| 1 |
[ સં. અહિ ( સર્પ ) + ફેન ( ફીણ ); અ. અફ્યૂન ] |
न. |
ખસખસના ડોડવામાંથી નીકળતો કાળો અને તેલિયો દવા તથા નશા માટે વપરાતો ચીકણો રસ. ખસખસના ડોડવાને સાંજે છરીથી કાપ મૂકે એટલે રાતે તેમાંથી રસ ઝરી કાપની કોરે થીજી જાય. બીજે દિવસે થીજી ગયેલો રસ છરીથી ઊખેડી અળસીના તેલમાં બોળી સૂકવે એટલે અફીણ બને છે. તેના પ્રકારઃ (૧) જારણ, (૨) મારણ, (૩) ધારણ, (૪) સારણ. જારણ એ ધોળા રંગનું, અન્ન પચાવનારૂં; મારણ એ કાળા રંગનું, મરણ નીપજાવનાર; પીળું અને ઘડપણ દૂર કરતું મનાય છે તે ધારણ, અને કાબરચીતરૂં તથા મળ કાઢનાર તે સારણ. અફીણ પીડા મટાડનાર, ઊંઘ લાવનાર, નશો આપનાર તથા તાકાત દેનાર હોવાથી ટાઢિયા તાવની કમકાટી બંધ કરવામાં, ઘણો પરસેવો અટકાવવામાં, રેચ બંધ કરવામાં, પેટની અંદરની બળતરા મટાડવામાં, જખમ, આમ, અતિસાર, કોલેરા અને પ્રદર, મૂત્રકૃચ્છ્ર વગેરે મૂત્રમાર્ગના રોગમાં, ધનુર્વા અને આમવાયુના વિકારમાં, સન્નિપાત, કૃમિ, કફ, પાંડુ, ક્ષય, પ્રમેહ, દમ, ઉધરસ, બરોળ, અને ધાતુક્ષયમાં ફાયદાકારક મનાય છે. માથાનો ચસકો સંધિવા, આંખ ઊઠવી વગેરે રોગમાં તેનો બહારથી ઉપયોગ કરવામાં આવે છે. વધારે પ્રમાણમાં તે લેવાય તો ઝેર ચડવા લાગે, ચક્કર આવે, જીવ ગભરાય, ધીમે ધીમે બેસુધી વધે, શ્વાસ અને નાડી ધીમાં પડે, શરીર તપી જાય, પરસેવો વળે, કીકી સંકોચાય, ચહેરો ફિક્કો પડે, હોઠ અને હાથ કાળા દેખાય, ઝાડો થાય નહિ, પેટ ફૂલે, શરીર ઠંડું થાય, અને લેનાર મરણ પામે. અફીણના ઝેરના ઉપાયઃ— ૧. ઊલટી કરાવવી. ૨. ફટકડી અને કપાસિયાનો ભૂકો એકઠો કરી પાણીમાં દેવો. ૩. હિંગ પાણીમાં મેળવી પાવી. ૪. માલકાંકણાનાં પાંદડાંનો રસ આપવો. ૫. નરમાનાં પાંદડાંનો રસ અથવા અરીઠાનું પાણી પાવું. વ્યસનીને પ્રમાણમાં લેવાથી તેનું ઝેર બહુ અસર કરતું નથી પણ તેને ઝાડો સાફ આવતો નથી, બરાબર ભૂખ લાગતી નથી, મન અને શરીર નબળાં થાય અને ઘડપણ વહેલું આવે.- તેની મુખ્ય જાતઃ માળવી, કોંટાઈ, બીલેસરી, આગ્રાઈ ને મિસરી. પાટણ, ગુજરાત ને માળવાના કેટલાક ભાગમાં તથા યરપ ખંડમાં પણ આ છોડ વાવવામાં આવે છે. તેની ઊંચાઈ ત્રણથી ચાર ફૂટ સુધીની હોય છે. તેને એક ગોળ લાલ ગુલાબી વાસ વગરનું ફૂલ આવી તેમાંથી એક ફળ થાય. ફૂલ ઉપર થઈને આવતા પવનની જગ્યાએ કોઈ માણસ બેસે, તો તેને ઘેન ચડી ઊંઘ આવે. એનાં જીંડવાના અંદરના ચાર વિભાગમાં થતાં ઝીણાં અને રંગે લાલ, ભૂરાં કે કાળાં બી ખસખસ કહેવાય. લાલ રંગની સૌથી ઉત્તમ જાત પાટણ અને ગુજરાત તરફ, ભૂરા રંગની કૃષ્ણા નદીની નજીકમાં અને કાળા રંગની જંગલી રીતે વેરાન જગ્યામાં થાય છે. ખસખસમાં અમલ લાવવાની શક્તિ નથી. શરીરના સૂજેલા ભાગ ઉપર, આંખના દુખાવામાં અને પેટ ફૂલ્યું હોય તો ખસખસનાં ડોડવાંને પાણીમાં ઉકાળી તેનો શેક કરવામાં વપરાય. ખસખસમાંથી તેલ પણ નીકળી શકે. અફીણ વધારે ખાવાથી માણસનું મોત નીપજે. અફીણ વાવવાનો વખત આસો માસનો છે. બાગાયત જમીનમાં જે અફીણ કરવામાં આવે તેને માટે કાળી અને પીળી તથા છાણ વગેરે ઉકરડાના ખાતરવાળી જમીનની જરૂર છે. જમીન ખેડી તેમાં ખાતર નાખી પછી વરાપ આવવા દેવો. ત્યારબાદ તેમાં ખસખસ છાંટી હલકે હાથે દાબી બી ઢાંકવાં. વાવ્યા પછી તુરત પાણી આપવું જોઈએ. બી વાવ્યા પછી તેને કૂવા કે બીજા સાધનથી એક જ દિવસને આંતરે છ દિવસ પાણી પાવું. એ પ્રમાણે કરવાથી છોડ ઊગી નીકળશે. છોડ વેંતપુર મોટા થાય એટલે ચાર ચાર દિવસે પાણી પાવું જોઈએ. તેને વરસાદનું પાણી માફક આવતું નથી. તે આશરે વેંત ઊંચા થાય, એટલે ખેતરને વલ્લી-ખૂંટી નાખવું જોઈએ. પછી તેને ફૂટ ફૂટને છેટે રાખી બાકીના ઉખેડી નાખવા. અફીણ કાઢવાની રીતઃ (૧) ખસખસના છોડનો પાલો, ફળ, ફૂલ ઈત્યાદિને સારી રીતે કૂટી રસ પીલી કાઢવો, અને તે રસ તડકામાં સૂકવવો. ઘટ્ટ થયા પછી જેમ અફીણની મેળવણી કરે, તેમ તેમાં પણ મેળવણી કરીને ગોળા કરવા, એટલે અફીણ તૈયાર થશે. (૨) ખસખસનાં જીંડવાંની છાલ જુદી કાઢી ખસખસ જુદાં કાઢવાં. આ છાલમાં બિલકુલ ચીરા પડવા દેવા નહિ. તેને તડકામાં સૂકવી તેની બારીક ભૂકી કરવી. પછી તેને પાણીમાં ભીંજવવી. એંશી તોલાભાર ભૂકી લઈ તેમાં ત્રણ શેર પાણી નાખવું, અને તે મેળવણી એક દિવસ રહેવા દેવી. બીજે દિવસે વાસણમાંનો બધો કચરો જુદો કાઢી નાખી તે વાસણમાંના પાણીને કપડાથી ગાળી નાખવું, રહેલા કચરાને ખૂબ દબાવી તેમાંનો રસ કાઢી લેવો અને તે પાણીને કડાઈમાં ગાળીને ઉકાળવું, એટલે અફીણ બનશે. રસ લેવા કરતાં આ રીતે અફીણ વધારે નીકળી શકે. હિંદમાં થતું અફીણ ધોળાં ખસખસમાંથી થાય છે.
રૂઢિપ્રયોગ
૧. અફીણ ખાવું = મરી જવાના ઇરાદાથી અફીણ લેવું.
૨. અફીણ દેવું = અફીણ દઈ મારી નાંખવું.
૩. અફીણ પીવું-લેવું = (૧) આપઘાત માટે અફીણ ખાવું. (૨) કસૂંબો લેવો.
૪. અફીણના ડોડવા = ખસખસના ડોડવા. ગરમ પાણીમાં નાખી તેનો શેક કરવાથી ગૂમડાં, દુખતી આંખ ને પાકની પીડા શાંત થતી મનાય છે.
૫. અફીણનો કીડો સાકરમાં ન જીવે = હલકી દશામાં ટેવાયેલ જીવને ઊંચી સ્થિતિમાં ચેન ન પડે.
|