Gujaratilexicon

જૂની ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ

October 10 2019
Gujaratilexicon

ગુજરાતમાં પહેલું ગુજરાતી નાટક ૧૮૫૦માં દલપતરામ દ્વારા લક્ષ્મી નાટક પ્રસિદ્ધ થયું. ત્યારબાદ ૧૮૫૨માં સુરત ખાતે પારસી થિયેટર ગ્રુપ દ્વારા શેક્સપિરિયન નાટકનું ગુજરાતીકરણ ભજવાયું. ૧૮૫૩માં ગુજરાતના સૌપ્રથમ થિયેટર ગ્રુપ ‘પારસી નાટક મંડળી’ દ્વારા ‘રુસ્તમ-સોહરાબ’ ભજવાયું. આ ગ્રુપની સ્થાપના ફ્રેમજી ગુસ્તાદજી દલાલે કરી હતી. તે સમયના ગુજરાતી થિયેટરે પદ્ધતિ ગુજરાતી થિયેટરની અને થીમ પારસી થિયેટરની તેમજ ભાષા ગુજરાતી , ઉર્દુ અને અંગ્રેજીનો ઉપયોગ કર્યો. ભવાઈમાંથી પ્રોસેનિયમ થિયેટરનો આવિષ્કાર થયો. ૧૮૭૮માં આર્ય સુબોધ મંડળીની રચના મોરબીમાં થઈ, જેનું પહેલું નાટક ‘ભરથારી’ ઘણા વર્ષો ભજવાયું. ૧૮૮૦ના સમયમાં બીજી સાતેક નાટક મંડળીઓ આવી, જેમાં ૧૮૮૯થી ૧૯૮૦ સુધિ ચાલનાર ડાહ્યાભાઈ ધોલશાજીની દેશી નાટક સમાજ નોંધપાત્ર કહી શકાય. પારસીઓની સાથે હિંદુ-ગુજરાતી તેમજ મરાઠી નાટ્યકારોનું પણ વિશેષ પ્રદાન રહ્યું, જેમ કે વિનાયક જગન્નાથ, રણછોડભાઈ ઉદયરામ, મંગળદાસ નાથુભાઈ, ડૉ. ભાઉ દાજી, વિગેરે. એ જ પ્રમાણે નાટ્યકાર, કવિ અને સંગીતકાર કઈખુશરૂ નવરોજી કાબરાજીનું નામ પણ બૌદ્ધિક નાટ્ય રસિકવર્ગ માં ખૂબ માનપૂર્વક લેવાતું અને તેમના મંતવ્યનું એક વજન હતું. તેઓનું ‘બાઈજાન મનીજેહ’ સૌપ્રથમ નાટક ૧૮૬૯માં વિક્ટોરિયા નાટક મંડળી દ્વારા ભજવાયું.

એલફિન્સ્ટન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ૧૮૬૦-૬૧માં સી. એસ. નાઝિર અને હિરજી ખંભાતા દ્વારા ‘ધ એલફીન્સ્ટન ડ્રામેટિક ક્લબ’ ની પણ રચના થઈ.

‘વિક્ટોરિયા નાટક મંડળી’ બાદમાં ‘બાલીવાલા નાટક મંડળી’ બની. પ્રખ્યાત નાટ્ય કલાકાર કોવાસજી પાલનજી ખટાઉ દ્વારા ૧૮૭૧માં ‘ધ આલ્ફ્રેડ નાટક મંડળી’ની સ્થાપના થઈ. ત્યાર પછી ‘નાટક ઉત્તેજક મંડળી’ની સ્થાપના ૧૮૭૪-૭૫માં થઈ.

સૌપ્રથમ થિયેટર વિનાયક જગન્નાથ શંકરસેટ દ્વારા મુંબઈના ગ્રાંટ રોડ પર બંધાયું. ત્યાર પછી એ જ વિસ્તારમાં વિક્ટોરિયન થિયેટર બંધાયું.

        પારસી, મરાઠીની જેમ જ સૌરાષ્ટ્રના બ્રાહ્મણોનું તેમજ નાયક, ભોજક, તૂરી, ગાંધર્વ, મીર, મારવાડી કલાકારોનું પ્રદાન પણ તેઓની ગાયન-વાદનની આનુવંશિક કલાને કારણે ઘણું નોંધપાત્ર રહ્યું. ગુજરાતી રંગભૂમિમાં રામાયણ – મહાભારત આધારિત પૌરાણિક નાટકો, સંસ્કૃત નાટકો, શેક્સપિરિયન નાટકોની અસર પણ ઘેરી વર્તાઈ. ત્યાર બાદ ઘણા પ્રતિભાશાળી નાટ્યલેખકોએ સફળ મૌલિક ગુજરાતી સામાજીક નાટકો પણ આપ્યા. જેમાં કરણઘેલો, હરિશ્ચંદ્ર, નળ-દમયંતી, શાકુંતલ, દ્રૌપદી દર્શન ઉલ્લેખનીય છે. રણછોડભાઈનું ‘હરિશ્ચંદ્ર’ રેકોર્ડ બ્રેક સળંગ ૧૦૦ નાઈટ ચાલેલું.

        ૧૯૧૨ની શરૂઆત તખ્તાને ઘમરોળનાર નોંધપાત્ર નાટક મંડળીઓને લઈને આવી. જેમાં આર્ય નીતિદર્શક નાટક સમાજ, આર્ય નાટ્ય સમાજ, આર્ય નૈતિક નાટક સમાજ, વિદ્યા વિનોદ નાટક સમાજ, સરસ્વતી નાટક સમાજ અને લક્ષ્મીકાંત નાટક સમાજ મુખ્ય કહી શકાય. મુંબઈમાં ગુજરાતની ચાર-પાંચ સહિત ૧૨ નાટ્ય મંડળીઓ એકસાથે ચાલતી. પારસી કલાકારો સિવાય અમૃત કેશવ નાયકનું પ્રદાન પણ નોંધપાત્ર હતું. ઉત્તમ કલાકાર અને દિગ્દર્શક હોવા સાથે તેમણે સ્ટેજની ટેકનીક્સમાં પણ ઘણો ફાળો આપ્યો, જેમનું માત્ર ૩૧ વર્ષની નાની વયે નિધન થયું. બાપુલાલ નાયકનું નામ પણ કલાકાર અને દિગ્દર્શક તરીકે ખૂબ આદરપૂર્વક લેવાતું. “સૌભાગ્ય સુંદરી” માં ‘સુદરી’નું નારી પાત્ર ભજવનાર બેનમુન કલાકાર એટલે જયશંકર ‘સુંદરી’. નારીપાત્ર ભજવવાની તેમની અદ્ભુત કલા અને નારી વસ્ત્રો પહેરવાની સુંદર લઢણથી આકર્ષાઈને ઉચ્ચ વર્ગની ઘણી મહિલા ખાસ તેમની પાસે સાડી પહેરતા શીખવા માટે આવતી. આ એક અસામાન્ય સફળતા કહી શકાય.

        આ સિવાય રણછોડભાઈ, નર્મદાશંકર, છોટાલાલ શર્મા, ફૂલચંદ શાહ, હરિહર દિવાના, મહારાણીશંકર શર્મા, વિભાકર, ગૌરીશંકર વૈરાતી, શાયદા, લાલશંકર મહેતા જેવા નાટ્યલેખકો નો ફાળો પણ ગુજરાતી રંગભૂમિમાં જેવો તેવો નથી. મણિલાલ ત્રિભોવનદાસ (પાગલ) ના નામે રા’માંડલિક, સંસારલીલા, હંસાકુમારી અને મનોરમા જેવા ૧૦૦થી વધુ સફળ સામાજીક નાટકો બોલે છે. આ સૌમાં શિરમોર એટલે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ કે જેઓએ માંડ ૧૭ ની ઉંમરે ‘બુદ્ધદેવ’ દ્વારા તખ્તા પર પદાર્પણ કર્યું અને રાતોરાત છવાઈ ગયા. ‘શ્રૃંગીઋષિ’ અને ‘સૂર્યકુમારી’એ તેમની ખ્યાતિમાં ઓર વધારો કર્યો. તેઓ કવિ હતા અને ‘રસકવિ’ તરીકે જાણીતા થયેલા, જેઓએ બીજા લેખકો દ્વારા લખાયેલ નાટકોના ગીતો પણ લખ્યા. ‘પ્રભુલાલ દ્વિવેદી’ એ પણ ઉત્તરોત્તર નાટકો આપ્યા, જેમાં ‘અરુણોદય’ નાટકે ૧૯૨૧માં તખ્તાની કાયાપલટ કરી. આ નાટક ૪૦૦ નાઈટ ચાલેલું. કનૈયાલાલ મુન્શી – નામ જ પૂરતું છે.

        ગુજરાતી સાહિત્ય અને નાટ્ય ક્ષેત્રે તેઓએ સાહિત્યપ્રચૂર, વૈવિધ્યપ્રચૂર અને સ્ટેજ ટેકનીક્સથી ભરપૂર નાટકો આપ્યા. પ્રફુલ દેસાઈના ‘સર્વોદય’ નાટકે ૨૫૦ નાઈટ કરી. પ્રાગજી ડોસા બિઝનેસમેન હોવા છતાં કલાકારનો જીવ હતા, તેઓએ ઘણા નાટકો પણ લખ્યા. ચંદ્રવદન મહેતા, પ્રખર નાટ્યવિદનું પ્રદાન એક લેખક, કલાકાર અને દિગ્દર્શક તરીકે અમેચ્યોર થિયેટરમાં અવિસ્મરણીય છે. ગુજરાતી અમેચ્યોર થિયેટર ગ્રુપ્સમાં ઈન્ડિયન નેશનલ થિયેટર, ભારતીય વિદ્યા ભવનનું કલાકેન્દ્ર, મુંબઈની રંગભૂમિ, અમદાવાદના નટ મંડળ અને રંગમંડળ, નડિયાદના નડિયાદ કલામંદિરનો સમાવેશ થાય છે. નટ મંડળ જયશંકર, દિના ગાંધી અને પ્રાણસુખ નાયકની છત્રછાયા હેઠળ કાર્યરત હતું.

        આ હતી સવેતનથી અવેતન સુધીની જૂની ગુજરાતી રંગભૂમિની સફરની એક ઝટપટ ઝલક. આ ઝલક એક સૌથી ઝળકતા સિતારાના ઉલ્લેખ વિના અધૂરી છે. અને આ સિતારો એટલે સૂફી સંત (પીર) માસ્તર અશરફ ખાન. માતૃભાષા ઉર્દુ અને પુશ્તુ હોવા છતાં ગુજરાતી બોલતા શીખ્યા એટલું જ નહિ, પણ છટાથી બોલતા થયા. ખૂબ જ અચ્છા ગાયક અને અદાકાર એવા અશરફ ખાનના ઘણા સફળ નાટકોમાંના બે ના ઉદાહરણ એટલે ‘માલવપતિ મુંજ’, જેના ત્રણ હજાર શો થયા અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેના બે હજાર શો થયા. આ સ્વપ્નવત સફરને જીવનારા બુલંદ સિતારા – માસ્તર અશરફ ખાનનો ગુજરાતી રંગભૂમિ સાથેનો સંબંધ મુંબઈની ફિલ્મોમાં આવ્યા પછી પણ છેક મૃત્યુ સુધી એટલે કે ૧૯૬૨ સુધી સંચિત રહ્યો.    

  • લતા શાહ

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

,

એપ્રિલ , 2024

બુધવાર

24

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects