Gujaratilexicon

દેવઘાટ ધોધ- લીલીછમ પ્રકૃતિની શોભા

October 04 2019
Gujaratilexicon

ધૂળમાં ઉડે ભવ્ય જિંદગી..

ને પ્રકૃતિના ખોળે એક ‘હાશ’..!

જંગલ એના પ્રકૃતિપ્રેમીની રાહ જોતું હોય છે. વાહનોના અવાજો, પ્રદુષિત વાતાવરણ અને ખોખલા સ્મિતમાં અટવાતી જિંદગીને જો પ્રકૃતિ નામની ‘મા’ બોલાવે તો ના કહેવાની કંઈ મજાલ છે કોઈની?

વ્યારા વન વિભાગના સુંદર પ્રયત્નોથી જીવનના પહેલા ટ્રેકિંગ ચીમેર ધોધના અદ્ભુત અનુભવ બાદ ફરી ફરીને એ ગાઢ જંગલોમાં જવાની બળકટ ઇચ્છા થઈ આવતી, ત્યારે કુદરતના સૌંદર્યને વધાવવાના અનેરા ઉત્સાહે ફરીવાર ગુજરાતની ‘પ્રકૃતિના સોનાના ગઢ’ એવા સોનગઢના નવા પ્રદેશને નિહાળવાની ઈશ્વરે તક આપી.

મિત્રો, આપણું ગુજરાત- જંગલોમાં વસેલા ધોધ, નદીઓ અને મંદિરોથી ભરપૂર એવા અનેક આધ્યાત્મિક સ્થળોથી સમૃદ્ધ છે. આવા જ એક પૌરાણિક સ્થળ નામે દેવઘાટની સફરે આજે જઈશું..

દેવઘાટ કેવી રીતે પહોંચશો

વડોદરા-ભરૂચથી દેડિયાપાડા નેત્રંગ હાઈવે થઈ ઉમરપાડા પહોંચી શકાય છે. દેડિયાપાડા એ નર્મદા જીલ્લાનું મર્યાદિત આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે જે ગુજરાત અને મહારાષ્ટ્રની એસ.ટી બસો સાથે સંકળાયેલું છે. જયારે સુરતથી સોનગઢ સ્ટેટ હાઈ-વે વટાવી ઉમરપાડા ગામ, નીંદવાડા નર્સરીથી આગળ જઈએ એટલે દીવટન ગામ આવે. અહીંથી 7-8 કિમી પગપાળા જંગલના રસ્તેથી જઈએ એટલે દેવઘાટ ધોધ આવે.  

ગુજરાતનું ચોમાસું

મિત્રો, જો કુદરતના સૌંદર્યને કુદરત બનીને જીવવું હોય તો ચોમાસાથી સુંદર ઋતુ કોઈ નથી. આ ઋતુમાં તમે પ્રકૃતિના સૌંદર્યને તો ભરપૂર માણી જ શકો છો, પણ હવામાનમાં આવનારા બદલાવ, પ્રકૃતિનું બદલાતું રૂપ ને એના લીધે ઉઠાવવી પડતી મજાની જહેમત તમને વધુ નિર્મળ, ધીરજવાન અને મજબૂત બનાવે છે. વરસાદમાં અટક્યા વિના ભીંજાતા ચાલતા જવાનું, પથ્થરના ટેકે કે ઝાડની ઓથે થાક ખાવાનો, ગંદા થઈ ગયેલા બૂટ-ચપ્પલની પરવા કર્યા વિના જંગલની માટીમાં પગ પખાળતા સંપૂર્ણ કુદરતમય બની જવાનું.. ને પછી જ્યારે નજર સામે એક મનોરમ્ય દૃશ્ય આવી ખડું રહે ત્યારે…’અદ્ભુત!’  ઉદ્ગાર સાથે બધો જ થાક ઓગળી જાય..! દેવઘાટના રસ્તે જેમ જેમ આગળ વધતા જઈએ તેમ લીલેરા ડુંગરોની શોભા, નદીના પાણીની શીતળતા અને લીલીછમ વનરાજીની તાજી સુગંધથી તન-મન તરબોળ થઈ જાય ત્યારે ખ્યાલ પણ ન આવે કે ક્યારે 8 કિમી ચાલી લીધું!  

દેવઘાટ ધોધ- લીલીછમ પ્રકૃતિની શોભા

ટ્રેકિંગ માટે ઉત્તમ

દેવઘાટના લાંબા ટ્રેકિંગે મારા મનની ધીરજ અને શરીરની ક્ષમતાનો ઊંડાણમાં પરિચય આપી દીધો હતો. આપણું શરીર અઢળક શક્યતાઓ ધરાવે છે અને મજબૂત મનોબળથી કોઈ પણ મુશ્કેલ કાર્ય પૂર્ણ થઈ શકે છે, નાનપણથી સાંભળેલી આ વાતોનો સાચો અનુભવ મને આ ટ્રેકિંગથી જ મળ્યો- એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી!  પણ જ્યાં ‘ખુદ’ને પામવાની, સત્યથી ધબકતી પ્રકૃતિને જીવવાની વાત હોય ત્યાં દરેક દર્દ નાનું જ લાગે છે!

દેવઘાટમાં રોકાણ વ્યવસ્થા

દેવઘાટ ધોધ પરિવાર કે મિત્રો સાથે જવા માટેનો એક સુંદર પીકનીક સ્પોટ છે. અહીં ધોધ છે, હરીયાળી વનસ્પતિ છે, મંદિર છે, ને ક્યાંક કોઈ ગરમા ગરમ મકાઈ વેચનાર પણ મળી જાય! અહીં રાત્રી રોકાણ કરવા માટે તમે ફોરેસ્ટ કેમ્પ સાઈટમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરીને રોકાઈ શકો છો.

ધોધનો પડછંદ અવાજ અને તેની આભા તમારા અસ્તિત્વને ભીંજવી દે એવો આ ધોધનો પ્રભાવ છે છતાં આ ધોધ એટલો જ જોખમી પણ છે. જી હા મિત્રો, આ સ્થળ પર દરેક જગ્યાએ સાવચેતીના બોર્ડ લગાવેલા છે, છતાં અમુક લોકો ફોરેસ્ટ અધિકારીઓની વાતને ગંભીરતાથી ન લઈને નજર અંદાજ કરે છે અને અણધારી આફતને ભેટે છે. માટે સેલ્ફી કે ફોટોના ચક્કરમાં કોઈપણ સ્થળે જાનનું જોખમ ન લેશો.

પ્લાસ્ટીક મુક્ત દેવઘાટ

મિત્રો, જંગલને આપણી જરૂર નથી, આપણને જંગલની, આ સમગ્ર પ્રકૃતિની જરૂર છે. માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, ફૂલ પાન તોડવાથી દૂર રહીએ. નદી, વનસ્પતિ, વૃક્ષો, ધોધ આ ઈશ્વરદત્ત પ્રકૃતિની આમન્યા જાળવીએ અને આપણી ભવિષ્યની પેઢી માટે આ સંપતિને જીવંત રાખીએ.

અસ્તુ.

-મીરા જોશી

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

,

જૂન , 2024

શુક્રવાર

21

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects