1 |
[ સં. શિરીષ ] |
पुं. |
એક જાતનું ઝાડ. તેને શિરીષ, ભંડિલ, ભંડી, ભંડીર, કપીતન, શુકપુષ્પ, શુક્તર; મૃદુપુષ્પ અને શુકપ્રિય પણ કહે છે. આ ઝાડ એશિયા અને આફ્રિકાનું છે પણ હિંદમાં પુષ્કળ થાય છે. ફૂલો કલગી જેવાં, ઘણાં પુંસ્ત્રી કેસરોવાળાં, સુંદર, સુગંધી, શીતળ અને વિષધ્ન હોય છે. તેના રસમાં મરીને સાત દિવસ ખરલ કરી સાત ભાવનાઓ રસની આપી એ મરી ખાવાથી સર્પનું ઝેર ઊતરે છે એમ મનાય છે. સાત દિવસની ભાવના આપેલાં મરીની બારીક ભૂકી સર્પદંશ વખતે આવતી નિદ્રા અટકાવવા ઉપયોગી છે ફૂલો ગોમૂત્રમાં વાટી સર્પદંશ, બીજા પ્રાણીઓના વિષ ઉપર, ગૂમડાં અને ચાંદાં ઉપર ચોપડાય છે. થડ અને છાલની અંદરથી ટેનિન અને સાબુતત્ત્વ મળે છે. તે શીતળ, ગ્રાહી, દાહશામક, જ્વરધ્ન અને વિષધ્ન છે. તાજો રસ સમાનભાગે ગાયના ઘી સાથે પીવાથી પ્રદર મટે છે. તે તાવના ક્વાથમાં પણ પડે છે. મૂત્રદાહમાં તેનું હિમ અપાય છે. સર્પદંશ ઉપર વાટી સ્વરસ કાઢી પિવાય છે. દશાંગ લેપમાં તે મુખ્ય છે. દુ:ખતી આંખે અને સર્પદંશ ઉપર તે ચોપડાય છે. મૂળની છાલનું ચૂર્ણ સૂંઘવાથી નાક અંદર સડસડાટ થાય છે તેથી એ નામ પડ્યું છે. મસ્તક રોગ, પીનસ તથા નાકના બીજા રોગ, આંખમાં ગરમીને લીધે પાણી ઝરતાં હોય તે માટે તેની બારીક ભૂકી નાકમાં સૂંઘાય છે તેથી જૂનો માથાનો દુ:ખાવો મટે છે પરંતુ વધુ સૂંઘવાથી નસ્કોરી ફૂટે છે. સાવચેતીથી જરૂર પડે ત્યારે થોડું સેવન કરવું ઇષ્ટ છે. તેનું ચૂર્ણ દાંતના અવાળુ ફૂલ્યાં હોય તે ઉપર ચોપડાય છે. તેમાં ચાંદાં પડ્યાં હોય તો રૂઝવી મજબૂત બનાવે છે. પાંદડાં દુખતી આંખે વાટીને ચોપડાય છે. ઢોરો માટે તે સારો ચારો છે. બીજ ગ્રાહી છે. અર્શ તથા ઝાડા માટે ઉપયોગી છે. કંઢમાળ માટે ફતેહમંદ દવા છે. ચૂર્ણરૂપે વપરાય છે. કંઠમાળ ઉપર તેના ચૂર્ણનો લેપ ચોપડાય છે. ત્વક્દોષમાં કુંવાડિયા સાથે ચોપડાય છે. તેનું બારીક ચૂર્ણ નાકે સૂંઘવાથી કે પોટલીમાં ભરી તે પોટલી સૂંઘવાથી માથાનો જૂનો દુખાવો મટે છે. બી પીલીને તેમાંથી તેલ મળે છે. આ તેલ સફેદ કોઠ ઉપર થોડા દહાડા ચોપડવાથી તરતનો હોય તો જલદી મટી જાય છે. તેમાંથી બહુ જ સારો ગુંદ મળે છે. આ ગુંદ પાણીમાં ઓગળતો નથી પણ હળવો બને છે. તળીને ખાવા તથા વાના દર્દમાં બહુ સારો ગણાય છે. લાકડું અખોડ જેવું હોય છે. અંદરનું કાળાશ પડતું, ભૂરું લાકડું કઠણ, ટકાઉ, ઘડતર સહેલાઈથી થઈ શકે તેવું અને ખૂબસૂરત હોય છે. ઘરકામ, ફરનીચર, અરીસા ને છબીઓની ફ્રેમો, ખેતીના ઓજારો, ઘાણી, શેરડીના કોલુ, રમકડાં, નકશીકામ તથા થાંભલા માટે કીમતી ગણાય છે. તેના ઉપર પોલિશ સારું થાય છે. તેનું લાકડું સાગ કરતાં મોંઘી કીમતે વેચાય છે. આંદામાનથી યૂરોપ તેની નિકાસ થાય છે. તેના ઉપર લાખ સારી બાઝે છે.
|