Gujaratilexicon

સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-3

June 30 2010
Gujaratilexicon

 • આ ‘વિભજિત’ શબ્દમાં ‘જિ’ લખવાને બદલે ‘જી’ લખનારા ઓછા નથી.

વિભાજિત લખો. નીચેના શબ્દોમાં પણ ‘જિ’ જ લખો.
(૧) આયોજીત (૨) પ્રયોજીત (૩) સંયોજિત (૪) સુયોજિત

 • ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું……

ગુજરાતી ભાષામાં ‘હટ’ શબ્દ છે, પણ ‘હટવું’ કે ‘હટાવવું’ ક્રિયાપદો નથી. ‘હઠવું’ અને ‘હઠાવવું’ ક્રિયાપદો છે અને તેનો જ ઉપયોગ થાય છે.
વિદ્વાન માણસો પણ ‘હઠવું’ લખવાને બદલે ‘હટવું’ લખવાની ભૂલ કરે છે એ અમે જોયું છે.

 • નીચેના ચાર શબ્દ જુઓ.

(૧) અગવડ (૨) સગવડ (૩) અગત્ય (૪) સહાય.
આ ચારે શબ્દો નામ જ છે વિશેષણ નથી. પછી એ બધાને છેડે ‘તા’ લગાડવાની જરૂર નથી.
આમ, અગવડતા, સગવડતા, અગત્યતા અને સહાયતા – શબ્દો બનાવવાની જરૂર નથી.
અગવડ, સગવડ, અગત્ય અને સહાય શબ્દોનો જ ઉપયોગ કરો.

 • ‘મહાત્મ્ય’ અને ‘માહાત્મ્ય’ બંને સમાનાર્થી શબ્દો છે. શબ્દકોશે બંને શબ્દો માન્ય રાખ્યા છે; પણ આપણે ‘માહાત્મ્ય’ જ લખીએ છીએ, અને એ જ શબ્દ લખવો જોઈએ.
 • તમારી માંગણી વાજબી છે.

ગુજરાતી ભાષામાં ‘વ્યાજબી’ શબ્દ નથી પણ ‘વાજબી’ છે.
પ્રોફેસરો પણ આ શબ્દ લખવામાં ભૂલ કરતા હોય છે, એવું ઘણીવાર જોયું છે.

 • હું તેમને ખાતરીથી કહું છું કે, મારી ગણતરીમાં ભૂલ હશે નહિ.

આ ‘ખાત્રી’ અને ‘ગણત્રી’ એ બંને શબ્દો ખોટા છે. ‘ખાતરી’ અને ‘ગણતરી’ સાચા શબ્દો છે.

 • ‘તો’ અને ‘પણ’ છૂટા નહિ પાડો. આ બંને શબ્દો મળીને ‘તોપણ’ શબ્દ બન્યો છે. શબ્દકોશમાં પણા આ જ શબ્દ છે.

આપણાં પાઠ્યપુસ્તકો પણ આવા શબ્દો વિશે ગંભીર નથી.

 • માત એટલે શું?

માત = (વિ.) હારી ગયેલું; પરાજિત થયેલું; બળ વિનાનું થયેલું
હવે, આ શબ્દ લખવાનો ઘણાને ફાવતો જ નથી ! તેઓ ‘મહાત’ કે ‘મ્હાત’ લખે છે. પણ એ બંને શબ્દો ખોટા છે. ‘માત’ જ લખો.

 • તમારા નવા આવાસનું નામ ‘મંગલ ભવન’ રાખ્યું છે, તે ગમ્યું.

તમારી શેરીમાં કેટલાંક ઘરોનાં નામ શાંતિ ભુવન, લક્ષ્મી ભુવન, અંબિકા ભુવન લખ્યાં છે, તે બરાબર નથી. ‘ભુવન’ ને બદલે ‘ભવન’ જોઈએ. તમે એ લોકોને કહેજો કે નામ સુધારી લો.
ભુવન એટલે જગત; લોક. એવો અર્થ થાય છે. ભવન એટલે ઘર; આવાસ; રહેઠાણ. એટલે મકાન ઉપર ‘ભુવન’ નહીં, પણ ‘ભવન’ જ લખાય.

 • દ્રવ્યવાચક નામ ઘણું કરીને એકવચનમાં આવે છે.

ઘી; તેલ; દૂધ; પાણી; સુવર્ણ; રૂપું વગેરે
– પરંતુ પ્રકાર દર્શાવવો હોય તો એવાં નામ બહુવચનમાં આવશે. જેમ કે,
(૧) તેણે ગામેગામનાં પાણી પીધાં છે.
(૨) અનેક જાતનાં તેલ મળે છે.

 • ઘણાં અનાજનાં નામ બહુવચનમાં આવે છે. જેમ કે,

ઘઉં, મગ, મઠ, અડદ, ચણા, વાલ વગેરે

 • એક શબ્દ બે વાર લખવાનો હોય, ત્યારે તે બંને શબ્દો ભેગા લખાય છે. જેમ કે,

થોડુંથોડું, ધીમેધીમે, જુદાજુદા, સાથેસાથે, વચ્ચેવચ્ચે, દૂરદૂર વગેરે.

 • મહેમાનને ‘ચાપાણી’ કરાવ્યાં, પણ ભોજનના સમય સુધી તેઓ થોભવાના નથી.

કેટલાક જણ ‘ચા’ને બદલે ‘ચાહ’ લખે છે તે ખોટું છે. આપણે ‘ચાપાણી’ લખીએ છીએ ‘ચાહપાણી’ લખતાં નથી.

 • જેવાં ભાઈનાં મોસાળાં, તેવાં બહેનનાં ગીત

અગાઉ ‘બેન’ શબ્દ સાચો ગણાતો હતો, હવે બહેન એ એક જ શબ્દ માન્ય રખાયો છે. (‘બ્હેન’ પણ નહિ.)
જોડણીના નિયમ મુજબ મ્હારું, ત્હારું, મ્હોટું, ન્હાનું, બ્હીક, મ્હોં, સ્હામું એમ ન લખતાં મારું, તારું, મોટું, નાનું, બીક, મોં, સામું એમ લખવું. ‘હ’ અક્ષરનો અહીં લોપ કરી દેવાયો છે.
-જ્યારે બ્હેન પહોળું, વ્હાલું, મ્હેરબાન, પહોંચ વગેરે શબ્દોમાં ‘હ’ જુદો પાડીને લખવો. જેમ કે,
બહેન, પહોળું, વહાલું, મહેરબાન, પહોંચ વગેરે.

 • દુનિયામાં ‘સજ્જન’ સાથે ‘દુર્જન’ પણ મળી જ રહે છે.

‘સજ્જન માણસ’ એમ લખવાની જરૂર નથી. ‘સજ્જન’ એટલે જ સારો માણસ.
એ જ રીતે ‘દુર્જન માણસ’ ન લખતાં ‘દુર્જન’ એટલું જ લખવું.
કેટલાક નામમાં એકવચનનો અર્થ હોય છે, તોપણ એ બહુધા બહુવચનમાં જ વપરાય છે. જેમ કે
લગ્ન, વખાણ, વર્તમાન, માન વગેરે.

 • ‘પોશાક’ એટલે પહેરવેશ; લિબાસ; લેબાસ

‘પોષાક’ શબ્દ ખોટો છે.
‘લિબાસ’ અને ‘લેબાસ’ બંને શબ્દોમાં ‘સ’ આવશે.
શબ્દકોશમાં પણ પ્રૂફરીડિંગની અનેક ભૂલો રહી જતી હોય છે. કોઈ શબ્દકોશમાં ‘લેબાશ’ માં ‘શ’ છપાયું છે તે ખોટું છે.

Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૨૫, ૨૬, ૨૭, ૨૮)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ -1)

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ – 2)

વાંચો : સાચા શબ્દો – ખોટા શબ્દો (ભાગ -4)

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

મંગળવાર

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects