ખેડૂત, ખેતર અને ખેતી
August 20 2015
Written By Gurjar Upendra
વિચાર અને અનુભૂતિના એક અલૌકિક વિશ્ર્વમાં લઈ જનાર એક સુંદર પુસ્તક વાંચવામાં આવ્યું. પુસ્તકનું શીર્ષક છે – ‘ખેડૂત ખેતર અને ખેતી.’ તેના લેખક છે, શ્રી શૈલેશ રાવલ અને પ્રકાશક છે GNFC, ખેતીપ્રધાન દેશમાં ભુલાઈ ગયેલો વિષય એક નવા અને પ્રેરક આયામ સાથે લેખક આપણી સામે આવે છે. ખૂબ અઘરા અને ટેકનિકલ વિષયને તદ્દન સરળ બનાવીને મુકાયો હોવાથી પુસ્તક વધારે અસરકારક બન્યું છે. આમ તો શ્રી શૈલેશભાઈ પત્રકાર અને ઉત્તમ તસવીરકાર છે, પરંતુ પુસ્તક વાંચતાં વાંચતાં એક ચિંતક તરીકે તે વાચક સામે પ્રગટ થાય છે. અદ્ભુત તસવીર આંખોને પ્રસન્ન કરે છે, તેમનું ખેતીનું જ્ઞાન મન અને બુદ્ધિને ખુશ કરે છે, અને ધરતી માટેની તેમની લાગણી હૃદયને સ્પર્શી જાય છે. પુસ્તક વાંચ્યા પછી કોઈપણ વાચક જાણકારીની બાબતમાં અને માતૃભૂમિની બાબતમાં વધુ જાણકાર બન્યા વગર રહે નહીં. લેખકશ્રીએ ખૂબ ભ્રમણ, પરિશ્રમ, સંવાદ, ટિપ્પણીઓ કરેલી દેખાઈ આવે છે. ખેતીની વાત કરતી વખતે તે ખેતર અને ખેડૂતને ભૂલ્યા નથી. ધરતીમાતા અને જગતનો તાત એ બંનેને કેન્દ્રમાં રાખીને નાનાં નાનાં અસરકારક પ્રકરણો દ્વારા અસંખ્ય મહત્ત્વના વિષયો તેમણે આવરી લીધા છે. યુવાનો, ખેડૂતો, કૃષિક્ષેત્રના સંશોધનકારો, વિદ્વાનો, આયોજકો અને સરકાર સૌ માટે એક રેફરન્સ વોલ્યુમ બને તેવી આ પુસ્તકની કક્ષા છે.
ધરતી સાથે જોડાયેલી સમગ્ર સૃષ્ટિ તેમના દિલમાં વસેલી છે. એ પ્રેમ પુસ્તકના પ્રત્યેક પાનામાં ટપકે છે. તેમણે જમીનના, પાણીના, સિંચાઈના, ખેતરના, ખાતરના, ખેડૂતની સ્થિતિના, શહેરીકરણના, રસ્તાઓના, ઓજારોના, ગાય-ભેંસ-બળદના, …તમામ વિષયો આવરી લીધા છે, કૃષિક્ષેત્રે સાહસ – પરાક્રમ કરનાર ખેડૂતમિત્રોની તેમણે વિશેષ નોંધ લીધી છે. ઊણપો, મર્યાદાઓની વચ્ચે લેખકશ્રી ભારતની કૃષિ માટે સંપૂર્ણપણે આશાવાદી છે. જૂની બાબતો, પદ્ધતિઓની મધુરતાના લેખકશ્રી આશિક હોવા છતાં પ્રયોગશીલતામાં વિશ્ર્વાસ ધરાવનારા છે, અન્ય દેશોની પ્રગતિની નોંધ લેનારા છે. તેમની ભાષા સરળ છે, હૃદયને સ્પર્શનારી છે, શબ્દચિત્ર ઊભું કરનારી છે અને પ્રવાહી છે. તેમની કલમ તેમના દિલના ઇશારે ચાલી રહી હોય એમ દેખાય છે.
૧૦૧ પ્રકરણોમાં વિસ્તરેલા પુસ્તકમાં ઘણી વાતો, પ્રસંગો ગમી ગયા છે. પરંતુ સ્થળસંકોચને કારણે બે-ચાર નમૂનાઓ પ્રસ્તુત કરીશું. પ્રત્યેક વાતમાં તર્ક અને બુદ્ધિ તો છે જ પણ સાથે સાથે લાગણી અને સંવેદના ભળેલી છે અને તેમાંથી જન્મેલી અનુરૂપ ભાષા છે. શરૂઆતમાં નમૂના રૂપે ફકરાઓ મૂકીને અંતમાં એક સમગ્ર નાનકડું પ્રકરણ મૂકીને પુસ્તકની નાનકડી યાત્રા કરવાનો વિચાર છે.
૧. ઘટાટોપ વાદળોમાંથી પૃથ્વી તરફ ભ્રમણ કરતું એક શ્ર્વેત મુક્તક જેવું મુક્ત વરસાદનું ફોરું ટપાક કરતું પ્રકૃતિના ખોળે ઘેઘૂર વૃક્ષના એકાદ પાંદડેથી દડદડતું ડાળ ડાળ અથડાતું, સરકતું, લસરતું, ઘરનું રક્ષણ કરતાં નળિયાંઓની વચ્ચેથી સંતરતું, નેવેથી પછડાયા પછી ગામની શેરીએથી, બાળકોની હોડી સાથે સફર કરતું કરતું ગામ વચાળેથી વહેતા ઝરા વાટે, પાદરના સુક્કા કોરા, મૃતપ્રાય તળાવમાં પહોંચે તે ક્ષણે જ તળાવમાં નવા જીવનો સંચાર થયાનો અહેસાસ, પાતાળમાં દબાયેલા દેડકામાં જીવસંચાર, તળાવની કોરેમોરે લજામણીના છોડમાં સંચાર, અને તળાવની પાણીની સપાટી ઊંચે આવતાં વગડે નવો સંચાર, બાળકોના ધુબાકાઓમાં નવો સંચાર, બહેનોનાં વાસણ, કપડામાં સંચાર, ગમાણના ઢોરને તરસ છિપાશેની આશાનો સંચાર, વગડો, પાદર, ખેતર… સૌ એક ટીપાની અનુભૂતિથી આળસ ખંખેરીને લીલાછમ બનવાની શરૂઆત એટલે પહેલા વરસાદના પહેલા ટપકાના સળવળાટનો જીવન અહેસાસ.
૨. ખેતરનો શેઢો વૃક્ષ વગર વાંઝિયો અને વૃક્ષોની ડાળ પંખીઓ વગર વાંઝણી. શિયાળામાં પ્રકૃતિ સોળ વરસની – ષોડષી બની જાય છે. યૌવન લહેરાતું હોય તેમ ધરતી લીલી ચાદરમાં પવનની એક એક લહેરખી સાથે હિલોળે ચઢી હોય, સૂરજનો ધૂપ સુગંધીદાર ધૂપસળીની જેમ મહેકતો હોય, ખેતરના ચાસમાંથી લહેરાતી પાકની ખુશ્બૂની માદકતા ભળે પછી તો ઊતરતી ઉંમરના બુઢાપામાંય યૌવનનું જોમ આપમેળે જ આવી જાય. તેને કોઈ મહુડાની જરૂર ન પડે, આવા પ્રકૃતિમય વાતાવરણમાં પંખીઓની બાદબાકી કરો તો બધું જ સૂનું સૂનું થઈ જાય. પંખીઓની ઓળખને ત્રણ તબક્કાઓમાં વિભાજિત કરી શકાય. ઘરઆંગણાનાં પંખી, ખેતર અને ઉપવનનાં પંખી તથા જંગલ વગડાનાં પંખી – પ્રકૃતિની સાંકળમાં દરેક જીવનું એક આગવું વર્ચસ્વ હોય છે. બાર ગાઉએ બોલી બદલાય તેમ દરેક ઋતુઓમાં પંખીઓ પણ બદલાય છે.’
૧૦૧ પ્રસંગોના આ પુસ્તકમાં લેખકે માણસ, ધરતી અને સૃષ્ટિની વાતો કરી છે. તેમણે લખેલી માણસના સાહસની અનેક વાતોમાંથી હું એક પૂરી વાત રજૂ કરું છું.
આવી અસંખ્ય રસપ્રદ અને પ્રબોધન કરનારી હકીકતોથી ‘ખેડૂત, ખેતર અને ખેતી’ સભર છે. સામાન્ય માનવી માટે નીરસ એવા ખેતીના વિષયને લેખકે રસપ્રદ બનાવ્યો છે અને હા, પુસ્તકમાંની બોલતી તસવીરો તો અદ્ભુત છે જ. શ્રી શૈલેશ રાવલને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે. યુવાનો સહિત વધુમાં વધુ લોકો આ પુસ્તક વાંચે તેમાં જ લેખકના પ્રયત્નની સાર્થકતા છે. મારે માટે તો ૨૧૭ પાનાંની મોજભરી સફર ક્યારે પૂરી થઈ તે ખબર જ ન પડી.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ