણે જેનું મૂલ્ય આપણે ઓછું આંકીએ છીએ તે શીંગનું વધુમાં વધુ વાવેતર ભારતમાં જ થાય છે અને આજે દુનિયાનો એ મહત્વનો ખોરાક થઈ પડયો છે. તેલ રહિત દાણાદાર ખોળનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરવા જેવો છે. ખોળમાંથી તેલ ન કાઢી લઈએ તો દર વર્ષે આશરે સોળ કરોડ રૂપિયાનું તેલ આપણે ધૂળમાં નાખી દઈએ છીએ. ખોળમાં રહી જતા સાતથી આઠ ટકાનું તેલ વૈજ્ઞાનિક પદ્ધતિથી કાઢી લેવામાં આવે તો લાખો એકર જમીન બીજા પાકને માટે ફાજલ પાડી શકીએ. અત્યારે દુનિયામાં શીંગનું ઉત્પાદન એક કરોડ ટન જેટલું થાય છે જેમાં ભારત એકલામાં સૌથી વહેલે નંબરે ૩૫ લાખ ટન થાય છે. ભારતની પંચવર્ષીય યોજનામાં શીંગનું ઉત્પાદન ૬૦ લાખ ટન કરવાની ભલામણ થયેલી છે. શીંગના ઉત્પાદનમાં ભારત આ રીતે પ્રથમ સ્થાન ભોગવે છે, ભારત પછી ચીન ૩૨ લાખન ટન ઉત્પન્ન કરનાર દેશ છે. એટલે દુનિયાભરમાં એશિઅ શીંગના પાકમાં સૌથી મોખરે છે. બીજે નંબરે અમેરિક આવે છે. જ્યાં લગભગ બાર લાખ ટન શીંગ થાય છે. ચોથે નંબરે આફ્રિક આવે છે. એક એકર જમીન માટે આશરે ૪૦ રતલ બી જોઈએ છીએ. એક એકરમાં સાધારણ રીતે સારી ખેતી હોય તો ૨૦ થી ૨૫ બંગાળી મણ શીંગ થાય છે. પરંતુ હવે તો એવી જાતનાં સારા બીની શોધ થઈ છે કે એકર દીઠ ૩૫૦૦ રતલ એટલે કે લગભગ ૪૪ બંગાળી મણ પાક થઈ શકેછે. શીંગના વધારે ઉપયોગ માટે પણ દિનપ્રતિદિન યંત્રોની શોધ થયા કરે છે. ભારતમાં શીંગનું વાવેતર હૈદરાબાદ, મદ્રાસ અને સૌરાષ્ટ્રમાં મુખ્ય છે. ભારતમાં શીંગનો ઉપયોગ ખોરાક તરીકે ઓછો થાય છે. મોટે ભાગે શીંગ પીલવામાં આવે છે અને તેમાંથી નીકળતું તેલ ખાવાના ઉપયોગમાં આવે છે જ્યારે બાકી રહેતો ખોળ ઢોરના ખાણ અને ખાતર તરીકે વપરાય છે. અમેરિક કે જ્યાં શીંગ ઉપર ખૂબ શોધખોળ થઈ રહી છે અને ખંતથી કામ થાય છે. ત્યાં શીંગને એમ ને એમ તાવડામાં શેકવામાં આવે છે. ફેરીવાળાઓ શેકવાનાં યંત્રોમાં શીંગને શેકીને ગરમાગરમ વેચે છે. આપણે ત્યાં ખારી શીંગ વેચાય છે, પણ તે થોડો વખત પડી રહે તો ખોરી થઈ જાય છે. અમેરીકમાં નીચે દબાણ આપી શીંગમાં મીઠાનું પાણી અંદર જવા દેવાથી અંદરની શીંગ ખારી થઈ જાય છે. આમ ખારી શીંગ લાંબા વખત સુધી ખોરી થતી નથી. મુંબઈમાં ખારી બાફેલી શીંગ વેચાય છે, તેમ અમેરીકામાં પણ બાફેલી શીંગ વેચાય છે. આપણે ત્યાં તળેલી શીંગ એમ ને એમ તેમ જ ચેવડામાં અને ભેળમાં વપરાય છે તેમ અમેરિકમાં પણ તળેલી શીંગ ખૂબ વપરાય છે. આપણે તાવડામાં તેલ ઊનું કરી શીંગ તળીએ છીએ. અમેરીકામાં તેલ ઊનું કરવા માટે એકસરખી ગરમી લાગે તેવાં યંત્રો બનાવવામાં આવે છે. ૩૫૦ અંશ ફેરનહાઈટ ગરમીવાળાં તેલમાં લગભગ ૧૫૦ રતલ શીંગદાણા નાખવામાં આવે છે. આવી રીતે તળેલા દાણાને મીઠું લગાડવામાં આવે છે. દાણા ચમકતા લાગે અને મીઠું બરાબર ચોંટી રહે તેટલા માટે તેમાં અમેરિકમાં ગ્લુકોઝ, ગુંદર વગેરે છાંટવામાં આવે છે. કેટલાક તળેલા શીંગદાણાને મીઠું છાંટયા પછીં ઠંડા તેલમાં ફરીને બોળવામાં આવે છે, જેથી મીઠું બરાબર ચોંટી રહે અને સ્વાદમાં સારા લાગે. અમેરિકમાં ખારી અને તળેલી શીંગ એટલી બધી વપરાય છે, કે જેમ આપણે ત્યાં ચેવડો, ગાંઠિયા, સેવ દાળિયા વગેરે વેચાય છે તેમ અમેરિકમાં ઠેકઠેકાણે તે વેચાય છે. ત્યાં તો એક બે આનાની કિમતમાં જીલેટીન પેપરની કોથળીમાં આ ચીજો ખૂબ વેચાય છે. અમેરિકમાં શીંગનો એમ ને એમ ખોરાક તરીકે વધારે ઉપયોગ થતો હોવાથી ત્યાં જુદી જુદી જાતના નાનાંમોટાં યંત્રો તે કામ માટે દાખલ થતાં જ જાય છે. શીંગદાણાની લાલ ફોતરી કાઢી નાખવા માટે જુદી જુદી જાતના યંત્રો અમરિકમાં વાપરવામાં આવે છે. યંત્રમાં બે બ્રશ વચ્ચે રાતા શીંગદાણા આવે છે અને બ્રશથી લાલ ફોતરી નીકળી જાય છે. મોટે ભાગે આખા દાણા આવા યંત્રમાંથી મળે છે. આવા સફેદ શીંગદાણા બદામ, કાજુ, અખરોટ વગેરે સાથે હરીફાઈમાં ખૂબ વેચાય છે. શીંગ સસ્તી તેમજ પૌષ્ટિક અને ઉપયોગી હોવાથી તેની વપરાશ વધારે થાય છે. સફેદ શીંગદાણાને ચાસણીમાં નાખી કાઢી લાઈ મીઠી શીંગ તરીકે વેચવામાં આવે છે. આપણે ત્યાં આ ચીજ ઓછી વેચાય છે, પણ અમેરિકમાં તો મીઠી શીંગ કાચની બોટલીઓમાં પેક કરીને વેચાય છે. આવી રીતે ચાસણી ચડાવેલા ગળ્યા દાણા લાંબા વખત સુધી બગડતા નથી. આપણે ત્યાં શીંગનું માખણ મુદ્દલ વપરાતું નથી, પણ અમેરિકમાં તે સૌથી વધારે વપરાય છે. તેને એ લોકો ` પીનટ બટર ` કહે છે. સને ૧૮૯૦ ની સાલમાં નબળા માણસના ખોરાક તરીકે અમેરિકમાં શીંગના માખણની શરૂઆત થઈ. પરંતુ હવે તો શીંગનું માખણ અમેરિકમાં એટલું બધું પ્રચલિત થઈ ગયું છે કે શીંગનો સૌથી મોટો ઉપયોગ બીજી બધી ચીજો કરતાં શીંગના માખણમાં વધારે થાય છે. માખણ બનાવવામાં સફેદ દાણા વપરાય છે, તેમજ દાણાની વચમાં જે બીજ હોય છે તે કાઢી નાખવામાં આવે છે. યાંત્રિક બળથી ચાલતાં મોટાં કારખાનામાં શીંગનું માખણ બનાવવામાં આવે છે. હવા ન લાગે તેવા ડબામાં પેક કરેલ માખણ ઘણા મહિના સુધી બગડતું નથી. આપણે ત્યાં આ પ્રયોગ ઘંટુલામાં કરી શકાય. આપણે મગની દાળના વડાં કરવા માટે જેમ મગની પલાળેલી દાળને ભરડીએ છીએ, તેમ શીંગને ભરડવાથી માખણ નીકળી શકે. આ દિશામાં ભારતમાં કોઈ પ્રયાસ થતા નથી, પરંતુ માખણ કરવા જેવી એ ચીજ છે. પ્રશ્ન એક જ છે કે, કદાચ આપણા ગરમ દેશમાં આ માખણ બગડી જવાની દહેશત રહે. શીંગનું માખણ ઘણું પૌષ્ટિક ગણાય છે. એક રતલ શીંગ-માખણમાંથી ૨૮૦૮ કેલરી ગરમી મળે છે. તેમાં ૧૧૮ ગ્રામ પ્રોટિન છે અને ૨૧૭ ગ્રામ ફેટ એટલે ચરબી છે. તે ઉપરાંત થોડાં પ્રજીવકો મળે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, લોખંડ વગેરે પણ ઠીક ઠીક પ્રમાણમાં બીજા કરતાં વધારે મળે છે. અમેરિકમાં થતા નથી પણ ભારતમાં શીંગના દૂધના પ્રયોગ થાય છે. ભારત સરકારના બેંગ્લોર ખાતેના શોધખોળ ખાતાએ શીંગનું દૂધ બનાવ્યું છે. જેવી રીતે સોયાબીનનું દૂધ બનાવી શકાય છે તેમ શીંગદાણાનું દૂધ બને છે. તે ગાયના દૂધ જેવું થાય છે. બનાવવાની રીત સાદી છે.શીંગદાણઆથી બેવડા પાણીમાં દાણા દોઢ કલાક પલાળવા. દર અરધી કલાકે પાણી ફેરવતા જવું. ભીના થયેલ દાણાને ઘસવાથી ઉપરની લાલ ફોતરી નીકળી જઈ સફેદ દાણા થઈ જશે. આ દાણાને ઘંટુલામાં કે ખરલમાં લાઢવા. તેમાં અઢીથી ત્રણગણું પાણી નાખવું પા કલાક દાણા અને પાણીને ખૂબ લઢવું. પછી ઝીણાં કપડામાંથી પાણી ગાળી લેવું. કપડા ઉપર જે ભૂકો રહે તેમાં ફરીને અઢીથી ત્રણગણું પાણી નાખી ઉપર પ્રમાણે ફરીને કરવું. આમ કરવાથી લગભગ એક રતલ દાણામાંથી છ રતલ દૂધ મળશે. આ દૂધને ગાયના દૂધની જેમ ઉકાળવું. ઉકાળેલું દૂધ-૪૮ કલાક સુધી બગડતું નથી. દૂધ સુંગંધે-સ્વાદે સારું થાય છે. આ દૂધનું દહીં પણ કરી શકાય છે. લગભગ પા ભાગનો કચરો રહી જાય છે, તેને સૂકવી તેની ચટણી, વડાં વગેરે બનાવી શકાય છે. છેલ્લા એકાદ દસકામાં શીંગતેલનો ઉપયોગ કૂદકે અને ભૂસકે વધવા માંડ્યો છે. ભારત એકલામાં નહીં પણ દુનિયાના બીજા બધા ભાગમાં શીંગ તરફ વધારે લક્ષ આપવામાં આવે છે કારણ કે શીંગ એક ઉત્તમ ખોરાકની ચીજ હોવાની પ્રતીતિ થવા માંડી છે. શુદ્ધ કરેલું તેલ-રિફાઈન્ડ ઓઈલ પણ ઠીકઠીક પ્રમાણમાં ભારતમાં વપરાય છે. પચવામાં બીજાં બધાં તેલ કરતાં સારું છે. ઘી પછી કોઈ પણ બીજું તેલ વધારે ઉપયોગી અને સારું હોય તો તે શીંગતેલ છે. જૂની માન્યતા મુજબ તલનું તેલ સારું ગણાતું, પણ હકીક્ત પુરવાર કરે છે કે, તલના તેલ કરતાં શીંગનું તેલ સારું છે. ભારતમાં વેજિટેબલની બનાવટો બાબત જે ઉહાપોહ થઈ રહ્યો છે. તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો વાસ્તવિક નથી. ઘીની સાથે થતી ભેળસેળ અટકાવવા માટે વાજબી પગલાં લેવવાં જોઈએ. લડાઈ પહેલાં વનસ્પતિ ૪૮૦૦૦ ટન થતું હતું, હાલ ૨,૦૦,૦૦૦ ટન થાય છે. આ વનસ્પતિ એકલીમાં જ શીંગતેલ ૧,૧૯,૦૦૦ ટન વપરાય છે. સાબુમાં ૧,૦૦,૦૦૦ ટન તેલ વપરાય છે. તેમાં મોટેભાગે શીંગતેલ વપરાય છે., કારણ કે તે બીજાં તેલ કરતાં સસ્તું છે. જે જાતના તેલ ખાઈ ને શકાય તેવાં હોય તે તેલ જ સાબુમાં વપરાય એ ઈષ્ટ છે. આમ થાય તો જ તેલના ભાવ નીચા રહે અને મનુષ્યના ખોરાક તરીકે તેલની વધુ કીમત આવે. શીંગદાણામાંથી તેલ કાઢી લીધા પછી જે વસ્તુ વધે છે તેને આપણે ખોળ કહીએ છીએ. આ ખોળ તો ઢોર જ ખાય છે. અગર તેનું ખાતર જ થાય એવી માન્યતા છે. પણ આમ શા માટે ? આનું મુખ્ય કારણ એ છે કે, જે રીતે દાણામાંથી તેલ કાઢવામાં આવે છે. તે રીતે ખૂબ જ વાંધા ભરેલી છે. ખોળ માણસના ખોરાક તરીકે વાપરવાનો છે એમ જો પીલવાવાળા જાણે અગર માને તો શીંગખોળ બનાવવાની રીત જુદી જ હોય. હાલ તેલ કાઢતી વખતે શીંગદાણા સાથે આખી શીંગ અગર શીંગની ફોતરી નાખવામાં આવે છે, કારણ કે તેથી ખોળનું વજન વધે. આને પરિણામે ચોખ્ખો ખોળ મળતો નથી. આવો ખોળ ખાવાનો વિચાર પણ ક્યાંથી કરી શકાય ? પરંતુ જો તદૃન ચોખ્ખા દાણા પીલવામાં આવે અને ખોળને વાસણમાં લઈ જમીન ઉપર એમને એમ ધૂળ કે કાંકરામાં ફેંકી દેવામાં ન આવે આવે તો તેવો સાફ ખોળ માણસના ખોરાક માટે વાપરી શકાય. ખોળનું પૃથક્કરણ નીચે પ્રમાણે છે: પ્રોટીન (પૌષ્ટિક તત્ત્વ) ૫૦ ટકા, તેલ ૭ થી ૮ ટકા, કાર્બોહાઈડ્રેઈટ (મેંદો) ૨૫ ટકા. આ ત્રણ મહત્વના તત્ત્વો ઉપરાંત ફોસ્ફરસ, લોખંડ, ચૂનો વગેરે પ્રજીવકો પણ તેમાં છે તે ઉપરથી જણાશે કે ખોળ એ માણસ તેમ જ ઢોર માટે ઉત્તમ ખોરાક છે. તેલવાળો ખોળ હવામાં એકાદ માસ રહેવાથી ખોરો થઈ જાય છે. આવો ખોળ ફ્રીફેટી એસિડ ( એક જાતનો તેજાબ ) થઈ જાય છે. આવો ખોરો ખોળ માણસ ખાઈ જ ન શકે, પરંતુ ઢોરને ખવડાવવામાં આવે તો ઢોરને ગરમ પડે છે અને ઢોર છેરે છે આવો ખોળ જો વધારે પ્રમાણમાં ઢોર ખાય તો તેને પાણી પીવાની આતસ જાગે છે અને પાણી પીવાથી ઢોરને આફરો ચડે છે અને કેટલીયે વખત તે મરી જાય છે. ખોળની અંદર ૭ થી ૮ ટકા તેલ હોય છે. તેટલું તેલ પણ ઢોરને પચતું નથી. અન્ય દેશમાં કરેલા પ્રયોગ ઉપરથી માલૂમ પડેયું છે કે, એકાદ ટકા તેલથી વધારે તેલ ખોળમાં હોય તો ઢોરના છાણમાં એમ ને એમ એ તેલ નીકળે છે. આવા તેલવાળો ખોળ ખોળમાં ખાતરમાં વાપરવાથી પણ તેલ એળે જાય છે. અને જીવાત થાય છે. ખોળમાં રહી જતું તેલ કાઢી લેવા માટે અમેરિક અને યરપમાં યંત્રમી મદદ લેવાય છે. પરિણામે બાકીના ખોળમાં ફક્ત એક જ ટકો તેલ રહી જાય છે. આવો તેલરહિત દાણાદાર ખોળ ગમે તેટલો વખત રહે તો પણ ખોરો થતો નથી., એટલે બગડતો નથી. તે ઢોરને ખવડાવી શકાય છે કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે, જેનાથી ઢોરને કસ પુરાય છે. તેલ ઓછું હોવાથી તેમ જ ખોળ બાફેલો હોવાથી બરાબર પચી જાય છે અને ઢોરને આવો ખોળ ગરમ પડતો નથી. ભારતમાં ખોળમાંથી તેલ કાઢવાનાં ફક્ત બે કારખાનાં છે એક મોટું કારખાનું દરરોજનું ૫૦ ટન ખોળ વાપરતું વરતેજમાં છે, અને બીજુ નાનું કારખાનું દરરોજનું લગભગ ૨૫ ટન વાપરતું કલ્યાણમાં છે. કલ્યાણના કારખાનામાં મોટે ભાગે મહુડાખોળમાંથી તેલ કાઢવામાં આવે છે, જ્યારે વરતેજના કારખાનામાં શીંગ ખોળમાંથી તેલ કાઢવામાં આવે છે. આ તેલ રિફાઈન સાફ કરવામાં આવે છે. અને તે ખાવાલાયક બને છે. હિંદમાં જો આવાં કારખાનાં વધારે હોય તો લાખો એકર જમીન બીજા પાક માટે ફાજલ પડે અને શીંગ વાવ્યા વગર આપણને તેલ મળે. ભારતમાં દર વર્ષે આશરે સાડાતેર લાખ ટન ખોળ થાય છે. જેમાં સોળ કરોડ રૂપિયાનું તેલ હોય છે. આટલું તેલ ધૂળમાં -જમીનમાં ખાતર તરીકે જાય છે એને તેથી પાકને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. આવા ખોળમાંથી તેલ કાઢી લેવું જોઈએ. આવો તેલરહિત દાણઆદાર ખોળમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધારે હોવાથી ખાતર તરીકે તેની વધારે કીમત આવે છે એક બાજુ શીંગ વાવ્યા વગર તેટલું તેલ મળે છે. અને બીજી બાજુ વધારે કીમતી ખોળ મળે છે. શીંગમાંથી બનાવટી ચોખા બનાવવાનું કામ બેંગલોરમાં સરકારી ખાતાએ હાથ ધર્યું છે.સરકારની ખોરાકખાતાની પ્રયોગશાળામાં તેલરહિત ખોળનો લોટ બનાવવામાં આવે છે. લાલ ફોતરી કાઢી નાખેલા દાણામાંથી તેલરહિત ખોળ બનાવવામાં આવે તો તેનો પરસૂદી જેવો સફેદ લોટ થાય છે. આવા શીંગના ખોળના લોટમાંથી બનાવટી ચોખા બનાવવાનો અખતરો લગભગ સફળ થયો છે.
|