Gujaratilexicon

શ્રદ્ધા ત્રિવેદી –  બાળસાહિત્યકાર, વિવેચક તથા નિબંધકાર

July 22 2015
Gujaratilexicon

નામ : શ્રદ્ધા ત્રિવેદી, જન્મ : 02 – 08 – 1948, અભ્યાસ : એમ.એ., પી. એચ. ડી.

ગુજરાતીમાં બાળકથાનું સ્વરૂપ અને તેનો વિકાસ વિષયક મહાનિબંધ રચેલ છે. વાંચન – લેખનમાં વિશેષ રસ ધરાવે છે. બાળસાહિત્યના લેખન-સંપાદનમાં ખૂબ જ રસ દાખવેલ છે, માટે જ ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્ય ક્ષેત્રે તેમનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતી ભાષામાં બાળસાહિત્ય સતત લખાતું અને વંચાતું રહે તેની અભિલાષા રાખે છે. અનેક બાળવાર્તા સંગ્રહો, નવવિકા સંગ્રહ, વિવેચન સંગ્રહો તથા સંપાદનો મળી લગભગ 70 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ઈ. સ. 2010 માં નિવૃત્ત થઈ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની નિશ્રામાં તૈયાર થઈ રહેલ ‘બાળ વિશ્વકોશ’માં હાલ કામગીરી બજાવી રહેલ છે.

ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલા બહુમૂલ્ય પ્રદાન બદલ અનેક પારિતોષિકો મળેલ છે. વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય રચવા બદલ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સને 1996 માં ‘શ્રી ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવેલ છે. આ સાથે બાળસાહિત્ય, વિવેચન વગેરે માટે પાંચ સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. સાહિત્ય પરિષદ તરફથી અન્ય ત્રણ પુરસ્કારો મેળવેલ છે. વિશેષમાં સને 2013 માં દિલ્હી બાળસાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત બાળસાહિત્ય માટે NCERT ના બે પુરસ્કારો મળેલ છે.

ગુજરાતી ભાષા પ્રત્યે પ્રગાઢ પ્રેમ અને અસ્મિતા ધરાવે છે. ગુજરાતી સાહિત્યના પ્રદાનમાં પોતાનાથી બનતો વધુમાં વધુ ફાળો આપી સાહિત્યની સેવા કરવાની ખેવના છે.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ…

માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?

જે ભાષા મને માતાના ગર્ભમાંથી મળી તે માતૃભાષા ગુજરાતી માટે મારા જીવનનો, મારા વ્યક્તિત્વનો એક અવિભાજ્ય અંશ છે. મારા વિચારો, લાગણીઓ, કલ્પનાઓ, સંવેદનાને હું સ્પષ્ટ રીતે અને સાફસુધરી રીતે તેમાં વ્યક્ત કરી શકું છું.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

અનેક ગીતો ગમે છે. એકની જ પસંદગી અશક્ય.

આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ઉપર જેવી જ સ્થિતિ ! છતાંય થોડાંક નામ જણાવું છું : દિલીપ રાણપુરા, રા.વિ. પાઠક, હિમાંશી શેલત, કુન્દનિકા કાપડિયા વગેરેની વાર્તાઓ ગમે. નવલકથામાં પણ ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’, પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’, દર્શકની ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘સોક્રેટીસ’, વિનેશ અંતાણીની ‘પ્રિયજન’, હરીન્દ્ર દવેની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં” વગેરે… જેમાં ઘટના અને સંવેદનાનું સુભગ મિશ્રણ હોય તેવી કૃતિઓ….લઘુકથાથી માંડીને મહાનવલ સુધીની ગમે. જેમ કે, ધીરુબહેનની નવલકથાઓ – લઘુનવલો. બધું જ ગમે.

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?

આપણી ભારતીય સંસ્કૃતિને સાચવવી હોય તો આપણે આપણી ભાષાને તેની ગરિમાને સાચવવી પડે, તેનું ગૌરવ કરવું પડે, તેને દિલથી ચાહવી પડે ને આપણી શક્તિ, વૃત્તિ, આવડત અને સમય – સ્થિતિ પ્રમાણે કાર્યનિષ્ઠ થઈ તે માટે પ્રયત્ન કરવો જોઈએ.

આપને ગમેલું ગુજરાતી ભાષાનું કોઈ ચલચિત્ર ? જેમનો અભિનય ગમ્યો હોય તેવા અભિનેતા ?

બહુ જોયાં નથી. ‘કાશીનો દીકરો’ જોયાનું યાદ છે. કલાકારોમાં સરિતા જોશી, આશા પારેખ, પદ્મારાણી સંજયકુમાર, પરેશ રાવલ વગેરે.

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?

બહુ જોયાં નથી. પણ જૂનું ‘પલ્લવી પરણી ગઈ’ કંઈક યાદ છે. હમણાંનું સૌમ્ય જોશીનું ‘વેલકમ જિંદગી’. પણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં ભજવાયેલ ‘માનવીની ભવાઈ’ અને અનુવાદ રૂપે ભજવાયેલ ‘મડદાં દફનાવો’ – યાદગાર ! ‘બાએ મારી બાઉન્ડ્રી’ – સરસ !

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)

ઘણા બધા; – નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો, દયારામ, દલપતરામ, કાન્ત, ઉમાશંકર, સુન્દરમ્, નિરંજન ભગત, સિતાંશુ, ચંદ્રકાન્ત શેઠ, રમેશ પારેખ, અનિલ જોશી, મરીઝ, હરીન્દ્ર દવે, મનોજ ખંડેરિયા વગેરે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, રમણભાઈ નીલકંઠ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, ગાંધીજી, દર્શક, પન્નાલાલ, મેઘાણી, ગુણવંત શાહ, વગેરે…

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

કોઈ એક નહીં ! ઉપર જવાબ આવી ગયો. અનુવાદ રૂપે ‘લા મિઝરેબલ.’

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.

કહેવતો : આપ સમાન બળ નહિ, મેધ સમાન જળ નહિ, કામ કામને શીખવે, પહેલું સુખ તે જાતે નર્યા, જાગ્યા ત્યારથી સવાર, રામ રાખે તેનો કોણ ચાખે, સાચને નહીં આંચ ! વગેરે…

રૂઢિપ્રયોગો : દાળમાં કાળું, હથેળીમાં ચાંદ બતાવતો, સોનામાં સુગંધ ભળવી, પુસ્તકનો કીડો, આભ તૂટી પડવું, કાનનું કાચું, પહાડ તૂટી પડવો. (તરત જેટલું યાદ આવ્યું તે અહીં લખ્યું) વગેરે……

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

ગુજરાતી ભાષામાં જ વાત કરીને, લખીને, વ્યાખ્યાન આપીને. નવી પેઢીને માતૃભાષાનું મહત્ત્વ સમજાવીને.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.

આજના માતાપિતાને માતૃભાષાનું મહત્ત્વ સમજાવવું. બાળકોને ગુજરાતી માધ્યમવાળી શાળામાં મૂકે તે માટે સમજાવવાં. ભાષાના સારા શિક્ષકો તૈયાર કરવા. સારાં પુસ્તકો તૈયાર કરવાં. ટી.વી.માં બાળકો, કિશોરો માટે માતૃભાષામાં શ્રેણીઓ તૈયાર કરાવવી.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?

ગુજરાત વિશ્વકોશ, ધીરુભાઈ પરીખ, કુમારપાળ દેસાઈ, ગુજરાતીલેક્સિકન, રતિલાલ ચંદરયા, અને ‘રીડ ગુજરાતી’ના મૃગેશ શાહ. આ ઉપરાંત અન્ય પણ ખરા…

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

પોતે જ પોતાના ગુરુ બનવું. તીવ્ર કર્તવ્યભાન તે જ ધર્મ.

ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.

કોઈ ખાસ નહીં. પણ ગણવી હોય તો અભ્યાસમાં અર્થશાસ્ત્રમાં વધુ ગુણ આવતા હોવા છતાં રસ ગુજરાતીમાં તેથી અધ્યાપકની વિરુદ્ધ જઈ મુખ્ય વિષય ગુજરાતી રાખ્યો.

અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?

મેં લેક્સિકનનો ખાસ ઉપયોગ કર્યો નથી. પણ તેના પ્રારંભમાં પરોક્ષ રૂપે સંકળાવવાનું થોડું થયેલું ત્યારે થયેલું કે આ પાયાનું કાર્ય કરે છે.

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

GL ગુજરાતી તથા બિનગુજરાતી ભાષકોને પણ રસ લેતા કરવાનો ઉમદા – સુંદર પ્રયાસ કરે છે.

Gujaratilexicon

સુશ્રી શ્રદ્ધા ત્રિવેદી

:

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects