| 1 |
|
पुं. |
એક જાતનું ઝાડ; ઊભા સોટા જેથી પેરે પેરે ગાંઠ અને પાનવાળી વનસ્પતિ. તેનું થઢ ઉપયોગી છે. કાંટાવાળા વાંસ જાડા અને ઘણા ઊંચા થાય છે. તેમાં ઘઉંના જેવા દાણા થાય છે. આ દાણા ચોખાની માફક ખવાય છે. ગરીબ લોકો તેની રોટલી અને પૂરી બનાવીને ખાય છે. તે બિયાંને સોડવી પીણું પણ બનાવે છે. વાંસના ભોથાં એટલાં ગાઢ હોય છે કે, તોપનો ગોળો પણ અંદર જઈ શકતો નથી. વાંસના કંદમાંથી ફણગો એટલા જોરથી બહાર નીકળે છે કે, તેના પર જો પથ્થર હોય તો તેને ઉડાડી દે અથવા તેમાં થઈને બહાર નીકળે. નરવાંસ ઘર બાંધવાના કામમાં, ટોપલા અને સાદડીઓ બનાવવાના કામમાં, છાંપરાંનાં સૈઢણ, ચડાઈઓ, લાકડીઓ, સૂપડાં, પંખા, કરંડિયા, પાલખીના દાંડા, ખુરસી, કોચ, પલંગ વગેરે જુદી જુદી વસ્તુઓ બનાવવામાં વપરાય છે. વાંસમાં જે પાણી વળે છે તેનું વંશલોચન થાય છે. તે કપૂર જેવું સફેદ હોય છે. તે ઔષધ માટે વપરાય છે. વાંસની ગાંઠ, પાંદડાં વગેરે પણ ઔષધમાં વપરાય છે. તેની કુમળી ટીશીઓ ખવાય છે. તેનાં છોગલાંનું શાક અને અથાણું થાય છે. હોડીની ડોલ કાઠીવાંસની કરાય છે. મીઠામાં નાખેલા વાંસના કંદ વર્ષ બે વર્ષ સુધી ટકે છે. આ ઝાડ વધારેમાં વધારે ૫૦ થી ૬૦ ફૂટ ઊંચું વધે છે. તેનાં છૂટક છૂટક થૂંબડાં થાય છે. વાંસને ૬૦ વર્ષે ચમર આવે છે. દક્ષિણ ભારતમાં બંને કિનારાનાં મેદાન અને મૈસુરમાં વાંસની વિપુલ પેદાશ થાય છે. યંત્રથી આ વાંસનો દૂધ જેવો પાતળો માવો બનાવાય છે. આ માવામાંથી જ કાગળ બનાવાય છે. મુંબઈ, પૂના, શિરપૂર ( હૈદરાબાદ ), મૈસૂર, રાજમહેંદ્રી અને બારેજડીની કાગળની મિલો પ્રખ્યાત છે. વંશ, ત્વકસાર, કર્માર, ત્વચિસાર, તૃણધ્વજ, શતપર્વા, યવફલ, વેણુ. મસ્કર, તેજન એ દશ નામ વાંસનાં છે. જેમાં છિદ્ર પાડી પવન ભરાવાથી શબ્દ થાય તેવા વાંસને કીચક કહે છે.
રૂઢિપ્રયોગ
૧. વાંસ છે = કાંઈ નથી.
૨. વાંસ કરવો = (૧) ઘરમાં રાચરચીલું સરખું નહિ હોવું. (૨) નિર્ધનતા હોવી. (૩) વાંસ ફરવા જેવી ખુલ્લી જગ્યા હોવી.
૩. વાંસ બંધાય = ઠાઠડી બંધાય કે તું મરી જાય તેવી બદદુઆ. તે ગાળ દેતાં વપરાય છે.
૪. સુકો વાંસ મારવો = ઘસીને ના પાડવી; ચોખ્ખી ના કહેવી.
|