| 2 |
|
न. |
ઉષ્ણ પ્રદેશમાં થતા તેજાનાના છોડમાં થતી કળી; એક જાતો તેજાનો; દેવકુસુમ; શ્રીસંજ્ઞ; શ્રીપ્રસૂનક. તે ઢોળાવવાળી રેતીની અને ખૂબ ખાતરવાળી ફળદ્રુપ જમીનમાં દરિયાથી ૧,૫૦૦ ફૂટ ઊંચી જમીન ઉપર થાય છે. નવાં ઝાડ બીમાંથી થાય છે અને વાવ્યા પછી દોઢ માસે ઊગી નીકળે છે. રોપા ઘણા ધીમે વધનારા છે. ફૂટ સવા ફૂટ ઊંચા થાય ત્યારે કાયમની જગ્યાએ બાવીસ ફૂટ દૂર રોપવામાં આવે છે. સાતથી આઠ વરસની ઉમર થાય ત્યારે તેમાં લવિંગ લાગે છે અને જેમ ઝાડ મોટું થાય તેમ વધારે લવિંગ લાગતાં જાય છે. તે પાતરાં લંબગોળ હોય છે ને ફૂલ આવે છે. ફૂલ ઉઘડવા દીધા સિવાય વીણી લઈ સૂકવવામાં આવે છે તેને જ લવિંગ કહેવામાં આવે છે. હાલમાં આફ્રિકના જંગબાર અને તેની નજદીકમાં પેમ્બા ટાપુ તેને માટે દુનિયામાં પહેલા દરજ્જાની પેદાશનું સ્થાન થઈ પડ્યા છે. એક વખત પિનાંગ તેનું મુખ્ય મથક હતું. તેના ફળને લવિંગ કે લવંગ કહેવાય છે. તે મુખવાસ, તેજાના અને દવા માટે બજારમાં વેચાય છે. દુનિયામાં વપરાતા લવંગના ૯૦ ટકા એકલું જંગબાર અને પેમ્બા પૂરાં પાડે છે અને બાકીના ૧૦ ટકા પિનાંગ, માડાગાસ્કર, સિસિલિસ ટાપુ, બેનકુલન, મોલુક્સ, એબોયેન, મોરિસ, હિંદ, સિલોન, મલાયા અને બીજા ઉષ્ણ કટિબંધ પ્રદેશોનાં કેટલાંક સ્થળો પૂરાં પાડે છે. તેનો હિંદમાં સૌથી વધુ વપરાશ થાય છે. યરપમાં તેની અંદરથી વરાળયંત્ર દ્વારા તેલ કાઢવામાં આવે છે. તે માટે જથ્થાબંધ મોટો ભાગ વપરાય છે. લવિંગ જો કે જથ્થાબંધ મોટા પ્રમાણમાં જંગબાર પેમ્બામાં થાય છે. પરંતુ વધારે તેજદાર, સુગંધી અને પુષ્કળ તેલ આપનાર શ્રેષ્ઠ જાતનાં તો પિનાંગમાં થાય છે. તે વરસ સુધી જૂનાં થયા વગર રહી શકે છે. તે ઉષ્ણ, ઉત્તેજક, ચિરપરાં, સુગંધી, વાતહર, દીપન, પાચન, સ્વેદલ, વેદનાશામક અને ગ્રહી છે. તે શૂળ તથા ઉદરવાયુને મટાડે છે. હોજરી અને રકતાશયને ઉત્તેજિત કરનાર, તેની ગતિ વધારી તેની અંદરના જંતુઓનો નાશ કરનાર છે. તે હૃદય ઉપર ઉત્તેજક અસર કરી તેના મંદ થયેલા ધબકારા વધારે છે. આંતરડાં ખેંચાઈ તાણ, હેડકી થાય તેને શાંત પાડે છે. તે મગજના જ્ઞાનતંતુ ઉપર અસર કરી હિસ્ટીરિયા અને બીજા મગજના વ્યાધિને શાંત કરે છે. લવિંગને ખીસામાં રાખવાથી કપડાંને ખાતાં જંતુઓ તેનાથી દૂર નાસે છે. સખત ઠંડીના સમયમાં ફરવા જતાં લવિંગ મોઢામાં રાખવાથી ઠંડીથી બચી શકાશે. લવિંગને મોઢામાં રાખી તેનો રસ ઉતારવાથી તૃષા છિપાવવમાં અતિ ઉપયોગી છે. પાન ખાવાની આદત હોય અને વધારે ચૂનો ખાઈ જવાથી મોઢું આવી ગયું હોય ત્યારે મોઢામાં લવિંગ રાખવાથી આવી ગયેલું મોઢું તરત જ મટી જશે. એકાએક દાઢમાં ચસકા આવવા માંડે ત્યારે લવિંગનો રસ ઉતારવાથી દાઢના ચસકા શાંત પડે છે. શરદીને લીધે અવાજ બેસી ગયો હોય ત્યારે લવિંગ પાંચ છ એકી સાથે ખાઈ જવાથી અવાજ ખુલી જઈ ગળું સાફ જણાશે. આઠ દશ લવિંગને મોઢામાં રાખી મૂકી કોઈ પણ ચેપી માણસને ત્યાં ગયા પછી તે લવિંગવાળું થૂંક થૂંકી નાખવાથી થૂંક મારફત તેનાં જંતુઓ બહાર નીકળી જશે અથવા શરીરમાં થૂંક જશે તો શરીરમાં નાશ પામશે. લવિંગ આસ્તે આસ્તે દિવસમાં પંદરથી વીશ ચૂસતા રહેવાની આદત રાખવાથી અનેક ચેપી રોગોથી તેમ જ શરદીથી પણ બચાય છે અને ભૂખ તેમ જ તાકાત આપવામાં ઉત્તમ ઔષધિ સમાન મનાય છે.
ઉપયોગ
દેવકુસુમ શ્રીસંજ્ઞ અને જાપક જેનું નામ, આ લવિંગની વેલડી તુજને કરે પ્રણામ. – પિંગળલઘુકોષ
|