Gujaratilexicon

ગુજરાતી રંગભૂમિ – થિયેટર ટ્રેઈનિંગનું મહત્ત્વ

October 10 2019
Gujaratilexicon

નાટક માટે અથવા રંગભૂમિ માટે તાલીમના મહત્ત્વ બાબતે બે મત જોવા મળે છે. એક મત અનુસાર કલા કોઈ પણ હોય, એ તો ઈશ્વરની દેણ છે, કલા તાલીમથી ના આવે. જ્યારે બીજા મત અનુસાર તાલીમ કલાને નવો ઓપ આપે છે, દિશા આપે છે, માર્ગદર્શન આપે છે.

થિયેટર ટ્રેઈનિંગ અમિતાભ બચ્ચન બનવા માટે નથી. પણ નાટકની તાલીમથી પર્સનાલિટી ડેવલપમેન્ટ થઈ શકે છે, ગ્રુમિંગ થઈ શકે છે. આ પ્રકારની તાલીમથી તાલીમાર્થીને ખ્યાલ આવે છે કે થિયેટર એ કોઈ ફેન્ટસીનો વિષય નથી.

જેનામાં નાટ્યકલાની તાસીર હોય, શોખ હોય કે આવડત હોય એ જ આ તાલીમમાં ભાગ લેવા આવે છે. અહીં આવ્યા પછી ખ્યાલ આવે છે કે નાટક એ માત્ર અભિનય નથી, બલકે ઘણા બધા ટેકનીકલ પાસાં તેની સાથે જોડાયેલા હોય છે, જેની જાણકારી હોવી, સમજ હોવી ખૂબ જ જરૂરી છે.

નાટકના મુખ્ય ચાર સ્તંભો છે : ૧. આંગિકમ ૨. વાચિકમ ૩. આહાર્યમ ૪. સાત્વિકમ.

આ વાત લગભગ બધા જાણે છે. વિશ્વવિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરે કહ્યું છે, તે મુજબ “ આ જગત એક રંગમંચ છે અને આપણે સૌ તેના કલાકારો છીએ.” એટલે એમ કે નાટકમાં કામ કરો કે ના કરો પણ નાટકની તાલીમ તમને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ કામમાં આવે છે. સ્ટેજ હોય કે લાઈફ – પરફોર્મ તો એકસરખું જ કરવું પડે છે.

નાટકનો પહેલો સ્તંભ એટલે આંગિકમ. બોડી-લેન્ગ્વેજ ખૂબ જ મહત્ત્વની છે. કેવી રીતે ઊઠવું, બેસવું, ચાલવું, કેટલી માત્રામાં હાથ-પગ-આંગળીનો ઉપયોગ કરવો, કઈ વ્યક્તિની સામે કેવી રીતે પરફોર્મ કરવું – એ શીખવું ખૂબ જરૂરી છે. ઘણી વાર શબ્દો કરતાં વધારે બોડી-લેન્ગ્વેજ, આંગિકમ વધારે બોલી જાય છે. જેમ કે, નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે સૌથી વધુ તમારી બોડી લેન્ગ્વેજ નોટિસ થાય છે.

નાટકનો બીજો સ્તંભ એટલે વાચિકમ. શબ્દો કઈ રીતે, કયા ટોનમાં, કેટલા ઊંચા કે નીચા સ્વરમાં બોલાવા જોઈએ એ વાચિકમમાં શીખવાડવામાં આવે છે. વાચિકમ એટલે માત્ર બોલવાની જ કલા નહિ, બલકે સાંભળવાની પણ કલા છે. વાચિકમમાં ઉચ્ચારશુદ્ધિ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે.  અંગત જીવનમાં તો કદાચ ચાલી જાય, પણ સ્ટેજની સાથે સાથે પ્રોફેશનલ લાઈફમાં પણ ઉચ્ચારોનું પોતાનું એક મહત્ત્વ હોય છે.

નાટકનો ત્રીજો સ્તંભ એટલે આહાર્યમ. પ્રોપર્ટી. કોશ્ચ્યૂમ, મેકઅપ, લાઈટ, સંગીત, સેટ. જેની મદદથી નાટક ભજવાય છે. આ જ વાત સ્ટેજ સિવાય અંગત જીવનમાં પણ સમજવી પડે. મિત્રો સાથે જાવ ત્યારે શું પહેરવું, વડીલ પાસે જાવ ત્યારે શું પહેરવું કે નોકરી માટે જાવ ત્યારે કેવી રીતે તૈયાર થવું – આ એક નાનું ઉદાહરણ છે, પણ ઘણી વાર જો એની સમજ ના હોય તો હાસ્યાસ્પદ બની જવાય.

નાટકનો ચોથો સ્તંભ છે સાત્વિકમ. ભાવ-જગત. જેના વિના આંગિકમ, વાચિકમ અને આહાર્યમ અધૂરા છે. ભાવ વિનાના કલાકાર કે મનુષ્યની કલ્પના તો કરી જુઓ. નાટક હોય કે જીવન નિરસ જ લાગશે, ફિક્કું લાગશે. એક સમયે સ્ટેજ પર ભવ્ય સેટ હશે, ભવ્ય કોશ્ચ્યુમ્સ હશે, કલાકારની હાઈટ-બોડી પણ પડછંદ હશે અને સંવાદો પણ બધા મોઢે હશે, પણ જો તેમાં ક્યાંય રસ કે ભાવ નહિ હોય કે લાગણી નહિ હોય તો પ્રેક્ષકોને તેમાં સહેજ પણ રસ નહિ પડે, એનાથી ઊંધું, જો સ્ટેજ પર કઈં જ નહિ હોય પણ કલાકાર પાત્ર સાથે ઓતપ્રોત થયેલો હશે, તો પ્રેક્ષકોને છેક સુધી જકડી રાખશે. ઓતપ્રોત થવાની આ પૂર્વશરત અંગત જીવનમાં પણ સફળતા લાવે છે, એ કામ હોય કે પછી સંબંધો.

નાટકના આ પાયાના ચાર સ્તંભની પ્રાથમિક તાલીમથી ખીલે છે, એકાગ્રતા, અવલોકનશક્તિ, કલ્પનાશક્તિ, યાદશક્તિ, અભિવ્યક્તિ, અને ઘણું. આ દરેક સ્પાર્ક દરેકમાં હોય જ છે, બસ જરૂર છે એને બહાર લાવવાની. અને વ્યક્તિત્વના, ટેલેન્ટના આ પાસાઓને ઓપ આપે છે, થિયેટર ટ્રેઈનીંગ.

આ ઉપરાંત, આ એક ગ્રુપ એક્ટિવિટી છે. એકમેકને સાનુકૂળ થઈને રહેવું ફરજિયાત છે. ઘરમાં ભલે ભાઈ-બહેન હોય, પણ અલગ-અલગ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતા અન્ય ટીમ-મેમ્બર્સ સાથે સેટ થવું, એ પણ શીખવા જેવી બાબત છે, જે નાટકની સાથે અંગત જીવનમાં પણ મહત્ત્વની પૂરવાર થાય છે. લીડરશિપ ક્વોલિટી ધરાવનારને શીખવા મળે છે કે કેવી રીતે ગ્રુપમાં રહીને કો-ઓપરેટ કરવું અને એ જ રીતે જે કાયમ ટોળાંમાં જ રહે છે અને આગળ નથી આવી શકતા, તેઓમાં લીડરશિપ-ક્વોલિટી ખીલે છે.

આ અને આ સિવાય બીજા ઘણા જીવનોપયોગી પાસાં છે, જે અહીં શીખવા મળે છે, માંજવા મળે છે, જેના અસ્તિત્વ વિષે તમે બેખબર છો અને ઘણી વાર તમારો પોતાનો જ પરિચય તમને પહેલી વાર અહીં થાય છે અને એટલે જ થિયેટર ટ્રેઈનીંગ એ એક ટોટલ ટ્રેઈનિંગ છે. આટલી પ્રાથમિક માહિતીના આધારે હવે તમારે જાતે નક્કી કરવાનું છે કે થિયેટર ટ્રેઈનિંગ મહત્ત્વની છે કે નહિ ?

  • લતા શાહ

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

,

માર્ચ , 2024

ગુરૂવાર

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects