Gujaratilexicon

તમે તમારી અટક એટલે કે Surname meaning and origin વિશે કેટલું જાણો છો ?

February 06 2020
Gujaratilexicon

શબ્દકોશ પ્રમાણે અટક (Surname) એટલે : કુળની ઓળખ માટેની સંજ્ઞા, અડક, અવટંક, ઓળખ, ‘સરનેઇમ’. અટક ઉપરથી વ્યક્તિની નાત-જાત, પહેરવેશ, રીતરિવાજો, ધર્મ, પ્રદેશ જેવી માહિતી મળે છે. ભારત વિવિધતાઓનો દેશ છે. શહેર હોય કે ગ્રામ્યવિસ્તાર તમને અલગ અલગ ગોત્ર, નામ અને અટકોનો સમૂહ જોવા મળશે. ચાલો આજે, ગુજરાતની વિવિધ જાતિઓ અને કોમોના લોકોની અટકો અને તેના ઈતિહાસ પર (surname meaning and origin) એક નજર કરીએ.

ભગવદ્ગોમંડલ મુજબ અર્થ :

ભગવદ્ગોમંડલમાં અટક શબ્દના અલગ અલગ 11 જેટલા અર્થ આપવામાં આવ્યા છે, જેમાના કેટલાંક નીચે મુજબ છે :

1) અગડ, બાધા

2) અટકણ, ઠેસ, ગતિને અટકાવનારી વસ્તુ

3) અડચણ, નડતર, હરકત

4) ઓડક; શાખ; અવટંક; નામ જોડે મૂકવામાં આવતું ગોત્ર, ધંધો કે વતન બતાવતું ઉપનામ.

5) જરૂરિયાત

6) નજરકેદ, અટકાયત, કાચીકેદ

7) વહેમ, ખતરો, શંકા

8) સિંધુ નદીના કાંઠે આવેલું એક ગામ

અટકનો હેતુ

અ‍ટકનો મુખ્ય હેતુ વ્યક્તિની જ્ઞાતિ, ગોત્ર, ધંધો, વતન વગેરે બતાવવામાં થાય છે. આપણા દેશમાં નામ અને શાખ બંને સાથે લખવામાં આવે છે. અટક, શાખ એ ઉપનામ છે. વ્યક્તિની પૂરી ઓળખ પ્રાપ્ત કરી શકાય એ માટે નામ સાથે અટક જોડવાનો રિવાજ પરંપરાથી ચાલતો આવ્યો છે.

હાલમાં વ્હોટસ એપ ઉપર એક સરસ સંદેશો અટક વિશેનો (surname meaning and origin) પ્રસરી રહ્યો છે. જે તૈયાર કરનારે ખૂબ જ મહેનત કરી છે અને ખરેખર જાણવા જેવી આ વાત છે. જે આપ સૌ માટે અક્ષરશ: અહીં પ્રસ્તુત કરેલ છે. તે મુજબ :

ગુજરાતી અટકોના ઈતિહાસની વાત તો ‘વિનોદિની નીલકંઠની સાહિત્ય સૃષ્ટિ ભા.૨’માં સૌ પ્રથમવાર સાંપડે છે. એમના પછી આ દિશામાં કોઈ નોંધપાત્ર કામ થયાનું જાણમાં નથી. “કણકણમાં કણબી દર્શન” સામયિકમાં શ્રી ચંદ્રકાન્ત પટેલ નોંધે છે કે ‘મનુ ભગવાનના મત મુજબ અટક એ નામની પાછળ લગાડવામાં આવતું ઉપનામ છે. જ્ઞાતિ અને ઉપજ્ઞાતિ એ અટકનું પેટારૂપ છે. આમ જોઈએ તો અટક-શાખ ઉપનામ એ ઈતિહાસનું મહત્ત્વનું અંગ છે, તથા ઓળખ એ એનું દ્વિતીય પાસું છે. અટક એ માત્ર પાટીદાર જ્ઞાતિનો જ નહીં, પણ વિશાળ જનસમુદાયને મળેલો સમૃદ્ધિનો ખજાનો છે.’

ધંધા, પ્રદેશ, સ્થળ કે ગામના નામ પરથી અટક

‘કહેવત કોશ’માં શ્રી રતિભાઈ નાયકે ધંધા ઉપરથી, પ્રદેશ ઉપરથી, સ્થળ કે ગામના નામ ઉપરથી, પૂર્વજોના નામ પરથી, ધાર્મિક ક્રિયાને કાર્યો પરથી અને ટોટેમિઝમ પરથી આવેલી રસપ્રદ અટકો આ પ્રમાણે નોંધી છે. ઈબ્રાહિમ ત્રવાડીએ દાઉદી વહોરા કોમની વેપાર, વણજ કે વ્યવસાયને લગતી આવી કેટલીક અટકો નોંધી છે. દા.ત. વાણિયા, લુહાણા, નાગર, કણબી, પારસી વગેરે કોમોમાં કોઠારી અટક જોવા મળે છે. કોઠારી એટલે કોઠાર સાચવનાર માણસ, કોઠારનો ઉપરી અર્થાત્ ભંડારી. ઘરગથ્થુ સરસામાન અને અનાજ પાણીની વ્યવસ્થા કરનાર કામદાર, વખારિયો કોઈપણ કોમના માણસે કોઠારી તરીકે નોકરી કરી હોય તો તે તેમજ તેના કુટુંબીજનો પાછળથી આ અટકથી ઓળખાય છે. સ્વામિનારાયણ મંદિરનો કોઠાર સાચવનાર કે વ્યવહાર કરનાર સાધુ ‘કોઠારી-ભગત’ તરીકે ઓળખાય છે.

કાપડ વેચવાનો ધંધો કરનાર કાપડિયા, આલરેજા કે દોશી, સોનું પારખનાર પારેખ, હીરા પારખનાર પરીખ, સોનાની વારીઓ વેચનાર વારિયા, જડતરનું કામ કરનાર જડિયા, દલાલ તરીકે કામ કરનાર આડતિયા, દેવમંદિરો માટેની મૂર્તિઓની આંગી બનાવનાર આંગીવાળા, અનાજ વેચવાનો વ્યવસાય કરતા કણિયા, રૂનો વેપાર કરનાર કપાસી, કમોદના ચોખા વેચનાર કમોદિયા, શાકભાજી વેચનાર કાછિયા, દેશી રજવાડાઓમાં કારભારી તરીકે કામ કરનાર, દિવાનપદું ભોગવનાર કારભારી, કિનખાબ નામનું કસબી વણાટવાળું કિંમતી કપડું બનાવનાર કે વેચનાર કિનખાબવાળા, સાડી, સાડલાની કિનારો અથવા કોરો વેચનાર કિનારીવાળા, શહેરનું રક્ષણ કરનાર કોટવાળ તરીકે, દાંતના રમકડાં કે સંઘેડા ઉપર લાકડાની વસ્તુઓ બનાવનાર ખરાદી, લાકડાનો જથ્થાબંધ વેપાર કરનાર કાટપિટિયા, વાસણ ઘડનાર, વેચનાર કંસારા, મિઠાઈ બનાવનાર ને વેચનાર કંદોઈ, ઈંટ ચૂના વડે ઘર ચણનાર કડિયા, અફિણના વેપારી અફિણવાળા,વસ્તુ ખરીદ કરતી વખતે ચતુરાઈથી તેની કિંમત કરનાર ખરીદિયા, ગજીયાણી નામનું રેશમી કાપડ વેચનાર ગજીવાળા, ગળી વડે કપડાં કે સૂતરને રંગનાર ગલિયારા, ગામના મુખી કે બાગબગીચાનું કામ કરનારને ગામી, બંદર ઉપર વખારના માલિક અથવા ગોદીમાં કામ કરનાર ગોદીવાળા, ઘીનો ધંધો કરનાર ઘિયા, હાથીદાંતની ચુડીઓ ઉતારનાર ચુડગર, ચૂનો વેચનાર ચૂનાવાળા, ઘાણી ચલાવનાર ઘાંચી, ગોળ વેચનાર ગોળવાળા, ખોખાં બનાવનાર ખોખાણી, અનાજ તોળનાર તોલાટ, પૈસાની લેવડદેવડ કરનાર નાણાવટી, ભવાઈના પેડા (ટોળા)નો ઉપરી નાયક, રેશમ ગુંથવાનો ધંધો કરનાર પટવા, ગામડાના અમલદાર પટવારી, પટોળાં વણનાર સાળવી કે પટોળાવાળા, લુહારનું કામ કરનાર પંચાલ, પાટીનો હક્ક ધરાવનાર પાટીદાર, મંદિરમાં પૂજા કરનાર પૂજારા, (લુહાણમાં પણ આ અટક છે.) બનાત નામનું જાડું કપડું વેચનાર બનાતવાલા, બંગડીઓ વેચનાર બંગડીવાળા, ભંડાર સાચવનાર ભંડારી, મગિયું કપડું વેચનાર મગિયા કે મગિયાવાળા, મશરૃના વેપારી, કોઈ પણ પ્રકારની વખાર રાખનાર વખારિયા, મોતી ગુંથનારા પચ્ચીગર, સોનાના દાગીના ઘડનાર સોની, ચોકસી, મહાજન, સુવર્ણકાર. સુખડ વેચનાર સુખડવાળા, મિઠાઈ બનાવનાર સુખડિયા, અત્તર વગેરે સુગંધી પદાર્થો વેચનાર સુખડિયા, સ્ત્રીઓને પહેરવાનાં સેલાં (સાડલા) બનાવનાર સેલુગર, થયેલા બનાવ કે કામની નોંધ રાખનાર વહિયા, જૂના અથવા નવા કસબના તાર વેચનાર તારકસવાળા અટકથી ઓળખાય છે.

મહેતા’ અટક પાછળની વાત

મહેતા અટક હિંદુ અને પારસી એમ બંને કોમોમાં પ્રચલિત છે. મહેતા એ સંસ્કૃત શબ્દ મહત્તર ઉપરથી ઊતરી આવ્યો છે. સામાન્ય માનવી કરતાં કંઈક વિશેષ ચડિયાતું કામ કરતા, બુદ્ધિ અને જ્ઞાનમાં ચડિયાતા હતા. મોટેભાગે તેઓ રાજ્યમાં કારભારીનું કામ કરતા તેને મહેતા તરીકે ઓળખવામાં આવતા. વણિકમાં જેમ શાહ ઉપનામ છે તેવું અસલ નાગરમાં મહેતા ઉપનામ હતું. આજે એનો અર્થ ફરી ગયો છે. ગુજરાતી શાળાના શિક્ષકને અને પેઢીના ગુમાસ્તા કે મુનિમને મહેતાજી કહેવામાં આવે છે. જૂનાકાળે વાહન વ્યવહારના સાધનો નહોતા ત્યારે સંપન્ન શ્રેષ્ઠિઓ રથ, ગાડી, પાલખી, મ્યાના વગેરે સાધનો પ્રવાસ માટે રાખતા. એ કાળે જેને ઘેર પાલખી હતી તેઓ પાલખી જતી રહી છતાં આજે પાલખીવાલા અટકથી ઓળખાય છે.

‘શાહ’ અટક પાછળની વાત

ગુજરાતી હિંદુઓમાં શાહ અટક માત્ર વણિક કોમમાં જ જોવા મળે છે. શાહ એટલે વાણિયો એવી માન્યતા રૂઢ થઈ ગઈ છે. વહાણે ચડીને વિદેશો સાથે વેપાર કરનાર ‘વહાણિયા’ પરથી વાણિયા અટક આવી હોવાનું કહેવાય છે. આપણે ત્યાં વાણિયાના નામની આગળ શાહ ઉપનામ ઘણું કરીને લગાડવામાં આવે છે. જો તેની બીજી કોઈ અટક હોય તો તેના નામને અંતે મૂકાય છે. વાણિયાના નામની મોખરે શાહ શબ્દ મુકાવો જ જોઈએ એવી પ્રથા છે એમ શ્રી રતિલાલ નાયક નોંધે છે. તેઓ કહે છે કે આ શાહ અટક શા ઉપરથી પડી તે સંબંધી અનેક તર્કવિતર્કો થયા છે. મુસલમાન લોકોમાં પણ શાહ અટક છે.

વણિકોમાં શાહ અટક ક્યારથી અને કેવી રીતે આવી એની વાત ‘મિરાતે-સિકંદરી’ના કર્તા આ પ્રમાણે નોંધે છે. ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અહમદશાહ પછીના સુલતાનોમાં મહમૂદશાહ ‘બેગડો’ થઈ ગયો. એણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીતી લીધા હોવાથી બેગડો કહેવાયો. એ કાળે ચાંપાનેરની ભારે જાહોજલાલી હતી. એવામાં કારમો દુષ્કાળ પડયો. લોકો મુઠ્ઠી ધાન માટે ટળવળવા લાગ્યા. ત્યારે બેગડાએ ચાંપાનેરમાં આવી મહાજન શ્રેષ્ઠિઓને બોલાવીને કહ્યું કે ‘તમે વણિકો ધનાઢ્ય છો એટલે ચાંપાનેરનું મહાજન ભેગું થઈને રાજની પ્રજાને દુકાળ તરાવી દ્યો. નહીંતર ‘શાહ’ અટક લખવાનું છોડી દ્યો. એક માસની મહેતલ આપું છું.’

મહાજનના મોવડી ચાંપશી મહેતાએ પડકાર ઝીલી લીધો, ચાંપાનેરના મહાજને દુષ્કાળના ખરડામાં ચાર મહિનાનું ખર્ચ લખાવ્યું. અડખે પડખેના વાણિયાઓએ બીજા ૨ માસ લખાવ્યા. પછી મહાજન બાકીના છ મહિનાના ખર્ચ માટે ટીપ-ફાળો કરવા નિકળ્યું. તેઓ ઘોડા લઈને ધોળકા થઈને ધંધુકા જવા નીકળ્યા. રસ્તામાં હડાળા ગામ આવ્યું. ત્યાંનો એક લઘરવઘર વણિક મહાજનને પોતાના ઘેર લઈ ગયો. આગતા સ્વાગતા કરી. સૌને રંગેચંગે જમાડયા પછી બે હાથ જોડીને બોલ્યો ઃ ‘શેઠિયાઓ, આજથી દુકાળ તરવાની ટીપ બંધ કરો. રાજની પ્રજાને દુકાળ તરવા જે જોઈશે ઈ તમામ ખર્ચ, દાણોદુણી, ઘાસચારો હું પુરા પાડીશ. ચિંતામુક્ત બની ચાંપાનેર પાછા જાવ. પધારો અને બેગડાને કહો દુકાળની કોઈ ચિંતા ન કરે.’ એ પછી ભાલ પંથકના હડાળા ગામના ખેમા દેદરાણીએ પોતાના ભર્યા ભંડાર ખુલ્લા મૂકી દીધા.

આ વાતની જાણ થયા પછી મહંમદ બેગડાએ ખેમા દેદરાણી અને એના તપસી બુઢ્ઢા બાપને ચાંપાનેર તેડાવ્યા. દરબાર ભરીને બેગડાએ ચાંપસી મહેતા, મહાજનના શ્રેષ્ઠિઓ, ખેમો દેદરાણી, અને એના બાપુનું દબદબાપૂર્ણ રીતે સન્માન કરીને મહંમદ બેગડાએ એટલું જ કહ્યું : ‘ગુજરાતમાં આજથી પ્રથમ ‘શાહ’ વાણિયા ને બીજો શાહ સુલતાન બેગડો. ત્યારથી પ્રજા અને મૂગાં ઢોરઢાંખરનો જીવ બચાવનાર જૈન વણિકોને ‘શાહ’ શબ્દનો શિરપાવ (સરપાવ) મળ્યો. આ પૂર્વે માત્ર રાજદરબારમાં ‘શાહ’ શબ્દ રાજ્યના અધિકારી કે સુલતાનને માટે જ વપરાતો. આ દિવસથી ‘શાહ’ શબ્દ સમગ્ર વણિકોની નાત માટે વપરાતો થઈ ગયો. લોકજીભે એની કહેવત રમતી થઈ :

પ્રથમ શાહ વાણિયા બીજા શાહ સુલતાન.

સૌરાષ્ટ્રના જૈન વણિકોમાં ‘ગોસલિયા’ અટક મળે છે. જૂના કાળે પોતાને ત્યાં ગૌશાળા રાખી ઘણીબધી ગાયોનો ઉછેર કરનારા વણિક કુટુંબો ગોસલિયા અટકથી ઓળખાયા.

‘ચોળિયું’ કપડું વેચનાર વેપારી કુટુંબોની અટક ‘ચોળિયા’ પડી છે. આ અટક કેમ આવી તે અંગે ચોળિયા કુટુંબ એવો તર્ક કરે છે કે અસલ પોળમાં ચોરા ઉપર બેસવાનો હક અમુક કુટુંબો અથવા અમુક વ્યક્તિઓનો હતો. તે જે હક્ક ભોગવતા તે ચોરિયા કહેવાતા. તેમાંથી રૂપાંતર થઈ આ અટક પડી છે. આ ચોળિયા ઉપનામ મદ્રાસના જે મુસલમાનો બ્રહ્મદેશમાં વેપાર કરવા જાય છે તેમને પણ અપાયું છે. રંગુન શહેરમાં આ ચોળિયાઓની સંખ્યાબંધ દુકાનો આવેલી છે.
રાજાશાહીના જમાનામાં રાજ્યની પોતાની ટંકશાળો રહેતી અથવા ટંક (સિક્કા) પાડવાનો ઈજારો અમુક લોકોને અપાતો. ટંકશાળામાં સિક્કા પડતા, પણ તેના માલિક કે સિક્કા પાડનાર ‘ટંકશાળી’ તરીકે ઓળખાતા. આજે ટંકશાળોની માલિકી ભારત સરકારની છે પણ ‘ટંકશાળી’ અટક અમુક જાતિની માલિકીની રહી છે.
જીનવાળા અટક પારસી કોમમાં વધુ જાણીતી છે. જે પારસીઓ જૂનાકાળે કપાસ લોઢવાના સંચાવાળા જીન ચલાવતા તેઓ જીનવાળા અટકથી જાણીતા થયેલા. હિંદુ મોચીઓમાં ભરતભરા અને જીનગરા એમ મોચીઓના બે ફાંટા છે. તેમની આ અટક તેમના વ્યવસાય પરથી આવી છે. કચ્છમાં જે મોચી આરી વડે ‘મોચીભરત’ ભરતા તે ભરતભરા અને જેઓ ઘોડા પર પલાણવાના ચામડાના જીન બનાવતા તે જીનગરા મોચી તરીકે જાણીતા બન્યા છે.

જરીનું ભરતકામ કરનાર ‘જરદોશ’ અટકથી જાણીતા છે. ધંધાને લગતી આ અટક દરજી અને મુસલમાન જાતિમાં મળી આવે છે. કપડા ઉપર બીબાં વડે છાપકામ કરનાર ‘છીપા’ તરીકે ઓળખાય છે. કેટલાકની અટક ‘છાપગર’ પણ છે. કપડાં રંગનારની અટક ‘રંગરેજ’ પણ છે. જેને ‘દાણ’ વેરો લેવાનું કામ સોંપાયું હોય તે કુટુંબમાં ‘દાણી’ અટક જાણીતી છે.

ગુજરાતના દાઉદી વહોરામાં મરચન્ટ, કોઠારી, કપાસી, કામદાર, દીવાન, વકીલ, ગાંધી, મોદી, ઝવેરી, ઘડિયાળી, હથિયારી, વણાક, સરિયા, તળા, વહાણવટી, નાખોદા, હકીમ, વૈદ્ય, બેંકર, દલાલ, લોખંડવાલા, લાકડાવાલા, લાતીવાલા, સિમેન્ટવાલા, પતરાવાલા, ટીનવાલા, રંગવાલા, બરફવાલા, કાચવાલા, તકતાવાલા, આરસીવાલા, ટીવાલા, મિઠાઈવાલા, જીરૃવાલા, દારુવાલા, વાસણવાલા, છલ્લાંવાલા, ઘીવાલા, નલવાલા, પંખાવાલા, સૂતરવાલા, ચૂનાવાલા, કાથાવાલા, સાબુવાલા, સાયકલવાલા જેવી ધંધાદારી અટકો શ્રી ઈબ્રાહીમ ત્રવાડીએ નોંધી છે.

પોતાના ધર્મની રક્ષા અર્થે પારસીઓ આજથી ૧૨૦૦ વર્ષ પૂર્વે આપણા દેશમાં આવ્યા. પારસી કોમ અન્ય કોમો કરતાં સંખ્યામાં નાની હોવા છતાં અટકોની વિવિધતા તેમાં ભારોભાર જોવા મળે છે. પારસી અટકો ધંધા કે વ્યવસાય પરથી પડી છે, તો મૂળ પુરુષ પરથી પડી છે. કેટલીક કટાક્ષ અથવા મશ્કરીમાં પણ પડી હોવાના ઉદાહરણો મળ્યા છે. વિનોદિનીબહેન નીલકંઠે પારસીઓની ઢગલાબંધ અટકો નોંધી છે તેમાંની કેટલીક આ મુજબ છે. કાંદાવાળા, કેરીવાળા, કાટવાળા, કાટપિટિયા, કારભારી, ખજૂરવાળા, ઘાસવાળા, ઘડિયાળી, નેતરવાળા, પીઠાવાળા, તાડીવાળા, તોપખાનાવાળા, તાલુકદાર, મસાલાવાળા, મારબલવાળા, ખજૂરવાળા, માસ્ટર, મિઠાઈવાળા, બનાતવાળા, બાસ્તાવાળા, પાઘડીવાળા, પાંઉવાળા, મિસ્ત્રી, મુનસફ, નાણાવટી, નિમકવાળા, મજમુદાર વગેરે.

આ બ્લોગમાં આવતા કેટલાંક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ (Gujarati to English Meaning)

શિરપાવ (સરપાવ) : present, gift (generally a turban or dress of honour) bestowed upon person to congratulate him or as mark of favour; full dress (from top to toe); reward; commendation.

મહાજન : illustrious man; assembly of leading men in a place; association or union of workers in same or allied industries.

કટાક્ષ : side-glance, side long look; sarcasm, sarcastic remark.

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects