Gujaratilexicon

ગાંધી જીવનવૃત્તાંત

October 21 2019
GujaratilexiconGL Team

‘ગાંધી’ શબ્દ મૂળે તો મોહનદાસ કરમચંદની અટક, પણ સમય જતાં વિશ્વ માટે એક ચહેરો બની ગઈ, સત્યનો પર્યાય બની ગઈ. આપણાં સૌના બાપુ ‘મોહન’ ને બદલે ‘ગાંધીજી’ તરીકે જ ઓળખાયા.

2 ઑક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં માતા પૂતળીબાઈની કુખે જન્મેલ મોહન ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે દિવાદાંડી બનશે એવું તો દીવાન પિતા કરમચંદે ક્યારેય વિચાર્યું નહીં હોય.

કુટુંબપ્રિય, સત્યપ્રિય, શૂરા, ઉદાર, લાંચથી દૂર ભાગનાર, શુદ્ધ ન્યાય આપનાર અને રાજ્યના વફાદાર દીવાન પિતાએ પોતાના બાળકોને એવા કેળવ્યા હતા કે સત્ય, અહિંસા, સાદગી જેવા ગુણો એમના ઉછેર સાથે તેમના વિકસ્યા.

બાળપણનો ડરપોક મોહન ‘ભાઈ’, ‘ગાંધી’, ‘બાપુ’,  ‘મહાત્મા’ ને ‘રાષ્ટ્રપિતા’ બન્યો પણ એમની આ સફર આસાન નહોતી. પરિવારે મોહનના હાથમાં બાળપણથી જ સત્ય નામનું અમોધ શસ્ત્ર પકડાવી દીધું હતું જે મૃત્યુપર્યંત એમની પાસે રહ્યું.

ગાંધીકથા પુસ્તકમાં શ્રી નારાયણ દેસાઈએ ગાંધીજીના જીવનનો એક પ્રસંગ નોંધ્યો છે કે, “પાંચ વર્ષનો મોહન જન્માષ્ટમીના દિવસે પૂજા માટે આસપાસની પિત્તળની મૂર્તિઓ ચોરી લાવવા બીજા છોકરાઓ સાથે જોડાયો. રાધાકૃષ્ણ મંદિરની મૂર્તિઓની ચોરી પણ કરી પણ કાંઈ અથડાતા અવાજ થયો અને પૂજારી જાગી ગયા. જાગીને છોકરાઓની પાછળ પડ્યા પણ પકડી શક્યા નહીં. પૂજારીએ જોઈ લીધું કે ગાંધી કુટુંબના છોકરાઓ પણ એમાં હતા. બીજે દિવસે ફરિયાદ કરવા દીવાન પાસે ગયા. કરમચંદ ન્યાયપ્રિય માણસ. બધાને વારાફરતી પૂછે પણ બધા નન્નો ભણે. પણ પાંચ વર્ષના મનુને પૂછ્યું, ‘મનુ, તને કંઈ ખબર છે?’ એ કહે ‘હા ખબર છે.’ અને બધી વાત માંડીને કહી દીધી. પાંચ વર્ષના મોહનદાસને ખબર કે આપણાથી જૂઠું ન બોલાય ત્યારથી લઈને સાચું બોલવું એ રટ આખી જિંદગી રહી.

મેટ્રિક સુધી ગાંધીજી એક સામાન્ય વિદ્યાર્થી રહ્યા અને બેરિસ્ટરનો અભ્યાસ વિલાયતથી કર્યો. વિદ્યાર્થી અવસ્થામાં જ 13 વર્ષની ઉંમરે કસ્તુરબા સાથે એમના લગ્ન થયા. કસ્તુરબા પર પતિ તરીકેનો રોફ જમાવનાર ગાંધીજી સાથે કસ્તુરબા આજીવન પડછાયાની જેમ સાથે રહ્યા. પારિવારિક જીવનમાં ગાંધીજીને હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ એમ કુલ ચાર પુત્રો હતા.

વકીલાતનો વ્યવસાય અપનાવનાર ગાંધીજીએ ‘વકાલતના વ્યવસાયમાં જૂઠું બોલ્યા વિના ના ચાલે’ એવી માન્યતાને ધરાર ખોટી સાબિત કરી. લોકોને સમાધાનકારી વલણ અપનાવવા અને કોર્ટના ખોટા ખર્ચથી દૂર રહેવાનું સમજાવી ગાંધીએ સત્ય, નિષ્ઠા અને પ્રમાણિકતાને વ્યવસાય કરતાં વધુ મહત્ત્વ આપ્યું.

વ્યવસાયના ભાગરૂપે દક્ષિણ આફ્રિકામાં રહેતા ગાંધીને અંગ્રેજોના અન્યાયનો અનુભવ થયો અને ત્યારથી જ મોહનમાંથી મહાત્માની સફર શરૂ થઈ.

દક્ષિણ આફ્રિકાને અલવિદા કરી ભારત આવેલ ગાંધીજીએ પછી તો અંગ્રેજો સામે રીતસરનો મોરચો માંડયો. તેમાં સમય જતાં કેટલાક મહાન નેતાઓ જોડાયા અને ગાંધીજીના નેતૃત્વને સદર સ્વીકાર્યું.

અમદાવાદમાં કોચરબ આશ્રમ અને પછી સાબરમતીનો સત્યાગ્રહ આશ્રમ આઝાદીની લડતના કેન્દ્રસ્થાન બન્યા. સમગ્ર વિશ્વ પર આણ વરતાવનાર અંગ્રેજો સામે આઝાદીની લડતમાં ગાંધીજીએ સત્ય, અહિંસા, અસહકાર, સવિનય કાનૂનભંગ અને ખાદીને તેમના શસ્ત્રો બનાવ્યા. આ ઉપરાંત તેમનો સૌથી મોટું શસ્ત્ર બન્યો ઉપવાસ.

ઉપવાસ, અસહકાર તથા સવિનય કાનૂન ભંગે અંગ્રેજોની હાલત સૌથી કફોડી કરી. સ્વદેશીના ઉપયોગ હેઠળ લોકોને ચરખો ચલાવતા કર્યા. ખાદીને ગાંધીજી એ માત્ર વસ્ત્ર નહિ પણ વિશ્વાસનું પ્રતીક બનાવી.

આઝાદીના આંદોલન વખતે એક સ્ત્રી લડતમાં જોડાઈ એણે પોતે પહેરેલા તમામ ઘરેણાની એક પોટલી બનાવી એક અજાણ્યા માણસને આપતા કહ્યું કે “આ પોટલી મારા સરનામે પહોંચાડી દેજો.” પેલા માણસે આશ્ચર્ય સાથે પૂછ્યું “તમે મને ઓળખતા પણ નથી તો કયા વિશ્વાસે મને દાગીના આપો છો?”

બહેને જવાબ આપતા કહ્યું કે, “આપે ખાદી પહેરી છે એટલે અવિશ્વાસનો પ્રશ્ન જ નથી.”

દાંડીકૂચ,  ખિલાફત આંદોલન, ક્વિટ ઈન્ડિયા જેવા આંદોલન દ્વારા અંગ્રેજ હકુમતને હચમચાવી દેનાર ગાંધીજીએ સમગ્ર વિશ્વને નવો રાહ ચીંધ્યો.

કોમી એકતાના હિમાયતી ગાંધીજી ભારત પાકિસ્તાનના નિર્માણ સાથે આઝાદી સ્વીકારવા તૈયાર નહોતા. પરંતુ અખંડ હિન્દુસ્તાનના ભાગલનો ડંખ ગાંધીજીને મૃત્યુપર્યંત રહ્યો.

ગાંધીજીના વિચારોનો સમગ્ર વિશ્વ પર એવો વ્યાપક અને ઊંડો પ્રભાવ હતો કે માર્ટીન લ્યુથર કિંગ, નેલસન મંડેલા જેવા નેતાઓ ‘આધુનિક ગાંધી’ કહેવાયા.

દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી આઝાદી અપાવનાર અને મોહનથી મહાત્મા તથા રાષ્ટ્રપિતા તરીકેની સફર ખેડનાર આપણા સૌના પ્યારા બાપુ 30 જાન્યુઆરી, 1948ના દિવસે પ્રાર્થનામાં જતી વેળાએ ગોડસેની ગોળીથી વીંધાઈ ગયા.

જેમનું જીવન એ જ એમની વાણી હતું એવા ગાંધીજી અંગે આઇન્સ્ટાઇને કહ્યું હતું કે “આપણે ભાગ્યવાન છીએ અને વિધાતાનો આપણે આભાર માનવો જોઈએ કે તેમણે આપણને આવા તેજસ્વી સમકાલીનની દેન આપી કે જે ભાવિ પેઢીને દીવાદાંડીરૂપ છે.”

– પરેશ પરમાર

Most Popular

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

બુધવાર

24

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects