૧૯ સપ્ટેમ્બર એ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિન છે. રાધા – કૃષ્ણનાં ભાવસભર ગીતો એ તેમની વિશેષતા છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ વગેરે બહુ જ પ્રસિદ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી રચનાઓ છે. આજે તેઓ ભલે સદેહે હયાત નથી પણ તેમનાં ફોરમતાં પુષ્પોસમાં કાવ્યો સાંભળતાં તેમની સમૃતિ તાજી થઈ આવે છે.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં,
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી!
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
તરણું – ઘાસની સળી, તણખલું
ઠાલું – નિર્ધન, ગરીબ. (૨) ખાલી, અંદર કશું ન હોય તેવું. (૩) નિરર્થક, કારણ વિનાનું. (૪) વાસેલું ન હોય તેવું. (૫) ન○ રૂ કાઢી લીધેલું કપાસનું કાલું, ઠાલિયું. (૬) દોરા વીંટવાના કામમાં આવતી ભૂંગળી
સ્પંદન – આછી ધ્રુજારી, કંપ
ગોરસ – ગાયનાં દૂધ, દહીં, છાસ અને માખણ. (૨) (લા.) દૂધ વગેરે રાખવાનું વાસણ, ગોરસી
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.