Gujaratilexicon

જૂની રંગભૂમિના ગીતો

October 10 2019
Gujaratilexicon

ગીતો અને રંગભૂમિના ગીતો વચ્ચે શું તફાવત હોય? રંગભૂમિના ગીતો ભજવાતા હોય, તેમાં અભિનય હોય. વાર્તા હોય, વાર્તાની ગતિ હોય. નાટકની માટીમાં પાત્રો, અભિનય, સંવાદો અને સજાવટ હોય….પણ નાટકની માટીને ભીની કરે તે ગીતસંગીત.

ભરતનાટ્યશાસ્ત્રના ૨૮મા અધ્યાયમાં રંગપીઠ પરના વાદ્યકારનો ઉલ્લેખ છે. તત્ એટલે તંતુવાદ્ય, અવનદ્ય એટલે તબલાં કે પખાવજ, ઘન એટલે ઝાંઝ કરતાલ અને સુષિર એટલે વેણુ-પાવો વગેરે સાથે પાત્ર ગીત ગાય. આધુનિક યુગમાં હારમોનિયમ અને તબલાં એ સંગત કરવા માંડી. એ પછી તો વાયોલિન, ગિટાર પણ આવ્યા.

રંગભૂમિના ગીતોની શરૂઆત :  કવિ શ્રી પ્રભુલાલભાઈ પ્રથમ નાટયકાર હતા, જેઓએ શબ્દ અને સ્વરની ગોઠડીનો સુરમો પ્રસંગોની આંખડીમાં આંજયો. સંગીતકારોએ ગીતોને બંદિશોમાં બહેલાવ્યા, રાગના શાસ્ત્રને બદલે ‘ગુજરાતીપણું’ ભળે એની ચીવટ સ્વરકારોએ રાખી, કારણ કે નાટકનાં ગીતો શ્રોતાઓ અને પ્રેક્ષકોનાં કંઠ-મન-મગજને એટલા રસતરબોળ કરતા કે ઘણા ગીતો તો આઠ થી દસ વાર વન્સ મોર થતાં.

રંગભૂમિના ગીતોનો સુવર્ણકાળ : ભાંગવાડીમાં ભજવાતા સફળતમ નાટકોમાં ભજવાતા ગીતોનો એ સુવર્ણકાળ હતો. ઉદાહરણરૂપે વડીલોના વાંકે, સંતાનોના વાંકે, માલવપતિ મુંજ, શંભુમેળો, વલ્લભીપતિ, સંપત્તિ માટે, અને અન્ય ઘણા. જૂની રંગભૂમિના નાટકોની લોકપ્રિયતામાં તેના ગીતોનો સિંહફાળો હતો. મોતીબાઈ, કાસમભાઈ, અશરફ ખાન, રામપ્યારીબાઈના કંઠે ગવાતા આ ગીતોને પ્રેક્ષકો દાદ આપતા થાકતા નહિ.  આ કલાકારો ઉછીના કંઠના ઓશિયાળા નહોતા. તૈયાર કેસેટના મોહતાજ નહોતા. કલાકાર પોતે જ ગીત ગાય. ગીતોની ભાષા સીધી, સરળ અને સોંસરવી ઉતરી જાય તેવી હતી. પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, અવિનાશ વ્યાસ, નીનુ મજમુદાર નાં ગીતોનું પ્રેક્ષકો પર કામણ ગજબનું હતું. આ ગીતોમાં શૃંગાર, મસ્તી, તોફાન, હાસ્ય અને ઉદ્દેશ હતા. ક્યારેક ગીતના દેખાવ હોય અને ગઝલની શૈલી પણ હોય. આ બધામાં કશુંક એવું હતું કે રહીરહીને સ્પર્શ્યા કરે.

એ જમાનામાં રાતના નવ-સાડા નવ વાગે શરૂ થયેલું નાટક સવારના ત્રણ-ચાર વાગ્યા સુધી ચાલતું.

રંગભૂમિના કેટલાક અતિ-લોકપ્રિય ગીતો :   મોતીબાઈ-દેશી નાટક સમાજના તખ્તાનો આધારસ્તંભ, મહિને હજાર બારસોનો દરમાયો એ સમયે મેળવનાર દંતકથારૂપ અભિનેત્રી – જેમને કંઠે ગવાતું ‘વડીલોના વાંકે’ નાટકનું અમર ગીત એટલે :

“ મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી તી વ્હાલાની વાત રે..

ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં, મટકું માર્યું તો તારી વાત રે…”

ચાર દાયકાની યશસ્વી કારકિર્દીમાં મા. અશરફ ખાને ‘માલવપતિ મુંજ’  નાટકના અંદાજે ૫૦૦૦ જેટલા પ્રયોગો કર્યા હશે. કોઈ પણ નાની નાટક મંડળી આર્થિક મુશ્કેલીમાં આવે ત્યારે અશરફ ખાનને બોલાવે ને મુંજની ભૂમિકા ભજવાય. દોહરાના છેલ્લા શબ્દો અશરફ ખાનને ગાવા નહોતા પડતા પણ ઓડિયન્સ એ શબ્દો ગાતું. જેમ કે ,

“ ધન ધન સંપત સાહયાબી કઈં ના આવે સાથ,

ઈશ્વરના દરબારમાં, ત્યાં જાવું ખુલ્લે હાથ “

અંતિમ શબ્દો તો ઓડિયન્સમાંથી જ બોલાતા. આ લોકપ્રિય ગીતો જાણે લોકગીતો બની ગયેલા. એસી વગરના નાટ્યગૃહોમાં પ્રેક્ષકો એક હાથમાં પુંઠાનો પંખો અને બીજા હાથમાં નાટકના ગીતોની ચોપડી રાખતા. આ જ નાટકની એક અતિ લોકપ્રિય ગઝલ એટલે,

“ હ્રદયના શુધ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે,

ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે. “

આ એક એવી ગઝલ હતી કે કલાકાર ગાય અને એનું ઘેન શ્રોતાઓને ચડે.

“ સાહ્યબો મારો ગુલાબનો છોડ,

            વેલી હું તો લવંગની.

ઊડશું જીવનમાં જોડાજોડ,

            પાંખો જેવી પતંગની. “

‘ હંસાકુમારી ‘ નાટકનું આ ગીત રસકવિની અજોડ રચના કહેવાય છે. મોહન જુનિયર દ્વારા સંગીતબધ્ધ થયેલા આ ગીતને જ્યારે મીનાક્ષી અને ભોગીલાલ ગાતા ત્યારે એટલા વન્સ મોર મળતા કે લગભગ ૪૦ થી ૫૦ મિનિટ સુધી આ ગીત ગવાતું.

‘ વલ્લભીપતિ ‘ નાટકનું કવિ મનસ્વી પ્રાંતિજવાળાનું રચેલું આ ગીત કાસમભાઇએ સંગીતબધ્ધ કર્યું હતું. જેની લોકપ્રિયતા નાટકના રસિયા અને અરસિયાઓમાં પણ એકસમાન હતી :

“ ઝટ જાવો ચંદનહાર લાવો ઘૂંઘટ નહિ ખોલું હું

  મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહિ બોલું હું. “

સાર :  રંગભૂમિના અગાધ સાગર જેવા ગીતોનું આ તો એક બુંદ માત્ર છે. ટેક્નોલોજી નહિવત અને ટેલેન્ટ અત્યંત હતી. અભિનય તો હતો જ, બસ પ્રકાર અલગ હતો. ઈતિહાસ તો ઈતિહાસ, વર્તમાન પણ કહે છે કે જો ગીત-સંગીતનું સુચારુ તત્વ હોય અને એમાં પણ લાઈવ હોય તો, એ નાટક પ્રેક્ષકો એવું માણે છે કે તેનું ભવિષ્ય પણ નાટક ‘ સતી પાર્વતી ‘ ના ડાહ્યાભાઈ ધોળશાજી રચિત આ ગીત જેવું જ સુંદર બની રહે :

“ નાટક દુનિયાનું દર્પણ રૂડું,

        ગુણદોષ જોવાનું.

જ્યાં સુંદર મનહર ગાણું,

       રસભરેલ રૂડું ભાણું. “  

  • લતા શાહ

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

અષાઢ , વદ

જુલાઈ , 2021

4

મંગળવાર

27

આજે :
સંકટ ચતુર્થી
વિક્રમ સંવત : 2077

Powered by eSeva

GL Projects