Gujaratilexicon

જાણો ગુજરાતના ઇતિહાસ વિષે

October 18 2019
Gujaratilexicon

ગુજરાતનો વિસ્તૃત ઇતિહાસ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે :

(1) પ્રાચીન યુગ

(2) મધ્યકાલીન યુગ

(3) આધુનિક યુગ

અહીં આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા ઇતિહાસનો સંક્ષિપ્ત ભાગ રજૂ કરવામાં આવ્યો છે :

હિંદની પશ્ચિમ દિશાએ આવેલો ગુર્જરોનો દેશ; ઉત્તરમાં આબુ, દક્ષિણમાં દમણ, પશ્ચિમે દ્વારકા અને પૂર્વમાં દાહોદ એની વચમાંનો પ્રદેશ; ગુર્જર લોકોએ આબાદ કરેલી ભૂમિ એટલે ગુજરાત. ગુર્જર લોકોનો પ્રદેશ એટલે ગુજરાત.

શક, આહીર અને બીજા લોકોની પેઠે ગુર્જર લોકો પણ વાયવ્ય કોણમાંના ડુંગરી પ્રદેશમાંથી હિંદુસ્તાનમાં દાખલ થયા. પ્રથમ તેઓ પંજાબ અને સંયુક્ત પ્રાંતોમાં વસ્યા. ગુજરાત અને ગુજરાનવાલા એ બે જિલ્લા પંજાબમાં છે તેનાં નામ એ લોકો ઉપરથી પડ્યાં છે. મથુરાથી તેઓ રજપૂતાના અને માળવામાં પ્રસર્યા.

માળવામાંથી દક્ષિણ તરફ ખાનદેશમાં અને પશ્ચિમ તરફ ગુજરાતમાં ફેલાયા. ડિડાવાળા અને ઘટિયાળામાં વિક્રમ સંવત ૯માં લખેલ એક તામ્રપત્ર અને એક શિલાપત્ર મળી આવ્યા છે તેમાં ગુજરાત પ્રાંતને ગુર્જરત્રા એટલે ગુર્જરોને આશ્રય દેનારી ભૂમિ કહ્યો છે. ગુર્જરત્રાનું પ્રાકૃત રૂપ ગુજરત્તા થઈ ગુજરાત નામ પડ્યું છે. પ્રાચીન ગુજરાતમાં મહી નદીના ઉત્તર ભાગનો જ એટલે પાલણપુર, કડી, અમદાવાદ, મહીકાંઠા અને ખેડાનો જ સમાવેશ થતો હતો. અણહિલવાડમાં ચાવડા લોકોનું રાજ્ય હતું. તે દરમિયાન એટલે ઈ.સ. ૭૨૦થી ૯૫૬ સુધીમાં એ પ્રદેશનું ગુજરાત નામ પડ્યું. મહીના દક્ષિણ પ્રદેશને લાટ કહેતા હતા. લાટ શબ્દ ઘણો પ્રાચીન છે. સંસ્કૃત અલંકાર ગ્રંથોમાં અમુક પ્રકારના અનુપ્રાસને લાટાનુપ્રાસ કહે છે, કેમકે તે લાટ લોકોને પ્રિય છે. ઈ.સ. ૮૮૮ના રાષ્ટ્રકૂટના શિલાલેખમાં તાપી નદી ઉપર સુરત પાસેના વરિયાવ ગામ સુધઈના પ્રદેશને કોંકણ નામ આપ્યું છે. મુસલમાન રાજ્ય દરમિયાન સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધીના મહીના દક્ષિણ પ્રદેશને ગુજરાત નામ આપવામાં આવ્યું. ગુર્જર લોકોએ રજપૂતાનામાં મોટું રાજ્ય સ્થાપ્યું હતું અને તેની રાજધાની ભીનમાલ કે શ્રીમાલ હતી. એ રાજવંશમાં છ રાજા થઈ ગયા. તેમાંના ભોજરાજાના વખતમાં તેમની સત્તા કનોજમાં સ્થપાઈ. ભોજરાજાની પછી મહેંદ્રપાલે અને મહિપાલે કનોજમાં રાજ્ય કર્યું.

મારવાડ અને કનોજના ગુર્જર રાજાઓને મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટ રાજાઓ સાથે વારંવાર લડાઈ થતી. એક શિલાલેખ ઉપરથી જણાય છે કે કનોજના રાજા પ્રતિહારી વંશના હતા. પડિહાર, પરમાર, ચોહાણ અને સોલંકી એ ચાર રજપૂત રાજવંશોમાંના પડિહાર વંશને જ પ્રતિહારી વંશ તરીકે શિલાલેખોમાં કહ્યો છે. ઈ.સ. ૯૬૧માં સોલંકી વંશની સ્થાપના થઈ એ પ્રદેશનું નામ ગુજરાત તરીકે સ્થાપિત થયું. શ્રીમાળ, ચંદ્રાવતી, પંચાસર, પાટણ અને અમદાવાદ ગુજરાતની રાજધાનીઓ થઈ છે. વઢિયાર, ચુંવાળ, ભાલ, ચરોતર, મેવાસ, કાનમ એવા ગુજરાતના જૂના વિભાગો હતા. સંવત ૧૩૦૦ પછી અને ખાસ કરીને ગુજરાતમાં મુસલમાની રાજ્ય અમલ શરૂ થયા પછી ગુજરાત શબ્દની વ્યાપ્તિ વધીને લાટ, સોરઠ તથા વાગડ દેશ પણ ગુજરાતમાં ગણાવા લાગ્યા. (અર્થ સંદર્ભ : ભગવદ્ગોમંડલ)

ગુજરાતનો છેલ્‍લો બાદશાહ બહાદુરશાહ હતો. માળવા જીતી તેને ચિતોડ પર આક્રમણ કર્યું. ચિતોડની રાણી કર્ણાવતીએ દિલ્‍લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી મદદની માંગણી કરી. હુમાયુએ પોતાની ધર્મની બહેનને મદદ મોકલી અને યુદ્ધમાં બહાદુરશાહને હરાવ્યો. હારેલ બહાદુરશાહ દીવમાં છુપાયો અને ત્‍યાં જ તેનું મરણ થયું. ત્‍યારબાદ ગુજરાત ઉપર મોગલોનું સામ્રાજ્ય આવ્યું. અકબરે ગુજરાત ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા.

જહાંગીરના શાસનકાળ દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. ઈ.સ. 1612માં અંગ્રેજોએ પહેલ-વહેલી વેપારી કોઠી સુરતમાં નાખી. મોગલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત, ભરુચ અને અમદાવાદ શહેર પર અનેક આક્રમણો કર્યાં. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત (ઈ.સ. 1664 અને 1672માં) આક્રમણ કર્યું. આ સમયગાળા દરમ્યાન ગુજરાતનાં બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન શરૂ થઈ ચૂક્યું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્‍કરી તાકાત પણ વધારતા ગયા અને આસાનીથી ગુજરાત કબજે કરી લીધું.

ઈ.સ. 1857માં અંગ્રેજ શાસન સામે થયેલ આઝાદીના બળવાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા. ગુજરાતમાં નાંદોલ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલોક પ્રદેશ 1857ની ક્રાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર સબળ નેતાના અભાવે આ બળવો વ્‍યાપક બની શકયો નહીં.

આ ક્રાંતિ બાદ દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગ્રત કરવાનું કામ શરૂ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્‍વામી દયાનંદ સરસ્‍વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. સ્‍વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું. નર્મદ, દલપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો.

ગુજરાતની ભૂમિએ ઘણા વીરોને જન્મ આપ્યો છે, જેમણે ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જેમકે ઈ.સ. 1885માં સ્‍થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી ગુજરાતના હતા. આ ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્‍યામજી કૃષ્‍ણવર્મા, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્‍વતંત્રતા માટેના પ્રયત્‍નો કર્યા. ભારતને સ્વતંત્રતા અપાવનાર આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્‍મ ઈ. સ. 1869માં પોરબંદરમાં થયો હતો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, મિલ માલિક અંબાલાલ સારાભાઈ, અનસૂયાબહેન, શંકરલાલ બેંકર, અંબુભાઈ પુરાણી, રવિશંકર મહારાજ વગેરે જેવા અનેક સપૂતો ગુજરાતની ભૂમિ ઉપર થઈ ગયા.

ખેડા જિલ્‍લાના ખેડૂતોની મહેસૂલ ચુકવણીના પ્રશ્નો અંગે ગાંધીજીની આગેવાની હેઠળ 22મી માર્ચ, 1918ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્‍યાગ્રહનો જન્‍મ થયો. ખાદીનો જન્મ પણ ગુજરાતમાં થયો હતો.

ઈ.સ. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્‍થાપના થઈ. ગુજરાતની સત્‍યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્‍યાગ્રહો ખૂબ મહત્ત્વના રહ્યા. કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્ત્વનો ફાળો આપ્‍યો હતો. આ ઉપરાંત દાંડીકૂચ જેવી ઐતિહાસિક ચળવળ પણ ગુજરાતમાં થઈ.

આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા. તેમણે પોતાની બુદ્ધિ-શક્તિના બળે અસંખ્‍ય સ્‍વતંત્ર દેશી રાજ્યોને, સમજાવી અખંડ ભારતમાં સમાવી દીધાં.

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

,

માર્ચ , 2024

શુક્રવાર

1

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects