શુભ પ્રસંગોનો આરંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તાના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા મહિનાના શુક્લ પક્ષના ચોથના દિવસને “ગણેશ ચતુર્થી”ની શરૂઆત થઈને અનંત ચૌદશ સુધી એટલે કે દસ દિવસ ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશજીની આ પવિત્ર ઘડીને ઘણી શ્રદ્ધા અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. ગણેજીની જેમ એમના તહેવારના પણ અનેક નામ છે. સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં ‘વિનાયક ચતુર્થી’ કે ‘વિનાયક ચવિથી’, કોંકણી ભાષામાં ‘વિનાયક ચવથ’, ‘નેપાળીમાં ‘વિનાયક ચથા’ અને ગુજરાતી ભાષામાં ‘ગણેશ ચોથ’ કહેવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં કોઈ શુભ કાર્યને નિર્વિઘ્નપૂર્વક કરવા માટે સૌ પ્રથમ ગણેજીની વંદના કરીને કાર્ય કરવામાં આવે છે. ગણેશજીનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાય છે. આમ, ગણેશજીના કુલ 108 જુદા જુદા નામ ગણવાયા છે પરંતુ તેમાંથી ૧૨ નામ મુખ્ય છે-
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
ગણેશોત્સવના પ્રથમ દિવસે શુભ ચોઘડિયામાં ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરીને દસ દિવસ સુધી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગણેશજીની પૂજા-અર્ચના કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. ઘણાં લોકો પોતાના નિવાસ સ્થાનમાં ભગવાન ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરી એના ઉપર સિંદુર ચઢાવી ગણેશ મંત્ર ऊँ गं गणपतयै नम: નું રટણ કરીને શ્રી ગણેશજીની પૂજન-આરતી કરે છે અને શ્રી ગણેશજીને એમનું પ્રિય ફૂલ લાલ જાસૂદ તથા પ્રિય પ્રસાદ મોદક-લાડુ ધરાવે છે. ચતુર્થીની તિથિ નિમિત્તે ભગવાન શ્રીગણેશ માટે જે વ્રત કરવામાં આવે છે, તેને ગણેશ ચતુર્થી વ્રત કહે છે. આ મંગલમૂર્તિ દેવ ગજાનનને યાદ કરી એમની ભક્તિપૂર્વક પૂજન-આરતી કરવામાં આવે છે.
શ્રી ગણેશ ભગવાનની આરતી :
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
સૂરશામ શરણ આયે સફલ કીજે સેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
આપણા દેશમાં ગણેશોત્સવ દસ દિવસ ધામધૂમથી ઉજવીને 10 દિવસ પૂર્ણ થતાં ગણેશજીની પૂજા કર્યા બાદ તેમનું વિસર્જન પણ ધામધૂમથી કરવામાં આવે છે, અને ખાસ મહારાષ્ટ્રમાં આ તહેવારનો ખૂબ જ મહિમા હોય છે. એવું કહેવાય છે કે જેની જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે ગણેશજીની મૂર્તિઓ પોતાના ઘરમાં સ્થાપિત કરીને ચૌદશ પહેલા દરિયામાં પધરાવતા હોય છે.
ઘણા લોકો પર્યાવરણ તથા જળચરોનું જતન થાય તે ધ્યાનમાં રાખીને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ પોતાના ઘરમાં સ્થાપિત કરીને પધરાવતા હોય છે. આ દિવસે ‘ગણપતિ બાપા મોરિયા’ના અવાજો ઠેર ઠેર સંભળાતા હોય છે. આમ, ગણેશોત્સવ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઊજવવામાં આવે છે.
ૐ શ્રી ગણેશાય નમ:
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.