पुं.
એ નામના એક આદર્શ સંન્યાસી. એમની જુદી જુદી ભૂમિકામાં એમને લોકો પાગલ, દોણિયા કે ગોદડિયા સ્વામી તરીકે ઓળખતા હતા. અત્યારે તેઓ પ્રકાશાનંદજી મહારાજ તરીકે જાણીતા છે. સ્વામી પ્રકાશાનંદજી બાપુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિચરીને જનતાને પરોક્ષ પ્રત્યક્ષ બ્રહ્મજ્ઞાન આપનાર ઉચ્ચ કોટિના એક બ્રહ્મનિષ્ઠ સંતશિરોમણી છે. પૂર્વાવસ્થામાં તેઓએ ગુરુવર્યને છાયામાં રહી યમ નિયમ આદિની સાધના કરતાં કરતાં ગીતા ઉપનિષદ આદિનો અભ્યાસ કરી શ્રવણ મનનથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મધ્યાવસ્થામાં તેઓએ નિર્જન સ્મશાનોમાં વાસો કરી પૂર્વાવસ્થામાં કરેલ શ્રવણ મનનની પરાકાષ્ટારૂપ નિદિધ્યાસન કરીને સવિકલ્પ સમાધિદ્વારા બ્રહ્મપ્રાપ્તિનું નિત્ય સુખ પ્રાપ્ત કર્યું હતું. હવે અત્યારે ઉત્તરાવસ્થામાં તેઓ ‘ વાર્તાલાપ ’ આદિ દ્વારા જનતા અને શ્રદ્ધાળુ જનોનાં હૃદયે હૃદયે બ્રહ્મજ્ઞાનની અખંડ જ્યોત પ્રકટાવી રહેલ છે. તેઓનો જન્મ દક્ષિણમાં આવેલ વિજયનગર પાસેના એક ગામડામાં સંવત ૧૯૧૭માં થયો છે. તેઓ ૪ વર્ષનાં હતા. ત્યાં સુધીની વાતો એમને યાદ છે. તેઓને ૫ વર્ષ પૂરાં થયાં ત્યારે દાદાજીએ તેઓને માટે ઘર આગળ ભણવાની સગવડ કરી હતી. સામાન્ય રીતે દક્ષિણમાં બ્રાહ્મણ અબ્રાહ્મણનો ભેદ તે વખતે બહુ હતો. દાદાજી માનતા કે, એમને શાળામાં શુદ્રો સાથે ભણવા ન બેસાડવા. આથી તેઓએ ઘર આગળ એક ખાસ પંડાજી રાખી ચાર છ છોકરા સાથે પૂરા પાંચ કલાક ભણી શકે એવી સગવડ કરી હતી. દાદાજી વ્યાજવટાવનો ધંધો કરતા હતા. પિતાશ્રી એમની મદદમાં રહેતા હતા. ત્યાં આગળ સામાન્ય શાળામાં પહેલી, બીજી, ત્રીજી એમ ચોપડીઓ ભણાવતી હતી; ત્યારે ઘર આગળ પંડાઓ (૧) એક અક્ષર, બે અક્ષર, ત્રણ અક્ષરના શબ્દો લખતા વાંચતાં શીખવતા અને છેવટે ચાર ચાર અક્ષરના શબ્દો લખાવતા વંચાવતા હતા. (૨) બાલશિક્ષામાં વાર, તિથિ, નક્ષત્ર, પંચાંગ વગેરે જ્યોતિષિની વાતો શીખવવામાં આવતી હતી. (૩) નીતિના વાક્યો અને એવી બોધદાયક વાર્તાઓ પણ શીખવાતી હતી. (૪) બાલ રામાયણના ૧૦૦ શ્લોક શીખવવામાં આવતા. (૫) ભાગવત સરસ કાવ્યોમાં એટલે કે, શિખરણી, વસંતતિલકા, શાર્દૂલ વગેરે વૃત્તોમાં શીખવાતું (૬) અમરકોષ પણ થોડો ઘણો શીખવવામાં આવતો. આ બઘું શિક્ષણ તૈલુગુ એટલે કે, માતૃભાષામાં જ લખાણ અને મોઢેથી અપાતું હતું. તે વખતે પરીક્ષાનું ધોરણ ત્યાં નહોતુ અંગ્રેજી પણ ભાંગ્યુતૂટ્યું એ જ પંડા પાસે એક બે ચોપડી સુધીનું શીખેલ. પંડાઓ સીવેલ કપડાં નહોતા પહેરતાં. તેઓ ઓઢીને ભણાવવા આવતા. ભાવિ સ્વામીજી તે વખતે પહેરણ પહેરતા હતા અને આથી બીજાઓ ટીકા કરતા હતા. આવી રીતે આજથી ૭૫ વર્ષ પહેલાં દક્ષિણમાં શિક્ષણ ઘેર બેઠાં આપવામાં આવતું હતું. આવી રીતે તેઓ ૧૪ વર્ષના થયા ત્યાં સુધી તેઓ ભણ્યા હતા. તેઓ ૮ વર્ષના હતા ત્યારે પિતાશ્રી સ્વર્ગવાસ થયા ને ૧૮ વર્ષના હતા ત્યારે માતાજી સ્વર્ગવાસ થયાં હતાં. પોતા સિવાય બીજા કોઈ ભાંડરું નહોતાં પોતે એકના એકના એક પુત્ર હતા. દાદાજી પાસે તેઓ સંસ્કાર, શિક્ષણ અને રક્ષણ પામેલ હતા. ૨૬ છવ્વીસ વર્ષના થયા ત્યારે તેઓએ સંન્યાસ માટે ગૃહત્યાગ કર્યો હતો. પોતાની મિત્રની સ્ત્રીને બાળતા હતા ત્યારે શ્મશાનમાં તેઓ પોતે નજીક જઈને જોતા હતા. તે રૂપવાન સ્ત્રીના ફોદેફોદા ઊડતાં, પેટ વગેરે બળતાં, ચામડી ફાટતાં, બળતાં વગેરે ખાસ નજરે જોયેલ અને તેથી એમને શરીર માટે ગ્લાનિ થયેલ. તેઓ પોતે કહે છે કે, હું ખાસ નજીક જઈને એ શબ બાળતાં નિહાળતો હતો અને પેટ, મોઢું વગેરે ત્રુટતાં, ચડચડ થતાં નજરે જોયેલાં. પછી ત્યાંથી નિશ્ચય કરીને ચાલીને નીક્ળી બેલગામ પહોંચ્યો. બેલગામે અમે ધંધાર્થે રહેલ. ત્યાં શ્રી લલ્લુભાઈ સાથે સંબંધ હતો. બેલગામમાં દક્ષિણામૂર્તિ નામક કોઈ મહાત્માની સમાધિ છે, ત્યાં હું જતો અને તે સમાધિ પાસે બેઠો રહેતો અને તેની પાસેની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મડદા ચીરતાં હોય તે તેઓની સાથે નીરખીને જોતો. હૃદય, યકૃત વગેરે બધું હું ત્યા જોતો. વિદ્યાર્થીઓ મડદાં ચીરતાં ચીરતાં ચા, કોફી પીતાં. ભંગી મેલું ઉપાડતાં ઉપાડતાં રોટી વગેરે ખાતાં. તે બધું જોઈને મને ગ્લાનિ થતી. હું જાણીને જોઈને આ બધુ વૈરાગ્ય થાય માટે જોતો, વિચારતો ને તેને અનિત્ય માનતો. દક્ષિણામૂર્તિ નામના મહાત્માની સમાધિ તેઓશ્રી કહે છે તે પ્રમાણે ૧૫૦ વર્ષ પરની છે. તે મહાત્મા બહુ જાણીતા હતા અને તે સમાધિ આગળ ઘણા માણસો શ્રીફળ વધેરવા આવતાં. ત્યાં શુક્રવારે તો જાણે મેળો ભરાતો. સમાધિ લેવાનું રહસ્ય સમજાવતાં તેઓ કહે છે કે, મૂળે તે સંત, સંન્યાસીઓ અને ખાસ કરીને હઠયોગીઓ માટે છે. તેઓનો મરતી વખતે જીવ જતો રહેતો નથી એ માન્યતાથી સમાધિની પ્રથા પડી લાગે છે. સંન્યાસ લીધા પહેલાં સત્સંગ અને મહાપુરુષોના સંપર્કથી તેઓએ થોડી ઘણી ત્યાગ, વૈરાગ્ય ને જ્ઞાનની પૂર્વભૂમિકા સ્વાભાવિક રીતે જ તૈયાર કરી લીધી હતી. ઘરમાં હતા ત્યારે તેઓએ આતુર સંન્યાસ સંબંધે વાંચેલ; એટલે તે મુજબ તેણે પોતે જ પોતાને હાથે કોઈને દુભવ્યા વિના સંન્યાસ લીધો. શ્રી લલ્લુભાઈની સાથે સંબંધ હતો તેથી એમને મનથી ગુરુ માનેલ; પણ તેઓએ કોઈ પાસે દીક્ષા લીધી નથી. એમના જન્માક્ષર દાદાજીએ જોશી પાસે કઢાવેલ. તેમાં એમના ભણતર સંબંધે લખ્યુ છે કે : તેની વિદ્યા અધૂરી રહેશે તે પૂરી કરી શકશે નહિ. થયું પણ તેમ જ ; કેમકે, તેઓએ બાલશિક્ષા અને અમરકોષ આદિ ભણીને ચૌદ વર્ષે પોતાનું ભણતર છોડી દીધું. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તેને બાંધીને રાખો પણ તે ઘરમાં રહેશે નહિ. ખરે તેમ જ થયું; કેમકે, તેઓએ ૨૬ વર્ષે પોતાની મેળે સંન્યાસ લીધો. જન્માક્ષરમાં બે સ્ત્રીઓનો યોગ હતો; પણ એક સાથે સગપણ થયા પછી તે મરી ગયેલ અને બીજી સાથે સંબંધ થતાં પહેલાં તેઓ ભાગી છૂટ્યા. સંન્યાસ લીધા પછી તેઓ મદ્રાસ ગયા. ત્યાં બ્રહ્મસમાજથી પરિચિત થયા. મંદિર, મૂર્તિ વગેરેને બ્રહ્મસમાજી ન માનતા, તેઓ પણ ત્યાંથી એ શીખ્યા. તેઓ ઉપનિષદનું ભાષાંતર કરતા. તે પણ પ્રેમ ત્યાંથી થયો. ગીતા ઉપર કોઈ ટીકા કરતાં કે, એ તો ક્ષેપક ભાગવાળી છે. પછી તેમાંથી તેઓ એમ શીખ્યા કે, દૈવી સંપત્તિવાળો જે ભાગ ગીતામાં છે તે સુંદર છે; તેમજ ઉપનિષદ કરતાં તેમાં ખુલાસો વધુ છે. વળી રાક્ષસી આસુરીનો માત્ર ઉલ્લેખ જ ઉપનિષદમાં છે, જ્યારે ગીતામાં તો તેની વિગત છે. ત્યારપછી તેઓએ તત્ત્વાનુસંધાનનો અર્ધો ભાગ ભુજમાં રહેલ જ્ઞાનનંદજી સ્વામી પાસેથી જાણી લીધો અને બાકીનો અર્ધોભાગ મનથી માનેલ ગુરુવર્ય શ્રી લલ્લુભાઈ પાસેથી જાણ્યો. આ રીતે તત્ત્વાનુંસંધાન સંન્યાસાશ્રમમાં આવ્યા પછી શરુઆતમાં જ તેઓએ જાણેલ. નારાયૈણમ સ્વામી પાસેથી ચમત્કાર આદિ નિમિત્તે કંઈ થોડું ઘણું જાણી યમ, નિયમ આદિની મૂળભૂત હકીકતો સમજી યોગના પ્રયોગો તેઓએ શરૂ કરેલ; પણ પાછળથી તેના ગુણદોષ કે સકામનિષ્કામતાનો વિચાર કરીને તે અભ્યાસ પ્રયોગ આદિ છોડી દીધા હતા. ઉપનિષદ આદિનો અભ્યાસ તેઓએ ભુચ્ચૈય પંતુલુ એટલે કે ભુચ્ચૈય નામના એક જૂના પ્રોફેસર પાસે કર્યો હતો. ન્યાયતર્ક બહુ જ જરૂરનો છે, તે વૃત્તિપ્રભાકરમાં છે અને તેથી વૃત્તિપ્રભાકર કે જેમાં ખંડનખંડન ની ક્રિયાપ્રક્રિયાઓ હોય છે તેનો અભ્યાસ તેઓએ અર્ધો જાનકીદાસ મહારાજ પાસે અને બાકીનો અર્ધો રામાનુજ સ્વામી પાસે કર્યો હતો. આ ઉપરાંત કચ્છમાં રહેનારા ગુરુના પરિચયવાળા નારાયણ સ્વામી પાસેથી પણ થોડું ઘણું તેઓએ જાણ્યું હતું. નારાયણ સ્વામી પોતે છપનિયા કાળ વખતે ૭૨ વર્ષની ઉમરના વયોવૃદ્ધ હતા ને તેઓ પાસે દીકરીઓ ગીતા વગેરે શીખવા બહુ આવતી હતી. સ્વામીજી એમ માનતા હતા કે: આ સ્ત્રીઓ જો કંઈ શીખશે તો તેઓ પોતાના પતિમાં અને પુત્રપરિવારમાં તેનો ફેલાવો કરી શકશે. તેઓએ પાણિનીસૂત્ર કે એ સૂત્રો ઉપરથી હેમાચાર્યે લખેલું સૂત્રાત્મક વ્યાકરણ આદિ પણ ભાષ્યોના અર્થ સમજવા માટે શીખવા જરુરનાં છે એમ માનીને વ્યાકરણપતંજલિ આદિનો પ્રાથમિક અભ્યાસ તેમ જ લઘુકૌમુદી કે જેમાં એ બધું સમાય જાય છે તેનો સચોટ અભ્યાસ તેઓએ સ્વામી અમરેશ્વર પાસે કર્યો છે. તેઓ ઋષિકેશમાં સ્વામી સુખાનંદજી પાસેથી ધોતી, બસ્તી વગેરે ક્રિયાઓ શીખેલ; પણ તે વખતે એમને બીજાઓએ કહેલ કે એ બધી ક્રિયાઓ કરવા જેવી નથી; એ કરતાં ગીતાઉપનિષદોનો અભ્યાસ કરવો સારો છે એમ ખાતરી થતાં તેઓ ધોતી, બસ્તી આદિની ક્રિયાઓને અમલમાં નહિ મૂકતાં ઉપનિષદ આદિ રાજયોગના માર્ગે જ્ઞાનયજ્ઞ કરવા તરફ આકર્ષાયા. તેઓએ પ્રાણાયામ આદિનો અભ્યાસ ગુરુ પાસે કરેલ; પણ એમને લાગ્યું કે હથયોગી ખરો તો કોઈ નથી; કેમકે એ યોગ હોય તો જરા, મરણ ન હોય. દક્ષિણમાં નારાયણ સ્વામી હતા એમની પાસેથી તેઓ પ્રથમ ગુપ્ત વિદ્યા શીખવા માંડ્યા; પણ તે એક પ્રકારનો જાદુ હોઈને તેમ જ તેનાથી જ કલ્યાણ નથી એમ માની તે શીખવું પણ બંધ કર્યું. પ્રથમ તેઓને એમ થએલ કે એ ગુપ્તવિદ્યા શીખીને બીજાનું કલ્યાણ થઈ શકશે; પણ પછી એનો હેતુ સારો ન લાગવાથી તે ગુપ્ત વિદ્યા શીખવી બંધ કરી દીધી. ઉપર જણાવેલ એ બધા ભિન્ન ભિન્ન અનુભવથી છેવટે તેમને ચોક્ક્સ લાગ્યું કે ગીતા, ઉપનિષદ જ્ઞાનમાર્ગ જ એ બીજા માર્ગો કરતાં શ્રેષ્ઠ છે; એટલે તેમાં તેઓનું મન ચોંટયું અને તેનો અભ્યાસ કરવામાં તત્પર થયા. તેઓ કહે છે કે : કચ્છ, ગુજરાત અને કાઠિયાવાડમાં ઘણા મહાત્માઓના પરિચયમાં પોતે આવેલ; પણ ગીતાના બીજા અધ્યાયમાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞ લક્ષણવાળા મહાત્માઓમાં પ્રથમ કચ્છમાં પૂજ્ય સ્વામી નારાયણદાસજી, બીજા અમદાવાદવાળા પૂજ્ય સ્વામી સરપૂદાસજી, ત્રીજા ચરોતરમાં પૂજ્ય સ્વામી જાનકીદાસજી અને ચોથા કાઠિયાવાડમાં પૂજ્ય નિત્યાનંદજી છે. ઉપરોક્ત આદર્શ સંન્યાસીઓ સાથે તેઓને ઘણાં વર્ષો સુધી કોઈ કોઈ વાર સમાગમ થતો. તે ઉપરથી તેઓ લખે છે કે; મહારાજ સરપુદાસજી અને જાનકીદાસજી સ્વામી પોતે પૂર્ણ અદ્વૈત નિષ્ઠાવાળા હોવા છતાં પણ લોકોને તો માત્ર સામાન્ય નીતિનો બોધ આપતા. જેમકે, સત્ય બોલવું, સત્ય ચાલવું વગેરે. આ બે મહાપુરુષોનો પ્રભાવ પણ એવો હતો, કે ત્યાંનું વાતાવરણ પણ સાત્ત્વિક, સૌમ્ય અને શાંત રહેતું અને માયાની ગંધ પણ પ્રવેશ કરી શક્તી નહિ. ભેટ પૂજા તો શું પણ પુષ્પાદિ પણ અર્પવાનો ત્યાં પ્રતિબંધ હતો. આવા મહાપુરુષોને પછી મઠ અને શિષ્યો તો ક્યાંથી હોય ? સ્વામી શ્રી પ્રકાશાનંદજી મહારાજે સ્વામી શ્રી નિત્યાનંદજીના બહ્મીભૂત થયા પછી એમની સાથેનો `વાર્તાલાપ` એ નામનું પુસ્તક છપાવ્યું છે. તેની અત્યાર સુધીમાં સાત આવૃત્તિઓ થઈ ગઈ છે. આ પુસ્તક તેઓ પોતે ગોંડલના શ્મશાનમાં વિહારી આદિ એમના ભકતોને લખાવતા હતા અને તેમાં એક પણ કાનામાત્રનો ફેર હોય તો તે કદી પણ ચલાવી લેતા નહિ. પોતાના મોતી જેવા જીણા અક્ષરની તૈલુંગુ ભાષામાં અનેક નાની મોટી નોંધો તેઓ પોતાની દોણીમાં ચીંથરે વીંટીને રાખતા અને તેમાં જરૂર પડે તો જોતા જતા. વચ્ચે નાની મોટી અનેક ચર્ચા વિચારણા અને વિનોદ થતો જતો હોય તો પણ પોતે તો સ્થિતપ્રજ્ઞની જેમ કૂટસ્થ રહીને એ બધું લખાણ કડીબંધ લખાવતા. રાત જેમ જેમ ગળતી જાય તેમ તેમ તે વધુ ને વધુ ખીલતા જતા હોય ! એમને એમ કરતાં જોયા હોય તેને જ અનુભવ થાય કે, આ તે બધું એમને કોણ પ્રેરે છે, સુઝાડે છે એમનું એ બધું લખાણ સમાધિ ભાષામાં સ્વત: તેઓ હિંદીમાં બોલતા હતા અને તે જ ક્ષણે તેનું ગુજરાતી લખાઈ જતું હતું. શ્રોતાજનોને એમ જ લાગે કે જાણે કેમ એમના હૈયામાંથી પાણીનો ફુવારો છૂટ્યો. એવી રીતે લખાવેલું પોતાનું લખાણ તેઓ પોતાની સાથેના પરિચયવાળા નાના મોટા અનેક શાસ્ત્રીઓ, પંડિતો અને વિદ્વાજ્જનો પાસે તપાસાવે, સુધરાવે, સંસ્કરાવે અને પછી છાપખાનામાં છાપવા દે. છાપખાનામાંથી આવેલ તમામ પ્રુફો બરોબર તપાસાય છે કે નહિ તેની ચીવટ પોતે રાખે અને જરૂર પડે ત્યાં જોઈતા સુધારા પણ કરાવે. એમાંથી થોડી એક પ્રસાદી આ રહી: એ છે એમનો જીવતો જાગતો સદાને માટે આચરી બતાવેલો જીવંત બોધ. x x x આ જગતમાં પ્રાણીમાત્ર સુખની ઈચ્છા કરે છે, દુ:ખની કોઈ ઈચ્છા કરતું નથી; પરંતુ વાસ્તવિક સુખ ક્યાં છે એ બહુ થોડા જાણે છે. ધ્યાનયોગ કરતાં કરતાં જીવ બ્રહ્મ વચ્ચે આવરણ ભંગ થયા પછી જે શુદ્ધ, સત્વપ્રધાન બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે ને ત્યારે જે સુખનો અનુભવ થાય છે તે જ સાત્ત્વિકસુખ કહેવાય છે. x x x શાસ્ત્રમાં કહ્યું છે કે, આકાશમંડળમાં મોક્ષ નથી, પાતાળમાં કે ભૂતળમાં મોક્ષ નથી, પરંતુ હૃદયમાં અજ્ઞાનરૂપ જે ગ્રંથિ છે, તેનો નાશ કરવો એ જ મોક્ષ કહેવાય છે; એટલે કે, દુ:ખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે; અને જીવતાં જ જીવન્મુક્ત થવાય છે. શ્રુતિમાં પણ આ સંબધે કહે છે કે બુદ્ધિમાં રહેલી સર્વ કામનાઓ જ્યારે નાશ પામે છે ત્યારે મનુષ્ય મરણ રહિત થાય છે એટલે કે તે બ્રહ્મને અહીં જ પામે છે. x x x મુમુક્ષતા એટલે મોક્ષની ઈચ્છા, દુ:ખમાંથી મુક્ત થવાની ઈચ્છા. જેમ કોઈ પણ કારણથી જળની બહાર પડેલું માછલું પાછું જળમાં જવાને માટે અત્યંત તરફડે છે અને જળમાં જવાને માટે પ્રયત્ન કરી ગમે તે પ્રકારે જ્યારે તે જળમાં જાય છે ત્યારે જ તેને શાંતિ થાય છે. બળતા જંગલમાં સપડાયેલું પક્ષી જેમ અત્યંત પ્રયત્ન કરીને ગમે તે પ્રકારે તેમાંથી બહાર નીકળી જાય છે, તે પ્રમાણે માયામાં સપડાયેલાઓ તેમાંથી મુક્ત થવા માટે અત્યંત પ્રયત્ન આદરે છે, તે તીવ્ર મુમુક્ષતા કહેવાય છે. x x x દરેક અંત:કરણમાં મળ, વિક્ષેપ અને આવરણ આ ત્રણ પ્રકારના દોષ છે. મળ એટલે પાપ. પાપ બે પ્રકારના છે: મહાપાપ અને અલ્પપાપ. મહાપાપ એટલે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુપત્ની સાથે ગમન અને ઉપર કહેલાં મહાપાપ કરનારાઓની સાથે સંપર્ક એ પાંચ મહાપાપ છે. ગાયનો વધ કરવો, ક્ન્યાવિક્રય કરવો, પરસ્ત્રીગમન કરવું, ગુરુ માતાપિતાનો ત્યાગ કરવો, શાસ્ત્રે બાંધેલા નિયમ કરતાં વધારે વ્યાજ લેવું વગેરે અલ્પપાપ કહેવાય છે. આ મહાપાપ અને અલ્પપાપ તે રાક્ષસી પ્રકૃતિ કહેવાય છે. તેને લીધે મળ દોષ ઉત્પન્ન થાય છે. તેના નિવારણ માટે વેદમાં યજ્ઞ, દાન અને તપ આ ત્રણ પ્રકારનાં કર્મ લખેલાં છે. વિક્ષેપ એટલે અંત:કરણ માં પંચ વિષયોના ભોગની ઈચ્છારૂપ મલિન સંસ્કાર, આને જ આસુરી પ્રકૃતિ કહેવાય છે. વિક્ષેપ દોષનું નિવારણ કરવા માટે વેદમાં ઈશ્વરની ઉપાસનાનું પ્રતિપાદન કરેલું છે. આવરણ એટલે પોતાના સ્વરૂપનું એટલે જીવ આત્મા તથા પરમાત્માના સ્વરૂપનું અજ્ઞાન. એ અજ્ઞાનના નિવારણ માટે વેદમાં કહ્યું છે. જ્ઞાનકાંડ એટલે ઉપનિષદ ભાગ. તેના શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી સમાધિ દ્વારા બહ્મનું અપરોક્ષ જ્ઞાન થાય છે. અપરોક્ષ જ્ઞાન થયા પછી એ શુદ્ધ સત્ત્વ અંત: કરણના પ્રારબ્ધને લીધે મળ વિક્ષેપ એટલે રાક્ષસી અને આસુરી પ્રકૃતિ ફરીથી ઉદ્ભવી શક્તી નથી; કેમકે મળવિક્ષેપ આવરણ જે અંત:કરણથી દૂર થયાં છે તે મહત્પુણ્ય સંસ્કારવાળા પ્રારબ્ધમાંથી જ જ્ઞાન થાય છે. શ્રુતિ વાક્ય છે કે જ્ઞાનથી જ મોક્ષ છે; એટલે કે મોક્ષનું સાક્ષાત્ કારણ તો જ્ઞાન છે; પરંતુ પ્રાણીમાત્રના અંત:કરણમાં રહેલા ત્રણ દોષો પ્રાણીઓનાં જન્મમરણાદિ સર્વ દુ:ખોનો હેતુ છે. આ ત્રણ દોષો દૂર થયે મુમુક્ષુઓ મોક્ષ સુખને અનુભવી શકે છે. પ્રાણીમાત્ર ઉપર અનુગ્રહ કરી સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમેશ્વરે કર્મ, ઉપાસના અને જ્ઞાનથી પૂર્ણ ત્રણ કાંડરૂપ વેદની રચના કરી; એટલે કે, જન્મમરણાદિ દુ:ખોને આપનારાં મળ, વિક્ષેપ અને આવરણના નાશના ઉપાયરૂપ કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ક્રમથી ત્રણ ઉપાયો વેદમાં કહ્યા છે. x x x તેઓ કહે છે કે : હું ઉત્તરહિંદમાં કાશી, પ્રયાગરાજ, હરિદ્વાર, ઋષિકેશ વગેરે અનેક નાના મોટા તીર્થસ્થાનો, દેવાલયો, મઠો અને આશ્રમોમાં ફર્યો છું. ત્યાં પણ શાસ્ત્રચર્ચા, કથાશ્રવણ, સિદ્ધાંતવિવેચન વગેરે સૂક્ષ્મ બુદ્ધિને સંતોષે એવાં જ્ઞાનપ્રાપ્તિનાં સાધન માટેના ઉપદેશો દેવાતાં જોયા છે. વળી ત્યાં અનેક પુસ્તકો અને પુસ્તકાલયોમાંથી જ્ઞાન મેળવવાની લોકોની પ્રવૃત્તિ જોઈ છે. અલબત્ત આ બધી પ્રવૃત્તિઓ માત્ર દેવદર્શનોના કરતાં વધારે સૂક્ષ્મ અને ઉચ્ચ ભૂમિકાની દેખાય છે ખરી, પરંતુ આ બધે ઠેકાણે વિવેક વૈરાગ્યાદિ સાધન સહિત એ શ્રવણ કરેલ જ્ઞાનને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન બહુ જ વિરલ દેખાય છે. લોકો માત્ર શ્રવણ કરે છે, પણ ત્યાર બાદ તે શ્રવણ નું મનન અને એકાંતમાં નિદિધ્યાસન કોઈક જ કરતું જોવામાં આવે છે. વાણીનો વ્યાપાર વધુ થાય છે, પરંતુ ક્રિયામાં તત્પરતા બહુ જ ઓછી દેખાય છે. આ બધો કળિયુગનો પ્રતાપ છે. x x x પહેલાં અનાજ પુષ્કળ થતું અને તેનો ઉપભોગ કરનારા થોડા હતા, તેથી નિર્વાહ માટે કોઈને વાંધો આવતો નહિ; પણ હાલમાં તો નિર્વાહની મુશ્કેલી વધારે છે એટલે પોતાના નિર્વાહ પૂરતી કમાણી કરવામાં વાંધો નથી, પણ હું લાખોપતિ થઈ જાઉં એ હેતુથી ગરીબોને નીચોવીને પૈસાનો સંગ્રહ કરવો એ ખોટું છે; કેમકે વધારે પૈસો ગરીબોને નિચોવ્યા સિવાય કે અનીતિ કર્યા સિવાય એકઠો થતો નથી; માટે ગેરવાજબી દ્રવ્ય લઈને ભેગું કરવાનો કોઈને અધિકાર નથી. મનુષ્યમાત્રને પ્રભુએ હક્ક તો સરખા જ આપ્યા છે; કેમકે રાજાને કે શ્રીમંતોને કંઈ ત્રણ આંખો કે ચાર હાથ આપ્યા નથી, તેમ ગરીબોને બે હાથ કે બે આંખથી ઓછું આપ્યું નથી. તે પ્રમાણે ખાવાપીવા માટે પણ એકસરખું જ છે. માટે પોતાનો કેટલો હક્ક છે તે સમજીને જગતમાં સૌએ વર્તવું જોઈએ. પોતાના હકક કરતાં વિશેષ સંઘરી રાખવું એ પ્રભુના દંડને પાત્ર છે. નીતિથી કમાઈને ગરીબોની મદદ કરવી એ દૈવી છે. માત્ર પોતાનાં જ સુખસાધન માટે કમાવું એ આસુરી છે અને બીજાને નિચોવીને સંગ્રહ કરવો એ તો રાક્ષસી જ છે. શ્રીમદ્ ભાગવતમાં લખેલ છે કે:
યાવત્ ભ્રિયેત જઠરં તાવત્ સત્વં હિ દેહિનામ ।
અધિકં યોડભિમન્યેત સસ્તેનો દંડમર્હતિ ॥
અર્થાત્ પ્રાણીમાત્રને માટે પેટપૂરતો એટલે કે માત્ર નિર્વાહ પૂરતો જ હક્ક છે. તેથી અધિક જે સંગ્રહે છે તે ચોર છે અને તેથી દંડને પાત્ર છે. ત્યાગ વૈરાગ્યમાં અજોડ એવા ગોદડિયા સ્વામી સામાન્યત: શાંત, સૌમ્ય અને મૌનમૂર્તિ છે; છતાં યે કયારેક ક્યારેક મર્મભર્યો વિનોદ પણ કરી લે છે. જેમકે, એક વખત પીઠડિયામાં ડોકટર વીરજીભાઈએ વિદાય લેતાં એમની જીર્ણ ગોદડીનાં લટકતાં ચીંથરામાંથી એક ચીંથરુ ખેંચી લીધું. આ જોઈ કોઈએ પૂછ્યું કે એ ચીંથરાને તમે શું કરશો ? તેણે જવાબ દીધો કે, એને હું સ્વામીશ્રીની પ્રસાદી માની એમના સ્મરણ તરીકે પૂજામાં રાખીશ. સ્વામીશ્રીએ એમને વિનોદ કરતાં કહ્યું કે એ પ્રમાણે મારી ફાટેલી ગોદડીનાં ચીંથરાંનો બધા તમારી માફક એક એક લીરો લઈ જાય તો હું તો ગોદડી વિનાનો થઈ જાઉં ! એક વખત ગોંડલમાં બનેલો બનાવ વર્ણવતાં તેઓ કહેતા હતા કે સને ૧૯૪૩ ના અરસામાં યુવરાજ ભોજરાજજી બાપુ હું ના પાડતો હતો તોયે મને બંગલે તેડી ગયા. ત્યાં મોટા બાપુ ભગતસિંહજી મને જોઈને ઊભા થઈ ગયા ને પગે લાગી વાતો કરવા માંડ્યા. પ્રથમ મારી તબિયતના ખબર પૂછ્યા ને મારી તબિયત સારી જોઈને રાજી થયા. વાતવાતમાં તેઓએ મને કહ્યું કે તમે ૫૦ વર્ષ થયાં ગુજરાતમાં છો ને ગુજરાતી હજુ કેમ નથી શીખી લીધું ? એટલે મેં કહ્યું કે તમે જે ડિકશનરી કરો છો તે પૂરી થાશે એટલે તેમાંથી હું ગુજરાતી શીખી લઈશ. ત્યારે મોટા બાપુએ કહ્યુ કે એ તો મારી હયાતીમાં પૂરી થાય એમ લાગતું નથી. સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈમાં એમના અસંખ્ય ભક્તો છે. ગોંડલ, મોરબી, વાંસદા વગેરે નાનાં મોટાં અનેક ભૂતપૂર્વ રાજ્યોનાં રાજકુટુંબોને એમનામાં અચળ શ્રદ્ધા છે, એટલું જ નહિ પણ તેઓ એમના સદ્બોધને એકનિષ્ઠાથી આચરવાના પ્રયાસ કરી રહ્યાં છે. વિદ્વાનો, પંડિતો, શાસ્ત્રીઓ તેમજ મોટા મોટા પ્રોફેસરો ને પ્રિન્સિપાલો પણ એમનો સંપર્ક સાધી કંઈક પણ અપ્રાપ્ય વસ્તુ પ્રાપ્ત કરવાને તલસી રહ્યા હોય છે. ભલભલા ત્યાગીઓ અને સંન્યાસીઓ પણ એમના દર્શન માટે આતુર હોય છે. એમને જયારે કોઈ દર્શન કરી કૃતાર્થ થવા ચરણસ્પર્શ કરે છે ત્યારે એમને તેમ નહિ કરવા દઈ પોતે ગળગળા થઈ અતિ નમ્રતા ને વિવેક થી સામાં વંદન કરી મૌન ધારણ કરી શાંત બેસી રહે છે. પછી જ્યારે એમના મનમાં આવે ત્યારે પોતાને દર્શને આવનારને સચ્ચોટ સદ્બોધરૂપી અણમૂલી પ્રસાદી આપતાં કહે છે કે: જગતમાં સૂક્ષ્મ બુદ્ધિવાળા થોડા જ હોય છે, ઘણાખરા પ્રાકૃત હોય છે; તેથી ખરા ખોટાની પરીક્ષા સામાન્ય રીતે થતી નથી. આમાં લોકોનો દોષ નથી. કારણ કે, સામાન્ય રીતે જનસમુહની બુદ્ધિ રાજસતામસ થઈ ગઈ છે; માતે સત્યનું નિરીક્ષણ કરી શકતા નથી. આ કલિયુગનો પ્રતાપ છે. કલિયુગમા વર્ણન પણ કહ્યું છે કે ગીતા નાશ પામી છે, પુરાણ પણ થોડું ઘણું ગત થયું છે, સ્મૃતિના સિદ્ધાંતો લય પામ્યા છે. ચારે વેદ દૂર ગયા છે એટલે કે જર્મનીમાં ચાલ્યા ગયા છે. હાલમાં ધનના દાસ થયેલા પુરુષોના વચનોથી મોક્ષપદવી મનાય છે, માટે અમે જાણીએ છીએ કે કલિયુગ આ તારો જ મહિમા છે. બૃહદ્ નારાયણ પુરાણમાં કહ્યુ છે કે : ગ્રહણ કરવાની શક્તિના અભાવથી ફરીથી અધર્મ પ્રવર્તે છે. આનું કારણ વેદશાસ્ત્રના અધ્યયનના અભાવે આ ધર્મ છે કે અધર્મ છે તેનું નિરીક્ષણ કરવાની શક્તિના અભાવે આપણા લોકો અધર્મમાં પ્રવર્તે છે. x x x સ્વાધ્યાય એટલે વેદોનો અભ્યાસ, જેમાં ભગવાનના ગુણ પ્રભાવ, તત્ત્વ સ્વરૂપ તેમ જ તેની દિવ્ય લીલાઓનું વર્ણન હોય એવાં શાસ્ત્ર, ઈતિહાસ, પુરાણ વગેરેનું પઠનપાઠન કરવું અને ભગવાનનાં નામો તથા કીર્તન કરવું આ બધું સ્વાધ્યાય કહેવાય છે. વેદનો અભ્યાસ એટલે ઋગ્વેદાદિ ચાર વેદો ઉપરાંત વેદાંગ એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષનું અધ્યયન કરવું, આનું નામ વેદાધ્યયન કહેવાય. આ તો બાલ્યવસ્થાથી કાશી વગેરેમાં જઈને અભ્યાસ કરે તેનાથી બને; પરંતુ વર્તમાનકાળમાં કોઈ કોઈ કરે છે; પણ આપણા લોકો ગીતા ઉપનિષદને બ્રહ્મસૂત્ર આટલાંનું પણ અધ્યાપન કરે તો પણ સારું છે તે પણ જો ન થાય તો પ્રથમ ગીતા ગુરુદ્વારા અર્થ સહિત શીખીને નિત્ય મનન કરવું; આટલું જ નહિ પણ તે સદા આચરણ માં મૂકવું. ગીતાના સારરૂપી દૈવી ગુણો – જેવા કે, અભય, અંત:કરણની શુદ્ધિ, જ્ઞાન તથા યોગને વિષેની સ્થિતિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન, સર્વભૂત વિષે દયા, અલોલુપતા, માર્દવ, હ્રી, તથા અચાપલ – એ ભગવદ્ભક્તિ સહિત આચરવા. આ દૈવી ગુણોમાં એવી ચમત્કૃતિ છે કે તે, પૈકીના કોઈ પણ એકાદ ગુણનું યથાર્થ પાલન થાય તો બીજા ગુણો એની મેળે આવી જાય છે. x x x જેવી રીતે મેલા કાચમાં મુખનું પ્રતિબિંબ પડતું નથી, તેમજ મલિન અંત:કરણમાં ઉપદેશની લેશ માત્ર અસર થતી નથી; માટે મુમુક્ષુએ અંત:કરણની અનાદિ કાળની મલિનતા દૂર કરવા માટે નિષ્કામ કર્મ કરવાં જોઈએ. નિષ્કામ કર્મથી અંત:કરણની શુદ્ધિ થયા પછી ચિત્તની ચંચળતા નિવૃત્તિ કરવા માટે ઉપાસનાની જરૂર છે, એમ શાસ્ત્રનો સિદ્ધાંત છે. ઉપાસના વગર મનુષ્ય બધાં શાસ્ત્ર ભણેલો વિદ્વાન હોવાં છતાં અનેક કલ્પોમાં તેને ચિત્તવિક્ષેપની નિવૃત્તિ થતી નથી. ભગવદ ઉપાસનાથી ચિત્તનો વિક્ષેપદોષ દૂર થયે જ મળવિક્ષેપ રહિત અને શાંતિવાળી જે બુદ્ધિ, તેનાથી જ બ્રહ્માનુભવ થાય છે. બ્રહ્માનુભવ એ જ બ્રહ્માનંદ છે. ભર્તૃહરિ મહારાજ કહે છે કે; બ્રહ્મસુખનો અનુભવ કર્યાથી ત્રૈલોક્યનું રાજ્ય વગેરે વૈભવ તો નીરસ બની જાય છે. જુઓ વાર્તાલાપ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.