એક હતી વાર્તા !

September 11 2015
Written By GujaratilexiconGurjar Upendra

એક હતી વાર્તા, એને સર્જાવું હતું.

એને થયું કે કોઈ સારી ઘટના મળી જાય તો સર્જાઈ જાઉં, પણ એને સર્જાવા યોગ્ય કશું મળતું નહોતું.

આખરે કંટાળીને તે શબ્દકોશ પાસે ગઈ. તેણે શબ્દકોશને કહ્યું, ‘તું તારા શબ્દોમાંથી મારા માટે એક વાર્તા બનાવી આપીશ ? પ્લીઝ…’

શબ્દકોશે કહ્યું, ‘હું તો વાર્તા બનાવી આપું, તારું સર્જન થતું હોય તો મને શું વાંધો હોય ! હું તો તૈયાર જ છું, પણ એક પ્રૉબ્લેમ છે. હું જાતે કશું જ નથી કરી શકતો. વાર્તાને વહેતી કરવા માટે વાણીની જરૂર પડે અને વાણીને વાર્તારૂપે રજૂ કરવા માટે માણસની જરૂર પડે. માટે તારે જો તારું ખરેખરું સર્જન કરવું હોય તો તું માણસ પાસે જા.’

વાર્તા માણસ પાસે ગઈ. તેણે માણસને કહ્યું, ‘તું મારું સર્જન કર, કંઈક એવી ઘટના ઘટાવ કે જેમાંથી મારું સર્જન થાય.’

પોતાની પાસે આવેલી વાર્તાને જોઈ માણસ વિચારમાં પડી ગયો. ખૂબ વિચાર્યા પછી તેણે વાર્તાને કહ્યું, ‘હું તારું સર્જન તો કરું, પણ એનાથી મને શું ફાયદો થશે ?

વાર્તાએ કહ્યું, ‘એ તો મને ખબર નથી, પણ મારા માટે આટલું કરી આપશો પ્લીઝ…’

માણસે કહ્યું, ‘જેમાંથી મને કશો ફાયદો ન થતો હોય તેમાં હું હાથ જ નથી નાખતો. નીકળી જા મારા ઘરમાંથી…’

વાર્તાએ એને ખૂબ મનાવ્યો, પણ તે માણસ ન માન્યો તે ન જ માન્યો. વારંવારની વિનવણીને કારણે માણસ ગુસ્સે થઈ ગયો અને તેણે વાર્તાનો હાથ પકડીને તેને ઢસડીને ઘરની બહાર ફેંકી દીધી.

હડધૂત થઈને ઘરની બહાર ફેંકાતાંની સાથે જ વાર્તાને પોતાનું સર્જન થયું હોય એવું લાગ્યું. પોતાના સર્જનથી વાર્તાના ચહેરા પર આવેલું સ્મિત અનન્ય હતું !

(‘એક હતી વાર્તા’માંથી – અનિલ ચાવડા)

More from Gurjar Upendra

More Stories

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects