Gujaratilexicon

ગુજરાતના નાયગ્રા વોટરફોલ ‘ચીમેર ધોધ’ની શું તમે ક્યારેય મુલાકાત લીધી છે ?

October 04 2019
Gujaratilexicon

જ્યારે ચોમાસું સોળેકળાએ ખીલી ઊઠે છે, ત્યારે ગુજરાતની જંગલસંપતિ, તેમાં આવેલા નાના મોટા ધોધ ને નદીઓ વર્ષારાણીની મહેરથી જોબનવંતી કન્યાની જેમ સૌંદર્યથી ભરપૂર બની ખીલી ઊઠે છે.    

ગુજરાતમાં આવેલા ડાંગ, સોનગઢ અને તાપી જિલ્લા કે જેના લોકો વિશે, જંગલો, ધોધ અને કિલ્લાઓ વિશે ખૂબ ઓછું લખાયેલું અને વંચાયેલું છે. આવું જ એક સ્થળ એટલે વ્યારા. વન વિભાગ દ્વારા દર વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં રવિવારે વ્યાજબી રજિસ્ટ્રેશન ફી સાથે એક દિવસના ટ્રેકિંગનું આયોજન કરવામાં આવે છે. કોઈ પ્રકારના આર્થિક હેતુ માટે નહિ, પરંતુ અહીંના સ્થળો વિશે ગુજરાત અને ગુજરાત બહારના લોકો જાણકારી મેળવે, વન સંપત્તિનું મહત્ત્વ સમજે અને વિશેષ તો જ્ઞાનમાં પછાત એવી પ્રજાના હિત માટે કંઈક કરવા પ્રેરાય એ જ ભાવનાથી વ્યારા અને તાપી વન વિભાગ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવે છે.

સુરતથી 117 કિ.મી. દૂર સોનગઢ તાલુકામાં આવેલ ચીમેર ધોધ 300 ફૂટની ઊંચાઈથી પડે છે માટે તેને ગુજરાતનો નાયગ્રા ધોધ કહેવાય છે. અહીં કુલ ચાર ધોધ ઘૂઘવે છે પણ તે બધામાં ચીમેર ધોધ મુખ્ય ધોધ છે. 

ચીમ્રેર ધોધ

સુરત-બારડોલીથી સોનગઢ કે વ્યારાની સરકારી GSRTC બસ થકી આપ સોનગઢ સુધી પહોંચી શકો છો. પરંતુ અહીંથી આગળ જવા માટે તમારું પોતાનું સાધન હોય તો સરળતા રહેશે. આ અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં બસની સુવિધા ઓછી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વ્યારા-સોનગઢમાં ગામના રસ્તાઓ શહેરના રસ્તાઓને પણ પાછળ મૂકી દે એટલા સરસ છે. અહીં ગુજરાત રાજ્ય ધોરીમાર્ગ 173 લાગુ પડે છે.

સોનગઢ પહોંચ્યા બાદ, જંગલના રસ્તે હાંદલા થઈને ચીમેર ગામ પહોંચવામાં આવે છે. ત્યાં આવેલ સરકારી શાળા સુધી આપ પોતાનું વાહન લઈ જઈ શકો છો પરંતુ ત્યારબાદ પગપાળા બે કિમી જેટલું ખેતરો અને નદી-નાળાઓ પસાર કરી ધોધ સુધી પહોંચાય છે.

ઘોંઘાટીયા શહેરના કોલાહોલ વચ્ચે આ પ્રકૃતિદત્ત જંગલની ગીચતા, ડુંગરોની ઊંચાઈ નિહાળી તમારું સમગ્ર ચેતાતંત્ર જાગ્રત થઈ ઊઠશે. ઊંચેરા વૃક્ષો, પથ્થરો, ચીકણી માટી, સાંકડી કેડી અને વૃક્ષોથી ઘેરાયેલી ખીણ અને આહ્લાદક વનરાઈઓને ચીરતા જેમ જેમ આગળ વધશો તેમ તેમ હાથ ફેલાવીને જંગલ તમને ઘેરી લેશે..! શાંતિની આ રમ્ય ક્ષણોમાં જો ધ્યાન દઈને સાંભળશો તો કદાચ કોયલ, ચકલી જેવા પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળે. સોનગઢના આ જંગલો સહુથી ગાઢ ડેન્સીટી ધરાવતા જંગલોમાં સ્થાન ધરાવે છે. વનની, વનસ્પતિની, ફૂલોની, જીવ-જંતુની મિશ્ર ગંધથી પ્રગટતી જંગલી સુગંધમાં તો તમે તમારું વિશ્વ જ ભૂલી જશો એવો જાદુ આ વાતાવરણમાં છે. જો તમે અહીંના સ્થાનિક  રહેવાસીની સાથે અથવા જંગલ ખાતાના વ્યક્તિ સાથે જઈ રહ્યા હોવ તો તેઓ તમને અહીં આવેલા  ડુંગર તેમજ ઝાડ-પાનની વનસ્પતિની નામ સહિત જાણકારી આપશે.

આ ટ્રેકિંગ દ્વારા કુદરતની વિશાળતાનો પરિચય, જંગલનું મૂલ્ય, વનસ્પતિનું મૂલ્ય, તેમાં વિચરતા દરેક નાના મોટા જીવોના જીવનનું મહત્ત્વ જાણવા મળે છે. જેમ કે, બહુ પ્રખ્યાત એવો જખ્મેરૂઝ મલમ ખાખરાના છોડમાંથી બને છે, તો મોડાદ નામના છોડના ગુંદરથી વીંછીનો ડંખ મટાડી શકાય છે. પ્રસૂતિ  બાદ જે માતાને દૂધ ના આવતું હોય તેમના માટે શતાવરીના છોડનું પાણી આશીર્વાદરૂપ છે. જ્યારે ઝાડા માટે તાનાશ અને મહેસાનું આ બંને છોડની છાલ મિક્ષ કરીને પીવાથી રાહત થાય છે. ખાપટ છોડના દરરોજ બે પાન ખાવાથી હરસ-મસામાં સંપૂર્ણ રાહત થાય છે. મામેજાન છોડના પાણીથી નહાવાથી તાવ-મલેરિયા મટે છે. ખેતરોમાં મબલખ ઉગતા ફૂવાડીયા જેને આપણે ત્યાં કચરો ગણી ફેંકી દેવામાં આવે છે, પરંતુ બહાર તે 800 રૂપિયા પ્રતિકિલો વેચાય છે. આર્યુવેદિક દવા અને સશોધનમાં આ છોડનો ઉપયોગ થાય છે. જેને ખાવાથી કમળો થતો નથી. બહારથી સામાન્ય અને એક સરખી લાગતી ગુજરાતની આ અમૂલ્ય વનસ્પતિની ઉપયોગિતા જાણ્યા બાદ વૃક્ષોને જોવાની તમારી દૃષ્ટિ જ બદલાઈ જશે.

જેમ ધોધની નજીક આવતો જશે તેમ તેમ હોઠો પરથી ‘વાઉ, અમેઝિંગ, સુંદર’ જેવા શબ્દો અનાયાસ જ સરી પડશે! ચીમેર ધોધનો કલકલ વહેતો પ્રવાહ, આજુબાજુ ફેલાયેલી હરિયાળી, પ્રકૃતિનું મધુર ગુંજન, વાતાવરણની શૂન્યતા અને નિતાંત શાંતિ મંત્રમુગ્ધ કરી મૂકે એવી છે! આ સુંદરતાને માત્ર કેમેરામાં જ નહિ પરંતુ તમારા મન-હૃદયમાં ભરી લેજો, કદાચ આ ક્ષણો ફરી માણવા મળે ન મળે!

પ્રકૃતિ આપણી માતા છે, પરંતુ આંધળા વિકાસની દોટમાં માનવીએ પ્રકૃતિની હાલત બેહાલ કરી મૂકી છે. જેને પ્રકૃતિપ્રેમી જ બચાવી શકશે; માટે પ્લાસ્ટિક બોટલ, પોલીથીન બેગનો ઉપયોગ ટાળશો અને જંગલમાં જ્યાં-ત્યાં કચરો નાખવાના બદલે કચરાપેટીનો જ ઉપયોગ કરશો.

મિત્રો, જે કુદરતને માણવા માટે આપણે કેરળ અને હિમાલય સુધી જઈએ છીએ તે કુદરતની સુંદરતા આપણા ગુજરાતમાં જ છે, એ હકીકત ડાંગ-સોનગઢની ભવ્યતા જોતા સમજાઈ જાય! તો જીવનમાં એકવાર ગુજરાતના નાયગ્રા સમાન ચીમેર ધોધની મુલાકાત લો, આપણી સાચી સંપતિને જુઓ, માણો અને તેનું મુલ્ય સમજી રક્ષણ કરો!

-મીરા જોશી

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

,

ઓક્ટોબર , 2022

2

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects