ધૂળનોય ખપ પડે.
આપણી એક બહુ જ જૂની ઘરડાંના સમયની કહેવત છે – સંઘર્યો સાપ પણ કામ આવે. આ કહેવતનું તાત્પર્ય એ છે કે દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. ગમે ત્યારે પણ તે ઉપયોગી થઈ પડે છે.
આજ કહેવતને મળતી બીજી પણ એક કહેવત છે. ધૂળનોય ખપ પડે કોઈ પણ ચીજ નકામી નથી તે વાતને સિદ્ધ કરતી જ આ કહેવત છે. ધૂળ જેવી નજીવી ચીજ પણ ક્યારેક કામની થઈ પડે છે.
કપૂત એટલે કે વંઠી ગયેલો પુત્ર અને ખોટો પૈસો-આ બે નકામા જ ગણાય છે. કપૂત કામ આવી શકતો નથી. ખોટો પૈસો કોઈ ચીજ વસ્તુ માટે પણ નકામો થઈ પડે છે. પણ આપણી આ માન્યતાને પડકારતી એક કહેવત છે – ‘કપૂત અને ખોટો પૈસો પણ કોક દિવસ કામ આવે.’
‘સંઘર્યો સાપ પણ કામ આવે.’
આ કહેવતની વાર્તા
‘સંઘર્યો સાપ પણ કામ આવે.’ આ કહેવતની વાર્તા કંઈક આવા પ્રકારની છે.
ઝીણાભાઈ નામ પ્રમાણે જ ઝીણા સ્વભાવના હતા. જે કંઈ ચીજ હોય તેને સાચવી રાખે. કહે ક્યારેક કામ લાગશે અને થતું પણ તેવું જ. કોઈક પ્રસંગે એજ નકામી ચીજ તેમનું કામ કરી આપતી.
એક દિવસે રસ્તામાં તેમણે એક મરેલો સાપ જોયો. તેમણે લાકડીના એક છેડાથી ઉંચક્યો અને પછી પોતાના છાપરા પર નાખી દીધો.
એક પાડોશીએ પૂછ્યું, ‘ઝીણાભાઈ ! આ મરેલો સાપ તે શું કામ લાગવાનો….?
‘ભાઈ વખતચંદ ! કોઈ ચીજ નકામી નથી. ચપટી ધૂળ પણ ક્યારેક કામ લાગે છે. સંઘરેલો સાપ પણ ક્યારેક કામનો છે.’ ઝીણાભાઈએ તેમના સ્વભાવ મુજબની વાત કરી.
આ વાતને દશ બાર દિવસ પસાર થઈ ગયા. એક દિવસે રાજાની કુંવરી સ્નાન માટે તૈયારી કરી રહી હતી. એક પછી એક અલંકારો કાઢીને તેણે મહેલની અગાસીની પાળ પર મૂક્યા. પાસે જ સ્નાનાગાર હતું. કુંવરી એમાં પ્રવેશી ગઈ.
સમડી નવલખો, હાર ઉંચકી ગઈ.
આ દરમ્યાન એક અજબની વાત બની ગઈ. આકાશમાં ઉડતી એક સમડીના જોવામાં આ અલંકારો આવ્યા. અલંકારોમાં એક નવલખો હાર હતો. સુવર્ણ અને રત્નોથી મઢેલો. સૂર્યના કિરણો આ હાર પર પડતાં હતાં. એટલે હાર પ્રકાશથી ઝગમગી ઉઠતો હતો. સમડીએ વિચાર્યું – ‘નક્કી આ મારો ભક્ષ છે. કેવો સળવળાટ કરે છે…..’
અને આમ વિચારી તેણે એક ઝપટ મારી એ નવલખો હાર પોતાની ચાંચમાં પકડી લીધો અરે પછી તે સરર કરતી આકાશમાં ઉડી ગઈ.
સમડીને તરત જ પરખાઈ ગયું કે ચાંચમાં તે જે ચીજને લઈને ઉડી રહી છે તે તેનો ભક્ષ નથી. એ કોઈ બીજી જ વસ્તુ છે એટલે તે નિરાશ તો થઈ પણ તેણે પોતાના ભક્ષ માટેની શોધ ચાલુ જ રાખી. તેની ચાંચમાં હજુ પણ પેલો નવલખો હાર હતો જ.
આમ તેમ જોતી, ક્યારેક નીચે ઉતરતી તો ક્યારેક તે પાછી ઉંચે ચઢી જતી સમડી આકાશમાં વિહરી રહી હતી. એટલામાં તે જરા નીચે ઉતરી….
તેણે જોયું તો એક છાપરા પર મરેલો સાપ પડ્યો હતો આ ઘર હતું ઝીણાભાઈનું….. ઝીણાભાઈએ પોતે જ મરેલો સાપ છાપરા પર નાખી દીધો હતો. ક્યારેક તે પણ કામનો છે એમ સમજીને….
સમડી ભક્ષ મળવાથી આનંદ પામી ગઈ. તેણે ફડ દેતી પોતાની ચાંચ પહોળી કરી અને પેલો નવલખો હાર છાપરા પર નાંખી મરેલા સર્પને ચાંચમાં ઘાલી ઉડી ગઈ.
આ બાજુ કુંવરી સ્નાન કરીને અગાસીમાં આવી. પોતાના અલંકારો તેણે પાળ પરથી લઈને પહેરવા માંડ્યા. પણ નવલખો હાર તેણે જોયો નહિ. એ ગભરાઈ આમતેમ તેણે જોયું પણ નવલખા હારની ભાળ ન જ મળી.
કુંવરીએ દાસીને પૂછ્યું. ‘અહીં કોઈ આવ્યું હતું ખરું?’
‘ના………….જી……….’
‘તો મારો નવલખો હાર ક્યાં ગયો !’
‘કુંવરી બા ! એક સમડી ઉડતી ઉડતી અહીં આવી હતી ખરી અને પછી તેજ કંઈક ચાંચમાં પકડીને પાછી ઉડી ગઈ હતી. હું દોડી અને તેને પકડું તેટલામાં તો એ સરર કરતી ઉડી ગઈ હતી.’
કુંવરીએ માને વાત કરી અને પછી તો એ વાત રાજાએ પણ સાંભળી. નવલખો હાર કિંમતી હતો. બાપદાદાના વખતથી એ સચવાતો આવ્યો હતો. આવો કિંમતી હાર એક સમડી લઈ ગઈ તેનું દુ:ખ રાજાને કારમું થઈ પડ્યું. તેણે સારાય રાજ્યમાં ઢંઢેરો પીટ્યો કે એક સમડી કુંવરીબાનો નવલખો હાર ચાંચમાં પકડી ઉડી ગઈ છે. જેના હાથમાં એ હાર આવે તેણે તરત જ રાજાને સ્વાધીન કરે દેવો. રાજ્ય તરફથી હાર રજુ કરનારને રૂપિયા દશ હજારનું ઇનામ આપવામાં આવશે. આ હુકમ નહિ પાળનારને સખ્ત સજા કરવામાં આવશે.’
છાપરા પર સાપ નહિ પણ હાર દેખાયો
આ ઢંઢેરો ઝીણાભાઈએ પણ સાંભળ્યો. તેના પાડોશીઓએ પણ સાંભળ્યો. ઝીણાભાઈના મનમાં એક વાત નક્કી થઈ ગઈ કે, જો સમડીએ હાર લીધો હોય તો તેણે તે ક્યાંક જરૂર નાખી દીધો હશે. કારણ એ તેનો ભક્ષ નહોતો જ. પરંતુ સમડી કોઈ ભક્ષ જણાય તો જ ચાંચમાંનો હાર નાખી દે, ત્યાં વગર નહિ એ વાત પણ ઝીણાભાઈના મનમાં ઠસી ગઈ હતી એટલે સ્વાભવિક જ તેમના મનને થયું કે, સમડી પોતાના છાપરા પરથી તો ઉડી નથી ને ? જો ઉડી હોય તો તેણે મરેલો સાપ જોયો પણ હોય. અને જો એ સાપ તેની નજરે પડે તો સમડી તે લીધા ઝડપ્યા વગર ન જ રહે.
આમ મનમાં વિચારો આવતાં જ ઝીણાભાઈ ઝટ દેતાં છાપરા પર ચઢી ગયા. જોયું તો સાપ ન મળે. ઝીણાભાઈએ આમતેમ જોયું તો તરત જ તેમની નજરે હાર પડ્યો. આ જ કુંવરીનો નવલખો હાર હતો.
ઝીણાભાઈએ હારને પોતાની કમરમાં બરાબર બાંધ્યો અને પછી તેઓ દરબારમાં ગયા. રાજા સમક્ષ હાર રજૂ કરી જે વાત બની હતી તે તેમને કહી સંભળાવી. રાજાએ પ્રસન્ન થઈ ઝીણાભાઈને શાબાશી આપી અને રૂપિયા દશ હજારનું ઇનામ પણ આપ્યું.
ઇનામ લઈ તેઓ મલકાતા મલકાતા ઘરમાં પ્રવેશ્યા. વખતચંદ શેઠ બહાર ઓટલા પર જ હતા. ઝીણભાઈએ તેમને હાંક મારી કહ્યું, ‘શેઠ ! જરા ઘરમાં આવો તો……’
વખતચંદ ઝીણાભાઈના ઘરમાં આવ્યા. ઝીણાભાઈએ પોતાના ગજવામાંથી રૂપિયા દશ હજારની થેલી બહાર કાઢી અને કહ્યું, ‘શેઠજી ! સંઘરેલા સાપની આ કિંમત….’
વખતચંદ કંઈ સમજી શક્યા નહિ. તેમણે પૂછ્યું, ‘ઝીણાભાઈ! વાત શું છે તે સમજાવીને કહોની?’
મેં એક વખતે નહોતું કહ્યું કે, ‘સંઘરેલો સાપ પણ કામનો છે.’
‘હા…કહ્યું તો હતું અને મેં મશ્કરી પણ કરી હતી. પણ તેનું શું છે.?’
‘એની જ આ વાત છે.’ અને પછી જે વાત બની હતી તે ઝીણાભાઈને વિસ્તારીને કહી સંભળાવી.
વખતચંદે કબૂલ કર્યું, ‘ઝીણાભાઈ! તમારી વાત સાચી છે. સંઘર્યો સાપ પણ કામનો છે….’
અને આ કહેવત પડી.
આ બહુ જ જૂની કહેવત છે. હિંદીમાં પણ એને મળતી કહેવત છે. ‘સાપ કા શિર ભી કભી કામ આતા હૈ.’ કોઈ પણ નકામી વસ્તુને નકામી સમજીને ફેંકી દેવી નહિ.
કોઈ પણ ચીજ નકામી નથી.
આ કહેવતોમાં સર્પ તો એક પ્રતીક છે. મૂળ ઉદ્દેશ છે કોઈપણ ચીજ નકામી નથી- એ કામની જ છે. આથી જૂના છાપા, રદ્દી, કોથળીઓ, સરકારી દૂધની બાટલીઓ પરનાં ઢાંકણા, ફાટેલા તૂટેલા બૂટ-ચંપલ પણ પૈસા મેળવી અપાવે જ છે. રસ્તા પરથી કાગળો ઉંચકી ઉંચકીને આજે અનેક જીવો પોતાનો રોટલો રળી ખાય છે.
એક ગરીબ છોકરાએ પેરિસની એક બેંકમાં એક જગ્યા મેળવવાને માટે અરજી કરી. પરંતુ તેને નિષ્ફળતા મળી. દરવાજામાંથી બહાર નીકળતાં તેણે એક ટાંકણી નીચે પડેલી જોતાં તે ઉઠાવી લીધી. તે બેંકના મેનેજરે આ ઘટના જોઈ અને તે ઉપરથી તે છોકરાની યોગ્યતા સમજીને તેને પાછો બોલાવીને એક જગ્યા આપી. એ જગ્યાએથી વધતાં વધતાં તે અંતે પેરિસનો મોટામાં મોટો બેંકર બન્યો ! એ લાફીટ હતો.
નકામા રસાયણથી ગુડિયર ટાયર શોધાયા
ગૂડિયર નામનો એક સાધારણ વૈજ્ઞાનિક એક વખતે એક પ્રયોગ કરી રહ્યો હતો. પ્રયોગ બાદ એક જાતનું મિશ્રણ કે જેને તે નકામું ગણતો હતો તેને નાંખી દેવાને બદલે તેણે સાચવી રાખ્યું. એક વાસણમાં ભરીને તેણે રાખી મૂક્યું. દૈવ સંજોગે આ વાસણને અગ્નિની આંચ લાગી. તાપથી તે લાલચોળ બની ગયું. ત્યાં સુધી તેના પર ગૂડિયરની દૃષ્ટિ પડી નહિ. પરંતુ તેથી લાભ એ થયો કે તેણે રબરને કઠણ બનાવવાની યુક્તિ શોધી કાઢી. આજે ઓળખાતા ગૂડિયર ટાયર એ એની શોધ. નકામા સંઘરી રાખેલા રસાયણમાંથી જગતને આ શોધ મળી.
એક જ બટાકું કરોડોનું ભોજન બન્યું
સર વોલ્ટર રેલે સોળમી શતાબ્દીમાં માત્ર એક જ બટાકું ઇંગ્લાંડ લઈ ગયો હતો. આ તેણે સંઘરી રાખેલું. પણ આ એક જ બટાકાએ આજે કરોડો માણસોને ભોજનથી તૃપ્ત કર્યા છે.
સ્કોપાસને જ્યારે તેના એક મિત્રે પૂછ્યું, ‘આપને ઉપયોગી ન હોય એવી કોઈ વસ્તુ મને આપશો?’
તેણે જવાબ આપ્યો, ‘બીજાઓને નિરૂપયોગી દેખાતી વસ્તુઓ વડે જ હું શ્રીમંત અને સુખી થયો છું.’
આ દાખલાઓ છે, આપણી જૂની કહેવત, ‘સંઘર્યો સાપ પણ કામનો છે’ કહેવતનું તાત્પર્ય બતાવતા…….
ખપ – ઉપયોગ, વપરાશ, વાવર. (૨) ખપત, ઉપાડ, ઉઠાવ. (૩) (લા.) તંગી. (૪) માંગ
તાત્પર્ય – રહસ્ય, સાર, તત્ત્વ, મર્મ. (૨) ઉદ્દેશ, હેતુ, મતબલ, આશય, ‘મોટિવ’ (વિ○ર○), ‘ઇન્ટેન્શન’
સ્નાનાગાર – નાહવાની ઓરડી
શતાબ્દી – સો વર્ષનો સમૂહ. (૨) સો વર્ષે ઊજવાતો ઉત્સવ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.