Gujaratilexicon

લતા હિરાણી –  લેખક, કૉલમિસ્ટ તથા આકાશવાણી દૂરદર્શનના માન્ય કલાકાર

March 10 2015
Gujaratilexicon

લતા હિરાણી –  લેખક, કૉલમિસ્ટ તથા આકાશવાણી દૂરદર્શનના માન્ય કલાકાર

મહાનગર અમદાવાદનાં નિવાસી સુશ્રી લતા હિરાણી (જન્મઃ ૨૭ – ૦૨ – ૧૯૫૫) જાણીતાં લેખક, કૉલમિસ્ટ તથા ભાષાનાં વિવિધ ક્ષેત્રોમાં બહુમૂલ્ય યોગદાન આપનાર બહુમુખી પ્રતિભાવંત સન્નારી છે. ચાલો, તેમના સર્જન અને કાર્યક્ષેત્રનો ટૂંકમાં પરિચય મેળવીએ.

સાહિત્ય સર્જનઃ

કૉલમઃ દિવ્ય ભાસ્કર – ‘સેતુ’ (ટૂંકી વાર્તાઓ) સપ્ટેમ્બર 2007થી ઑક્ટોબર 2008, ‘કાવ્યસેતુ’ (કવિતાનો આસ્વાદ) 2011થી કાર્યરત, આદિત્ય કિરણ – ‘ટહૂકો’ 2011થી કાર્યરત, આદર્શ અમદાવાદ પત્રિકા ‘મજાનું બાળપણ, સ્વસ્થ સમાજ’ જાન્યુઆરી 2015થી કાર્યરત

પ્રકાશનોઃ ઉજાસનું પ્રથમ કિરણ – 2001 (ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત સખી-શક્તિ એવૉર્ડ), સ્વયંસિદ્ધા – 2005 (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત), ધનકીનો નિરધાર – 2002 (રાષ્ટ્રિય સાક્ષરતા મિશન તરફથી નવી દિલ્હી, વિજ્ઞાન ભવનમાં ઉપરાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કૃત), ઘરથી દૂર એક ઘર – 1998 (ટૂંકી વાર્તાઓ), પ્રદૂષણ : આપણી સમસ્યા આપણો ઉકેલ – 1998, ભણતરનું અજવાળું – 2004 (નવસાક્ષરો માટે), બિટ્ટુ વાર્તા કહે છે – 2006 (બાળવાર્તાઓ), લતા હિરાણીની મનપસંદ બાળવાર્તાઓ – 2012, સંવાદ (પ્રાર્થનાઓ), ગુજરાતના યુવારત્નો, ગીતાસંદેશ (Audio CD), અન્ય 8 પુસ્તકો પ્રેસમાં છપાવા માટે આપેલ છે.

આ ઉપરાંત 100 જેટલાં લેખો અને 50 જેટલી લઘુકથાઓ લખેલ છે. આકાશવાણી અને દૂરદર્શન પર લગભગ પચાસેક કાર્યક્રમોનું લેખન – સંચાલન કરેલ છે. હાલમાં તેઓ ‘પેરન્ટિંગ ફોર પીસ’ ‘બાળઘડતર દ્વારા વિશ્વશાંતિ’ અભિયાનમાં કામ કરી રહ્યાં છે, જેની અમદાવાદની શાખાનું સંયોજન સંભાળે છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ…

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

જે ભાષાને માતાના ગર્ભમાં સાંભળી હોય અને જન્મ્યા પછીથી તરત જે ભાષાનો અનુભવ શરૂ થયો હોય જેમાં જીવતા શીખ્યા હોઈએ એ ભાષા એટલે માતૃભાષા.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ઘણાં નામ આવે. અત્યારે યાદ આવે છે – હિમાંશી શેલતની ‘અવલંબન’, હરીશ નાગ્રેચાની ‘કૂલડી’, ‘ખીંટી’, કિરીટ દૂધાતની ‘બાયું’, નવલકથામાં રજનીકુમાર પંડ્યાની ‘કુંતી’, કાજલ ઓઝાની ‘કૃષ્ણાયન’ અને ધીરુબહેન પટેલ તથા ધ્રુવ ભટ્ટની ઘણી નવલકથાઓ…

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

આપણી ભાષા એટલે એમાં વપરાતા શબ્દો, શબ્દપ્રયોગો, વાક્યરચના, રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દો પાછળ છુપાયેલા અર્થો પણ (જે કોશમાં ન હોય). આ બધું આપણા સદીઓના સમાજજીવનને લઈને આવે છે. આપણા વ્યવહાર-વર્તનની પાછળ કેટલા ઊંડા મૂળ છુપાયેલાં હોય છે ! આપણા વિચારો એમાંથી ઘડાયા હોય છે ! આ બધું મળીને એ બને છે જેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ અને એનો પડઘો ભાષામાં હોય છે, જે આપણી માતૃભાષામાં જ પામી શકાય છે એટલે માતૃભાષાને ઉવેખી શકાય નહીં. પોતાની માતૃભાષા અને એ વાતાવરણમાં જેટલું સહજ બની શકાય એટલું બીજી ભાષામાં ન બની શકાય અને સહજ થયા વગર વિકાસ કેવો ?

આપને ગમેલું ગુજરાતી ભાષાનું કોઈ ચલચિત્ર ? જેમનો અભિનય ગમ્યો હોય તેવા અભિનેતા ?

હમણાં ગુજરાતી ભાષામાં સારી ફિલ્મો આવી. મને અત્યારે નામ યાદ આવતું નથી.

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

નાટક, ટીવીશ્રેણી, ટેલીફિલ્મ ભાગ્યે જ જોયાં છે એટલે યાદ નથી

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)

પ્રિય સર્જકો – કુંદનિકા કાપડિયા, ધીરુબહેન પટેલ, હિમાંશી શેલત, પ્રવીણસિંહ ચાવડા, ધ્રુવ ભટ્ટ, વર્ષા અડાલજા, ધૂમકેતુ, જોસેફ મેકવાન, પન્નાલાલ પટેલ, રમેશ પારેખ, તુષાર શુક્લ, રાજેન્દ્ર શુક્લ, જલન માતરી, વિપિન પરીખ, અમૃત ઘાયલ, આદિલ મન્સૂરી, કૃષ્ણ દવે, મનોજ ખંડેરિયા, બરકત વિરાણી અને બીજા કેટલાય અને લતા હિરાણી

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

કેવી રીતે એક પુસ્તકનું નામ આપી શકાય ? એક વાર્તાકાર પૂછો તો હિમાંશી શેલત અને એક કવિ પૂછો તો રમેશ પારેખ !

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

‘છાશ લેવા જવું ને દોણી સંતાડવી’, ‘ઘર ફૂટે ઘર જાય’

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

હવેની પેઢી, જેને અંગ્રેજી માધ્યમમાં ભણતાં રોકી શકાય એમ નથી એને ગુજરાતી બાલગીતો ગાતાં શીખવીએ. વાર્તાઓ વાંચી સંભળાવીએ. આ પેઢીને ગમે એવું સાહિત્ય રચીએ. હું આવી માતાઓને, જ્યારે એમના બાળક સાથે વાત કરતાં સાંભળું છું ત્યારે ચોક્કસ કહું છું કે ‘ડોગ’ ને ‘કેટ’ એ શાળામાં શીખવાના જ છે. સાથે સાથે એને કૂતરો ને બિલાડી શબ્દો પણ શીખવો

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

બસ ઉપરની જ વાત…

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

ગુજરાત વિશ્વકોશ, ધીરુભાઈ પરીખ, કુમારપાળ દેસાઈ, ગુજરાતીલેક્સિકન, રતિલાલ ચંદરયા, અને ‘રીડ ગુજરાતી’ના મૃગેશ શાહ. આ ઉપરાંત અન્ય પણ ખરા…

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

‘જંગલના સિંહને જબરજસ્તીથી વશ કરી શકાય છે પણ ગમે તેટલી જબરજસ્તીથી એક ફૂલ ખીલવી શકાતું નથી.’ – શરદચંદ્ર ‘બાળમંદિરમાં બાળકને દેવ ગણીને એની પ્રતિષ્ઠા કરવાની છે અને એને શિક્ષણ આપવાનું છે.’ – ગિજુભાઈ બધેકા

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

એવું ખાસ કંઈ બન્યું નથી.

અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?

ભગવદ્ગોમંડલ, લોકકોશ, રમતો, ન્યૂઝલેટર, સન્ડે ઈ-મહેફિલ, જી.એલ. ગોષ્ઠિ

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

માતૃભાષાને સંકોચાતી, સંકોડાતી બચાવવા આવી સંસ્થાઓ અને આવા ભેખધારીઓની ખૂબ જરૂર છે. આ મહાન કાર્યમાં દરેક પોતાની રીતે યોગદાન આપી શકે. આ ઉમદા અભિયાનમાં મને યાદ કરવા બદલ આભાર.

Gujaratilexicon

સુશ્રી લતા હિરાણી

:

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects