ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાને અડધી સદીથી વધુ સમય વિત્યા બાદ પણ ગુજરાતમાં શૈક્ષણિક, રાજકીય, વહીવટી અને સરકારી અને સંશોધનાત્મક જેવા તમામ મહત્ત્વના ક્ષેત્રોમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના પડકારોને પહોંચી વળવા માટે ભારતીય પ્રાદેશિક ભાષાઓ જાણે ઉણી ઉતરી. પાશ્ચાત્ય સાંસ્કૃતિક અને સામાજિક આક્રમણને કારણે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા ઉપરાંત ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે. જાણ્યે-અજાણ્યે આજે આપણે પોતે જ પોતાની ઓળખ ગુમાવી રહ્યા છીએ. આ અનુસંધાન પ્રતિ નિસબત અને નિષ્ઠા દર્શાવવાનો સમય પાકી ગયો છે. અંગ્રેજી ભાષાનું મહત્ત્વ સહેજ પણ ઓછું આંકવાનો આશય નથી. ઊલટાનું ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન અંગ્રેજી ભાષાની જાણકારી સરળ બનાવશે એવો પણ એક મત છે.
માતૃભાષા અભિયાન વિશે
આ પડકારને ઝીલવા અને ભાષા સંવર્ધન માટે નિસબત ધરાવનારાં ભાષાપ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા માતૃભાષા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. માતૃભાષા અભિયાન હેઠળ ગુજરાતી ભાષા પ્રત્યે સભાનતા અને ગૌરવની લાગણી જગાડવા માટેના પ્રયત્નો દ્વારા ગુજરાતની ઓળખ, ગુજરાતનો સામાજિક, કળાકીય અને પરંપરાગત વારસો જાળવવાની નિસબત ઊભી કરવાની નેમ ધરાવીએ છીએ. જેથી ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમી આ ધરોહર, પેઢી દર પેઢી સચવાતી રહે અને સમૃદ્ધ થતી રહે. માતૃભાષા અભિયાનની ભૂમિકા સંયોગીકરણ (નેટવર્ક ઑર્ગેનાઈઝેશન)ની છે. આ અભિયાનનું માળખું સંકલિત બહુકેન્દ્રિત, એકસ્તરીય અને અનૌપચારિક છે. તેમાં ગુજરાતના ખ્યાતનામ ચિંતકો, શિક્ષણવિદો, લેખકો તેમજ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હોય તેવા લોકો પરામર્શક તરીકે જોડાયા છે.
ઉદ્દેશ
સમગ્ર સમાજને અને વિશેષ કરીને યુવાવર્ગને લક્ષમાં રાખીને ગુજરાતી ભાષા પરત્વે સભાનતા કેળવાય, તેના પ્રત્યે આદર અને ગૌરવની લાગણી ઉત્પન્ન થાય તથા ગુજરાતી ભાષા તેના વિવિધ સ્વરૂપમાં માણી શકાય તે માટેના સઘન પ્રયત્નો કરવાનો ઉદ્દેશ છે. આ અભિયાનમાં ગુજરાતભરની અનેક સહયોગી સંસ્થાઓ અને સક્રિય ભાષાપ્રેમીઓ સામેલ કરી વિશ્વભરના ગુજરાતીઓ માટે અનેકસ્તરીય કાર્યક્રમો યોજવા માટે સાહિત્ય-સંસ્કૃતિના ચાહકોને જોડવાનો ઉદ્દેશ છે.
તો ચાલો સહુ સાથે મળી આ વિશ્વ માતૃભાષા દિવસે માતૃભાષા અભિયાન આયોજિત રેલીમાં જોડાઈએ અને માતૃભાષાનું ગૌરવ વધારવાનો સંકલ્પ કરીએ.
માતૃભાષા અભિયાન વિશેની વધારાની માહિતી આપને માતૃભાષા અભિયાનને વેબસાઇટ ઉપરથી મળી શકશે.
http://gujaratibhasha.org/index.html
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.