મને જેટલી ભાષાઓ વાંચતાં-લખતાં આવડે છે, એ બધી જ બહુ વહાલી છે. પણ ગુજરાતી ભાષા માટે વિશેષ પ્રેમ છે. કારણ ફક્ત એટલું જ કે એ મને વધારે આવડે છે. માને પ્રેમ કરવા માટે માસીને ઉતારી પાડવાનું મને કદી સમજાયું નથી.
આપણી વહાલી ભાષા કેવી રીતે જીવે છે? ભાષાનું મૂળ કામ પ્રત્યાયનનું-ગુજરાતીમાં કહીએ તો, કમ્યુનિકેશનનું છે. એ જ્યાં સુધી સારી રીતે થતું રહે ત્યાં સુધી ભાષા જીવે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિને અને મૌલિકતાને પોતીકું અને આગવું પ્રદાન કરનારરજનીકુમાર પંડ્યા અને પ્રકાશ ન. શાહ અહીં સાથે બેઠા છે. તેમણે અને બીજા ઘણા લોકોએ ભાષાને સૌંદર્ય આપ્યું, ઘરેણાં પહેરાવ્યાં, સુંદર વસ્ત્રો પહેરાવ્યાં પણ ભાષાનું શરીર તો લોકો છે. લોકભાષા લોકોથી જીવે છે. જ્યાં સુધી ગુજરાતી લોકો છે, ત્યાંસુધી એ જીવવાની. નહીં હોય ત્યારે મરી જશે. તેની અત્યારથી અને ઘણી હદે ખોટી હાયવોય શા માટે? ગુજરાતીને ધબકતી રાખનારા લોકો અત્યારે તો છે, મોટી સંખ્યામાં છે. છતાં ’ભાષા બચાવો’ની ઝુંબેશ કાઢવી પડે એવી અસલામતી કેમ? તેનુંએક કારણ કદાચ એ છે કે એ લોકો ‘આપણા જેવા’ (‘પીપલ લાઇક અસ’) નથી. આપણાં ઘરમાં સંતાનો કે સંતાનોનાં સંતાનો ગુજરાતી વાંચતાં-લખતાં બંધ થઈ ગયાં, એટલે ‘આપણા જેવા’ કેટલાકને એવું લાગવા માંડ્યું કે ગુજરાતી ભાષા ખતરામાંછે. ભાષા બચાવવાના ઉત્સાહ વિના સહજ- ક્રમમાં ગુજરાતી બોલતાં લાખો લોકો આપણી ‘વસ્તીગણતરી’માં કે વિશ્લેષણમાં સહેલાઈથી સ્થાન પામતાં નથી.
ઘણા વખત સુધી માધ્યમની પણ માથાકૂટ બહુ ચાલી : ગુજરાતી માધ્યમ કે ઇંગ્લિશ મીડિયમ? અંગ્રેજીના મોહની ટીકા, તેના મોહથી ચેતવાનું એ બધું જ વાજબી હતું, પણ એક ભાષા આવડશે, તો બીજી આવડશે, એક માટે પ્રેમ થશે, તો બીજી માટેપણ થશે, એવી સમજ કેળવાઈ નહીં. પરિણામે ગુજરાતી પર અંગ્રેજીની ચઢાઈ અને ગુજરાતીનું અસ્તિત્વ જોખમમાં-એવી જ સ્થિતિ રહી. તેમાં આખું ધ્યાન ગુણવત્તાને બદલે અસ્તિત્વ ટકાવવા પર આવી ગયું. તેમાં બાવાનાં બે ય બગડ્યાં. સરેરાશવિદ્યાર્થીઓને હવે નથી ગુજરાતી સરખું આવડતું, નથી અંગ્રેજી.
આક્રમણની ચર્ચા બહુ ચાલતી હતી, એ ગાળામાં લોકભાષાના અસ્તિત્વ વિશે મને ચિંતા ન હતી. છતાં, એવું લાગતું હતું કે ગુજરાતી જ્ઞાનભાષા બને, તો એ વધારે ઉપયોગી, વધારે પ્રસ્તુત અને એટલે વધારે ટકાઉ બને. પછી સવાલ એ આવ્યો કે જ્ઞાનએટલે શું? આપણે તો ફક્ત ડિગ્રી ને નોકરી આપે તેને જ જ્ઞાન ગણતાં થઈ ગયાં. એન્જિનિયરિંગના ચોપડા ગુજરાતીમાં આવે નહીં, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ગુજરાતીમાં ભણાય નહીં. તો શું ગુજરાતી ભાષા નકામી કે લુપ્ત થવાને લાયક સમજવી? પણ જેમજેમ વાંચવાનું થયું, તેમ સમજાતું ગયું કે ગુજરાતીમાં જ્ઞાન તો અઢળક છે. મનુભાઈ પંચોળીનું એક પુસ્તક વાંચવામાં આવ્યું : ‘આપણો વૈભવ અને વારસો’. તેમાં માંડ અઢીસો પાનાંમાં છેક આર્યોથી લઈને સાતમી સદી સુધીના ભારતના ઇતિહાસનાં જે મહત્ત્વના પ્રવાહો અને નિરીક્ષણો તેમણે આપ્યાં છે, તે આશ્ચર્યચકિત કરનારાં છે. આ ઇતિહાસ રાજામહારાજાઓનો નથી, લોકજીવન-સમાજજીવન અને ધર્મનો પણ છે. તેમાં વિગતોનો અને સાલવારીઓનો ખડકલો નથી, મિથ્યાભિમાન નથી ને લઘુતાગ્રંથિ પણ નથી. તે વાંચ્યા પછી જે વિચારભાથું મળે છે, તે વર્તમાનમાં અને જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે એવું છે.
મને થયું કે જો આ જ્ઞાન નથી, તો જ્ઞાન બીજું શું છે? એ પુસ્તકની પ્રસ્તાવનામાં પંડિત સુખલાલજીએ લખ્યું છે કે’ જેઓને ગુજરાતી ભાષાની શક્તિ વિષે — અર્થપ્રકટસામર્થ્ય વિષે, થોડી પણ શંકા હોય, તેઓને આ પુસ્તક ખાતરી કરી આપશે કેવિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની શક્તિ ગુજરાતી ભાષામાં કેટલી છે!’
આ તો એક પુસ્તકની વાત થઈ. આવાં બીજાં ઘણાં પુસ્તકો છે. ગાંધીજીનાં ઘણાં મૂળ લખાણ ગુજરાતીમાં છે, અને તે આપણે મૂળ ભાષામાં વાંચી શકીએ છીએ. એ ટાગોરને બંગાળીમાં, ટૉલ્સ્ટૉય-કાફકા-ચેખવને રશિયનમાં કે મોપાસાંને ફ્રૅન્ચમાં વાંચવા જેવી જ વાત છે. આવું ફક્ત ગાંધીજીના જ નહીં, બીજા ઘણા ગુજરાતી લેખકોનાં લખાણ માટે કહી શકાય. ઝવેરચંદ મેઘાણીનું ગદ્ય લો કે પદ્ય, તેમાં રહેલી સર્જકતા અને તાકાત આજે પણ અનુભવી શકાય અને પ્રસ્તુત લાગે એવી છે. આપણી બારીઓ ખોલે, સંવેદના ખીલવે અને જે નકરી પ્રાસંગિકતા કે સ્થૂળતામાં રાચતાં ન હોય, એવાં લખાણ ગુજરાતીમાં દરેક સમયમાં વત્તેઓછે અંશે આવતાં જ રહ્યાં છે. પરંતુ મોહગ્રસ્ત વાલીઓ અને પોતાના વિશ્વસાહિત્યના જ્ઞાનનો વટ પાડવા આતુર, જુદી રીતે મોહગ્રસ્ત એવા અધ્યાપકોના પાપે ગુજરાતી લખાણોનું યથાયોગ્ય, સહૃદય મૂલ્યાંકન થયું નથી – થતું નથી.
જ્ઞાનભાષા વિશે હું જ્યારે ચિંતા કરતો હતો, ત્યારે મનમાં એક ખ્યાલ એવો હતો કે જ્ઞાન એટલે વિજ્ઞાન ને ઇતિહાસ. એ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનારા નગેન્દ્રવિજય, હર્ષલ પુષ્કર્ણા, તેમની આગળ અને પાછળના બીજા ઘણા લોકોએ સરસ કામ કર્યું છે. ’જ્ઞાન’ની સમજ ગુજરાતીમાં કેળવી શકાય એવું કામ કર્યું છે. છતાં, આપણને સતત અસલામતીનો અનુભવ કેમ થાય છે?
તેનું એક વ્યક્તિગત કારણ તે પોતાનું ઘર. વર્ષો પહેલાં ‘ગુજરાતી- બચાવો’ની એક સભામાં એક વક્તાએ કહ્યું કે મારાં પૌત્ર-પૌત્રી મારી સાથે વાત નથી કરી શકતાં, બોલો. આવા કિસ્સામાં તેમના પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખીને કહેવું પડે કે એ તમારો પ્રૉબ્લેમ છે, ગુજરાતનો કે ગુજરાતીનો નથી. જેમને એટલું દાઝતું હોય, તે દુનિયાને ઉપદેશ આપતાં પહેલાં અંગ્રેજી માધ્યમમાં ભણતાં તેમનાં પોતરાંદોહિતરાંને સાથે-સાથે સાદું વાંચવા-બોલવા જેટલું ગુજરાતી આપી ન શકે, તો તેના માટે કોણ જવાબદાર?
ગુજરાતી ભાષા રસાતાળ જવા બેઠી છે, એવું લાગવાનું બીજું કારણ તે આપણાં છાપાં – તેનાં સરેરાશ લખાણો – ઘણી કૉલમમાં આવતી ભાષા. તેમાં એ યાદ રાખવાની જરૂર છે કે સારી ભાષા, ઉત્ક્રાંત થતી રહેલી ભાષા પ્રસારમાધ્યમોને કારણે નહીં, તેમના હોવા છતાં જીવવાની છે. પ્રસારમાધ્યમોમાં આવતાં લખાણથી ભાષાની એકંદર તબિયત-તંદુરસ્તી ન માપીએ. મુનશી કે ઉમાશંકર કે દર્શકના જમાનામાં પણ મુખ્ય ધારાનાં મોટો ફેલાવો ધરાવતાં અખબારોની ભાષા અંગેની સ્થિતિ ખાસ વખાણવા જેવી ન હતી. તેનો અર્થ એમ નથી કે છાપાંની ભાષાની ટીકા ન કરવી. પણ માત્ર એની ટીકા કરીને જ ભાષાની ચિંતા કે તેની મહાન સેવા કરવાના ભ્રમમાંથી નીકળી જવું.
ચિંતા અને નિસબત વચ્ચે ફરક છે. નિસબત હોય એ માણસ ચિંતા કર્યા પછી બીજું કશુંક કરે. તેને થાય કે માની તબિયત એંસી વર્ષે સારી છે, તો સો વર્ષે પણ સારી રહે તેના માટે હું શું કરું? એવા ઉપક્રમોમાંથી ‘ગુજરાતી લેક્સિકોન’ જેવાં કામ થાય છે. મારા જેવા ઘણા લોકોનો એકે ય દિવસ લેક્સિકોન વાપર્યા વિના નહીં જતો હોય. જે ટેક્નોલૉજી ભાષા માટે સંકટ લાગતી હતી, એ જ ટેક્નોલૉજી થકી આખેઆખો ભગવદ્ગોમંડળ પહેલાં વેબસાઇટ પર અને ઘણા વખતથી મોબાઇલના એપ તરીકેઉપલબ્ધ છે. બીજા કંઈક શબ્દકોશ, કહેવતો, સમાનાર્થી આવ્યા, નવા શબ્દો ઉમેરવાની પ્રક્રિયા પણ ચાલી. ગુજરાતીને ભવિષ્યભાષા એટલે કે ભવિષ્યની પ્રજા માટે સરળતાથી સુલભ અને પ્રસ્તુત બનાવવાનું કામ તે આવાં ઘણાં કામનો સરવાળો છે. રતિકાકા — રતિલાલ ચંદરયાએ ‘ગુજરાતી લેક્સિકોન’ થકી મજબૂત પાયો નાખ્યો છે. એ કામ પણ પણ એક વાર થઈ ગયા પછી થંભી ન ગયું. તેમાં સતત નવા ઉમેરા થતા રહે છે, તે બહુ આનંદની વાત છે
મહેન્દ્ર મેઘાણીના જમાનામાં વૉટ્સઍપ હોત, તો તેમણે આટલી મહેનત કરીને, આગોતરાં લવાજમ ઉઘરાવીને, આટલી ગ્રંથાવલિઓ ને સંપુટો કરવાં પડત? મહેન્દ્રભાઈને જ પૂછી શકાય એમ છે. છતાં હું એવું સમજું છું કે કદાચ ન પણ કરવા પડ્યાં હોત. મૂળ સવાલ વિતરણનો હતો. આપણે ઉત્તમ વસ્તુઓ ચૂંટીએ, પસંદ કરીએ, પછી લોકો સુધી પહોંચાડવાની કેવી રીતે? આજે આપણી પાસે સૌથી મોટી તાકાત, જે નબળાઈ, મર્યાદા કે ભયસ્થાન પણ હોઈ શકે છે, તે છે ટેક્નોલૉજી. આપણે આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરીએ છીએ, તેની પર આધાર છે.
મનુભાઈનું હું જેમજેમ જેટલું વાંચતો જાઉં છું, તેમ મને થાય છે કે આ બધું ફરી ને ફરી કેવી રીતે ચલણમાં રાખી શકાય? આવું બીજાં પણ ઘણાં લખાણ વિશે થાય છે. આપણે ત્યાં ઘણું બધું સર્જાયું ને વિસ્મૃત થઈ ગયું. હવે તો દરેક વસ્તુની આવરદા – શૅલ્ફલાઇફ બહુ ઓછી હોય છે. એક વાર કંઈક કરી દેવાથી ઇતિશ્રી થઈ જતું નથી. જેનું અત્યારે મૂલ્ય હોય, પ્રાસંગિકતા હોય, જેમાં રસ હોય, એવી ચીજો આપણી ભાષામાંથી શોધી-શોધીને લોકોની સામે મૂકવાનું કામ કરવા જેવું છે. હજુ આપણી પાસે માર્ગદર્શકો છે, જેમણે આ ક્ષેત્રમાં કે આ પ્રકારનું ઘણું કામ કર્યું છે. આપણા વિસ્મૃત જ્ઞાનને એકઠું કરીને વહેતું કરવું, એ મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે. ‘વિશ્વમાનવ’ની કે બીજી ડી.વી.ડી. બને તે બહુ આવકાર્ય છે. અત્યાર સુધી વેરવિખેર કેપુસ્તકાલયોમાં કેદ સામગ્રી ડિજિટલ સ્વરૂપે સંઘરાઈ ગઈ. હવે તેને વહેતી મૂકવાની છે. લખનારના કૉપીરાઇટનું ધ્યાન રાખીને, એ સામગ્રી કેવી રીતે લોકો સુધી પહોંચાડવા માટે અવનવા ઉપાય વિચારવા અને તેમાં ટેક્નોલૉજીની મદદ લેવી એ કરવાજેવું કામ છે. અત્યારે એક સશક્ત માધ્યમ છે વીડિયો. લોકો એવું કહેતા સંભળાય છે કે આજકાલ લોકો વીડિયો જ જુએ છે. વાત સાચી પણ છે. લોકોને એ ગમતું હોય, તો એ માધ્યમ. તેમાં આપણે આપણી સામગ્રી કેવી રીતે આપી શકીએ, તે આપણેબધા સંસ્થાગત રીતે કે વ્યક્તિગત રીતે વિચારી શકીએ. આ પ્રયાસો વચ્ચે ઓછામાં ઓછું એટલું સંકલન જરૂરી છે કે જેથી એકનું એક કામ લોકો પોતપોતાની રીતે ન કરવા લાગે. જાતને સાવ ભૂંસીને નહીં, પણ થોડી પાછળ રાખીને સામગ્રીને આગળરાખવાનું કામ કરી શકાય.
અખબારોમાં વિશ્વ માતૃભાષા દિવસની ચિરંતન સ્ટોરી હોય છે કે ગુજરાતી ભાષામાં આટલા વિદ્યાર્થી નાપાસ થાય છે. દર વખતે રોકકળ મચે છે. તેમાં એટલી સાદી વાત ચૂકી જવાય છે કે એ ‘ભાષા બચાવો’નો મુદ્દો નથી. એ ‘શિક્ષણ બચાવો’નો મુદ્દોછે. ગુજરાતી સિવાયના વિષયોમાં પણ અઢળક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને જે પાસ થાય છે, તેમના સ્તરની તપાસ વળી અલગ જ મુદ્દો છે. તેનો ઉકેલ આણવા માટે ટૅક્નોલૉજી મદદ કરી શકે છે. અમેરિકાના સલમાનખાન દ્વારા ચાલતી ‘ખાનએકૅડેમી’ દરેક વિષયના વિભાગ, પેટા વિભાગ પાડીને તેના આઠ-દસ મિનિટના શૈક્ષણિક વીડિયો મૂકે છે. મને હંમેશાં એવી લાલચ રહે છે કે હજુ આપણે ત્યાં ઉત્તમ શિક્ષકો છે. એ લોકોનો જ્ઞાનવારસો આ રીતે વીડિયોમાં સંગૃહીત ન કરી શકાય? જુદા-જુદા વિષયોના મુદ્દા-પેટા મુદ્દા પાડીને, ગુજરાતી માધ્યમમાં સારામાં સારી રીતે શીખવતા લોકોના આવા વીડિયો તૈયાર ન થઈ શકે? તેમાં સંકળાયેલા લોકોને મહેનતાણું મળે, પણ જે બને તે સૌ કોઈ માટે વિનામૂલ્યે હોય. એટલી આર્થિક મદદકરનારા ન મળે? નાનેથી મોટાં ધોરણનાં પાઠ્યપુસ્તકોને સાચી છતાં સરસ રીતે, વીડિયો સ્વરૂપે તૈયાર કરવાનું કામ પણ ભવિષ્યભાષા માટેનું જ કામ બની શકે છે.
છેવટે, એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષા વિશે બિનજરૂરી હીણપત ન અનુભવીએ અને આપણી ભાષાની સમૃદ્ધિને ઓળખીને, બીજાને નીચા પાડ્યા વિના, તેનું ગૌરવ લઈએ. અમીષ ત્રિપાઠી કે દેવદત્ત પટનાયકની સાથે મનુભાઈને પણ વાંચીશકાય. પછી જાતે નક્કી કરવાનું કે કોણ ક્યાં છે. અને ગૌરવ એટલે ‘આપણે ત્યાં બધું શોધાઈ ગયું છે’ એવી ફેંકાફેંકની વાત નથી, પણ આપણે ત્યાં કેટલું ઉત્તમ લખાયું છે તે જાણીએ, શક્ય એટલું વાંચીએ અને નવી ટેક્નોલૉજીની મદદથી તેને નવી પેઢીસુધી પહોંચાડી જોઈએ.
સેવા બહુ ખરાબ શબ્દ છે. તેમાં પગ દબાવનારા ક્યારે ગળું દબાવી નાખે, તેની ખબર નથી પડતી. એટલે આ બધું કરતી વખતે માથે ભાષાની સેવાના મુગટો પહેરીને ફરવું નહીં. તેમાં મઝા આવતી હોય તો જ એ કામ કરવું. કામ કરનારને મઝાઆવશે, તો તે મઝાનો ચેપ બીજાને પણ લાગશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.