માતૃભાષાનો મરજીવો
એકાણુમાં વર્ષે પણ રતિભાઈ ચંદરયાનો માતૃભાષા ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અડગ અને અણનમ છે. બધિરતાને કારણે કાને સહેજે સાંભળી શકતા નથી. અમુક દિવસના ગાળા બાદ નિયમિત રૃપે ડાયાલિસિસ કરાવવું પડે છે. આંખે પણ પ્રમાણમાં ઓછું જોઈ શકે છે. શરીર આવું જીર્ણ બન્યું છે, પણ એમનો ઉત્સાહ તો એ જ પ્રકારે અદમ્ય છે. ગુજરાતી ભાષાનો શબ્દસાગર ખેડવાના કેટલાય મનોરથ ધરાવે છે. ગુજરાતી લેક્સિકોન માટે ધૂણી ધખાવનાર શ્રી રતિભાઈ ચંદરયા એ કેટલીય સંસ્થાઓ એકત્રિત થઈને કરી શકે એવું ભગીરથ કાર્ય એમણે એમની એકનિષ્ઠા, એકાગ્રતા અને અવિરત પુરુષાર્થને આધારે સિદ્ધ કર્યું છે.
જામનગરના હાલાર જિલ્લાના ચંદરિયા પરિવારના આ સ્વજનને કેનિયાની પ્રાથમિક શાળામાં માતૃભાષા ગુજરાતી શીખવા મળી, પરંતુ બીજું વિશ્વયુદ્ધ આવતાં પોતાના માતા-પિતા સાથે ભારત પાછા ફર્યા. અહીં આવી અભ્યાસ વધાર્યો, પરંતુ એમનો સઘળો અભ્યાસ અંગ્રેજીમાં થયો અને ત્યારબાદ વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા ઉદ્યોગોને સંભાળવા માટે ચોવીસ વર્ષની વયે નાઈરોબીમાં પાછા ફર્યા, વ્યવસાયની જવાબદારી સંભાળી, પૂર્વ અને મધ્ય આફ્રિકાના અનેક દેશોમાં ઉદ્યોગોની સ્થાપના કરી. સમયના પ્રવાહને પારખનારા આ કુટુંબે કેનિયામાં વ્યાપારના બદલે ઉદ્યોગોમાં ઝંપલાવ્યું અને પછી આફ્રિકાના બીજા દેશોમાં પોતાના ઔદ્યોગિક ક્ષેત્રનો વિસ્તાર કર્યો.
એ પછી શ્રી રતિભાઈ ચંદરયા ૪૩મા વર્ષે લંડનમાં સ્થાયી થયા, ત્યાર બાદ જિનેવા, સિંગાપોર અને બીજા કેટલાંય દેશોમાં વસવાનું બન્યું. પરંતુ આ વસવાટ દરમિયાન હૃદયમાં સતત એક ભાવના હતી અને તે પોતાની માતૃભાષાને માટે કશુંક નક્કર કાર્ય કરવાની. એમનો સ્વભાવ જ એવો કે જે કોઈ કામ હાથમાં લે, તે પૂરું કરીને જંપે. એને માટે જરૃર પડયે તો સામાન્ય માણસને સામે ચાલીને મળવા જાય. સાહિત્યકારોને મળે અને સહુને પોતાની વાત સમજાવે. આખી દુનિયામાં વિસ્તરેલા ઔદ્યોગિક ગૃહોની જવાબદારી સંભાળતા રતિભાઈના હૃદયમાં માતૃભાષા ક્ષણે ક્ષણે ધબકાર લેતી હતી.
સાઇઠમાં વર્ષે ગુજરાતી ટાઇપરાઈટર પર હાથ અજમાવ્યો, પરંતુ એમ કરવા જતાં આંગળાં દુખવાં લાગ્યાં. એવામાં ઈલેક્ટ્રિક ટાઈપરાઈટર આવ્યું અને એમણે વિચાર્યું કે ગુજરાતી ભાષામાં ઈલેક્ટ્રિક ટાઈપરાઈટર સર્જાય, તો કમાલ થઈ જાય. જર્મની અને સ્વીડનની મોટી કંપનીઓ સાથે પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. એ સમયે કોમ્પ્યુટર આવ્યું અને મનમાં એવો વિચાર જાગ્યો કે ગુજરાતીમાં ફોન્ટ બનાવનાર કંપની મળે, તો ગુજરાતીમાં માતૃભાષાની સેવા કરવાની ભાવના સાર્થક થાય.
એમણે શોધ આદરી. ભારતની આઈ.બી.એમ., એપલ મેકિન્ટોસ જેવી કંપનીઓનો સંપર્ક સાધ્યો, પણ આમાં સફળતા મળી નહીં. આ માટે તેઓ ભારતમાં આવ્યા. ટાટા કંપનીએ દેવનાગરી ફોન્ટ બનાવ્યા હતા. તેના નિષ્ણાતોને મળ્યા, પણ ગુજરાતી ફોન્ટ બનાવવામાં કોને રસ હોય? પરંતુ અંતે એક ફ્રેન્ચ મહિલાએ જોડાક્ષરો વિનાના ગુજરાતી ફોન્ટ બનાવી આપ્યા, પણ એ પછી ઘણી મોટી રકમની માગણી કરતાં વાત અધૂરી રહી. એવામાં અમેરિકામાં વસતા નાટયકાર અને નવલકથાકાર મધુ રાયે આવા ફોન્ટ બનાવ્યા હતા અને રતિભાઈ ચંદરયાનું પહેલું કામ પૂરું થયું. એ પછી તો ગુજરાતી સ્પેલ ચેકર માટે પ્રયાસ કર્યો અને ગુજરાતી ભાષાને લેક્સિકોન મળ્યું.
આજે આ ગુજરાતી લેક્સિકોન પર પિસ્તાલીસ લાખથી વધુ શબ્દો મળે છે. અન્ય કોઈપણ ભારતીય ભાષામાં આવો વિરાટ ડિજિટલ કોશ સર્જાયો નથી. અનેક દેશના લોકોને એ જુદા જુદા પ્રકારે ઉપયોગમાં આવે છે. એમાં ગુજરાતી સરસ સ્પેલ ચેકર છે. રોજ પાંચ થી છ હજાર વ્યક્તિઓ ગુજરાતી ભાષામાં શબ્દો મેળવવા માટે લેક્સિકોનનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી બે કરોડ અને ૧૬ લાખથી વધુ વખત આનો ઉપયોગ થયો છે.
લેક્સિકોન એટલે માત્ર શબ્દકોશ નહીં, પણ અનેક વૈવિધ્યસભર કોશોને એણે આવરી લીધા છે. એટલે કે શબ્દકોશ ઉપરાંત ૪૮,૯૦૫ શબ્દો ધરાવતો ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, ૬૫,૧૪૮ શબ્દોવાળો અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ, ૩૬, ૧૯૭ શબ્દો ધરાવતો હિંદી-ગુજરાતી શબ્દકોશ જેવાં શબ્દકોશો કોમ્પ્યુટરની એક ક્લીક પર પ્રાપ્ત થાય છે. સંસ્કૃત-ગુજરાતી, ઉર્દૂ-ગુજરાતી, મરાઠી-ગુજરાતી જેવા શબ્દકોશો મૂકાઈ રહ્યા છે, તો સાથે કાયદાકીય શબ્દકોશ અને તબીબી શાસ્ત્રનો શબ્દકોશ પણ મળશે. આજે ગ્લોબલાઇઝેશનના યુગમાં વિશ્વની ભાષાઓ શીખવાની જરૃરી બની છે અને તેથી ગ્લોબલ લેક્સિકનમાં ગુજરાતી-જાપાની અને ગુજરાતી-ચાઈનીઝ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતી-ગુજરાતી શબ્દકોશમાં ૨,૯૩,૦૦૦ કરતાં વધુ શબ્દો છે. ગુજરાતી રૃઢિપ્રયોગ, કહેવતકોશ, વિરુદ્ધાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે મળે છે, તો પક્ષી અને વનસ્પતિ વિષયક શબ્દકોશ પણ અહીં સામેલ છે. વળી દુનિયાના કોઈપણ વિભાગમાંથી કેટલા લોકો ગુજરાતી લેક્સિકોનનો ઉપયોગ કરે છે તે પણ જાણી શકાય તેવી ટેકનોલોજી છે.
જો તમે કોઈ શબ્દ લખો અને જોડણી ખોટી હોય કે શબ્દ ખોટો લખ્યો હોય તો તે પણ જાણી શકાય છે. ઉખાણાં અને સામાન્ય જ્ઞાાનના પ્રશ્નો, ક્રોસવર્ડ અને ક્વિક ક્વીઝ મળે છે એટલે કે ગુજરાતીનો આખોય શબ્દસાગર અહીં એકઠો કરવામાં આવ્યો છે. વળી જનસમૂહમાં પ્રચલિત હોય તેવા શબ્દો પણ શોધવામાં આવ્યા અને ૯૩૦ જેટલા શબ્દોનો લોકકોશ લોકભાગીદારીથી એકઠો કરવામાં આવ્યો છે.
એક જમાનામાં ગુજરાતી શબ્દકોશને માટે ભગવદ્ગોમંડળનો મહિમા હતો. એ ભગવદ્ગોમંડળનું કાર્ય હવે ગુજરાત લેક્સિકન દ્વારા ડિજિટલ ફોર્મમાં કરવામાં આવે છે.
આજના સમયમાં ફેસબૂક, ટ્વીટર, યુટયુબ, ગૂગલ પ્લસ વગેરેનો બહોળો ઉપયોગ થાય છે. એના દ્વારા પણ ગુજરાતી લેક્સિકોન ગુજરાતી ભાષાનો અવિરત પ્રચાર કરે છે. એને વિવિધ મોબાઈલ એપ્લિકેશન આઈફોન, બ્લેકબેરી અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ ધરાવતા ફોનમાં પણ કાર્ય કરી શકશે.
એક માતૃભાષાપ્રેમી ગુજરાતીએ આધુનિક ટેકનોલોજીમાં ગુજરાતી ભાષાના એકેએક શબ્દનો સમાવેશ કર્યો છે. શ્રી રતિભાઈ ચંદરયાનો ૯૦ વર્ષની વયે પણ માતૃભાષા માટે એ જ લગન, એ જ જુસ્સો અને એ જ ઉત્સાહ જોવા મળે છે. માતૃભાષા ગુજરાતી આજે ગુજરાતી વિશ્વકોશ અને ગુજરાતી લેક્સિકોન જેવાં કાર્યોથી પોતાનું મસ્તક ગૌરવભેર ઉન્નત રાખે છે.
Source : http://gujaratsamachar.com/index.php/articles/display_article/parijatno-parisauvad8812
જીર્ણ – ઘસાઈ ગયેલું. (૨) જૂનું. (૩) વૃદ્ધ, ઘરડું. (૪) પચી ગયેલું, જરેલું
વસવાટ – વસવું એ, વાસ, રહેઠાણ. (૨) આવીને વસવું એ, ‘ઇમિગ્રેશન’ (ન○મા○)
ઉત્સાહ – ઉમંગ, ઉલ્લાસ, હર્ષનો આવેગ. (૨) ખંત, ઉદ્યમ. (૩) વીરરસનો એ સ્થાયી ભાવ. (કાવ્ય.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.