Gujaratilexicon

કહેવતકથા : મહેનત ઉપર નશીબનું ફાવવું

November 19 2010
Gujaratilexicon

કર્મ હસાવે, કર્મ રડાવે, કર્મ હોય તો રાજ કરે,

લખ્યા લેખ ના ટળે કર્મના, ફકીરને સરતાજ કરે.

 

મીરજાપુરમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ એક બીજાને ઘણા જ હેતથી ચાહતા. એક દિવસ તે બંનેને એક બાબતમાં મતભેદ પડ્યો, મોટાભાઈએ કહ્યું, કે પ્રારબ્ધનશીબ હંમેશાં બળવાન છે અને તેના આગળ માણસનો બધો પ્રયત્ન વ્યર્થ જાય છે“. ત્યારે નાનાભાઈનું કહેવું એવું હતું કે પુરૂષાર્થ આગળ નશીબનું કાંઈ ફાવતું નથી, ને મનુષ્ય જો ધારે તો પ્રયત્નથી નશીબને ફેરવી શકે છે.” આ વાત બહુ રસાકસી ઉપર આવી, એટલે બંનેએ તે બાબતની ખાત્રી કરી લેવા નિશ્ચય કર્યો , અને તેઓ બંને ખાલી હાથે ઘેરથી નિકળી બીજે ગામ ગયા. ત્યાં જઈ તેઓએ ધર્મશાળામાં મુકામ કર્યો, એટલે નાનાભાઈએ કહ્યું, “ભાઈ ! જો આપણે કાંઈ પ્રયત્ન કરીશું તો જ ખાવા ભેગા થઈશું.” આ સાંભળી મોટાભાઈએ જવાબ આપ્યો, “ના ભાઈ ! મારે કાંઈ જ પુરૂષાર્થ કરવો નથી, જો મારા નશીબમાં જ હશે તો મને અહીં બેઠા મળી રહેશે.” મોટાભાઈનું કહેવું સાંભળી નાનોભાઈ હાથમાં કળશીયો લઈ નદી તરફ ગયો. ત્યાં જઈ કળશીયામાં પાણી ભરતાં ભરતાં નદીમાં નજર કરી તો એક દડીયો તણાતો જોયો. તે નદીમાં‌ જઈ દડીયો હાથમાં પકડી કાંઠે આવ્યો, અને કાંઠે આવી અંદર જોયું‌ તો તેમાં એક મીઠાઈનો લાડવો દીઠો. તે લાડવો જોઈ નાનાભાઈને ઘણો હર્ષ થયો, કે અંતે મારી વાત ખરી ઠરી. મેં જો અહીં આવી દડીયો અંદરથી લાવવાનો શ્રમ કર્યો તો આ મીઠાઈનો લાડુ મળ્યો; માટે ચાલ હવે આ લાડુ લઈ જઈ મારા ભાઈ સાથે બેસી ખાઉં, ને પછી તેને કહ્યું કે પ્રારબ્ધ બળવાન કે પ્રયત્ન ? આમ વિચાર કરી તે લાડવો લઈ મોટાભાઈ આગળ આવ્યો ને તેને ખાવા માટે અર્ધો લાડવો ઘણા આગ્રહથી આપ્યો. મોટોભાઈ લાડવો લઈ ખાતો હતો તેવામાં ખાતાં ખાતાં તેના ભાગના અર્ધા લાડવામાંથી એક સોનામહોર નિકળી. આ સોનામહોર નાનો ન જાણે તેમ મોટાએ પોતાની કેડે ચડાવી દીધી. ખાઈ રહ્યા પછી નાનો બોલ્યો, ‘કેમ ભાઈ ! જો મેં શ્રમ કર્યો તો તેનું આ ફળ મીઠાઈના લાડવા રૂપે મળ્યું, ને સુખેથી આપણને આરામ મળ્યો, પણ જો ખરેખર હું તમારા કહેવા પ્રમાણે જ ચાલ્યો હોત તો આપણ બંનેને ભુખે મરવું પડત.” આ સાંભળી મોટોભાઈ બોલ્યો, “ના ભાઈ ના. હું કંઈ તારી પાસે ખાવાનું માગવા નહોતો આવ્યો; એતો મારા નશીબનું હતું તે મને મળ્યું.” આ સાંભળી નાનાને બહુ રીસ પડી એટલે બંને વચ્ચે મોટી તકરાર ઉઠી, જેથી દરબારના સિપાઈઓ ત્યાં આવી તેમને રાજા પાસે પકડી લઈ ગયા. રાજાએ બંનેને તકરાર થવાનું કારણ પૂછ્યું, એટલે નાનાભાઈએ કહ્યું સાહેબ આ મારા મોટાભાઈનું કહેવું એક હતું કે પ્રયત્ન કરતાં પ્રારબ્ધ મોટું છે.
બાબતનો નિશ્ચય કરવા અમે અમારે ગામથી નિકળી આપના ગામની ધર્મશાળામાં ઉતર્યા
. અહીં આવી હું નદી કાંઠે ગયો, તો ત્યાં એક દડીયો પાણીમાં‌ તરતો દીઠો. અંદર જઈ તે દડીયો બહાર લાવી જોયું તો તેમાંથી એક લાડવો નિકળ્યો. તે અમે બંને ભાઈઓએ અર્ધો અર્ધો વેંચી ને ખાધો. હજુ મારો ભાઈ કહે છે કે મારા નશીબમાં હતો તો મળ્યો હું ક્યાં તારી પાસે માગવા આવ્યો હતો.’ સાહેબ, જો મે નદીએ જવાનો કે પાણીમાં જઈ દડીયો કાઢી લાવવાનો શ્રમ જ ન કર્યો હોત તો એ શું ખાત ?” આ સાંભળી મોટાભાઈએ કહ્યું, “નામદાર ! હું કંઈ મારા ભાઈ પાસે માગવા ગયો ન હતો. મારા નશીબમાં હતો તેથી જ મને, ભાગ આપવાની બુદ્ધિ તેને સુજી; વળી જો મારા નશીબમાં હતી તો મારા ભાગના અર્ધા લાડવામાંથી આ સોનામહોર નિકળી. જો મારા નશીબમાં જ ન હોત તો સોના મહોરવાળો ભાગ તેના હિસ્સામાં આવત, પણ મારા નશીબમાં સોનામહોર અને લાડુ બંને હતાં તો મને અનાયાસે આવી મળ્યાં.” રાજાને મોટાભાઈની વાત વ્યાજબી લાગી, કારણ કે રાજા પોતે જ દરરોજ દડીયાની અંદર લાડવો મુકી તેની અંદર એક સોના મહોર નાખી દડીયો નદીમાં તરતો મુકતો હતો. આથી રાજાએ નાનાભાઈને સમજાવીને કહ્યું,”ભાઈ, પ્રયત્ન કરતાં પ્રારબ્ધ જ હંમેશાં વધારે બળવાન છે. તું નજરે જોઈ શકે છે કે તારા ભાઈના નશીબમાં સોના મહોર હતી તેથી તેના લાડવામાંથી તે નિકળી જો તેમ ન હોત તો તે હિસ્સો તારા ભાગમાં આવત. આથી જ લોકોએ કહ્યું, છે કે ધાઓ ધાઓ પણ કરમમાં હોય તેજ પાઓ.

Source : Book Name : kahevat mool(Story No.-69)

આ બ્લોગમાં રહેલા કેટલાક શબ્દોના અંગ્રેજી અર્થ  (Gujarati to English)

કર્મ – act. deed; action, work

પ્રારબ્ધ – begun, commenced. n. fate, destiny.

રસાકસી – rivalry; tug of war.

ધર્મશાળા – caravanserai.

અનાયાસે – without difficulty, easily.

 

 

 

 

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects