તમને આ વિષયનું શીર્ષક વાંચીને જો સહેજ સ્મિત આવ્યું હોય, તો એનો અર્થ એવો થાય કે તમે પાક્કા ગુજરાતી છો. ગુજરાતીઓને જો ખાવા-પીવાની છૂટ આપે એવો લેખિત ટેકો (અનુમોદન ) મળી જાય તો આપણે મલકાઈ જ જઈએ. કારણ કે, આજના આ મોડર્ન સમયમાં પિઝ્ઝા અને પાસ્તા જેવી કેટલીયે નવી નવી અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની સ્થિતિ ઊભી થાય છે જેને આપણે ઇચ્છીએ તો પણ ટાળી શકતા નથી. જેમ કે, તમે કોઈના ઘેર જમવા જાવ, તમારા મિત્રના ઘેર કોઈ સેલિબ્રેશન હોય, કોઈ વાસ્તુનો જમણવાર હોય કે પછી તમારા ઘરમાં જ કોઈ સભ્યનો જન્મદિવસ હોય અને એ તમને આગ્રહ કરે કે મારા માટે પણ તમારે આ ખાવું તો પડશે જ.
આવી સ્થિતિમાં જો આપણા મનમાં એવી ગ્રંથિ હોય કે આ વાનગી તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવા નેગેટિવ વિચાર સાથે આપણને તે ખાવાની વહાલપૂર્વક ફરજ પડે, તો આ માયાજાળ ધર્મ સંકટ જેવી વિકટ બનવા લાગે છે. આ ઘટનાનું પુનરાવર્તન તમને ગિલ્ટી પણ ફીલ કરાવી શકે છે.
તો મને થયું કે હું તમને આજે આયુર્વેદના માધ્યમથી એક સારા સમાચાર આપી જ દઉં. આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે ” આહારની માત્રા અગ્નિ(પાચન ક્ષમતા)ના બળ પર આધાર રાખે છે.” એનો અર્થ એમ થાય કે તમે રોટલી ખાવ કે પિઝ્ઝા, જો તમારી પાચન શક્તિ તેને પચાવીને તેમાંથી ઉર્જા બનાવવાની શક્તિ હોય તો ખાવામાં કોઈ જ વાંધો નથી. ધ્યાન ખાસ એટલું રાખવાનું કે તેનું પ્રમાણ માપસર હોવું જોઈએ. અતિ માત્રામાં કોઈ પણ સાત્વિક આહાર પણ આયુર્વેદ અનુસાર રોગોને ઉત્પન્ન કરનાર કહ્યો છે. એટલે પિઝ્ઝા, પાસ્તા અને નવી વેરાયટી વાનગીઓ ખવાય ખરી પણ માપમાં.
બીજી ખાસ બાબત જે આયુર્વેદમાં કહી છે “એક રસ સેવન ના કરવું” અર્થાત, દરરોજ એક જ પ્રકારનું ભોજન ના લેવું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા ગુજરાતી પરિવારમાં ઋતુ અને તહેવાર અનુસાર રોજ જુદા જુદા શાક, કઠોળ, દાળ, રોટલી, ભાખરી, થેપલા, પરોઠા, રોટલો, મીઠાઈ, ફરસાણ, ફરાળી વાનગીઓ બનતી જ રહેતી હોય છે. આ પ્રકારની આહાર વ્યવસ્થા આપણી પરંપરામાં હજ્જારો વર્ષોથી ચાલતી આવી છે અને એટલે જ ભારતના લોકોની બુદ્ધિ ક્ષમતા આજે પણ સમગ્ર વિશ્વમાં સન્માનિત થાય છે, તેના અનેક કારણોમાંથી એક મહત્ત્વનું કારણ આપણી આ પારંપરિક આહાર વ્યવસ્થા પણ છે. જેવું અન્ન, તેવું મન. ભારતીય વ્યક્તિનું મન હંમેશા પ્રસન્ન રહેવા જ ટેવાયેલું છે, કારણ કે આહારમાં દરેક પ્રકારના ( 6 રસ યુક્ત) વ્યંજનો અને વાનગીઓનું સ્થાન આવશ્યકતા અનુસાર ગોઠવવામાં આવ્યું છે.
ટૂંકમાં , પિઝ્ઝા જેવી નવી વાનગીઓ ખવાય ખરી પણ ક્યારેક ક્યારેક અને યોગ્ય માત્રામાં. લોટમાંથી બનતી તમામ વાનગીઓને આયુર્વેદમાં પિષ્ટ અન્ન કહે છે. જેમાં રોટલી, ભાખરી, પરોઠા, થેપલા, પિઝ્ઝાનો બેઝ એ બધાયનો સમાવેશ થાય છે. આ પ્રકારના પિષ્ટ અન્ન પચવામાં ભારે કહેવાય એટલે અડધું પેટ ભરાય એટલી જ માત્રમાં ખવાય. કારણ કે તે ગુરુ આહાર છે.
મમરા, મગ, ધાણી, ભાત વગેરે પચવામાં હળવા એટલે કે લઘુ આહાર છે, એટલે તે પેટ ભરીને ખાઈ શકાય અને જો તમારી પાચન ક્ષમતા ને વધુ તેજ બનાવવા ઇચ્છતા હોવ તો જોગિંગ, સ્પોર્ટ્સ કે ચાલવું જેવી કસરત દરરોજ કરવી. તેનાથી પાચન ક્ષમતા વધશે તો ભાવતી વાનગીઓ વધુ ખાઈ શકશો.
ખાવ અને રાજી થાવ.
ડૉ. ભવદીપ ગણાત્રા
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ