12 |
[ સં. હિંસ્ ( હિંસા કરવી ) ] |
पुं. |
હિંસા કરનાર પ્રાણી. પુરાણમાં કહેલું છે કે, ક્રોધવશાની પુત્રી શાર્દૂલાને પેટે આ હિંસક જાતિ ઉત્પન્ન થઈ છે. બધાં પ્રાણીઓમાં તે વધારે શક્તિમાન, ઉદાર અને માનવાળો હોઈને વનરાજ કે પશુઓનો રાજા કહેવાય છે. ઇરાન, હિંદ અને આફ્રિકાનાં ગરમ જંગલોમાં આ પ્રાણી થાય છે. તેને મૃગૈંદ્ર, પંચાસ્ય, હર્યક્ષ, કેસરી, ચિત્રકાય, મૃગદ્વિષ, હરિ, મૃગરિપુ, મૃગદ્રષ્ટિ, મૃગાશન, પુંડરીક,પંચનખ, કંઠીરવ, મૃગપતિ, પંચાનન, પલલભક્ષ પણ કહે છે. સિંહો પ્રાચીનકાળમાં ઉત્તપ ગ્રીસ અને મેસોડોનીઆમાં પણ હતા. તેઓનો વસવાટ ઇરાન અને મેસીપોટોમીઆમાં પણ હતો. ઉત્તર અને મધ્ય ભારત પણ તેઓની ડણકથી ગાજતો હતો. ઈ.સ. ૧૮૨૨માં તેઓ પંજાબમાં પથરાયેલા હતા. ઉત્તર રોહિલખંડ અને રામપુર આસપાસ તેઓ અજાણ્યા નહોતા. ઈ.સ. ૧૮૪૭માં સાગોર અને નર્મદાનાં વનોમાં તેઓની વસતી નોંધાઈ છે. અલ્હાબાદથી ૮૦ માઈલ ઉપર જ તેનો શિકાર થયેલ સાંભળવામાં છે. મધ્યભારત અને ગુજરાતમાં હજુ એક સદી પહેલાં સિંહોની સારી સંખ્યા જોવામાં આવતી હતી. ઈ.સ. ૧૮૩૦ સુધીમાં તે અમદાવાદ, આબુ અને ડીસાની સીમને શોભાવતા હતા. ડીસામાં છેલ્લા સાવજ ઈ.સ. ૧૮૭૦માં મરાયાની નોંધ મળે છે. સૌરાષ્ટર્માં ધ્રાંગઘ્રા, જસદણ, ચોટીલા અને પૂર્વ ગીરથી માંડી પશ્ર્ચિમ ગિરનાર સહિત આલેચ અને બરડાની ડુંગરમાળ તેઓના વસવાટથી સભર હતી. હવે તો સામાન્યત: તેઓ એશિઅ અને આફ્રિકામાં માલૂમ પડે છે. એશિઅમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં અને તે યે માત્ર ગીરમાં તે માલૂમ પડે છે. ગિરનારની આસપાસના ૨૦, ૨૫ માઈલના ઘેરાવાને ગીરનું જંગલ કહે છે. આ ગીરના ૫૦૦ ચોરસ માઈલમાં તેઓની છેલ્લી વસતી ગણતરી થઈ છે. તે ગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર ૨૧૨ સિંહો છે. સિંહની વસતી ગણતરી કરવા માટે તે કામ માટે નિષ્ણાતોને ખાસ રોકવામાં આવે છે અને તેઓ સિંહના વસવાટનાં સ્થાન, શિકારનાં સ્થાન, આરામના સ્થાન, પાણી પીવાના સ્થાન પાસેના સિંહ, સિંહણ ને તેઓનાં બચ્ચાંને તેમનાં પગલાં ઉપરથી જોઈતી તમામ હકીકત એકઠી કરે છે. ગિરના સિંહની કેશવાળી સાધારણ રીતે આફ્રિકાવાસી સિંહની કેશવાળી જેટલી હોતી નથી. કદમાં બંને ખંડના સિંહો લગભગ સરખા જ હોય છે. અત્યાર સુધીમાં ગીરનો લાંબામાં લાંબો સિંહ ૯ ફૂટ ૭ ઇંચ મપાયો છે: જ્યારે આફ્રિકાવાસી સિંહની લંબાઈ ૧૦ ફૂટ ૭ ઇંચની થઈ છે ગીરના લોકોની માન્યતા એવી છે કે, અહીં બે પ્રકારના સિંહ થાય છે: એક લાંબા દેહવાળા અને બીજા ઊંચા દેહવાળા. લાંબા દેહવાળાને વેલિયા કે વેલર અને ઊંચા દેહવાળાને ગધૈયા એવાં નામ આપ્યાં છે. એ સિવાય નેસવાળાએ પોતાની આસપાસના સાવજનાં નામ તેઓના રંગ અને અવાજ ઉપરથી રાખ્યાં છે. જેમકે, રાતડો, મશિયો, ખાંખરો વગેરે. સિંહનાં નાનાં બચ્ચાંના રંગમાં ડાઘા તથા લીટા હોય છે. આ ડાઘા તથા લીટા બતાવે છે કે, આ પ્રાણીના પૂર્વજોનો રંગ દીપડાના ગુલ અને વાઘના પટ્ટાની વચ્ચેના રંગવાળો હશે. આ ચિહ્નો ઉંમર વધવાની સાથે ઝાંખાં પડતાં જાય છે. નર બચ્ચાંને ગરદન ઉપર લાંબા વાળ હોય છે અને ઉંમર વધવાની સાથે તે વધતા જાય છે. સિંહ જ્યારે છ વરસની ઉંમરનો થાય છે ત્યારે તે પૂર્ણ જુવાનીમાં આવી જાય છે, ત્યાંસુધી તેની કેશવાળીના વાળ વધતા રહે છે. પચીસ વર્ષ પછી તેને ઘડપણની નિશાની જણાય છે. તેનું આયુષ્ય ૩૦ થી ૪૦ વર્ષનું લેખાય છે. રંગે તે બદામી રંગનો છે. તેનો દેખાવ દમામદાર, ચાલ ધીરી, મર્યાદિત, અવાજ ઘોર ગર્જના જેવો અને સ્વભાવ ક્રૂર પણ ગંભીર હોય છે. તેની ડોક અને માથું મોટું હોવાથી તે ડાલામથ્થો કહેવાય છે. ગરદન ઉપર લાંબા વાળ હોય છે તેને યાળ કહેવાય છે. તેની લાંબી પૂછડીને છેડે વાળનો ઝૂમખો હોય છે. છેક પુરાણકાળથી પરિચિત આ પ્રાણી એક કાળે ગ્રીસ, સમગ્ર આફ્રિક ને દક્ષિણ એશિઅમાં વસતું હતું. પણ હાલ તો પૂર્વ આફ્રિક, મેસોપોટેમિયા તથા ઇરાન ઉપરાંત હિંદમાં તો માત્ર સૌરાષ્ટ્રમાં ગીરનાં જંગલોમાં જ તેની વસતી રહી છે. સિંહને એશિઅના ને આફ્રિકાના એમ બે વિભાગમાં વહેંચી નખાય છે. તેમાં યે સોરઠનો સિંહ આખી દુનિયાના સિંહોની એક વિશિષ્ટ જાતિ ગણાય છે. એશિયન સિંહની કેશવાળી આછી ને પૂર્ણ વિકસિત દશામાં છેડેથી કાળી હોય છે. સેનિગાલના સિંહોને યાળ હોતી નથી. નાકથી પૂછડીના છેડા સુધી સિંહ નવ ફૂટથીયે લાંબો ને લગભગ ૫૦૦ રતલ વજનનો હોય છે. માદા નર કરતાં એકાદ ફૂટ નાની હોય છે. બંનેની પૂંછડીને છેડે વાળનો કાળો ગુચ્છો હોય છે; જેમાં શિંગડા જેવો સખત કાંટો હોય છે. સિંહને હિંદીમાં શેર બબર, ગુજરાતમાં ઊંટિયો વાઘ ને સોરઠમાં સાવજ કહે છે. તે રેતાળ, સપાટ ને ખડકાળ તથા થોર અને પાણી કાંઠે ઊંચા ઘાસવાળી ખુલ્લી ભૂમિમાં વસે છે. અધિક બળવાન ને અતિશય હિંમતવાન તથા સાંકડી જગ્યામાં યે આસાનીથી સારું કૂદી શક્તો હોવા છતાં સિંહ વાઘ જેટલો ચપળ નથી. વળી ખુલ્લામાં સામે મોંએ મોં-ફાડીને હુમલો કરવાની તથા હંમેશા ધોરી માર્ગે જ આવજા કરવાની તેની ટેવ શિકારીને ઘણી અનુકૂળ નીવડે છે. દિવસ આખો એ ટાઢે છાંયે આરામ લે છે ને ગોરજ ટાણે ઊભા થઈ શિકારની શોધમાં નીકળે છે ત્યારે ગર્જનાઓ કરતા રહેવાની તેને ટેવ છે. તેનો ડણકવાનો સમય સાંજ અને ભળકડું ખાસ છે, છતાં રાતમાં તેઓ ડણકતા સાંભળવામાં આવે છે. તેની ગર્જના મેઘગર્જના જેવી અત્યંત મોટી અને ગંભીર હોય છે. તેઓની ચોક્કસ પ્રજનન ઋતુ નથી, પરંતુ ગીરમાં વધારે ભાગમાં સિંહસિંહણોનો સંયોગ ઓકટોબર નવેંબર માસમાં થાય છે અને સિંહણો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બચ્ચાંને જન્મ આપે છે. જે બચ્ચાંનો જન્મ વર્ષાઋતુ દરમિયાન થાય તેઓ ઘણે ભાગે પ્રતિકૂળ હવામાન અને ખોરાકની અછતને લઈ લાંબું નભતાં નથી. સિંહણ જ્યારે અઢી ત્રણ વર્ષની થાય ત્યારે જુવાનીમાં આવે છે અને એ અરસામાં તે બચ્ચાંને જન્મ આપે છે. તેનો ગર્ભાધાનનો સમય ચારેક માસનો છે. સિંહણ એકી સાથે બે બચ્ચાંને જન્મ આપે છે પણ ક્યારેક તેમાં એકાદનો વધારો પણ દેખાઈ આવે છે. બે વિયાજણ વચ્ચે ઓછામાં ઓછું દોઠ કે બે વરસનું અંતર હોય છે. એક વર્ષે બચ્ચાંના દુધિયા દાંત પડી બીજા આવવા શરૂ થાય છે. બચ્ચાંના ઉછેરમાં સિંહ પણ પૂરતો ભાગ લે છે અને આખા કુટુંબનું પોષણ કરે છે. સિંહ અને વાઘનો સંયોગ કરાવીને લાઈગર નામની વર્ણસંકર પ્રજા પણ ઉપજાવાઈ છે.
રૂઢિપ્રયોગ
૧. સિંહ કે શિયાળ ? = ફતેહના સમાચાર કે મોકાણના ? ફતેહ થઈ કે નાસીપાસી થઈ એમ પૂછતાં આ રૂઢિ વપરાય છે. જવાબમાં સામો માણસ જો ફતેહ થઈ હોય તો સિંહ એમ કહે છે ને જો નાસીપાસી મળી હોય તો શિયાળ એમ કહે છે.
૨. સિંહનું બચ્ચું = બહાદૂર; મર્દ.
૩. સિંહને વનનો ઓથ ને વનને સિંહનો ઓથ = નાના મોટાને એકબીજાનો સહકાર હોવાપણું.
|