1 |
|
पुं. |
સહજાનંદ સ્વામીએ સ્થાપેલ એ નામનો એક ધાર્મિક સંપ્રદાય. આ સંપ્રદાય તરફથી સાહિત્યની સેવા સારી રીતે થયેલી છે. આ સંપ્રદાયના પુરુષોએ ગુજરાતી સાહિત્યના વિકાસમાં પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ સહાય આપી છે. પ્રત્યક્ષ સહાયમાં (૧) મુક્તાનંદ સ્વામી, (૨) બ્રહ્નાનંદ સ્વામી, (૩) પ્રેમાનંદ સ્વામી, (૪) નિષ્કુળાનંદ સ્વામી, (૫) દેવાનંદ સ્વામી, (૬) ભૂમાનંદ સ્વામી, (૭) મંજુકેશાનંદ સ્વામી, (૮) કૃષ્ણાનંદ સ્વામી, (૯) ગોવિંદરામ (૧૦) મંછારામ (૧૧) ધ્યાનાનંદ સ્વામી, (૧૨) શુકાનંદ સ્વામી, (૧૩) ચૈતન્યાનંદ સ્વામી, (૧૪-૧૭) આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી, શ્રી ભગવતપ્રસાદજી, શ્રી કેશવાપ્રસાદજી અને શ્રી રઘુવીરજી મહારાજ, ( ૧૮) આધારાનંદ સ્વામી અને (૧૯) અમરચંદજી વગેરે તરફથી પ્રાકૃત સાહિત્ય પોષાયેલું છે. અને (૧) ગોપાલાનંદ સ્વામી, (૨) નિત્યાનંદ સ્વામી, (૩) વાસુદેવાનંદ બ્રહ્મચારી, (૪) અચિંત્યાનંદ બ્રહમચારી, (૫) શતાનંદ મુનિ, (૬) યોગાનંદ સ્વામી, (૭) ઉત્તમાનંદ સ્વામી, (૮) અખંડાનંદ સ્વામી, (૯) દિનાનાથ ભટ્ટ આદિ અનેક તરફથી સંસ્કૃત સાહિત્ય સારી રીતે પોષાયેલું છે. માણીગર, મ્હોડવી, મરમાળો, પાર્ષદ, સ્નેહલગ્ન, રઢીયાળો, કેશરભીના, આનંદકંદ, અનગળ, અઢળક નાણું, હાકલ, લોકડિયાં, શશીઅર, સભરરસાળો, દિલના દરિયાવ, આદિ અનેક શબ્દો કલાપી તથા નાનાલાલ વગેરે કવિઓએ પોતાના કાવ્યોમાં છૂટથી વાપરી કાવ્યની મીઠાશમાં ઉમેરો કર્યો છે. તે શબ્દો ગુજરાતી ભાષામાં પ્રથમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ તરફથી જ પ્રયોજાયેલા છે. આ નૂતન યુગમાં જરૂરી ગણાતાં એવાં શિક્ષણ અને સંસ્કૃતિનાં મૂળભૂત સાધનરૂપ પૂર્વકાળમાં હતાં તેવા આશ્રમો સ્થાપીને અનુયાયીઓને હાલની કેળવણીની સાથોસાથ ધર્મનું પણ શિક્ષણ ઉદાત્તભાવથી શાસ્ત્રીય રીતે આપવાની શરુઆત થઈ રહી છે. એમાં ગોંડલવાળા શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજીની પહેલ છે. રાજકોટનું એમનું આદર્શ ‘શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ’ તેની સાક્ષી પૂરે છે. તેઓ શિક્ષાપત્રીનું પારાયણ વેદ, વેદાંગ, ગીતા, ઉપનિષદ, રામાયણ, મહાભારત આદિના આધારો આપીને કરે છે ત્યારે એમ જણાય છે કે સર્વ ધર્મો મૂળે અંતે તો એક ધર્મરૂપે જ છે.
|