6 |
|
स्त्री. |
વિશ્વ; જગત; સર્જેલું તે; દુનિયા; બ્રહ્યાંડ. સૃષ્ટિની ઉત્પત્તિ વિષે પ્રશ્નોપનિષદમાં લખ્યું છે કે, બ્રહ્યાંડરૂપ શરીરને ધારણ કરનારા સહસ્ત્રશીર્ષ, નયન અને પાદવાળા આદિપુરુષમાંથી દેહાભિમાની વિરાટ પુરુષ ઉત્પન્ન થયો તેણે ઉત્પન્ન થઈ ને પછી પોતાથી વ્યતિરિક્ત દેવ, મનુષ્ય વગેરેમાં પ્રવેશ કર્યો અને તે તે ભાવે કરીને ભૂમિમાં વ્યાપ્ત થયો. ત્યારપછી સપ્તધાતુથી બનેલા શરીરોમાં તેણે જીવરૂપે કરીને પ્રવેશ કર્યો. વળી તે સર્વાત્મારૂપ પુરુષે આ માનસિક યજ્ઞમાંથી સઘળી ભોગ્ય વસ્તુઓ, દહીં, ઘી, વગેરે પેદા કરીને વાયુદેવતાવાળાં અરણ્ય પશુઓ તથા ગ્રામ્ય પશુઓ ઉત્પન્ન કર્યા. વળી તે પુરુષના માનસિક યજ્ઞમાંથી ઋગ્વેદ તથા સામવેદનાં મંત્રો ઉત્પન્ન થયા અને તેમાંથી ગાયત્રી આદિ છંદો તથા યજુર્વેદના મંત્રો પણ પેદા થાય. પૂર્વોક્ત માનસિક યજ્ઞમાંથી અશ્વો તથા ઉપર નીચે એમ ઉભય દાઢવાળાં પ્રાણીઓ અને ગાય, બળદ, બકરાં, ધેટાં વગેરે પેદા થયાં. સોળ કળાના વિસ્તારરૂપ આ વિશ્વ અર્થાત્ સૃષ્ટિ પરમાત્માએ પોતાનામાંથી સરજી છે. તાત્પર્ય કે પરમાત્મા જ વિશ્વરૂપે પોતાની જાતમાં જ જાતે ફૂટી નીકળેલ છે. જેમકે, પરમાત્માએ વિચાર્યું કે, હું તો એકલો છું, મારે અનેક થવું છે, તો મારી કઈ શક્તિને ઉપર લાવવી કે જેથી ઉપર આવેલો હું, પ્રત્યક્ષ થાઉ. આમ વિચારી તેણે પોતાની બે શક્તિરૂપ પ્રાણ અને પ્રકૃતિને પોતાનામાં જ આવિર્ભૂત કરી દીધાં. તેણે પ્રાણ અર્થાત્ જીવાતત્માને પોતાનામાંથી જ સરજ્યો; પણ જીવને માટે જ્યાંસુધી પ્રકૃતિનો પરીવાર ન હોય ત્યાંસુધી સૃષ્ટિનું સંચાલન થતું નથી. આથી જીવને પોતાનામાંથી સરજ્યા બાદ પરમાત્માએ શ્રદ્ધા અર્થાત્ અસ્તિબુદ્ધિ એટલે કે, આ બધું વિશ્વ છે અને મારું છે એવી મતિને ઉપજાવી અને ત્યારબાદ મતિના જ પરિણામરૂપ પંચ પૃથિવ્યાદિ મહાભૂતો અને દશ જ્ઞાન કર્ર્મેંદ્રિયો અને અગિયારમું મન સરજ્યું. એ બધાના પોષણ માટે અન્ન સરજ્યું, અન્નમાંથી શક્તિના ઝરારૂપ વીર્યને સરજ્યું, ત્યારબાદ વિશોધક તપને સરજ્યું. ઋગ્વેદાદિ મંત્રો સરજ્યા. તે દ્વારા કર્મ સરજ્યુ. કર્મના ઉપભોગ માટે લોક સરજ્યા અને લોકમાં પ્રચલિત દેવદત્ત વગેરે નામો સરજ્યાં. આમ પરમાત્માએ પ્રાણાદિ સોળ કળા સરજી અર્થાત્ આ અદ્ભૂત સૃષ્ટિ આ સોળનો જ અજબ ગુણાકાર છે. એમાં પ્રકૃતિ ભોગ્ય છે અને અવિદ્યાને વશ જીવાત્મા ભોક્તા છે. પદબંધ ભાગવતમાં લખ્યા પ્રમાણે સઘળી સૃષ્ટિ દશ પ્રકારની છે. તે આ પ્રમાણે છે. (૧) મહત્તત્ત્વની સૃષ્ટિ, (૨) અહંકારની સૃષ્ટિ, (૩) પૃથ્વી, વાયુ, તેજ વગેરે પંચમહાભૂતની સૃષ્ટિ, (૪) આંખ, કાન વગેરે ઇંદ્રિયોની સૃષ્ટિ, (૫) વૈકારિક દેવતાની સૃષ્ટિ, (૬) પંચપર્વા અવિદ્યારૂપ નામની સૃષ્ટિ. આ છ પ્રકારની સૃષ્ટિને પ્રાકૃત સૃષ્ટિ પણ કહે છે અને બીજી સૃષ્ટિ વૈકારિકી કહી, (૭) સ્થાવરની સૃષ્ટિ. વનસ્પતિ વગેરે છ પ્રકારની છે. તેમાં જીવ રહ્યો છે અને તે તમોગુણ પ્રધાન છે. (૮) પશુ, પક્ષી, સર્પ, વીંછી વગેરે તિર્યક્ પ્રાણીની સૃષ્ટિ. તેના પણ અંદરખાને ભેદ તપાસીએ તો ૨૮ છે, (૯) મનુષ્યની સૃષ્ટિ અને (૧૦) દેવતાની સૃષ્ટિ. તેમાં દેવતા, પિતૃ, અસુર, ગંધર્વ, અપ્સરા, સિદ્ધ, ચારણ, ભૂત, પ્રેત વગેરે. સૃષ્ટિની ઉત્પત્તિ વિષે લોકમાન્ય ટિળક કહે છે કે, જગતના મૂળ આરંભમાં હિરણ્યગર્ભ હતા અને અમૃત તથા મૃત્યુ એ બે તેની જ છાયા હતી અને તેણે જ પછી સર્વ જગત નિર્માણ કર્યુ; અથવા વિરાટ રૂપી પુરુષ પ્રથમ હતા, તે પછી યજ્ઞથી સર્વ સૃષ્ટિ ઉત્પન્ન થઈ; અથવા પ્રથમ પાણી હતું, તેમાંથી પ્રજાપતિ ઉત્પન્ન થયા અથવા ઋત અનેસત્ય પ્રથમ ઉત્પન્ન થયાં. પછી રાત્રી, તે પછી સમુદ્ર, સંવત્સર એ વગેરે ઉત્પન્ન થયા. આમ એક અથવા બીજી રીતે દૃશ્ય તત્ત્વમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થયાનાં ભિન્ન ભિન્ન વર્ણનો ઋગ્વેદમાં છે. યરપિયન વિદ્વાનો જે જે અનુમાનો સૃષ્ટિ ઉત્પત્તિ સંબંધે કરે છે, જે જે પ્રમાણો વેદ-સમૃતિ-પુરાણ માટે આપે છે, જે જે બાબતો ધ્રુવ અને બીજા દેશોના સંબંધમાં બતાવે છે, તેમ જ મનુષ્ય-ઉત્પત્તિ કેમ થઇ તે માટે શોધો કલ્પનાપૂર્વક કરે છે, તેમાં દહાડે ઘણું ખોટું માલૂમ પડે છે. એક વિદ્વાન અનુમાન કરે છે તેનું બીજો ખંડન કરે છે. પ્રથમ તો સૃષ્ટિ ઉત્પત્તિના સંબંધમાં અર્વાચીન કાળની ભૂતલવિદ્યા જણાવે છે કે, આ પૃથ્વીનો ગોળો અગ્નિમય પ્રવાહી હતો, તે ધીમે ધીમે ઠંડો પડ્યો. ઠંડો પડતાં તેમાં ચીરાડા પડ્યા અને ઊંચી નીચી જમીન નીકળી, ચીરાડા તે સમુદ્ર, નદી તથા સરોવરો અને જમીન તે જમીન અને પર્વતો. ચીરાડમાં કોઈ કાળે છિદ્રવાળી વનસ્પતિ અને બરડાનાં હાડકાં વગરનાં પ્રાણી થયાં. તેમને આંખ જેવું કંઈક હતું, પણ બીજી ઇંદ્રિયો હતી નહિ. પછી બરડાવાળું હાડકું જેમને હતું એવાં પ્રાણી થયાં તે મચ્છ હશે. પછી કોઈ કાળે જમીન ઉપર નેતર. બરુ અને કેટલીક વનસ્પતિ થઈ, તેવામાં રેલ આવી. તે વનસ્પતિ થઈ, તેવામાં રેલ આવી. તે વનસ્પતિ તણાઈ સૂકાઈને સૂર્યના તાપથી બળી કોલસા થયા. પછી જળચર પ્રાણી થયા. આ પ્રાણી મગરમચ્છ જેવાં અને સુસવાટ જેવાં પિસ્તાળીસ ફૂટ લાંબાં હતાં. આમાં કેટલાંક ચોપગાં પ્રાણી હાલના જેવાં થયાં અને હાલના જેવી વનસ્પતિ થઈ. પણ તે પ્રાણી ૧૫ થી ૧૮ ફૂટ લાંબાં હતાં. આ પ્રાણીઓમાં હાથી અને હરણ જેવી જાત ઘણી હતી. તેનો નાશ થઈ તેમાંથી હાલની મનુષ્યસૃષ્ટિ થઈ છે. આ વાદને ડાર્વિન ખોટો પાડે છે તે કહે છે કે, વાનરમાંથી કાળાંતરે મનુ્ષ્યો થયાં; હિમ પ્રદેશમાં જઈને વસ્યા તે ગોરા થયા અને કાળા મનુષ્ય તે હબસી. એક બીજો વિદ્વાન કહે છે કે, પ્રાણીઓ તો જુદાં જુદાં હતાં પણ હવા, પાણી અને કેળવણીથી મનુષ્યસૃષ્ટિ થઈ છે. વળી એક યરપિયન વિદ્વન કહે છે કે, મનુષ્ય તો પહેલાં પશુ સમાન હતો, તે કેળવાઈ ને હાલની હાલતે પહોંચ્યો છે; પણ કેળવનાર કોણ તે કહેવામાં આવતું નથી. એક બીજો સિદ્ધાંત કહે છે કે, મનુષ્ય હાલની સ્થિતિમાં જ થયો છે. ઇંદ્રિયગોચર ન થતું માટે અવ્યક્ત, સૂક્ષ્મ, એકરસ અને ચારે તરફ અખંડ ભરાઈ રહેલા એક એક નિરવય દ્રવ્યમાંથી સર્વ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એ સાખ્યોનો સિદ્ધાત પાશ્વિમાત્ય દેશોના અર્વાચીન આધિભૌતિક શાસ્ત્રજ્ઞોને ગ્રાહ્ય છે, એટલું જ નહિ પણ આ મૂળ દ્રવ્યમાંથી સૃષ્ટિનો ક્રમે ક્રમે વિકાસ થતો આવ્યો છે અને આ પૂર્વાપર ક્રમ અથવા સરણી છોડીને વચમાં જ ધોલૈયાની પેઠે કોઈ વસ્તુ આવી નથી, એવું તેમણે હાલમાં ઠરાવેલું છે. આ મતને ઉત્ક્રાંતિવાદ કહે છે. લોકમાન્ય ટિળક કહે છે કે, આ સિદ્ધાંત પશ્ચિમમાં જ્યારે ગયા શતકમાં શોધી કાઢવામાં આવ્યો તે વખતે ત્યાં મોટું ધાંધલ થઈ પડયું હતું. ખ્રિસ્તી ધર્મના પુસ્તકોમાં એવું વર્ણન છે કે, પરમેશ્વરે પંચમહાભૂત અને જંગમ કોટિમાંનાં પ્રત્યેક પ્રાણીની જાત જુદી જુદી વખતે અને સ્વંતત્ર રીતિએ નિર્માણ કરી હતી અને ઉત્ક્રાંતિવાદ નીકળ્યા પહેલાં આ જ મત સર્વ ખ્રિસ્તીઓ માન્ય કરતા હતા. એટલે ઉત્ક્રાંતિવાદથી આ સત્ય ખોટું કરવાનો જ્યારે વખત આવ્યો ત્યારે ચારે તરફથી ઉત્ક્રાંતિવાદ ઉપર હલ્લા શરૂ થયા અને અદ્યાપિ સુધી થોડા ઘણાં ચાલે છે. સૃષ્ટિનાં જીવન ૩૦,૦૦,૦૦૦ વરસનું છે. ઘડિયાળની માફક તેના કલાકની જેમ ૧૨ ભાગ પાડવામાં આવે તો તેનો ગતિક્રમ આ પ્રમાણે થાય (૧) દરિયામાં જંતુઓ, (૨) દરિયાઇ વીંછીઓ, (૩) પીઠના ટપકાંવાળી માછલી, (૪) હથિયાર જેવાં શરીરનાં અંગવાળી માછલી, (૫) મહાન વૃક્ષો ઊગ્યા તેથી જમીન ઉપર જીવ રહેવા લાગ્યા. હાથ અને પગ દેખાયા (૬ થી ૭) દરિયાઇ પેટે ચાલનારાં પ્રાણી, (૮ થી ૯ ) પેટે ચાલનારાં પ્રાણી પછી પક્ષી, (૧૦) ચોકનાં પડ, દાંત અને પંજાવાળાં પક્ષી, (૧૧ થી ૧૨) વાંદરાં અને છેવટે માણસ પોતે. જીવન શરુ થયાને ૩,૬૦,૦૦,૦૦૦ વર્ષો થયાં છે. સાંખ્યદર્શન પ્રમાણે અધિક સત્ત્વગુણવાળી સૃષ્ટિ ઉત્કૃષ્ટ છે. તમોગુણવાળી સૃષ્ટિ નિકૃષ્ટ છે. રજોગુણવાળી મધ્યમ સૃષ્ટિ કહેવાય છે.
ઉપયોગ
જગતને જે આંખે દેખાય છે તેની પેલી પાર જઇને હું કોણ, સૃષ્ટિની પાછળ શું તત્ત્વ રહેલું છે, આ તત્ત્વ અને મારી વચ્ચે શો સંબંધ છે, તેવો સંબંધ લક્ષમાં લાવતાં મારું આ જગતમાં પરમ સાધ્ય શું છે અને મને તે સાધ્ય પ્રાપ્ત કરવા સારુ મારે કયા પ્રકારનો આયુષ્ય ગાળવાનો માર્ગ સ્વીકારવો જોઇએ અથવા કયા માર્ગથી કયું સાધ્ય પ્રાપ્ત થશે, ઇત્યાદિ ગહન પ્રશ્નોનો યથાશક્તિ શાસ્ત્રીય રીતિએ વિચાર કરવા માટે જ વેદાંતશાસ્ત્રની પ્રવૃત્તિ થયેલી છે. – બાળગંગાધર ટિળક.
|