પ્રભુને આપ્યું તે સોનું થાય
September 09 2015
Written By
Gurjar Upendra
(૧) એક ભિખારી નગરના મુખ્ય રસ્તા આગળ ઊભો રહી ભીખ માંગતો હતો. તે સવારથી સાંજ સુધી ભીખ માગતો રહ્યો, પણ થોડાઘણા અનાજના દાણા સિવાય તેને કાંઈ મળ્યું ન હતું. હજી પણ કાંઈક આશાએ તેનું ભીખ માગવાનું ચાલુ જ હતું. તેવામાં …
(૨) સામેથી નગરના રાજાનો સોનાનો રથ આવતો દેખાયો. ભિખારી તો ખૂબ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું, ‘રથ આગળ જઈ ઊભો રહીશ, તો રાજા કોઈ કીમતી ચીજ આપી માલામાલ કરી દેશે…..’
તેવામાં રથ તેની સામે આવીને જ ઊભો રહી ગયો.
(૩) ભિખારી કાંઈક વિચારે તે પહેલાં જ, રાજા રથ પરથી ઊતરી ભિખારી તરફ આવવા લાગ્યા. ભિખારી મનોમન ખુશ થયો. તેને લાગ્યું, ‘મારાં તો ભાગ્ય ખૂલી ગયાં ! રાજા ખરેખર મને ધનવાન કરી દેશે !’ પણ આ શું…? રાજા તો પોતે જ ભિખારી સમે હાથ ફેલાવી ઊભો રહી ગયો.
(૪) ભિખારીને અત્યંત આશ્ચર્ય થયું, ‘અરેરે ! આ રાજા તો કાંઈક આપવાને બદલે પોતે જ માગી રહ્યો છે. હું તેને શું આપું ?’ તે ગમે ખાઈ ગયો. પરંતુ તેણે પોતાની ઝોળીમાંથી અનાજના બે દાણા લઈ રાજાના હાથમાં મૂક્યા. રાજા અન્નના બે દાણા લઈ ત્યાંથી વિદાય થયા.
(૫) ભિખારી રાત્રે હતાશ થઈને ઘરે પાછો ફર્યો. તે મનોમન બળાપો કરવા લાગ્યો, ‘અરેરે ! આ દુનિયાના લોકો કેટલા કંજૂસ અને લોભી થઈ ગયા છે. દયા અને ઉદારતા તો જાણે મરી જ પરવાર્યાં છે.’ એમ કહી તેણે ભીખમાં મળેલા પાશેર જેટલા અનાજની ઢગલી જમીન પર ફેંકી.
(૬) પણ આ શું… ? અન્નની ઢગલીમાંથી ચમકતા બે સોનાના સિક્કા ખણ-ખણ કરતા ઊછળી પડ્યા. ભિખારીને તરત જ ખ્યાલ આવી ગયો. તેને થયું, ‘મારી ઉદારતાની કસોટી કરાવા ભગવાન જ રાજારૂપે મારી પાસે આવ્યા હતા. અરેરે ! હું કેવો મૂરખ ! આખી ઝોળી જ તેમને આપી દીધી હોત તો ! જેટલા દાણા તેટલી સોનામહોર મળત.’ આમ તે ખૂબ જ પસ્તાવા લાગ્યો.
બોધ : ભગવાન અને સંત કોઈનું લેવા આવ્યા નથી. તેમને ધર્માદામાં જે આપીએ, તે અનંતગણું થઈને ભક્તને એક કે બીજી રીતે પાછું જ મળે છે. જે ભગવાન અને સંતને ઓળખતા નથી, તેને પસ્તાવાનો વારો આવે છે.
More from Gurjar Upendra



More Stories



Interactive Games

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.