Gujaratilexicon

જોડણીકોશ

December 03 2013
Gujaratilexicon

૧૯૪૪નું વર્ષ ગુજરાતી ભાષાના શબ્દકોશ રચનાના ઇતિહાસમાં સીમાસ્તંભ રૂપ છે. એવું નથી કે આ પહેલાં કોઈ કોશ ગુજરાતી ભાષામાં રચાયા નથી અથવા તો રચાયા છે તે આધારભૂત કે વિશ્વસનીય નથી. ગુજરાતી ભાષાની જોડણી માટે ગુજરાતી સાહિત્ય પરિષદે તેને ૧૯૩૬માં માન્યતા આપી અને તે સમયની મુંબઈ સરકારે ૧૯૪૦માં.

આજે પણ તે એક માત્ર ગુજરાતી ભાષાની જોડણી માટે માન્ય અને પ્રમાણભૂત કોશ છે. પરંતુ ૧૯૪૪નું વર્ષ એ એવું વર્ષ હતું કે જે વર્ષે ગુજરાતી ભાષાને એક અમૂલ્ય કોશ મળ્યો જે સર્વગ્રાહી (encyclopedic)શબ્દકોશ હતો.

ગુજરાતી ભાષામાં શબ્દકોશના શ્રીગણેશ મંડાયા એક વિદેશીના હસ્તે, આશરે બસો વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૦૮માં. આ વિદેશી હતા ડો. ડ્રમન્ડ. ડ્રુમન્ડનો તો ટચૂકડો કોશ હતો, જેમાં તેણે ૪૬૩ અંગ્રેજી શબ્દોના અર્થ કે સમજ આપી હતી. તે ગુજરાતી ભાષકો કે ગુજરાતી ભાષા માટે પણ ન હતો. ત્યારપછી ૧૮૩૫, ૧૮૪૧, અને ૧૮૪૬માં પણ શબ્દકોશ રચાયા, પરંતુ ૧૮૪૬ના છેલ્લા શબ્દકોશમાં પણ માત્ર ૧૫૦૦૦ શબ્દો જ હતા. તદુપરાંત એ હકીકતની પણ નોંધ લેવી જ રહી કે આ સઘળા એકભાષી એટલે કે ગુજરાતી ટુ ગુજરાતી શબ્દકોશ ન હતા. બધા જ દ્વિભાષી શબ્દકોશ હતા અને બધા જ અંગ્રેજી-ટુ-ગુજરાતી હતા એટલે કે તેમાં અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો આપ્યા હતા.

ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કહી શકાય તેના સર્જન માટે સર્વપ્રથમ, નોંધપાત્ર અને મહા ઉપક્રમ હાથ ધર્યો કવિ નર્મદે એટલે કે વીર નર્મદે. તેનો પ્રથમ ભાગ ઈ.સ. ૧૮૬૧માં અને વધુ ત્રણ ભાગ પછીનાં ત્રણ વર્ષમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ઉચિત રીતે જ તેને ‘નર્મકોશ’ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન હતો ગુજરાતી ભાષાની જોડણીનો. ગુજરાતી ભાષાની બહુમાન્ય જોડણીનો અભાવ મહાત્મા ગાંધીજીને હંમેશ ખટકતો. તેમણે સંકલ્પ કર્યો કે માતૃભાષાની આ દુર્દશા દૂર કરવી જ જોઈએ એટલે મહાત્મા ગાંધીજી તેમની સાથેના જ ત્રણ વિદ્વાનો કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ અને નરહરિભાઈ પરીખને આ કામ સોંપ્યું. તેમણે જેમનો સાથ મળ્યો તે વિદ્વાનોના સહકારથી જોડણીના નિયમો બનાવ્યા, એ વિષયમાં અધિકાર અથવા રસ ધરાવતા લોકો પર તે મોકલી તેમના અભિપ્રાય માગ્યા. ઘણા લોકોની સામાન્ય સંમતિ મળતાં તેમને આખરી રૂપ આપ્યું. પરિણામે આપણને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ૧૯૨૯માં ‘જોડણીકોશ’ મળ્યો. તેની પ્રથમ આવૃત્તિમાં કક્કાવાર શબ્દોની જોડણી માત્ર આપવામાં આવી છે, તેની સામે તેના અર્થ આપવામાં આવ્યા નથી. તેથી યોગ્ય રીતે જ તેની પ્રથમ આવૃત્તિને ‘જોડણીકોશ’ નામ આપવામાં આવ્યું છે. પ્રારંભથી જ શબ્દોના અર્થ નહિ પણ માત્ર જોડણી આપવાનો જ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો અને તે જ સિદ્ધ કરવામાં આવ્યો.

એક વર્ષમાં તો બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની જરૂર ઊભી થઈ, ત્યારે કોશકારોને લાગ્યું કે “લોકોને કેવળ શુદ્ધ જોડણી પૂરી પાડીને કોશ કૃતાર્થ ન જ થઈ શકે. એટલે જોડણી સાથે શબ્દોના કાંઈ નહિ તો મુખ્ય અર્થો ટૂંકમાં આપવા એ આવશ્યક હતું.” આમ, બીજી આવૃત્તિમાં શબ્દોના અર્થ પણ આપવામાં આવ્યા અને કોશનું નામ પણ ‘જોડણીકોશ’ને બદલે ‘સાર્થ જોડણીકોશ’ રાખવામાં આવ્યું. એક દૃષ્ટિએ આ સાચા અર્થમાં ‘અનન્ય’ કોશ છે. માત્ર જોડણી માટે અથવા તો જેમાં ‘જોડણી’ની સચ્ચાઈ કેન્દ્રસ્થાને હોય અને શબ્દના અર્થનું સ્થાન તેના પછી હોય તેવો કોઈ કોશ વિશ્વની કોઈ ભાષામાં આજદિન સુધી રચાયો હોય તેવું જાણમાં નથી. આમ, આ કોશ સાચે જ વિશ્વભરમાં ‘અનોખો’ કોશ છે.

ગુજરાતી ભાષામાં વ્યાપક અને સામાન્ય ઉપયોગમાં લેવાતો માન્ય જોડણીકોશ કોશ એ “સાર્થ જોડણીકોશ” જ છે. સાર્થ જોડણીકોશની એક પછી એક પાંચ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. આ પાંચમી આવૃત્તિમાં શબ્દભંડોળ ૬૮૪૬૭ શબ્દોનું હતું. પાંચમી આવૃત્તિ ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ ત્યારબાદ પાંચમી આવૃત્તિનાં પુનર્મુદ્રણ જ થયા કર્યાં અને તેના શબ્દભંડોળમાં કોઈ વધારો થયો ન હતો. વર્ષ ૨૦૦૫માં તેની પુરવણી પ્રસિદ્ધ થઈ, તેનો ઉદ્દેશ અન્ય ભાષાના, વિશેષે કરીને અંગ્રેજી ભાષાના જે શબ્દો વ્યાપક રીતે વપરાતા હોય અને લગભગ રૂઢ જેવા થઈ ગયા હોય તે શબ્દો આપવા પૂરતો મર્યાદિત હતો. આ પુરવણીમાં ૫૦૦૦ શબ્દો છે. આમ, ‘સાર્થ જોડણીકોશ’માં ૬૮૪૭૩+૫૦૦૦ = ૭૩૪૭૩ જેટલા શબ્દો છે.

આજના કમ્પ્યૂટર યુગમાં આધુનિક ટૅક્નોલૉજીના માધ્યમથી ‘સાર્થ જોડણીકોશ’ જેવા અમૂલ્ય જ્ઞાનકોશને ડિજિટલાઇઝ કરવાનું ભગીરથ કામ ‘ગુજરાતીલેક્સિકોને’ કર્યું. ગુજરાતીલેક્સિકોનની વેબસાઈટમાં ગુજરાતી-ગુજરાતી શબ્દકોશમાં ‘સાર્થ જોડણીકોશ’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગુજરાતીલૅક્સિકોનને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે જે નીચે આપેલી લિંક પરથી જોઈ શકશો.
http://gujaratilexicon.com/upload/news/GVCertification.jpg

જાણો આ શબ્દનો અંગ્રેજી અર્થ (Gujarati to English)

સીમાસ્તંભ – boundary pillar; landmark.

આશરે – nearly, about, approximately.

દ્વિભાષી – bilingual.

દુર્દશા – bad, miserable, condition.

પુરવણી – supplement; appendix; encouragement; instigation

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

માર્ચ , 2024

શુક્રવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects