તૂટેલો ઘડો……
August 10 2015
Written By
Gurjar Upendra
પાંચ દાયકા પહેલાની વાત છે. જયારે માણસોના મનમાં વિશાળતા અને તનમાં ચેતના ભરપૂર રહેતી.
સૂર્યના આછા પ્રકાશમાં સૂતેલું આખુંય ગામ ધીમે ધીમે જાગી રહ્યું હતું. મંદિરમાં થતા ઘંટારવે સૌના કાનમાં પ્રવેશી સૌને કામમાં પ્રવૃત્ત કર્યા. ગાય-ભેંસના ગળે બાંધેલી ઘંટડીના અવાજથી ગામ જાણે ફરી જીવંત બની ગયું. પાદરમાં ઊડતી ધૂળની ડમરીઓએ વાતાવરણમાં પોતાની સાક્ષી પુરાવી. અને સૌ પોતપોતાના કામમાં લાગી ગયા.
ગામની સ્ત્રીઓ માથે ઘડા લઈ પાણી ભરવા નીકળી પડી. ગામમાં કોઈ કૂવો નહિ કે પીવાના પાણીની સગવડ પણ નહિ. દૂર દૂર સુધી ચાલતા જઈ પાણી લાવવું પડતું.
બધી સ્ત્રીઓની પાછળ એક માજી માથે ઊંચકી શકાય નહિ તેથી ત્રાજવાની જેમ લાકડીમાં બે ઘડા બાંધી ખભે ટીંગાડી હળું હળું ચાલતા આવે. માજીના શરીરે કરચલીઓ પડી ગઈ હતી, પણ એનું જોમ એમનું એમ જ હતું. રોજ પાણીના બે ઘડા ઊંચકીને ભરી લાવે. એમાંનો એક ઘડો તૂટેલો હતો. માજી કુવેથી આખો ઘડો ભરે પણ ઘરે પહોંચે ત્યાં અડધો જ રહે !
માજી પાણી ભરીને આવે ત્યારે કેટલાકને તેની દયા આવતી, તો કેટલાક ફૂટેલા ઘડામાંથી નીકળતાં પાણીને જોઇને તેમની ઠેકડી ઉડાડતા, “માજી અડધો મારગ તો ધોવાઈ ગ્યો, હવે બાકીના મારગનો શો વાંક?” , “એ! કોઈને પાણી પીવું હોય તો હાલો, માજીનું હરતું ફરતું પરબ આવી ગ્યું સે.”
માજી કોઈને પણ જવાબ આપ્યા વગર ઘર તરફ ચાલી નીકળતા. આ બધું જોઇને ઘડાને પણ ખૂબ દુ:ખ થતું ; કે જો હું તૂટેલો ના હોત તો માજીને આટલી મહેનત પછી આખો ઘડો ભરીને પાણી તો મળત !
માજી રોજની માફક પાણી ભરીને આવતા હતા, ત્યારે સામે પાદરમાં નાના છોકરાઓ ટોળે વળીને રમતા હતા તેમાંથી એક છોકરાએ માજી પાસે આવીને તેમને કહ્યું : “બા, તમે રોજ બે ઘડા પાણીથી આખા ભરીને લાવો છો પણ આ એક ઘડો તો તૂટેલો છે, એમાંથી તો બધું પાણી ઢોળાઈ જાય છે, તો નવો ઘડો કાં નથી લેતા?”
માજીએ કહ્યું : “બેટા ! પરોપકાર હાટુ, મારે બે ઘડા પાણીની ખપ નથી. આ ફૂટેલા ઘડાને લીધે તો આવતા આવતા મારે વજનેય ઓછું થઈ જાય ને આ નીચે જો ; એક બાજુનો મારગ જ્યાં આ ફૂટેલો ઘડો રેય સે ન્યા મેં બી વાયવા’તા અને જો આજે કેવા છોડવા ને ફૂલડાં ઉગી ગ્યા સે, ને બધુંય લીલું લીલું થઇ ગયું સે, ને બીજી બાજુ તો ઉજ્જડ વેરાન સે. આ આખો ઘડો તો મારી એકલીના કામમાં આવે સે, જયારે આ ફૂટેલો ઘડો તો આખા સમાજના કામમાં આવે સે !”
More from Gurjar Upendra



More Stories



Interactive Games

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.