સૌરાષ્ટ્ર વિધાન

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

સૌરાષ્ટ્રની નવરચના: સને ૧૯૪૭ ના ઓગષ્ટની પંદરમી તારીખે ભારત દેશ આઝાદ બન્યો. ૧૯૪૮ ના ફેબ્રુઅરિની પંદરમી તારીખે હિંદના નાયબ વડા પ્રધાન સરદારશ્રી વલ્લભભાઈની હાજરીમાં સૌરાષ્ટ્રના એકમની સારાયે ભારતવર્ષને જાણ થઈ. ૧૯૪૮ ના માર્ચની પહેલી તારીખે સૌરાષ્ટ્રના સ્થૂળ એકમની શરૂઆત થઈ. તેની બંધારણસભાઃ સૌરાષ્ટ્રનું એકમ તો થયું પણ સૌરાષ્ટ્રની ધારાસભાનું અસ્તિત્વ ન હતું. સૌરાષ્ટ્રના એકમ પહેલા કાઠિયાવાડનાં બે ચાર દેશી રાજ્યોમાં પ્રજાસભા, પ્રજાપ્રતિનિધિસભા, ધારાસભા ઈત્યાદિ નામે કેટલીક સભાઓ હતી. પરંતુ એ કોઈ સભા જેને બંધારણીય અર્થમાં ધારાસભા કે વિધાનસભા કહેવામાં આવે તેવા પૂર્ણ અધિકાર સાથેની ન હતી, કે તેને કોઈ જવાબદાર એવું પ્રધાન મંડળ ન હતું. તેથી સૌરાષ્ટ્રના સંયુક્ત રાજય માટે બંધારણ ઘડી કાઢવાને એક બંધારણસભા એટલે વિધાનસભાની જરૂરિયાત ઊભી થઈ. એ માટે સમસ્ત સૌરાષ્ટ્રમાં ચૂંટણી થઈ અને ૪૫ સભ્યોની બનેલી બંધારણસભાની પહેલી બેઠક તારીખ ૨૪.૧.૧૯૪૯ ના રોજ રાજકોટ ખાતે મળી. જેનું ઉદ્ઘાટન પણ સરદાર વલ્લભભાઈ કર્યું. સૌરાષ્ટ્રની આ બંધારણસભાએ તેની બીજી બેઠકમાં એવો ઠરાવ કર્યો કે, સૌરાષ્ટ્ર લોકપ્રતિનિધિ સભાની આ બેઠક ઠરાવે છે કે : રાજસ્થાનોના સંઘોના નામદાર રાજપ્રમુખો તથા માનનીય વડાપ્રધાનોની પરિષદમાં રિયાસતી ખાતાએ કરેલી ભલામણ અનુસાર રાજસ્થાનોના સંઘનું બંધારણ સમગ્ર હિંદના બંધારણનું અંગભૂત બનવું જોઈએ; અને તે માટે એવું બંધારણ તૈયાર કરવાની આ બેઠક દિલ્હીની હીંદી લોકપ્રતિનિધિસભાને સત્તા આપે છે. બંધારણસભાનું ધારાસભામાં રૂપાંતર: ત્યારબાદ ૧૯૪૯ ના ઓકટોબરની ત્રીજી તારીખે મળેલ બંધારણ સભાએ હિંદની વિધાન સભાએ સૂચવેલ બંધારણને સામાન્ય રીતે માન્ય રાખી કેટલાક ફેરફાર સૂચવ્યા હતા અને છેવટે તારીખ ૧૯ જાન્યુઅરિ ૧૯૫૦ ના રોજ હિંદની બંધારણ સભાએ પસાર કરેલ બંધારણને સંપૂર્ણ બહાલી આપતો ઠરાવ પસાર કરીને પોતાનું કાર્ય સમાપ્ત કર્યું હતું અને પોતે અગાઉ વ્યક્ત કરેલ ઈચ્છા મુજબ સ્ટેટ મિનિસ્ટ્રીની સંમતિથી તારીખ ૨૦ જાન્યુઅરિ ૧૯૫૦ ના રોજ સૌરાષ્ટ્ર બંધારણસભાનું સૌરાષ્ટ્ર ધારાસભામાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. અધ્યાદેશોને અપાયેલું કાયદાનું સ્વરૂપ: આ રીતે સૌરાષ્ટ્ર ધારાસભાનો જન્મ થયો તે પહેલાં સૌરાષ્ટ્રનું રાજ્ય રાજપ્રમુખ તરફથી બહાર પાડવામાં આવતા અધ્યાદેશો (Ordinances) દ્વારા ચલાવવામાં આવતું હતું. જો કે તે કાયદાનું રાજય હતું પણ તે કાયદાઓ સૌરાષ્ટ્ર ધારાસભાએ પસાર કરેલા ન હતા. ધારાસભાને જવાબદાર પ્રધાનમંડળ: સૌરાષ્ટ્ર ધારાસભા થયા પછી તે પરિસ્થિતિ પલટાણી, સૌરાષ્ટ્રનું પ્રધાનમંડળ જે પ્રથમ રાજપ્રમુખને અને સ્ટેટ મિનિસ્ટ્રીને જવાબદાર હતુ તે પ્રધાનમંડળ ધારાસભા થયા પછી જો કે (Technically) તો તે જ રીતે ચાલુ રહ્યું છે પણ હકીકતે તે ધારાસભાને જવાબદાર હોય તે રીતે તેનું રાજતંત્ર ચાલ્યું છે. કારોબારીથી સ્વતંત્ર ધારાસભાનું વહીવટી તંત્ર: હિંદના બંધારણ પ્રમાણેની તે કામચલાઉ ધારાસભા બનતાં તેને તમામ હક્કો અને ફરજો પ્રાપ્ત થયાં. તેણે અધ્યક્ષ (Speaker) અને ઉપાધ્યક્ષ (Dy. Speaker) ચૂંટયા. તેણે બંધારણપૂર્વક કામ ચલાવવાને માટે પોતાના નિયમો પસાર કર્યા અને શૂન્યમાંથી સર્જન કરતાં કરતાં પોતાનું સ્વતંત્રસ્થાન પ્રાપ્ત કર્યું. આજે સૌરાષ્ટ્રની ધારાસભાના કર્મચારીઓ માટેના સ્વતંત્ર નિયમ છે. તે નિયમો અનુસાર કારોબારીથી સ્વતંત્ર રીતે સેક્રેટરી તથા અધ્યક્ષ તાબાના નોકરોની નિમણૂક, બરતરફી, રજા, બઢતી, વગેરે કરે છે. ધારાસભા સચિવાલય પોતાનું અંદાજપત્ર પણ સ્વતંત્ર રીતે તૈયાર કરે છે. અને સામાન્ય રીતે તે સ્વીકારમાં આવે છે. પ્રણાલિકા એવી ઊભી કરવામાં આવી છે કે, તેને લગતી બાબતોમાં અધ્યક્ષનો નિર્ણય સ્વીકારવામાં આવે છે. આ રીતે બંધારણમાં જે સ્વતંત્ર સ્થાન ધારાસભા વિભાગને આપવામાં આવ્યું છે તે સૌરાષ્ટ્રની ધારાસભાએ પોતાના ત્રણ વર્ષના ટૂંકા ઈતિહાસમાં કારોબારીના સહકારથી પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્રની ધારાસભાની તે એક મહાન સિદ્ધિ છે. ધારાસભાનું કમકાજ: આ ધારાસભામાં અંદાજપત્ર રજૂ થાય છે. વળી તારાંકિત પ્રશ્નો એટલે કે, જેના મૌખિક જવાબો આપવામાં આવે અને જેના ઉપર ઉપપ્રશ્નો પૂછી શકાય છે તે અને તેવા બિનતારાંકિત પ્રશ્નો પૂછવામાં આવે છે. બિનતારાંકિત પ્રશ્નો એટલે કે, જેના લેખિત જવાબો ધારાસભાગૃહ સમક્ષ રજૂ કરવામાં આવે. આ ધારાસભાની અંદર બે પ્રકારના વિધેયક એટલે બિલ રજૂ થાય છે. એક સરકારી અને બીજાં બિનસરકારી. પસાર થયેલ વિધેયકોમાં કેટલાંક કાયદાની દૃષ્ટિએ કે ન્યાયની દૃષ્ટિએ મહત્ત્વનાં હોય, જ્યારે કેટલાંક સામાજિક, આર્થિક અને રાજકીય દૃષ્ટિએ જરૂરી હોય છે. દ્વિપત્નીપ્રતિબંધક તથા બાળલગ્ન પ્રતિબંધક વિધેયક વગેરે સામાજિક મહત્ત્વના વિધેયકો પણ હોય છે. પરંતુ આ બધાં ઉપરાંત સમગ્ર હિંદનું ધ્યાન ખેંચે તેવાં મહત્ત્વનાં વિધેયકો તો જમીન સુધારણાને લગતાં હતાં. સૌરાષ્ટ્ર ગરાસદાર પદ્ધતિ માટે એક જાણીતો પ્રદેશ બન્યો હતો. સૌરાષ્ટ્રનાં આશરે ૪૫૦૦ ગામડાંઓથી આશરે ૧૭૨૬ ગામડાંઓ ગરાસદારી પદ્ધતિ નીચે હતાં. આ બધાંનું એકીકરણ કરી સમાન મહેસૂલ પદ્ધતિ દાખલ કરવી એ એક આવશ્યક સુધારો હતો. સૌરાષ્ટ્રના રાજવીઓએ સૌરાષ્ટ્રનું એકીકરણ કરવા માટે કરેલ સત્તાત્યાગ પછી શાંતિમય રીતે સૌરાષ્ટ્રમાં જમીનદારશાહી નાબૂદ થયેલ છે. એ સૌરાષ્ટ્રના ઈતિહાસનું એક ઉજ્જવલ પ્રકરણ છે. વિશિષ્ટ વસ્તુ તો એ હતી કે, જમીનદારશાહી નાબૂદી અંગેનાં વિધેયકો પસાર કરતી વખતે બધા પક્ષો, હિતો અને સભ્યોની સંપૂર્ણ એકમતિથી આ વિધેયકો પસાર કરવામાં આવ્યાં હતાં. આ વિધેયકોમાં જમીન સુધારવાનું વિધેયક, બારખલી નાબૂદી નું વિધેયક અને જાગીર ઉપાર્જન વિધેયક એમ ત્રણ મુખ્ય હતાં. ધારાસભાના કાર્યની વિશિષ્ટતા: સૌરાષ્ટ્રમાં ધારાસભાની શરૂઆત હોવા છતાં પણ કેટલીક બાબતોમાં તેણે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ છે. જેમાં ખાસ કરીને અંદાજ સમિતિ ગણી શકાય. ઈંગ્લંડની પ્રસ્તુત લોકશાહીમાં પાર્લામેન્ટરી સમિતિઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. હિંદમાં પણ આવી જે સમિતિઓને કાયદેસરનું સ્થાન મળેલ છે એ સમિતિઓમાં અંદાજ સમિતિ ને જાહેર હિસાબ સમિતિ આવે છે. આ સિવાય દરેક મંત્રીને સલાહ આપવા માટે સલાહકાર સમિતિઓ તથા નાણાંકીય સમિતિ પણ દર વરસે ધારાસભાના સભ્યોમાંથી ચૂંટવામાં આવે છે. અંદાજ સમિતિએ બજેટમાં રજૂ થયેલ અંદાજો તપાસે છે અને તંત્રની કાર્યદક્ષતામાં વાંધો ન આવે એ રીતે કરકસર કરવા સરકારને ભલામણ કરે છે. અંદાજ સમિતિ કારોબારી સમિતિ ઉપર ધારાસભાના નાંણાકીય અંકુશ ઉપર કામ કરે છે અને નાણાકીય બાબતો ઉપર આડકતરી રીતે દેખરેખ પણ રાખે છે. આમ ધારાસભા માત્ર ધારાઓ ઘડતી અને સરકારી બજેટો પસાર કરતી સંસ્થા નથી પરંતુ આવી સમિતિઓ દ્વારા રાજતંત્ર ઉપર સંપૂર્ણ દેખરેખ રાખી રાજકારોબાર અને પ્રજા વચ્ચેની એક મહત્ત્વની કડી બની જાય છે. સૌરાષ્ટ્ર ધારાસભામાં દરેક મંત્રીસલાહકાર સમિતિ ઉપરાંત અંદાજ સમિતિની નિમણૂક કરવામાં આવેલ છે. આ સમિતિઓ ઉપરાંત ધારાસભામાં રજૂ થતાં કોઈ પણ વિધેયક ઉપર અરજીઓ રજૂ કરી શકાય અને તે બાબતમાં નિર્ણયો લેવાય તેને માટે એક યાચિકા સમિની પણ નિમણૂક કરવામાં આવેલી. આ સમિતિ વિધેયકો ઉપર રજૂ થતી અરજીઓ સંબંધી માહિતી મેળવી ધારાસભા સમક્ષ તેનો અહેવાલ રજૂ કરે છે. ધારાસભ્યોના અધિકારો એ અત્યંત પવિત્ર અને મહામૂલા અધિકારો છે. આ અધિકારો એ લોકશાહીના સફલ સંચાલન માટે પાયારૂપ અધિકાર ગણાય. અધિકારોના સરંક્ષણ માટે તથા તે અધિકારો નિકાલ માટે ધારાસભાના સભ્યોની બનેલી એક અધિકાર સમિતિ પણ નીમવામાં આવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects