Gujaratilexicon

ગુજરાતી કવિતા

January 17 2014
Gujaratilexiconvonsifloal vonsifloal

ગલત હશે

માણસ નહીં, ખરાબ તો એનો વખત હશે,

ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે?

થાતાં થઈ ગયું છે ભલે ને કહ્યા કરે,

પસ્તાવું સતત એય હૃદયની રમત હશે.

જોતાં શીખીશું જાતને કયારે? ઓ મન કહે,

દુ:ખ આપણાં ને વાંક બીજાનો સતત હશે?

આંસુ કે ક્રોધ એટલે જ હરવખત હશે,

જોશો જરાક મૂળમાં ઊંડે મમત હશે.

પ્રત્યેક શ્વાસે ઊકલે, વંચાય ના પૂરી,

આ હસ્તરેખારૂપે કહે શું લખત હશે?

સૌનું ગલત નિભાવું છું બસ એ જ આશથી,

લેજે નિભાવી મારું ઘણુંયે ગલત હશે.

ચઢવાનું છે

ઘડી બે ઘડી ઊડવાનું છે,

તરત પિંજરે પડવાનું છે.

નથી લોહીનું એકે ટીપું,

કહો કેટલું રડવાનું છે?

સાચુકલું ખોવાઇ જઇને,

પરીકથામાં જડવાનું છે.

ફળફળતી રેતીની વચ્ચે,

કમળ સમું ઊઘડવાનું છે.

અને બેઉ પગ વેચી નાખ્યા,

ખરું શિખર તો ચઢવાનું છે.

કાગળની સાથે

માયા એમ બંધાઇ ગઇ એક પળની સાથે,

જાણે હોય નીંદરને નાતે સ્થળની સાથે.

ઊંઘ ઊડીને લોલક થઇને ઝૂલવા લાગે,

પરભવનું લેણું એવું અટકળની સાથે.

મધરાતે પણ બેઠી બેઠી ગણતી દિવસો,

શું ય હશે વાંચ્યું આંખે કાગળની સાથે.

કલ્પી લઉં છું તને અહીં છબછબિયાં કરતી,

વહી જાઉં છું દૂર દૂર હું જળની સાથે.

ફૂલ સ્પર્શવા મથે, સૂરજ ઇચ્છે ભેટી લઉં,

અરે! પી ગયો આ શું હું ઝાકળની સાથે.

તમે આંખમાં આસોપાલવ ગયા રોપત,

જીવતર શેં પૂરું થાશે બાવળની સાથે?

છોડી દે

ખુશીથી જીવ, બધી જૂની યાદ છોડી દે,

કાં હિમાલય જા હવે, અમદાવાદ છોડી દે.

વૈદજી બોલી ઊઠયા જોઇ ગતિ નાડીની,

તરસનો રોગ છે, વરસાદી યાદ છોડી દે.

કોઇ ખૂણેથી જોઇ કર બધું મઝા પડશે,

આ ધમપછાડા, ભાંજગળ, વિવાદ છોડી દે.

છે શકય, આબરૂ રહી જાય આ પ્રતીક્ષાની,

દિવસ-વરસ ન આમ ગણા, એકાદ છોડી દે.

નથી જ કોઇ શિખર દૂર કે ઊંચાઇ પર,

શરત છે એટલી જ મન, પમાદ છોડી દે.

કરીશ કેટલા સૂરજને કેદ લોહીમાં?

ઓ ઉદાસી દિવસને સંધ્યા બાદ છોડી દે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects