Gujaratilexicon

ગુજરાતની પ્રથમ ગઝલ – બાલાશંકર કંથારિયા

February 22 2010
Gujaratilexiconvonsifloal vonsifloal

ગુજરાતની પ્રથમ ગઝલ

બલિહારી તારા અંગની, ચંબેલિમાં દીઠી નહીં,

સખ્તાઈ તારા દિલની, મે વજ્રમાં દીઠી નહીં.

મન માહરું એવું કુણું, પુષ્પ પ્રહાર સહે નહીં

પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં.

એક દિન તે અલકાવલીમાં, દીઠીતી મુખની છબી,

પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.

! કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન ?

મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.

ગુમ્માની નુખરાબાજ ગોરી, સુંદરીઓ મન હરે;

પણ કોઈ એ ! યાર સમ તુજ સુન્દરી દીઠી નહીં.

! વીર ! વિરહી ખોળવા, તુજને જગત કંઈ કંઈ ભમ્યો;

ગિરિવર ગુહા કે કુંજે કુંજે, તોય મેં દીઠી નહીં.

બાગમાં અનુરાગમાં, કે પુષ્પનાં મેદાનમાં;

ખોળી તને આતુર આંખે, તોય મેં દીઠી નહીં.

સરખાવી તારું તન મેં, ખોળી ચમેલી વનમાં;

પણ હાય ! ખૂબી આજની કરમાઈ ! કાલ દીઠી નહીં.

તું તો સદા નૂતન અને, આખું જગત નિત્યે જૂનું;

મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું ! તેથી મેં દીઠી નહીં.

તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમીના કાળજ બળે;

એવી દયા તો એ ગુમાની ! મેં કહીં દીઠી નહીં.

મુખચંદ્રમાં મેં દીઠી છે, આખી છબી આ જગતની;

પણ આંખડી મુજમાં વસી તું, તેથી મુજ દીઠી નહીં.

એ કાળજાની કોર કાં, કાપે હવે તો થઈ ચૂકી;

મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.

કોઈ દેવ આવી કાનમાં, દે છે શિખામણ પાંશરી;

આ જગતની જંજાળમાં, ચતુરાઈ તો દીઠી નહીં.

જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તેં દીધો બદલો ખરો !!

તો આ જગત છોડ્યા વિના, યુક્તિ બીજી દીઠી નહીં.

એક દિન મળશે તે અધરસૂધા સબૂરી બાલ ! ધર;

હાં ! એ બધું એ છે ખરું; પણ હાલ તો દીઠી નહીં.

બાલાશંકર કંથારિયાની ઉપરોક્ત ગઝલ ભારતીભૂષણ માર્ચ ૧૮૮૭માં છપાયેલી.

(ગઝલ સ્રોત – ‘ગુણવંત ઉપાધ્યાય’ સંપાદિત  ‘ગઝલગ્રાફ’ પુસ્તકના પાન નંબર  ૮૯ ઉપરથી સાભાર )

(પ્રકાશક – ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન – પ્રકાશન વર્ષ – જુલાઈ ૨૦૦૮, પૃષ્ઠ સંખ્યા – ૩૧૫, મૂલ્ય રૂ. – ૧૫૦)

(પ્રાપ્તિસ્થાન – ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, ૨૨ ડોલી કોમ્પલેક્ષ, નવરંગપુરા )

(સંપર્ક – ૦૭૯-૨૬૪૨૩૯૩૯ )

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

બલિહારી – બલિહાર થવું એ, વારી જવું એ. (૨) વાહ વાહ, ધન્યવાદ, શાબાશી. (૩) ખૂબી

શોચ – શોક, અફસોસ, ગમગીની, દિલગીરી. (૨) પશ્ચાત્તાપ. (૩) ફિકર, ચિંતા

વિરહી – જેને વિરહ થયો હોય તેવું, વિયોગી

પાંસરી – સીધી.

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects