Gujaratilexicon

ભવાઈમાં આધુનિકતા

October 10 2019
Gujaratilexicon

આમ તો ભવાઈ જન્મથી જ આધુનિક હતી. ભવાઈના જનક અસાઈત ઠાકોર એવે સમયે રૂઢિ સામે લડ્યા, જ્યારે કહેવાતા ઉચ્ચ વર્ગની સમગ્ર સમાજ પર એક પક્કડ હતી. તેમણે ‘કજોડાના વેશ’ સહિત સામાજીક બદીઓને ઉજાગર કરતા ઘણા વેશો લખ્યા. નાનામાં નાની બાબતોનું આલેખન અને તેમની માનવસ્વભાવની ઊંડીઊંડી સમજ – તેઓની અદ્ભુત લેખનશક્તિનો પરિચય કરાવે છે.

દિનાબહેન ગાંધીનું ભવાઈમાં પ્રદાન :

        પ્રખર નાટ્યવિદ સ્વ. શ્રી દિનાબહેન ગાંધીએ ભવાઈનો ઊંડો અભ્યાસ કરી સામાજીક પ્રશ્નોને નવા વેશોમાં વણ્યા. ભવાઈવેશોના નવીનીકરણનો માર્ગ અપનાવી દિનાબહેને ‘રંગલી’ ના પાત્રનો સમાવેશ કર્યો. જે આજ સુધી ભવાઈમાં જોવા મળે છે.

        આ સિવાય જાણીતા નાટ્યકાર ચં. ચી. મહેતાએ તો રંગલા – રંગલીના વેશની વાર્તા પણ બનાવી. તેઓની મુખ્ય બે ભવાઈકૃતિઓ એટલે ‘હે હોલિકા’ અને ‘રંગલિકા’.

        ‘જસમા – ઓડણ’ વેશના આધુનીકરણની પ્રક્રિયા છેક ૧૯૫૬-૫૭થી શરૂ થઈ. જેમાં શાન્તાબહેન ગાંધી એ પ્રણાલિકાગત ભવાઈના સંગીત સાથે લોક સંગીતનો ઉપયોગ કરી પાત્રોની મહેનત અને સ્વમાનને મોભાયુક્ત સ્થાન આપ્યું. સ્વ. અમૃતલાલ નાયકની રાહબરી હેઠળ ૧૯૬૦-૬૧માં મ્યુઝિક કોલેજના નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓએ મૂળ રચનાને વફાદાર રહી ‘જસમા ઓડણ’ ભજવ્યું. ૧૯૭૯માં ભવાઈ શિક્ષણના એકમાત્ર પ્રણેતા ચીમનલાલ નાયક દ્વારા ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે રજૂઆત થઈ. જ્યારે દર્પણ સંસ્થાએ આ જ વેશમાં નવા ગીતો અને નવી વાત સાથે પરિવર્તન કરીને નવા સમાજ સામે નવી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો.

        આ અખતરા પહેલા ‘મેના ગુર્જરી’ માં બ્રાહ્મણ અને રબારણ તેમજ બાદશાહ અને મેનાના પ્રસંગોમાં ભવાઈના તત્વોનો – લયબદ્ધ સંવાદ અને તાલ ઠેકાનો સુપેરે ઉપયોગ થયેલો જોવા મળે છે. ‘મિથ્યાભિમાન’ને પણ ભૂંગળ વગરની ભવાઈ કહેવાય છે.

        પ્રોસેનીયમ થિયેટરની સાથે આવેલા મનોરંજનના અન્ય ઈલેક્ટ્રોનીક માધ્યમો વચ્ચે ભવાઈ એક માત્ર એવું માધ્યમ છે, જે પોતે તેના પ્રેક્ષકના આંગણે જાય છે, સીધો જનસંપર્ક કરી શકે છે. મનોરંજન સાથે સમાજ શિક્ષણ પણ આપી શકે છે. ભવાઈમાં બિભત્સ ચેનચાળા પાછળથી ઉમેરાયા, આ વાત સાવ ખોટી નથી. પણ મનોરંજનનું એક પણ માધ્યમ આજે પણ આ મર્યાદાથી અછૂતું નથી રહ્યું. આજે પણ જોઈ શકાય છે કે ટીવી, ફિલ્મો કે વેબ સીરિઝમાં પણ સારા સાથે ખોટું જોડાયેલું જ છે. એમાંથી કેટલું સારું લેવું, એ તેના દર્શક પર આધારિત છે. અને એને કારણે આખેઆખી ભવાઈ કે કોઈ માધ્યમ ક્યારેય ખરાબ નથી થઈ જતું.

        ૧૯મી સદીની ઔધોગિક ક્રાંતિ સામે મોટો ગેરલાભ એ થયો કે રંગભૂમિ (નાટક) તોતીંગ ઈમારતોમાં જકડાઈ ગઈ અને પછી ગુલામીની એ ઝંઝીર તોડી બહાર ધસી જવાનો પ્રયત્ન થયો, સ્ટ્રીટ પ્લે (શેરી નાટક) દ્વારા. કારણ કે શેરી નાટક પણ આજે ભવાઈની જેમ ખુલ્લા આકાશ નીચે ગાયન-વાદન સાથે પ્રસ્તુત થાય છે, સામાજીક સમસ્યાઓને વાચા આપે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમાં આજનો યુવાન હર્ષભેર જોડાય છે.

        સમયના ધસમસતા પૂરની સામે ભલે એકલ દોકલ સ્વરૂપે ભવાઈને ટકી રહેવામાં ઘણો સંઘર્ષ પડ્યો હોય, પણ તેમ છતાં આજે પણ ટી.વી. દ્વારા ભવાઈ જોતો સમાજ ભવાઈને ચોક્કસપણે માણે છે કારણ કે ભવાઈમાં નૃત્ય છે, ગાયન છે, વાદન છે, હાસ્ય છે અને નાટ્ય તો ખરું જ.

ભવાઈની તાલીમ :

        મનોરંજન સાથે સમાજ શિક્ષણ આપતી ભવાઈ મંડળીઓ પોતે હરતા-ફરતા વિદ્યાલયસમી ગણી શકાય. આજે જોકે ભવાઈની શિબિરો દ્વારા ભવાઈની તાલીમ અને તેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. દર્પણ સંસ્થાના પ્રયાસો પણ એક સમયે નોંધપાત્ર હતા. આ ઉપરાંત વિસનગરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની સહાયથી પ્રખર ભવાઈવિદ સ્વ. ચીમનભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ ભવાઈ તાલીમ કેન્દ્ર લગભગ ૮૦ અને ૯૦ ના દશકમાં એક દસકા જેટલું ચાલ્યું, જે હવે ઘણા વર્ષોથી બંધ છે. ગુજરાતની આ લોકનાટ્યકલાના સંવર્ધન માટે હવે ગુજરાત સરકાર એકમાત્ર આશાનું કિરણ છે.

પહેલાં મહેનતકશ લોકો માટે આનંદ-પ્રમોદનું સાધન એટલે લોકગીતો, રાસ, ગરબી અને ભવાઈ. ગુજરાતમાં પહેલું નાટક ૧૮૫૦માં ભજવાય છે, પણ એ પહેલા ગામડાઓમાં તો ભવાઈની જ બોલબાલા હતી.

  • લતા શાહ

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

,

ઓક્ટોબર , 2021

સોમવાર

18

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects