સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર પાટણ. ગુજરાતને ‘ગુજરાત’ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું. પાટણ તેની સ્થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્વતી અને સંસ્કારલક્ષ્મીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું. આવા જ પાટણ નગરમાં આવેલ છે ‘રાણીની વાવ’
પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજાની પાણીની વ્યવસ્થા માટે 68મી. લાંબી અને સાત માળની 27મી. ઊંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં પૂરના પાણી ધસી જતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણીની વાવ ભારતની સૌથી સુંદર વાવ પૈકીની એક છે.
રાણીની વાવ પૂર્વ-પશ્વિમ ૬પ મીટર લાંબી, ઉત્તર દક્ષિણ ૨૦ મીટર પહોળી અને ૧૩ મીટરની ઊંડાઈ ધરાવે છે. વાવમાં કુલ પ૦૦ મૂર્તિઓ છે. જમીનની સપાટીથી શરૂ થતા પગથિયાં શીતળ હવામાં થઈને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાન વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ પણ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જોવા મળે છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.
તાજેતરમાં જ ‘રાણીની વાવ’ને યુનાઈટેડ નેશન્સની યુનેસ્કો સંસ્થાએ દોહા ખાતે મળેલી બેઠકમાં વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરી છે. યુનેસ્કોએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને આ વાવ વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સમાવવા રિપોર્ટ કર્યો હતો. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની સત્તા હેઠળ ‘રાણી કી વાવ’નું એક સ્મારક તરીકે રક્ષણ કરવામાં આવ્યું છે.
‘રાણીની વાવ’ને વિશ્વ વારસાના મળેલા દરજ્જા બદલ ગુજરાતીલેક્સિકોન આપને સૌને અભિનંદન પાઠવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.