રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ:
મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.
હાડચામડાં બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજ મુખડું દીઠું!
રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.
ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ.
ખાવા જાતા રાણાજીએ પાડી બૂમાબૂમ!
મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત ટાળી મોટી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.