Gujaratilexicon

રમણ રીઢાની ડાયરી – પ્રકરણ 4

January 17 2020
GujaratilexiconGL Team

પ્રકરણ 4 : ભજિયાં

લેખક : યશવંત ઠક્કર (Funny stories by Gujarati author Yashwant Thakkar)

મારા મસિયાઈ ભાઈ મનુભાઈને ચક્કર આવતા હોવાથી એમને બે દિવસ પહેલાં ડૉક્ટર વિજય સંઘાણીના દવાખાનામાં દાખલ કર્યા હતા. આજે સાંજે હું એમની ખબર જોવા ગયો હતો. હું એમની રૂમમાં ગયો ત્યારે તેઓ પથારીમાં બેઠાં બેઠાં ભજિયાં ખાતા હતા.

મને નવાઈ લાગી. મેં પૂછ્યું કે : ‘ડૉક્ટરે ભજિયાં ખાવાની છુટ્ટી આપી છે?’ તો રેશમાભાભીએ બોલ્યા કે : ‘ડૉક્ટરે તો તેલવાળું ખાવાની બિલકુલ ના પાડી છે, પણ માને કોણ ?’ તો મનુભાઈ બોલ્યા કે : ‘બે દિવસથી દવાઓ ખાઉં છું. મોઢાને જરા સારું લાગે એટલે મંગાવ્યાં છે. લો તમે પણ ટેસ્ટ કરો. દાસકાકાના છે.’  મેં ના પાડી તો રેશમાભાભી પણ આગ્રહ કરવા લાગ્યા. હું એક ભજિયું હાથમાં લઉં એ પહેલાં તો મનુભાઈનો મોટા દીકરા મહેશે આવીને ખબર આપી કે : ‘ડૉક્ટર સાહેબ વિઝિટમાં નીકળ્યા છે.’

રેશમાભાભીએ ફટાફટ ભજિયાંનું પડીકું કબાટમાં મૂકી દીધું. મનુભાઈએ મોઢું લૂછી નાખ્યું અને પાણી પીને પથરીમાં લાંબા થઈ ગયા.

થોડી વાર પછી ડૉક્ટર વિજય આવ્યા. એમની સાથે એક જુનિયર ડૉક્ટર અને ત્રણ નર્સો પણ હતી. એમણે કેસની ફાઇલ જોઈ અને પૂછ્યું કે : ‘કેમ છે હવે?’

‘સારું છે.’ મનુભાઈએ કહ્યું.

‘દવા લાગુ પડી ગઈ છે એટલે ઘણો ફેર છે. તમે રજા આપો તો ઘરભેગાં થઈએ.’ રેશમાભાભી બોલ્યાં.

‘આજનો દિવસ રાખવા પડશે. કાલે જોઈએ.’ ડૉક્ટર સાહેબે કહ્યું અને પછી લાંબો શ્વાસ લઈને બોલ્યા : ‘કોઈ ભજિયાં લાવ્યું છે?’

‘ના રે ના.’ રેશમાભાભીએ કહ્યું.

‘એક વાત જાણી લો કે મારા પપ્પાને ભજિયાંની દુકાન હતી. મેં પણ નાનપણમાં ભજિયાંનાં પડીકાં વાળ્યાં છે. એટલે ભજિયાંની ગંધ હું પારખી શકું છું. આ તો હું ભણ્યો એટલે ડૉકટર થયો, બાકી હું પણ અત્યારે ભજિયાં જ વેચતો હોત.’ ડૉક્ટરે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું અને પછી કોઈ ડિટેક્ટિવ એના મદદનીશને કહેતો હોય એમ એમણે એક નર્સને કહ્યું : ‘આ કબાટમાં તપાસ કરો.’

મનુભાઈ અને રેશમાભાભી ગુનાની કબૂલાત કરે તે પહેલાં તો એમનો ગુનો પકડાઈ ગયો. નર્સે ડૉક્ટરને ભજિયાંનું પડીકું બતાવ્યું અને ટેબલ પર મૂકી દીધું.  

‘આ શું છે?’ ડૉક્ટરે મનુભાઈને પૂછ્યું.

‘ભજિયાં છે.’ મનુભાઈએ કહ્યું.

‘તમે હોસ્પિટલમાં આવ્યા છો કે કોઈ હોટેલમાં?  મનુભાઈએ જવાબ આપ્યો.

‘હોસ્પિટલમાં આવ્યો છું. સાહેબ.’ મનુભાઈએ જવાબ આપ્યો.

‘હોસ્પિટલમાં દાખલ થઈને આવું કરવાનું?’ ડૉક્ટરે પૂછ્યું.

‘સાહેબ, દવાઓ ખાઈ ખાઈને એમનું મોઢું બગડી ગયું છે એટલે જરા..’ રેશામાભાભીએ મનુભાઈનો બચાવ કર્યો.

‘એટલે  ભજિયાં ખાવાનાં એમ? મારી હોસ્પિટલમાં આવું નહિ ચાલે. હું જો એવું ચાલવું તો તો મારે હોસ્પિટલમાં દવાનો સ્ટોર રાખવાના બદલે ફરસાણની દુકાન રાખવી પડે અને આ નર્સોના બદલે વેઇટરો રાખવા પડે. આ હોસ્પિટલ છે, હોટેલ નથી. સમજ્યાં?’ ડૉક્ટરે કહ્યું.

‘ભૂલ થઈ ગઈ સાહેબ’ મનુભાઈએ કહ્યું.

‘હવે ફરીથી આવું ન બોલવું જોઈએ. તમારે ભજિયાં ખાવા હોય તો તમારી ઘરે જઈને જેટલાં ખાવાં હોય એટલાં ખાજો અને તબિયત બગડે તો પાછા અહીં પધારજો. આ હોસ્પિટલના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે.’ ડૉક્ટરે જતાં જતાં કહ્યું.

ડૉક્ટરના ગયા પછી રેશામાભાભી હસી પડ્યાં અને બોલ્યાં : ‘હું ના પાડતી હતી કે આવું સાહસ રહેવા દ્યો. તોય માન્યા નહીં.’

‘ખતરોં સે ખેલના હમારી પુરાની આદત હૈ’ મનુભાઈ શોલેના ઠાકુરની અદાથી બોલ્યા.

મારાથી બોલ્યા વગર ન રહેવાયું. મેં કહ્યું : ‘મનુભાઈ, આ તમારી તબિયતનો સવાલ છે. આવી ભૂલ ન કરાય.’

‘રમણ રીઢા, તારી વાત સાચી છે. ચાલ છેલ્લી વખત આ ભૂલ કરી નાખું.’ એમ કહીને એમણે ભજિયાંનું પડીકું હાથમાં લીધું.

હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી મેં દાસકાકાની દુકાનનો રસ્તો પકડ્યો.

હું ગીતકાર નથી તો પણ મને અત્યારે એક ગીત સૂઝે છે…

ભજિયા બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ

કાહેકો યે ભજિયા બનાયા…

પ્રકરણ 3 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 2 વાંચવા અહીં ક્લિક કરો
પ્રકરણ 1 વાંચવા અહીં ક્લિક કરો

જાણો આ બ્લોગમાં રહેલા કેટલાક જરૂરી ગુજરાતી શબ્દોનું અંગ્રેજી (Gujarati to English word meaning)

મસિયાઈ : of or from the side of maternal aunt (mother’s sister).

ફટાફટ : briskly; in rapid succession

કબૂલાત : agreement; confession

આવા અન્ય ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ જાણવા અહીં ક્લિક કરો.

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2023

બુધવાર

31

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects