લીમડાનું ઝાડ

August 10 2015
Written By GujaratilexiconGurjar Upendra

વર્ષો પહેલાંની આ સાવ સાચી વાત છે.

હૈદરાબાદ વિશ્ર્વવિદ્યાલયના ચોગાનમાં એક લીમડાનું ઝાડ ઊભું હતું. આંખોને ઠારતું, શીતળ છાંયડો પાથરતું આ ઝાડ વિદ્યાર્થીઓને જ નહિ, શિક્ષકોને પણ બહુ ગમતું હતું. સૌ એના છાંયામાં બેસતા. એની ડાળો પરથી પંખીઓ ટહુકાઓનો વરસાદ વરસાવતાં. એમાં મન ભરી ભીંજાઈને સૌ તરબોળ થઈ જતા.

વિશ્ર્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હતી. એટલે વધારાના વર્ગખંડોની જરૂર હતી. એક નવું ભવન બાંધવાનું નક્કી થયું. જ્યાં લીમડો હતો એ જગ્યા પસંદ થઈ. લીમડાનું ઝાડ કાપી નાખવું પડે તેમ હતું. ખરેખર તો કોઈ ઝાડને કપાય નહિ. ઝાડવાં તો ધરતી માતાનાં ફેફસાં છે!

આ વિશ્ર્વવિદ્યાલયના એક પ્રાધ્યાપક વિદ્યાર્થીઓમાં અત્યંત પ્રિય, હોશિયાર શિક્ષક, મોટા ગજાના વિદ્વાન. હિન્દી અને અંગ્રેજીમાં સાહિત્યસર્જન કરે. જેવા સારા લેખક એવા જ ઉત્તમ વક્તા અને સાંભળનારા મંત્ર-મુગ્ધ થઈ જાય, વર્ગમાં ભણાવે ત્યારે વિદ્યાર્થીઓ ચૂં કે ચાં ન કરે. તોફાન કરવાની તો વાત જ ક્યાં રહી? વિદ્યાર્થીઓમાં તેઓ જેટલા પ્રિય એટલા જ તેમને વિદ્યાર્થીઓ પણ બહુ વહાલા. તમામ વિદ્યાર્થીઓ તેમનો આદર જાળવે.

તેમનું આખું નામ રામચંદ્ર દેવદાસ ગાંધી. સૌ તેમને રામુ ગાંધી નામથી ઓળખે. ઊંચા વિચારો કરનારા અને સાદું જીવન જીવનારા રામુ ગાંધી, મહાત્મા ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીના પુત્ર એટલે ગાંધીજીના પૌત્ર થાય. રાજાજી એટલે કે, રાજગોપાલાચારી એક બહુ મોટા માણસ હતા. રામુ ગાંધી તેમની દીકરીના દીકરા એટલે દૌહિત્ર થાય. પણ રામુ ગાંધી પોતાની આવી ઓળખાણ કોઈને ક્યારેય ન આપે.

રામુ ગાંધીને જાણ થઈ કે, લીમડાનું ઝાડ કાપી નાખવાનું છે તો એમણે સજ્જડ વિરોધ કર્યો. ઉપકુલપતિને સમજાવ્યું કે, લીમડાની નીચે બેસીને પણ વિદ્યાર્થીઓને ભણાવી શકાય છે. લીમડો કાપવાની કોઈ જરૂર નથી, પરંતુ ઉપકુલપતિએ કે વિશ્ર્વવિદ્યાલયના સત્તાવાળાઓએ એમની વાત સાંભળી જ નહિ.

રામુ ગાંધીએ તેમનો વિરોધ બળવાન બનાવ્યો. તેમણે સૌને આ વાત કરી કે, ‘હું લીમડાનું ઝાડ કાપવા દઈશ નહિ. ગમે તેમ કરીને આ લીમડાને જિવાડીશ, એના માટે હું મારા પ્રાણ આપી દઈશ.’ છતાં કોઈએ તેમની વાત સ્વીકારી નહિ. રામુ ગાંધીએ લીમડાને બચાવવા સત્યાગ્રહ કર્યો.  ચીપકો આંદોલન શરૂ કર્યું. ચીપકો આંદોલન એટલે ઝાડને બાથ ભરીને ઊભા રહેવું, બચાવવા માટે.

રામુ ગાંધી દિવસો સુધી લીમડાના ઝાડને પોતાના બંને હાથ વીંટાળીને ઊભા રહ્યા. ઉપકુલપતિ બહુ અક્કડ અને જિદ્દી માણસ હતા. તેમણે પોલીસ બોલાવી, રામુ ગાંધીને લીમડાના ઝાડથી અળગા કરી દીધા, પછી લીમડાનું ઝાડ કાપી નાખ્યું.

રામુ ગાંધીને ભારે આઘાત લાગ્યો. ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. દિવસો સુધી ઉદાસ રહ્યા. ખાવાનું પણ ગયું. એમની આંખોમાંથી આંસુ સતત વહેતાં રહ્યાં. છેવટે એમણે મોટા પગારવાળી અધ્યાપકની નોકરી છોડી દીધી. નોકરીનું રાજીનામું આપતાં પત્રમાં તેમણે લખ્યું હતું : ‘જે શિક્ષણસંસ્થા એક ઝાડને બચાવી ન શકે ત્યાં હું કેમેય કરતાં રહી શકું નહિ.’

અને તેમણે પોતાને પ્રિય એવી શિક્ષણસંસ્થા અને અતિપ્રિય વિદ્યાર્થીઓને છેલ્લી સલામ કરી. વિશ્ર્વવિદ્યાલયના સત્તાવાળાઓ અને વિદ્યાર્થીઓએ તેમને બહુ વિનંતી કરી. પણ તેઓ પૂરા મક્કમ રહ્યા. મોટા પગારની નોકરી છોડી દીધી. પોતાની આવક જતી કરી દીધી, એક લીમડાના ઝાડને બચાવવા માટે! છતાં તેઓ એને બચાવી શક્યા નહિ. એનો એમને જિંદગીભર રંજ રહ્યો. કેવો અદ્ભુત વૃક્ષપ્રેમ! કેવી ઉન્નત ભાવના! ધન્ય છે તેમને.

આ રામુ ગાંધી થોડાં વરસો પહેલાં અવસાન પામ્યા. – કરસનદાસ લુહાર

 

More from Gurjar Upendra

More Stories

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

ઓગસ્ટ , 2022

ગુરૂવાર

11

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects