એક વાર દાદાજીએ બાળકોને પ્રશ્ન કર્યો. બાળકો જણાવો જોઈએ કે દુનિયામાં સૌથી વધારે મીઠું શું હશે ? બાળકો વિચારમાં પડી ગયાં. કોઈ કહે, ‘લાડુ મીઠો લાગે’, કોઈ કહે ‘ચોકલેટ મીઠી લાગે’, કોઈ કહે ‘બધાં ફળ મીઠાં લાગે’ કોઈ પોતાના શિક્ષકને પૂછવા ગયું, કોઈ ભાઈને અને કોઈ પડોશીને પૂછવા ગયું પણ સાચો ઉત્તર મળ્યો નહિ.
દાદાએ બધાની સામે જોયું. સૌએ પોતપોતાની રીતે જવાબ આપ્યો પણ દાદાજીને સંતોષ ના થયો. દાદાજીએ જવાબ આપ્યો, ‘બાળકો સૌથી મીઠી જરૂરિયાત છે. તમને કપડાંની જરૂરિયાત હોય અને કપડાં આવી મળે તો કેવું લાગે ? તમને ભૂખ લાગી હોય અને સ્વાદિષ્ટ મિષ્ટાન્ન આવી જાય તો કેવું લાગે ? તમને સખત ઊંઘ ચઢી હોય અને સૂવાની વ્યવસ્થા મળે તો કેવું લાગે ? તમને રમકડાંની ઇચ્છા હોય અને મમ્મી રમકડાં લાવી આપે તો કેવું લાગે ? જેવી જેવી જરૂરિયાત હોય ને જ્યારે જ્યારે પૂરી થાય ત્યારે મીઠી લાગે.
‘જરૂરિયાતને કારણે જ દરેક વસ્તુ જગતમાં મીઠી લાગે છે’
-જગદીશ ભટ્ટ
આ વાત તદ્દન સાચી છે. કોઈપણ વસ્તુની આપણને જરૂર પડે ત્યારે જ આપણે તેને યાદ કરીએ છીએ અને ભગવાનને કહીએ છીએ કે મને આ મળી જાય તો કેવું સારું? પછી જો એ આપણને મળે તો આપણે ખુશ થઈ જઈએ છીએ. અને થોડા સમય પછી બીજી વસ્તુની જરૂર પડે છે. આમ, આપણી જરૂરિયાત વધતી જ જાય છે. જો એ જરૂરિયાત વધવાની સાથે જરૂરિયાત પૂરી થાય તો તે મીઠી મધ જેવી લાગે છે. માણસોને મીઠી મધ જેવી લાગતી જરૂરિયાત ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે માનવી તે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કે પરિશ્રમ કરે છે. જેમ કે, બાળકોની જરૂરિયાત પૂરી કરવા માટે માતા-પિતાનો પરિશ્રમ હોય છે. અનેક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તે કોઈને કોઈ કામ શોધીને મહેનત કરતાં હોય છે. આથી જ કહેવાય છે ને કે,
“માનવીની જરૂરિયાત અનેક શોધખોળની જનની છે.”
source:sandesh-magazine
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.