Gujaratilexicon

મનની મોસમ

July 18 2014
Gujaratilexicon

અત્યારે ઓફિસમાં બેઠો છું. ઓફિસની બારીમાંથી વરસતા વરસાદને જોઈ રહ્યો છું. કાચની પેલે પાર થોડે દૂર બધાં બિલ્ડિંગો પલળતાં દેખાય છે. રસ્તા પર અમુક લોકો વરસાદમાં પલળવાનો આનંદ લઈ રહ્યાં છે, તો અમુક વરસાદથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી ગાડીઓ વાઇપરથી કાચને સાફ કરવા મથી રહી છે. ગાડીની સામે વાઇપર ન હોત તો બધું જ ધૂંધળું થઈ જાત, ગાડી ચલાવવામાં તકલીફ પડે. એક્સિડન્ટ પણ થાય. અત્યારે એવું થાય છે કે જીવનમાં જ્યારે વિપત્તિનો વરસાદ પડે છે ત્યારે આપણાં મનનાં વાઇપર કેમ કામ નથી કરતાં? કેમ બધું જ ધૂંધળું થઈ જાય છે? ગાડી કેમ અચાનક ખોટકાઈ જાય છે? કેમ આપણી અંદર ક્યાંક અકસ્માત સર્જાય છે?

વરસાદ આવતાં ખાડા ખાબોચિયાં છલકાઈ જાય છે – બધી જગ્યાએ પાણી પોતાનો પરચો બતાવવા લાગે છે. રસ્તા પર વાહન ચલાવવામાં તકલીફ પડે છે. ક્યારેક બાઇકનાં કે ગાડીનાં સાઇલેન્સરમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે હાલત જોવા જેવી થાય છે. વરસાદમાં બાઇક ઢસડીને જતાં અનેક માણસોને તમે જોયા હશે. ક્યારેક આપણા મનના સાઇલેન્સરમાં પણ પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે પણ આવું જ થતું હોય છે. બાઈક કે ગાડીના સાઇલેન્સરમાંથી પાણી કાઢી શકાતું હોય છે. મનના સાઇલેન્સરમાં ભરાયેલું પાણી કાઢવું ઘણું અઘરું હોય છે. વળી બાઇકની જેમ મનને ઢસડીને પણ લઈ જઈ શકાતું નથી. આપણે ત્યાં મનના સાઇલેન્સરમાંથી પાણી કાઢી આપતી વ્યક્તિને મનોવૈજ્ઞાાનિક કહેવાય છે.

ક્યારેક મનના આકાશમાં ઘેરાતાં વાદળો આપણી સામે કાવતરું કરી રહ્યાં હોય છે. આપણા માટીનાં ઢેફાં જેવા સુખ પર તે મુશળધાર આંધી થઈને તૂટી પડવાનું ષડ્યંત્ર કરી રહ્યાં હોય છે. હિન્દીમાં ક્યાંક એક શેર વાંચેલો. કોનો છે તે યાદ નથી, પણ ખરેખર સુંદર છે.

બાદલો કે દરમિયાં કુછ ઐસી સાજિશ હુઈ, મેરા ઘર મિટ્ટી કા થા, મેરે હી ઘર બારિશ હુઈ.

પાણીદાર રસ્તા પર પાણી પડે ત્યારે ભલભલાં બાઇક સ્લીપ ખાઈ જાય છે. આપણું મન પણ ક્યારેક આ જ રીતે સ્લીપ નથી ખાઈ જતું? એ મીંઢો માર હોય છે. બાઇક સ્લીપ થાય અને પડીએ, છોલાઈએ. એ બધા જોઈ શકે છે. મન સ્લીપ ખાય છે, ત્યારે જે વાગે છે એ માત્ર અનુભૂતિનો વિષય બની રહે છે. વરસાદમાં મોબાઇલ પલળે એટલે તે હેંગ થઈ જાય છે. તેની ડિસ્પ્લે ઊડી જાય છે કે કોઈ ને કોઈ તકલીફ ઊભી થાય છે. હવે આપણે મોબાઇલ વગર અપંગ હોઈએ તેવું અનુભવવા લાગ્યા છીએ. આપણી પર પણ જ્યારે વિપત્તિનો વરસાદ પડે ત્યારે પણ હેંગ થઈ ગયા હોઈએ તેવું લાગે છે. આપણા વિચારોની ડિસ્પ્લે ઊડી ગઈ હોય તેવું અનુભવીએ છીએ. આપણે ખોટકાઈ જઈએ છીએ. અહમદ ફરાઝનો એક શેર મનને સ્પર્શી જાય તેવો છે. તે કહે છેઃ

શાયદ કોઈ ખ્વાઈશ રોતી રહતી હૈ

મેરે અંદર બારિશ હોતી રહતી હૈ.

મનમાં ટાઢ, તડકો, વરસાદની સુખ-દુઃખની ઋતુ આવ્યા કરે છે. ક્યારેક આપણને વરસાદની ઝંખના હોય છે, પણ ત્યારે વરસાદ પડતો નથી. ક્યારેક આપણે તેનાથી બચવા માગતા હોઈએ છીએ, પણ ત્યારે તે આપણને છોડતો નથી. જિંદગીમાં ઘણી વાર આવું થતું હોય છે. ઇચ્છીએ ત્યારે મથી મથીને થાકી જઈએ, તૂટીને ત્રણ થઈ જઈએ તોય એવું થાય નહીં અને જ્યારે આપણે ઇચ્છીએ કે આવું ન જ થવું જોઈએ, ત્યારે તેવું જ થાય.

વરસાદ દર વખતે આનંદ જ લાવે એવું નથી હોતું અને દર વખતે દુઃખ આપે તેવું પણ નથી હોતું. વ્યક્તિએ વ્યક્તિએ વરસાદનો આનંદ અને શોક જુદો જુદો હોઈ શકે. વરસાદ ખેડૂતના ચહેરા પર આનંદનો લેપ કરી આપી શકે. પણ ફૂટપાથને ઘર માનીને રહેનારા ઘરબાર વિનાના માણસોને વરસાદ આનંદ ન જ આપી શકે તે સ્વાભાવિક છે. વરસાદ આનંદ આપી શકે તેમ અવસાદ પણ આપી જ શકે. પણ દરેક અવસાદમાંથી સૌએ પોતાનો આનંદ શોધી લેવાનો હોય છે. વરસાદથી બચવા આપણે રેઇનકોટ શોધ્યો છે. અવસાદથી બચવા માટે પણ આવો કોઈ કોટ હોત તો કેટલું સારું!

આભારઃ અનિલ ચાવડા

http://www.anilchavda.com/

જાણો આ શબ્દનો અર્થ (Meaning in Gujarati)

બારી – મકાનમાં હવાઉજાશ આવવા માટે નાનાં કમાડવાળું અને સળિયા કે જાળી ભરેલું નાનું બાર. (૨) નગર કે ગામમાં પ્રવેશવાનું તે તે ઉપદ્વાર. (૩) (લા.) તક, અવસર. (૪) લાગ, બહાનું

ખાબોચિયું – પાણીથી કે ગંદા પાણીથી ભરેલો નાનો છીછરો ખાડો

મુશળધાર – મુસળધાર; જાડી ધારમાં જોરથી પડતો (વરસાદ)

ઝંખના – ઝંખવું એ, વારંવાર સ્મરણ કરવું એ, આતુરતાવાળું રટણ

લેપ – લીંપવું કે ચોપડવું એ. (૨) ચોપડવાનો પદાર્થ, ખરડ, મલમ. (૩) (લા.) વળગાડ, આસક્તિ

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

મે , 2024

શુક્રવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects