એક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે.
કાગડો તો કાળો મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના બોલે !
એક વાર સરોવરને કાંઠે હંસ આવ્યા. આવીને વડ ઉપર રાત રહ્યા. સવાર પડી ત્યાં કાગડે ભાળ્યા. કાગડો વિચારમાં પડ્યો: “અરે, આ વળી કોણ હશે ? આ નવતર પ્રંખી ક્યાંનાં ? કાગડે બાપગોતર હંસ ભાળ્યા હોય તો ને ! કાગડે એક પાંખ ફેરવી, એક પગ ઊંચો કર્યો ને રોફથી પૂછ્યું: “અલ્યા એ, કોણ છો તમે ? અહીં કેમ આવ્યા છો ? પૂછ્યા વિના કેમ બેઠા ?”
હંસ કહે :“ભાઈ ! અમે હંસ છીએ. ફરતા ફરતા આવ્યા છીએ; થાક ખાઈને હમણાં ચાલ્યા જશું.”
કાગડો કહે : “ એ તો બધું જાણ્યું. પણ કાંઈ ઊડતાં–કરતાં આવડે છે ? કે ફક્ત મોટાં શરીર જ વધાર્યા છે ?”
હંસ કહે: “ થોડુગણું આવડે ખરું ! ”
કાગડો કહે : “વારું, ઊડવાની કાંઈ જાતો-બાતો આવડે છે ? – આપણને તો એકાવન ઊડ આવડે છે.”
હંસ કહે: “એકાવન તો શું…અમે તો એકાદ ઊડ ઊડી જાણીએ.”
કાગડો કહે: “ઓયવોય ! એમાં તે શું મોટું ?”
હંસ કહે: “ એ તો અમને તો એવું જ આવડે ના ?”
કાગડો કહે: “કાગડા જેવું કોઈ થયું છે ? ક્યાં એકાવન, ને ક્યાં એક ! કાગડો તે કાગડો, ને હંસ તે હંસ !”
હંસો સાંભળી રહ્યા ને મનમાં ને મનમાં હસી રહ્યા. પણ એક હંસ જુવાન હતો;એનાથી ન રહેવાયું, એનું લોહી ઊકળ્યું. એ બોલ્યો: “કાગડાભાઈ ! હવે બસ થઈ. નકામી વાત શી કરવી ? ચાલોને આપણે જરાક ઊડી જોઈએ. તમારી એકાવન ઊડ બતાવો તો ખરા ! પછી જોઈએ, ને પછી ખબર પડે કે કાગડો તે કાગડો અને હંસ તે હંસ છે કે નહિ ?”
કાગડો કહે : “ચાલો.”
હંસ કહે : “ ત્યારે બતાવો.”
કાગડે તો ઊડો બતાવવા માંડી. ઘડીક ઊંચે ચડ્યો ને કહે: “ આ એક ઊડ.” પાછો નીચે આવીને કહે : “ આ બીજી ઊડ.” પાછો પાંદડે પાંદડે ઊડીને બેઠો ને કહે: “આ ત્રીજી ઊડ.” વળી પાછો એક પગે જમણી કોર ઊડ્યો ને કહે: “આ ચોથી ઊડ.” પાછો ડાબી કોર ઊડ્યો ને કહે: “આ પાંચમી.”
કાગડે તો આવી ઊડો કરવા માંડી, પાંચ, સાત, પંદર, વીસ, પચીસ, પચાસ ને એકાવન ઊડો કરી બતાવી. હંસ તો ટગર ટગર જોઈ રહ્યા. મનમાં ને મનમાં હસી રહ્યા.
એકાવન ઊડ પૂરી થઈ એટલે કાગડાભાઈ મલકાતા આવ્યા ને કહે: “કાં હંસભાઈ ! કેમ, કેવી લાગી ઊડ ?”
હંસો કહે: “ ઊડ તો ભારે ! પણ એક અમારી ઊડ પણ હવે જોશો ના ?”
કાગડો કહે: “હવે એક ઊડમાં તે શી જોવી’તી ! આમ પાંખો ફફડાવીને આમ કરીને ઊડવું – એમાં જોવું’તું શું ?”
હંસો કહે: “એ તો ઠીક, પણ આ એક જ ઊડમાં સાથે ઊડવા આવવું હોય તો આવી જુઓ… જરા ખબર તો પડે કે એક ઊડ પણ કેવી છે ?”
કાગડો કહે: “ચાલો ને, તૈયાર જ છું ! એમાં ક્યાં સાવજ મારવો છે ?”
હંસ કહે: “ પણ તમારેય સાથે જ રહેવું પડશે. તમે સાથે રહો, તો બરાબર જોઈ શકો ને ?”
કાગડો કહે: “સાથે શું-આગળ ઊડું, પછી કાંઈ ?”
તે આગળ ઊડ્યો ને હંસ તેની પાછળ ઊડ્યો.
કાગડે તો ફડફડ પાંખો ફફડાવીને મારી મૂક્યું. હંસ પાછળ સાવ ધીરે ધીરે પાંખો ફફડાવતો ચાલ્યો. ત્યાં કાગડો પાછો વળીને કહે: “ કાં ? આ જ ઊડ છે ને ! બીજું કાંઈ બતાવવું બાકી છે ?”
હંસ કહે: “ભાઈ, જરા ઊડ્યા જાઓ, ઊડ્યા જાઓ, હમણાં ખબર પડશે.”
કાગડો કહે: “હંસભાઈ ! વાંસે વાંસે કાં ચાલ્યા આવો ? આવા ધીરા શું છો ? ઊડવાના કાયર લાગો છો !”
હંસ કહે: “ઊડો તો ખરા; ધીરે ધીરે ઠીક છે.”
કાગડાની પાંખમાં હજી જોર હતું. કાગડો આગળ ને હંસ પાછળ ઊડ્યે જતા હતા. કાગડો કહે: “ કાં ભાઈ ! આ જ ઊડ બતાવવી છે ને ? લ્યો, ચાલો હવે થાક્યા હશો : પાછા વળીએ, આમાં કાંઈ માલ નથી.”
હંસ કહે: “જરા આગળ તો ઊડો ! હજી ઊડ બતાવવી બાકી છે.”
કાગડો તો આગળ ઊડવા લાગ્યો. પણ કાગડાભાઈ હવે થાકી ગયા હતા. પોતે આગળના પાછળ થઈ ગયા. હંસ કહે: “કાં કાગડાભાઈ ! પાછળ કાં રહો ?ઊડ તો હજી થવાની છે.”
કાગડો કહે: “ઊડો ઊડો; હું જોતો આવું છું, ઊડ્યો આવું છું.” પણ કાગડાભાઈ ઢીલા થઈ ગયા હતા, પંડમાં જોર નહોતું રહ્યું. ભાઈની પાંખો હવે પાણીને અડવા માંડી હતી.
હંસ કહે: “ કાગડાભાઈ ! આ પાણીને ચાંચ અડાડીને ઊડવું –એ ક્યા પ્રકારની ઊડ ભલા ?” કાગડો જવાબ શો આપે ?
હંસ તો આગળ ઊડ્યો, ને કાગડાભાઈ પાછળ પાણીમાં ડૂબકાં દેવા લાગ્યા. હંસ કહે : “કાં કાગડાભાઈ, હજી મારી ઊડ તો જોવાની બાકી છે ! થાક્યા ક્યાં ?”કાગડો પાણી પીતો પીતો પણ આગળ ઊડવા મહેનત કરતો હતો. જરાક આગળ ગયો, પણ પછી તો પાણી ઉપર પડી ગયો. હંસ કહે: “કાગડાભાઈ ! આ વળી ક્યો પ્રકાર કર્યો ? બાવનમો કે ત્રેપનમો ?”
પણ કાગડો તો પાણીમાં ગળકાં ખાવા લાગ્યો હતો; રામશરણની તૈયારી થઈ હતી. હંસને દયા આવી. ઝટ લઈને પાસે આવ્યો, ને કાગડાને પાણીમાંથી કાઢી લઈ પીઠ ઉપર બેસાર્યો. પછી હંસ તેને લઈને ઊંચે આકાશ સુધી ઊડ્યો.
કાગડો કહે: “ એ ભાઈ ! આ તું શું કરે છે ? મને તો ચક્કર આવે છે. આ તું ક્યાં ચાલ્યો ? હેઠો ઊતર, ભાઈ ! હેઠો ઊતર. “ કાગડો ધ્રૂજતો હતો.
હંસ કહે : “ભાઈ! જો તો ખરો ? આ હું તને એક ઊડ બતાવું છું ”
કાગડો ભોંઠો પડ્યો ને કરગરવા લગ્યો. પછી હંસ હેઠે આવ્યો ને કાગડાને વડલા ઉપર મૂક્યો, ત્યારે કાગડાને થયું કે, “હાશ, હવે જીવ્યા !” પણ તે દિવસથી કાગડો સમજી ગયો અને અભિમાન છોડી દીધું.
(સ્રોતઃ ગિજુભાઈની બાળવાર્તાઓમાંથી)
થાક – being tired, fatigue, exhaustion.
વાંસે – behind, after; behind one’s back.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.