Gujaratilexicon

દીપોત્સવી પર્વ

October 30 2013
Gujaratilexicon

માણસના જીવનમાં તહેવાર, જ્ઞાન, ધન અને પવિત્રતાનું આગવું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં અનેક તહેવાર ઊજવવામાં આવે છે અને દરેક તહેવારનો અલગ જ મહિમા હોય છે. હવે વિક્રમ સંવત ૨૦૭૦નો આરંભ થશે. દીપોત્સવી પર્વ વાઘ બારશથી શરૂ કરીને લાભપાંચમ સુધી ઊજવવામાં આવે છે. દીપોત્સવી એ પ્રકાશનો, લક્ષ્મીના સ્વાગત અને આશીર્વાદ પ્રાપ્તિનો ઉત્સવ છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજના પર્વમાં લોકો ભારે ઉત્સાહ, ઉલ્લાસથી ઉજવણી કરી આનંદમંગલનું વાતાવરણ ઊભું કરે છે. દરેક શહેર અને ગામડાંઓ રોશનીથી ઝળહળી ઊઠે છે અને રાતે આકાશ આતશબાજીથી રંગબેરંગી બની જાય છે. સૌના ઘરના આંગણે રંગબેરંગી રંગોળી જોવા મળે છે. દીપોત્સવી પર્વમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભપાંચમના દિવસો વિવિધ મહત્તા ધરાવે છે

વાઘબારશ :

દિવાળીનો શુભારંભ વાઘબારશના દિવસથી થાય છે. વૈષ્ણવ લોકો આ પર્વની ઉજવણીમાં ગાય અને વાછરડાની પૂજા કરીને તેમને અડદના વડા ખવડાવે છે. વાઘબારશને ‘ગોવત્સ દ્વાદશી’ પણ કહે છે. વર્ષ દરમિયાન કોઈની સાથેની લેવડદેવડને પૂર્ણ કરવી એટલે કોઈની પાસેથી પૈસા લીધા હોય કે તેને આપવાના હોય તો આ દિવસે પૂર્ણ કરવું તે પણ આ તહેવારના એક ભાગરૂપે માનવામાં આવે છે. આજના દિવસે વેપારીઓ પોતાના જૂના ચોપડાના હિસાબોને પૂર્ણ કરીને નવા ચોપડાનું પૂજન કરે છે. જેને શારદાપૂજન પણ કહેવાય છે. ત્યારબાદ લાભપાંચમ સુધી કોઈપણ પ્રકારની લેવડદેવડ નથી થતી. અને ત્યારબાદ નવા વર્ષે નવા ચોપડા ખરીદીને પૈસાની લેવડદેવડ ચાલુ કરે છે.

ધનતેરસ :

કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં ધનતેરશે ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસને ‘ધનત્રયોદશી’ કે ‘ધન્વંતરિ જયંતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે યમરાજે વરદાન આપેલું છે કે ધનતેરસના દિવસે જે મનુષ્ય દીપ-દાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દિવસે બુઝાશે નહીં. કથા પ્રમાણે ધનતેરસનું બીજું મહત્ત્વ એ પણ છે કે, બલીરાજાનાં કારાગૃહમાં પૂરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધનતેરસના દિવસે મુક્ત કરાવ્યાં હતાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો પણ માનવામાં આવે છે.

કાળીચૌદશ :

કાળીચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધનતેરસ પછીનાં દિવસને કાળીચૌદશ તરીકે ઊજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, તેમજ ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એથી જ કહેવાય છે કે ”જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે.” સાંજે ગૃહિણીઓ ઘર નજીકનાં ચાર રસ્તે કાણાંવાળા વડા અને પૂરી મૂકીને ઉતાર કાઢે છે. હનુમાનજીના મંદિરે હનુમાનજીને તેલ ચઢાવવામાં આવે છે. કાળીચૌદશને ‘નરક ચતુર્દશી’ અને ‘રૂપચૌદશ’ પણ કહે છે. ઘણા લોકો એમ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે. કાળીચૌદશના દિવસને ઉપાસના, સાધના, હનુમંતપૂજન, યંત્રપૂજન, મંત્ર-તંત્રની આરાધના તેમજ અઘોર પંથીઓ રાત્રે સાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણે છે.

દિવાળી :

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદ્ગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે. હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ મનાય છે. આ શબ્દ હિન્દીમાં દિવાલી અને નેપાળીમાં દીપાવલી કહેવાય છે, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ દિવાળી શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાઈ રહેલ છે. દિવાળીની ઉજવણી નિમિત્તે લોકો મીઠાઈઓ ખાય અને ખવડાવે છે તેમજ આ દિવસની રાત્રે વિવિધ પ્રકારના ફટાકડાં ફોડીને આતશબાજી કરે છે.

નૂતનવર્ષ :

નૂતનવર્ષના દિવસે લોકો પરસ્પર મળીને નૂતનવર્ષની શુભેચ્છાઓ આદાન-પ્રદાન કરે છે તેમજ દેવદર્શન કરી નવા વર્ષની તેજમય કામના કરે છે. નૂતનવર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે, અને આ દિવસથી ગુજરાતીનું નવું વર્ષ શરૂ થાય છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહિનો કહેવામાં આવે છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને “બેસતું વર્ષ” કહેવાય છે. આ દિવસથી વિક્રમ સંવત અને જૈન વીર સંવતનું વર્ષ ચાલુ થાય છે. નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે વડીલોની આશિષ મેળવવામાં આવે છે.


ભાઈબીજ :

ભાઈબીજ એટલે ભાઈ અને બહેનના પ્રેમનો બીજો એક તહેવાર. ભાઈબીજ કારતક સુદ બીજ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જઈને ભોજન પ્રસાદ લઈ આશીર્વાદ મેળવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબું આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનોને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેન ભાઈને પોતના ઘેર ભોજન આમંત્રણ પાઠવીને ઉજવાય છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.


લાભપાંચમ :

લાભપાંચમ વિક્રમ સંવતના કારતક સુદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે. લાભપાંચમ એ દિવાળીની રજાઓ બાદ નવા વર્ષના કામકાજનો પ્રથમ દિવસ. આજનો દિવસ કોઈપણ કાર્ય શરૂ કરવા માટે શુભ ગણાય છે. આજના દિવસને સૌભાગ્ય પંચમી અથવા શ્રી પંચમી કહેવાય છે, ઉપરાંત આ દિવસને જ્ઞાનપંચમી પણ કહેવામાં આવે છે. આજનો દિવસ સરસ્વતી અને લક્ષ્મી બંને દેવીઓનો છે.

ગુજરાતીલેક્સિકોન તરફથી આપ સૌને દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. આપનું નવું વર્ષ મંગળદાયી, સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યદાયી અને આનંદમાં પસાર થાય તેવી અમારા અંતર આત્માથી પ્રભુને પ્રાર્થના………

Happy Diwali and Happy New Year

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

5

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects