Gujaratilexicon

જૈન શ્રેષ્ઠી શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈનું દુઃખદ અવસાન

June 20 2014
GujaratilexiconGL Team

ગાંધીમૂલ્યોથી પ્રેરિત જૈનશ્રેષ્ઠી એવા ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ લાલભાઈનું તા. ૧૯ જૂન, ગુરુવારે સવારે ૮૭ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં શહેરના પૂર્વ મિલમાલિકો, ઉદ્યોગપતિઓ, જૈન સમાજના અગ્રણીઓ, કેળવણીકારો અને રાજકીય પક્ષના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્વ.ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સ્વર્ગસ્થની અનેકવિધ સેવાઓને બિરદાવી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સ્વ. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને દેશના ગાંધીવાદી નેતાઓ સાથે ઘરોબો ધરાવનાર ગાંધીવાદી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ પરિવારના સ્તંભ એવા શ્રેણિકભાઈ છેલ્લાં એક વર્ષથી માંદગીના બિછાને હતા. ૧૯ જૂન સવારે સાત વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે પરિવારના સૌ સભ્યો હાજર હતા. કસ્તુરભાઈ લાલભાઈના અવસાન બાદ સ્વ. કસ્તુરભાઈ પરિવારની મિલોના વહીવટમાં તેમણે શ્રેષ્ઠ યોગદાન આપીને મહાજન પરંપરાને ઉજ્જવળ બનાવી હતી. એટલું જ નહીં પિતા કસ્તુરભાઈના અવસાન બાદ ગુજરાતની સૌથી મોટી અને શ્રેષ્ઠ પેઢી એવી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી તરીકે લાંબી સેવાઓ આપી હતી અને પેઢીની પ્રવૃત્તિઓ તથા મિલકતોને વિકસાવી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમના ટ્રસ્ટી તરીકે આશ્રમનો વિકાસ પણ કર્યો હતો.

સ્વ. શ્રેણિકભાઈએ અમદાવાદની અનેક ચેરિટેબલ સંસ્થાઓ, જીવદયા મંડળીઓ, જૈન સમાજની સંસ્થાઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી અને વડા તરીકે સરાહનીય સેવાઓ બજાવી હતી.

સ્વ.ને શોકાંજલિ અર્પતા રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલે જણાવ્યું હતું કે, શ્રેણિકભાઈ એક ઉદ્યોગપતિ ઉપરાંત સમાજના હિતેષી હતા. ઔદ્યોગિક, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે તેમનું યોગદાન ઉલ્લેખનીય છે, જ્યારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે શ્રેણિકભાઈના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી, શ્રેણિકભાઈની મહાજન પરંપરાઓને જીવદયાની સેવાની પ્રશંસા કરી હતી. મેયર મીનાક્ષીબેન પટેલે સ્વર્ગસ્થે શહેરના વિકાસમાં આપેલા યોગદાનને બિરદાવીને શોકાંજલિ અર્પી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે શ્રેણિકભાઈના દુઃખદ નિધનથી એક સાહસિક ઉદ્યોગપતિ અને ઉમદા વ્યક્તિએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ગુજરાત ભાજપ પ્રમુખ આર.સી. ફળદુએ જણાવ્યું છે કે, શ્રેણિકભાઈ જૈન સમાજમાં એક આગવું સ્થાન ધરાવતા હતા. શિક્ષણ સમાજ ક્ષેત્રે તેમણે આપેલ યોગદાન ભૂલી શકાય તેમ નથી.

લાલભાઈ ગ્રૂપને નવજીવન બક્ષવામાં સિંહફાળો

ભારતની આઝાદી પૂર્વેના જાણીતા ઉદ્યોગપતિ કસ્તુરભાઇ લાલભાઇના પુત્ર શ્રેણિકભાઇ જાણીતા ઉદ્યોગપતિ, જૈન શ્રેષ્ઠી અને અર્થશાસ્ત્રી પણ હતા. તેઓ અનેક કંપનીઓ અને પેઢીઓ સાથે સંકળાયેલા રહ્યા હતા. હાર્વર્ડ યુનિર્વિસટીમાંથી એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ સ્વદેશ પરત આવ્યા હતા. તેઓ લાલભાઇ જૂથની કાપડ મિલોના સંચાલનના વડા બન્યા અને વ્યવસાયમાં નીતિમત્તાનાં નવાં શિખરો સર કરવા સાથે કામદાર સંબંધોને સુદ્દઢ બનાવવામાં પણ તેઓ સફળ રહ્યા હતા. તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ એટલા જ સફળ અને જાણીતા બન્યા હતા. તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન રહ્યા હતા. ઉપરાંત સેપ્ટ, ઇસરો, ઇન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, આઇઆઇએમ-એ અને અટિરા જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ નિરમા લિમિટેડ, અનુકૂલ ઇન્વેસ્ટમેન્ટ, એબલ ઇન્વેસ્ટમેન્ટ સહિત દસથી વધારે કંપનીઓમાં ડિરેક્ટરપદે રહ્યા હતા. તેઓએ જૈન તત્ત્વચિંતન મુજબ સાદગીપૂર્ણ અને ન્યૂનત્તમ જરૂરિયાત મુજબ જીવન વ્યતિત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલક તરીકે લગભગ ૧,૨૦૦થી વધારે જૈન દેરાસરોના પુનરોત્થાન અને પુનર્નિર્માણનું શ્રેય શ્રેણિકભાઇના શિરે જાય છે.

ગુજરાતીલેક્સિકોન સાથે સ્નેહસંબંધ

ગુજરાતીલેક્સિકોન પરિવારના અગ્રણી હૃદયસ્થ શ્રીરતિલાલ ચંદરિયા સાથે તેમને ખૂબજ સ્નેહભર્યો નાતો હતો. શ્રીચંદરિયા ગુજરાતીલેક્સિકોન અને જૈન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા હતા. તે મુજબ ગુજરાતી અને જૈનનો સ્નેહસભર સંબંધ સ્થાપાયો હતો. પ્રસંગોપાત તેઓ અરસપરસ મળતા હતા. ગુજરાતીલેક્સિકોન પરિવારના આગેવાન શ્રી અશોક કરણિયા તથા સૌ સાથીમિત્રો તરફથી તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. 

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects